‘પાંઉભાજી’ અજબની મારી વાનગી

મારી નજરે

મીનાક્ષી ચાંપાનેરી, સ્કોટલેન્ડ Saturday 26th August 2023 06:42 EDT
 
 

બે વર્ષના વાયરા, કોરોનામાં વહી ગયા. અધૂરામાં પુરું ઓમિક્રોનભાઈ આવ્યા. બધાંનાં જ મગજની મતી ફેરવી નાંખી. પછી થોડી છૂટછાટ થઈ. લોકો રજાઓ માણવા ગયા. પર્યટનો પર ગયા. સગાંસંબંધીના લગ્નોમાં જતા થયા. પછી તો સૂર્યદેવતાએ ખૂબ જ સુંદર અજવાળું ને ગરમી પથરાવી એટલે ઇન્દ્રદેવતા અને પવનદેવતાએ ભેગા મળી ધોધમાર વરસાદ ને પવનના ઝાપટાંઓને તેડાવ્યા. વાતાવરણ એટલું ઠંડું થઈ ગયું કે, બહાર ચાલવા જઉં તો પવન મને ઉડાવે ને વરસાદ ભીંજવી નાંખે.
એમાંએ આ આપણી હાડકાં વગરની જીભને ખાવાનો ચટાકો થઈ આવે. હું બારી પાસે ઊભી ઊભી વરસાદની ધારાઓને નિહાળી રહી હતી ને મગજમાં ટકોરા થયાં અને મારી જીભના સ્વાદુપિંડમાંથી લાળ ના પડતી હોય એવું ભાસ્યું. કંઈક એવી રંગબેરંગી, ચટાકેદાર, તમતમતી વાનગી ખાવાનો મોહ ને ઉમંગની ધારા વહેતી થઈ. આથી મેં રસોડાનો માર્ગ પકડીને ઉંબરો ઓળંગ્યો. મારાં કરતાં પણ લાંબા ફ્રીજનું બારણું ખોલીને જોયું. ડાબા-જમણાં ખાનાઓ ખોલીને જોયાં તો!! એમાં વધ્યા-ઘટ્યા બધી જાતના શાકભાજીના નાના-મોટા થોડા ટુકડાં પડ્યા હતા. વાત એવી કે તેઓમાંથી કોઈના ઉતરેલા મોઢાં હતાં, તો કોઈને કરચલીઓ વળી હતી. બધા પોત પોતાના ખૂણેખાંચરે પડેલા હતા. ન વાતો કરે કે ના કોઈની સાથે ભળે એટલે મેં તાળી પાડી... ખાનાંને ખખડાવ્યા. બધાને નામ લઈ જગાડ્યા.
હું વાતો કરતી ગઈ... ચાલો તો બધા... મારી સાથે, આપણે બધાએ લગ્નમાં જવાનું છે. ગાજરબેન, ટામેટાંભાઈ, કેબેજબેન, બ્રોકલીબેન, ભૂંગળા મરચાંભાઈ, બટેટાભાઈ, કાંદાભાઈ ચાલો ચાલો... નાહીધોઈ લ્યો. બધાને પાણીમાં ધોઈને નવડાવ્યા. પછી એમનાં ઉપરના વેશ કાઢી, એક મોટા વાસણમાં ભેગા કરીને સ્ટીમ બાથ કરાવ્યો. એટલે એ બધાં હળવા મનના ને એકદમ ફ્રેશ થઈ ગયા. આ પછી એમને મેસર (મિક્સર)થી છૂંદી કાઢ્યા. મેં ઇચ્છું હોત તો ઇલેકટ્રીક ચોપર વાપર્યું હોત, પણ મને મેસર વાપરવામાં ખૂબ જ મઝા પડતી હતી. મેસરથી છુંદતા છુંદતા એમના પ્રત્યે વ્હાલ ઉભરાતું હતું. એ કેવા એકબીજામાં ભળી ગયા હવે. રંગોનો સંગમ થયો, લાલ, પીળા, કેસરી બધા મળીને જાણે વાતો ના કરતા હોય! જેમ લગ્નમાં સગાસંબંધીઓ જાત જાતના પહેરવેશ પહેરીને, ઠાઠમાઠ સજીને, રૂપાળા થઈને આવી પહોંચે, એકબીજા સાથે મળીને વાતો કરતા હોય તેમ! આ સાથે મેં મસાલેદાર ડબો ખાનામાંથી કાઢ્યો.
બધાને સરખે ભાગે, હળદર, લાલ મરચું, મીઠું, ધાણા-જીરું, આદું-લસણથી શણગાર્યા. જીરું-હિંગનો વઘાર કરી. લીલા મરચાં નાંખી બધું ભેગું કર્યું. પછી ઉપરથી પાંઉભાજીના મસાલાનો તિલક કર્યો. એમાં ઘી/બટરનો લચકો, પાથર્યો. આમ અમારા વધેલા-ઘટેલાં શાકભાજીની ઉજવણી કરીને પછી ‘પાંઉ’ સાથે સંબંધ બંધાવ્યો અને એમનું સગપણ કરાવ્યું. મેં તેમને પાંઉભાજીનાં નામનું બિરુદ આપીને આશીર્વાદ આપી જીભાવૃંદમાં પધરાવ્યા.
મહારાષ્ટ્રમાં પાંઉભાજી સ્ટ્રીટફૂડ કે પછી ઢાબાનું જમણ એટલું પ્રસિદ્ધ છે, કે એનો ડંકો ઘરે ઘરે, દેશ હોય કે પરદેશ હોય, બધે જ વખણાયેલું ભોજન બની ગયું છે.
એની સુગંધની ફોરમ તો મારા આખા ઘરમાં, રૂમેરૂમમાં ફેલાઈ ગઈ. જેમ લગ્નપ્રસંગે મહેમાનોનું ઘરમાં આગમન થાય ને એમના આગતાસ્વાગતા થાય. શયનખંડમાં એમના પાથરણા થાય એ રીતે સુગંધ ફેલાઇ ગઇ. આવો સ્વાદિષ્ટ ખોરાક બનાવવા માટે, પ્રેમ અને કળાની ખૂબ જ જરૂર હોય છે. તો જ એને કહેવાય કે સોનામાં સુગંધ ભળી ગઈ. આના પછી શું થયું જાણો છો? ચાલોને હું જ તમને કહી દઉં! હું પણ બારી પાસે બેસીને વરસાદની ઝરમર ઝરમર ધારાને નિહાળતી પાંઉભાજીની જુગલબંદીનો આનંદ મનાવતી ગઈ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter