‘નો ફોલ્ટ’ ડાઈવોર્સથી દોષારોપણની રમતનો અંત

Wednesday 13th April 2022 02:48 EDT
 
 

લંડનઃ યુકેમાં ડાઈવોર્સના કાયદામાં ગત 50થી વધુ વર્ષમાં સૌથી મોટા ફેરફાર સ્વરુપે ‘ધ ડાઈવોર્સ, ડિઝોલ્યુશન એન્ડ સેપરેશન એક્ટ (2020)નો અમલ શરૂ કરી દેવાયો છે જેમાં પતિ-પત્ની એકબીજા પર દોષારોપણ કર્યા વિના ‘નો ફોલ્ટ’ ડાઈવોર્સ મેળવી શકશે. આ ફેરફારથી ડાઈવોર્સ લેતા દંપતી અને તેમના સંતાનો પર નકામા તણાવને ટાળી શકાશે. આ કાયદાથી હવે છૂટાછેડાની અરજી અને ડાઈવોર્સના કંડિશનલ ઓર્ડર વચ્ચે માત્ર 20 સપ્તાહની રાહ જોવાની થશે. નિષ્ણાતોના મતે છૂટાછેડાના કેસ વધવા સાથે લગ્નોમાં પણ વધારો થઈ શકે છે.

પતિ-પત્નીએ લગ્નના ભંગાણ માટે કોણ જવાબદાર છે તે પૂરવાર કરવાની આવશ્યકતા નહિ રહે. આના બદલે તેઓ બાળકો અથવા સંપત્તિ સહિત વ્યવહારુ નાણાકીય નિર્ણયો અને ભવિષ્યની વ્યવસ્થા તરફ નજર જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. ડાઈવોર્સ લેતા દંપતી માટે છૂટાછેડાનો નિર્ણય ઘણી મુશ્કેલીઓ લાવે છે. બંને પક્ષ અને બાળકો પર આરોપ અને પ્રત્યારોપની ગંભીર અસરો પડે છે તે બાબત સ્વીકારી બ્રિટને કાયદામાં ફેરફાર સાથે ડાઈવોર્સ વધુ સરળ બનાવી દીધા છે જેને, નો-ફોલ્ટ ડાઈવોર્સ નામ અપાયું છે.

આ કાયદા હેઠળ કોઈ પણ જીવનસાથી લગ્ન તૂટી ચૂક્યાં છે અને કોઈ પણ સંજોગોમાં લગ્નજીવન વિતાવી શકે એમ ન હોવાના દાવા સાથે છૂટાછેડાની અરજી કરી શકે છે. આમ હવે દંપતીએ બ્લેક ગેમ રમવાની જરૂર નથી. છેલ્લાં 50 વર્ષમાં ડાઈવોર્સ પ્રક્રિયા હેઠળ દંપતીએ પહેલાં એકબીજાના ખરાબ વ્યવહાર, વ્યભિચાર, પરસ્પર સંમતિથી પાંચ વર્ષનું સેપરેશન, મરજી વિના બે વર્ષનું સેપરેશન જેવી બાબતો સાબિત કરવી પડતી હતી. નવો કાયદો બનવાથી આ બધું સાબિત કરવાની આવશ્યકતા રહેશે નહિ.

મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે કોઈ પણ જીવનસાથી ડાઈવોર્સનો વિરોધ કરી તેમના પાર્ટનરને દુઃખી લગ્નજીવનમાં બાંધી રાખી શકશે નહિ. આ ફેરફારથી એક અથવા બંને પક્ષકાર સંમતિ કે અસંમતિ વિના ડાઈવોર્સ માટે અરજી કરી શકશે. આ ઉપરાંત, કેટલીક કાનૂની ટર્મ્સ માટે સરળ અને સમજી શકાય તેવા શબ્દોનો ઉપયોગ કરાશે. આ કાયદાના અમલ સાથે સરકાર ડાઈવોર્સ પછી સંપત્તિના વિભાજન અથવા ભરણપોષણની ચૂકવણી સહિતના ફાઈનાન્સિયલ સમાધાન કે પતાવટ સંબંધિત કાયદાને વધુ સરળ બનાવવા પર ધ્યાન આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter