લંડનઃ રોયલ આલ્બર્ટ હોલમાં ‘દિવાળી સ્ટોરી- એ મ્યુઝિકલ’ શોની ટિકિટો સપ્તાહો પહેલાથી વેચાઈ જવા સાથે 5000 બેઠકોની ક્ષમતા પણ જાણે ઓછી પડી હતી. રોયલ આલ્બર્ટ હોલની વિશાળતામાં લોકો એક સાથે ઉભાં થઈને હનુમાન ચાલીસા ગાતા હોય તેવું ભક્તિભાવ સાથેનું કલ્પનાતીત દૃશ્ય લંડન કદી ભૂલી શકશે નહિ. ટ્રફાલ્ગર સ્ક્વેરની દિવાળી ઊજવણી પાછળની કલ્પનાશીલ ટીમે નીતિનભાઈ પલાણ MBEની રાહબરી હેઠળ ‘દિવાળી સ્ટોરી- એ મ્યુઝિકલ’ કળા, આસ્થા અને સામુદાયિક ભાવનાની વિજયગાથા બની રહી છે.
આ જ કલ્પનાશીલ ટીમે એક સમયે ટ્રફાલ્ગર સ્ક્વેરને પ્રકાશના મંદિરમાં ફેરવી નાખ્યુ હતું અને તેમણે ફરી આ કરી બતાવ્યું અને બ્રિટનના સૌથી આઈકોનિક સ્થળોમાં એક રોયલ આલ્બર્ટ હોલનું એકતા અને ખુશીની પ્રકાશાત્મક ઊજવણીમાં રૂપાંતરિત કર્યું હતું. એક જ શો હોવાથી એમ લાગે છે કે લંડન આ પ્રકારના નવાં દિવાળી મેજિકને પૂરેપુરું માણી શક્યું નથી. નીતિનભાઈ પલાણે સાચું જ કહ્યું છે કે, ‘આ પ્રોડક્શન મારું સ્વપ્ન હતું જેની પ્રેરણા મારા ગુરુએ આપી હતી.’
આરંભ સાથે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે આ કાર્યક્રમ ચીલાચાલુ ન હતો. ટેક્નિકલ દૃષ્ટિએ એમેચ્યોર પ્રોડક્શન હતું, છતાં દરેક રીતે પ્રોફેશનલ માપદંડોની સમકક્ષ રહ્યું હતું. બોલીવૂડ ડાન્સ સ્કૂલના રોહન અને શ્રુતિ શાહની કોરિયોગ્રાફી બેમિસાલ, ઈન્વેટિવ અને સમયની ચોકસાઈ સાથેની હતી. કોસ્ચ્યુમ્સ વેસ્ડ એન્ડ થીએટરના ધોરણો અનુસારના તેમજ ચમકીલું રેશમ, સમૃદ્ધ એમ્બ્રોઈડરી અને સુવર્ણના તાણાવાણાં સાથે સુદર્શનીય હતાં.
રામાયણની સંગીતમય પ્રસ્તુતિ ગાયન સ્વરૂપે નહિ, પરંતુ અવાજ અને ગતિના ધબકાર સાથે કરાવા સાથે કથા આગળ વધતી ગઈ. પ્રથમ અંકમાં જીવંત સંગીત, શક્તિશાળી વિવરણ અને મંત્રમુગ્ધ કરતા નૃત્ય સાથે રામ, સીતા અને હનુમાનની કથાની પ્રસ્તુતિ કરાઈ હતી. પ્રાચીન કથાને વર્તમાનમાં દોરી લાવતી આધુનિક ગીતિકાઓની સાથે સાંકળીને ડ્રમરની તાલબદ્ધતાથી સ્ટેજ જીવંત બની ગયું હતું. નાટ્યગૃહ, મંદિર અને ઉત્સવનો સમન્વય સધાયો હતો. આ પછી, એક એવી પળ આવી, જે લાંબા સમય સુધી સ્મરણમાં રહેશે. ધુમ્મસમાંથી ઉઠતી પ્રાર્થનાની સુરાવલિઓની માફક હનુમાન ચાલીસા મંદસ્વરે ગાવાની શરૂઆત થઈ અને ધીરે ધીરે તેની ગુંજ વધતી ગઈ અને 5000 બેઠકની સંપૂર્ણ ક્ષમતાના ખીચોખીચ હોલમાં લોકો ઉભા થઈ સાથે તેમાં સૂર પુરાવવા લાગ્યા હતા. આસ્થા અને લાગણીથી ઉછાળા મારતી માનવીય ભરતીમાં લક્ષ્મણને પુનર્જિવિત કરવાનો શક્તિશાળી ઉચ્ચાર ઉઠ્યો હતો. આ સમયે રોયલ આલ્બર્ટ હોલ જાણે પવિત્રતાની લહેરથી સ્નાન કરતો હોય તેમ લાગ્યું હતું. આ કોઈ પરફોર્મન્સ રહ્યું ન હતું, પરંતુ સામૂહિક ધ્યાન હતું.
બીજા અંકમાં ભારતની અનંત વૈવિધ્યતાનું દર્શન કરાવતાં રંગ અને તાલનું કેલિડોસ્કોપ રચાયું હતું. ભરતનાટ્યમની ભવ્યતાથી જોશપૂર્ણ ભાંગડા, કથ્થકનું રૂપાંતર ગોળાકારે ફરતા ગરબામાં થયું, જાણે સ્ટેજ ભારતીય ઉપખંડનો નકશો બની ગયું. પ્રત્યેક દૃશ્ય આગવાં રિધમ, કોસ્ચ્યુમ અને આત્માને પ્રદર્શિત કરવાં છતાં, એકતા અને આનંદનું વિશાળ મંત્રગાન થતું હોય તેવી અનુભૂતિ સર્જાઈ હતી. આ મંત્રમુગ્ધ કરી દેનારો સંવેદનાનો વિસ્ફોટ હતો, જેનાથી ઓડિયન્સ સ્તબ્ધ રહી ગયું હતું.
દિવાળીના ઉત્સાહને સંગીત અને ગતિશીલતામાં રૂપાંતરિત કરતા 60થી વધુ પરફોર્મર્સે શ્રેષ્ઠ કળાપ્રદર્શન થકી સ્ટેજને ગજાવ્યું હતું, પ્રત્યેક પળે તેમની શિસ્ત અને જોશ પ્રગટ થતા હતા. ‘દિવાળી સ્ટોરી- એ મ્યુઝિકલ’ શો મનોરંજનથી વિશેષ હતો. તે આપણી વિરાસત અને અર્થની જાગૃતિ બની રહ્યો. આ શોએ દર્શાવ્યું કે કળા અને સમર્પણ-ભક્તિ એકત્ર થયા હોય તેવી દિવાળી ભવ્યતમ રંગમંચોની શાન બની શકે છે અને હવે લંડન દિવાળીને વધાવવા સજ્જ છે.