લંડનઃ ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્શનરી (ઓઈડી)એ માર્ચ મહિના દરમિયાન કરેલા સુધારા વધારામાં ભારતીય હિન્દી શબ્દ ‘ચડ્ડી’ સહિત કુલ ૬૫૦ નવા શબ્દો-શબ્દપ્રયોગોનો ઉમેરો કર્યો છે. ભારતમાં તો સદીઓથી ‘ચડ્ડી’ શબ્દ વપરાતો આવે છે પરંતુ, હવે તેનો ઉપયોગ વૈશ્વિક ધોરણે થાય છે. ૧૯૯૦ના દશકામાં એક બ્રિટિશ ટીવી શોમાં વપરાયા પછી આ શબ્દ પ્રચલિત બન્યો હોવાથી ડિક્શનરીએ પણ આ શબ્દનો સમાવેશ કર્યો છે. તેની સામે અર્થઘટન કરતાં લખ્યુ છે, ‘ચડ્ડી’ એટલે શોર્ટ ટ્રાઉઝર.
વિવિધ ભાષામાં વપરાતા શબ્દો અંગ્રેજીમાં વપરાતા થાય અને પછી લોકપ્રિય બને તો તેનો સમાવેશ ડિક્શનરીમાં કરાય છે. જગવિખ્યાત ઓક્સફર્ડ ડિક્શનરીમાં સ્થાન પામતા શબ્દોને વૈશ્વિક ઓળખ મળે છે. અંગ્રેજી ભાષાની સમૃદ્ધિ અને વિશ્વવ્યાપકતાનું કારણ પણ તેની આ સર્વસ્વીકાર્યતા છે. વિવિધ ભાષાના લોકપ્રિય શબ્દો એ ડિક્શનરીમાં સરળતાથી અપનાવી લેવાય છે. હિન્દી અને અન્ય ભાષા ઉપરાંત, સ્કોટિશ ભાષાના ઘણા શબ્દોને પણ ઓક્સફર્ડ ડિક્શનરીના પ્રાદેશિક વિભાગમાં સ્થાન મળ્યું છે, જેમાં ફન્ટૂશ, યાટ, સિટૂટેરી, બિડી-ઈન વગેરેનો સમાવેશ થાય છે. મુરખ કે પછી અણગમતી વ્યક્તિ માટે બામ (બીએએમ) શબ્દ પણ ડિક્શનરીએ સ્વીકાર્યો છે. આ શબ્દ દેશી ગુજરાતીમાં તો વર્ષોથી વપરાય જ છે.
ડિક્શનરીએ નોંધ કરી છે કે ૧૮૫૮માં ‘ચડ્ડી’ શબ્દ પહેલી વાર અંગ્રેજી ભાષામાં એડિનબર્ગ મેગેઝિનમાં વપરાયા પછી નિયમિત રીતે વપરાતો રહ્યો છે અને હવે તેની લોકપ્રિયતા વધી છે. ભારતમાં બ્રિટિશ રાજના કાળમાં વપરાતા લૂંટ, બંગલો, અવતાર, મંત્ર, ચટણી, કોટ સહિત ૨,૦૦૦થી વધુ શબ્દોને આ ડિક્શનરીમાં પહેલેથી સ્થાન મળી ચૂક્યુ છે.
ઓક્સફર્ડ ડિક્શનરીના ૯૦ વર્ષની ઉજવણી
વિશ્વમાં વિશ્વાસપાત્ર ગણાતી ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્શનરી પ્રથમ વાર ૧૯૨૮માં પ્રગટ થઈ હતી, જેના ૯૦ વર્ષની ઉજવણી ચાલી રહી છે. લંડનની ફિલોલોજિકલ (ભાષાવિજ્ઞાન) સોસાયટીએ છેક ૧૮૫૭માં નવી ડિક્શનરી આવશ્યક હોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે સમયની ડિક્શનરીઓ હતી અધુરી લાગતી હતી. તેના ઘણા વર્ષો પછી સોસાયટીએ ૧૮૭૯માં ડિક્શનરી માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ સાથે કરાર કર્યા હતા. તત્કાલીન ભાષાશાસ્ત્રી જેમ્સ ઓગસ્ટસ મરીએ ડિક્શનરી બનાવવાનું કામ ચાલુ કર્યું અને એ છેક ૧૯૨૮માં પૂરું થયું હતું.