‘ગુજરાત સમાચાર’એ મારા લખવા-વાંચવાના શોખને પોષ્યો

રમેશ સોનેજી, ગેરાર્ડ્સ ક્રોસ Wednesday 26th April 2023 05:33 EDT
 
 

‘ગુજરાત સમાચાર’ સાથે મારો જૂનો નાતો છે. સુવર્ણજયંતીની ઉજવણી પ્રસંગે અમુક શિર્ષક વાંચી ફરી કલમ ઉપાડી છે. શિર્ષક છે, ‘મારા જીવનનો યાદગાર પ્રસંગ’. મારા જીવનમાં અનેક ચઢાવ–ઉતાર આવ્યા તેમાં મારી સ્કૂલિંગ લાઈફથી મને સાહિત્ય અને આર્ટ અને કંઈને કંઈ કલ્પનાનો શોખ હતો.
જ્યાં જ્યાં માર્ગ મળતો ગયો ત્યાં ત્યાં તેને અજમાવતો રહ્યો. છેલ્લે છેલ્લે તો કંપાલા (ઈસ્ટ આફ્રિકા)માં અહીં ઓલ ઈન્ડિયા રેડિયોમાં અરવિંદ દવે ‘દો કિનારા’ પ્રોગ્રામ રજૂ કરતા હતા. તેમાં વાતો જેવી સારી શૈલીમાં વર્ણન રજૂ થતાં. મને આમાં રસ પડ્યો અને મારું નસીબ અજમાવ્યું. ઘણો સમય ચાલ્યું. મારા વર્ણનને ઘણો પ્રતિસાદ મળ્યો. હું ખૂબ આનંદિત હતો પણ ગમે તેમ પ્રોગ્રામ એકાએક બંધ થઈ ગયો. એ સમયમાં પત્રલેખનનું ઘણું ચલણ હતું તેમાં લાંબા લાંબા પત્રો લખી મન મનાવી લીધું.
સમયને સરકતાં વાર કેટલી? અને એક દિવસ કંપાલામાંથી ઈદી અમિને હકાલપટ્ટી કરી અને આમ કરતાં એક દિવસ નિરાશ્રિત બનીને લંડન પહોંચ્યા. હું - મારા ધર્મપત્ની અને મારો પુત્ર 7 વર્ષનો. નવું વતન, નવા અનુભવો અને સંઘર્ષ – સંઘર્ષ.
હિંમત - નીતિનિયમ - ઘણાનો હૂંફાળો સાથ... સૌનો સરવાળો કરીએ એટલે નવું જીવન. મહેનતને હૈયે લગાડી પાછું ફરીને નથી જોયું. પરિણામે પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી જાણે સ્વર્ગ મળી ગયું. અહીં આવીને અહીંથી નીકળતાં ‘ગુજરાત સમાચાર’નો સંગાથ મળી ગયો. દિવસે દિવસે તેમાં નવું નવું વાંચતાં વાંચતાં હૈયે લાગી ગયું અને ફરી કંઈક લખવાની પ્રેરણા જાગી.
એક દિવસ મારા જીવનમાં બનેલો એક પ્રસંગ લખીને શ્રી સી.બી. પટેલને ‘ગુજરાત સમાચાર’માં મોકલાવ્યો અને શ્રી સી. બી. પટેલના અતુલ્ય આવકાર સાથે પેપરમાં રજૂ થયો. હું ગદગદિત થઈ ગયો. હું સદાયે શ્રી સી. બી. પટેલનો ઋણી રહીશ. આ પછી બીજા આર્ટીકલ્સ પણ મોકલાવ્યા અને લગભગ 2007થી ત્રણ સાડા ત્રણ વર્ષ સુધી મારા આર્ટીકલ્સ પ્રકાશિત થયા. જેમાં અહીં આવ્યા પછી મારી ગાર્ડનિંગની હોબી હતી તો તેને લગતા પણ ઘણા આર્ટીકલ્સ હતા, જેમાં ગાર્ડિનિંગના સુચનો અને નવી નવી સિઝનના મારા ગાર્ડનના ઘણા ફોટોગ્રાફ્સ પણ મોકલાવ્યા.
મારા હાથને એટલો વેગ મળ્યો કે આર્ટીકલ્સ મોકલતા મોકલતાં હું મારા જીવનની ઝાંખીને પણ લખતો ગયો, તે પણ એક વાર્તાના રૂપમાં, જેથી વાંચનારને કંટાળો ના આવવો જોઈએ. અને કેટલાય સ્મરણો મગજ ઉપર આવી ગયા. લખતો ગયો, લખતો ગયો અને લગભગ બે વર્ષ જેવું ચાલ્યું. આને લીધે ‘ગુજરાત સમાચાર’ના આર્ટીકલ્સ લખવામાં રૂકાવટ આવી ગઈ છતાં થોડું થોડું લખવાનું ચાલું જ હતું.
આ દરમિયાન એક બીજી સમસ્યા ઊભી થઈ અને તે મારી આંખોની. લખવા-વાંચવાનું ધોરણ ઘટાડવું પડ્યું અને નિયમિત આંખોની ટ્રિટમેન્ટ ચાલુ થઈ ગઈ, જે હજી હપ્તે હપ્તે ચાલુ છે. છેલ્લા એક વર્ષથી સુધારા ઉપર રહી છે. લખવા-વાંચવાનું ઘણું ઓછું થઈ ગયું છે. ધીમે ધીમે પણ મારું કાર્ય ચાલુ રાખ્યું છે. જીવન છે ભરતી અને ઓટ તો આવ્યા જ કરે.
દર વર્ષે મારી ઈન્ડિયાની રેગ્યુલર ટ્રિપ ચાલુ રાખી જ છે. મારી બુક માટે ભાવનગરમાં લેખકો, લાઈબ્રેરિયન, પ્રૂફ રિડિંગ અને ગ્રાફિક ડિઝાઈનિંગ... આ બધા ગ્રુપના સભ્યો સાથે મારી જૂની ઓળખાણ અને ઘણી મહેનત પછી મારી બુકનું માળખું તૈયાર કરી રાખ્યું છે, પણ સંજોગવશાત્ ત્રણ–ચાર વર્ષથી કંઈ કરી શક્યો નથી.
મારા જીવનના આ અમૂલ્ય શોખને હૈયે લગાડીને બેઠો છું. શ્રી સી.બી. આજે મન મુકીને તમારી સાથે વાતો કરી છે. ફરી આજે મને આવો લખવાનો મોકો મળ્યો છે. મારા જીવનના યાદગાર પ્રસંગને તમારી સમક્ષ મૂકું છું. હું સદાયે તમારો આભારી અને ઋણી રહીશ. પ્રથમ તો મારા હવેના રાઈટિંગ માટે ક્ષમા માંગું છું. તમને ઉકેલવામાં ઘણી તકલીફ તો પડશે જ. આ સિવાય મારા લખાણમાં કંઈ પણ ફેરફાર કરવા હોય તો મારી પૂરતી સંમતિ છે.
(સબસ્ક્રાઇબર આઇડીઃ 349311)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter