મારા સાથી ગુજરાતીબંધુઓ,
નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન (NCGO) દાયકાઓથી બ્રિટિશ ગુજરાતીઓની અવિરત સેવામાં કાર્યરત છે. હજુ હમણાં સુધી NCGOના અગ્રણી રહેલા કેટલાક વ્યક્તિઓના ઈરાદાઓનું અર્થઘટન કરતા અનેક મેસેજીસ અમને મળ્યા છે.
અમને પ્રાપ્ત જાણકારી અનુસાર NCGOના પૂર્વ પ્રમુખ રહેલા લાલુભાઈ પારેખ, પ્રવીણ અમીન અને શરદ પરીખ તેમજ બે પૂર્વ મહામંત્રીઓ મહેન્દ્રસિંહ જાડેજા અને અનિતાબહેન રુપારેલિયા દ્વારા ૧૭ સપ્ટેમ્બરે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી.
પ્રવીણ અમીન અને અનિતાબહેન રુપારેલિયા વર્તમાન એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યપદે પણ છે. NCGO UK છત્રસંસ્થા છે અને યુકેમાં રહેતા ગુજરાતીઓની જરુરિયાતોના સંદર્ભે અભિયાન ચલાવે છે. યુકેમાં રહેતા ગુજરાતીઓની જરુરિયાતોને ઉજાગર કરવા સંસ્થા દ્વારા હાલમાં જ શુક્રવાર ૧૧ સપ્ટેમ્બરે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં, ભારતના કૃષિ અને પશુકલ્યાણ મંત્રાલયના માનનીય કેન્દ્રીય રાજ્યપ્રધાન શ્રી પરષોત્તમ રૂપાલા તેમજ અન્ય જાણીતા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
જો ઉપરોક્ત સભ્યોએ એક્ઝિક્યુટિવ કમિટીમાં આ ઉજવણી મુદ્દે ચર્ચા કરી હોત અથવા અન્ય કમિટી સભ્યોને માહિતી પણ આપી હોત તો આપણે સંપૂર્ણપણે NCGOના નેજા હેઠળ આ કાર્યક્રમ સારી રીતે પાર પાડ્યો હોત. દિલગીરી તો એ બાબતે છે કે યુકેના ગુજરાતીઓને આગળ વધારવા વિશે કોઈ પણ સંસ્થાના નામોલ્લેખ વિનાના આ કાર્યક્રમની જાણકારી અમને ૧૬ સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા મારફત મળી હતી. આપણી કોમ્યુનિટીમાં કોઈ વિભાજનને ટાળવા NCGO આ કાર્યક્રમ યોજવા અવશ્ય આગળ આવ્યું હોત.
અમારે ભારે હૃદય સાથે કહેવું પડે છે કે આના પરિણામે, ગુજરાતી કોમ્યુનિટીમાં વિભાજન સર્જાયું છે. આપણી કોમ્યુનિટી એકતા સાથે આગળ વધવા માટે પ્રસિદ્ધ છે અને સંવાદિતા સાથે કાર્ય કરવામાં માને છે તે સંજોગોમાં આ બાબત કદી સ્વીકાર્ય નથી.
NCGOનું મેનેજમેન્ટ તમામ ગુજરાતી સંગઠનોને ૪ ઓક્ટોબર, રવિવારે ઝૂમ મારફત યોજાનારા આપણા આગામી કાર્યક્રમ ‘Gujaratis In UK’ પર ધ્યાન આપવા વિનંતી કરે છે. NCGO ગુજરાતી સમુદાયોના લાભાર્થે સતત કાર્યરત છે. વધુ માહિતી [email protected]ને ઈમેઈલ કરીને મેળવી શકાશે.
વિમલજી ઓડેદરા પ્રવીણ જી. પટેલ
પ્રેસિડેન્ટ સેક્રેટરી

