લંડનઃ સાઉથ લંડનના ૩૯ વર્ષીય ગ્રેગરી ટોમકિન્સે ક્રિસમસ ડેએ ગળાફાંસો ખાઇ આત્મહત્યાનો વીડિયો ચેટરુમમાં પ્રસારિત કર્યો હતો, જ્યાં સભ્યો એકબીજાનું અપમાન કરતા રહે છે. યુએસની કંપની ‘પાલટોક’ દ્વારા ચલાવાતા ચેટરુમના એક સભ્યે જાણ કરતા પોલીસ ટોમકિન્સના વોલિંગ્ટન ખાતેના નિવાસે દોડી ગઈ હતી. ચેટરુમના એક સભ્યે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનામાં ૩૦ સેકન્ડ લાગી હતી.
મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યું છે કે તેઓ ટોમકિન્સના મોતને શંકાસ્પદ માનતા નથી. બ્રિટનમાં ‘ઈન્સલ્ટ્સ’ રુમમાં જીવંત પ્રસારિત થનારું આ બીજું મોત છે. દસ વર્ષ અગાઉ, ‘ઈન્સલ્ટ્સ’ રુમના સભ્યોની ઉશ્કેરણીથી શ્રોપશાયરના ૪૨ વર્ષના કેવિન વ્હિટ્રિકે આપઘાત કર્યો હતો. સમગ્ર વિશ્વમાં ફેસબુક લાઈવ અને પેરિસ્કોપ સહિત સ્ટ્રીમિંગ સાઈટ્સ પર અનેક લોકોએ પોતાના મોતનું જીવંત પ્રસારણ કર્યું છે.


