‘બીએપીએસ સિદ્ધાંતને વરેલી સંસ્થા છે, સંપ - સમજણની સંસ્થા છે’

વડોદરાના આંગણે ભવ્યતા - દિવ્યતા સાથે ઉજવાયો મહંત સ્વામી મહારાજનો જન્મોત્સવ

Tuesday 03rd February 2026 09:01 EST
 
 

વડોદરાઃ સંસ્કૃતિ નગરી વડોદરામાં સોમવારે પ.પૂ. મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતી મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક અનેરા ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. મહંત સ્વામી મહારાજની દિવ્ય વાણી, આધ્યાત્મિક પ્રભાવ, અહંશૂન્યતા અને ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિને દર્શાવતા વિશિષ્ટ વીડિયોની સાથે બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા મહંત સ્વામી મહારાજના દિવ્ય જીવન, ગુણો અને કાર્યો પર વિશેષ પ્રકાશ પાડતાં પ્રેરક ઉદ્બોધનો કરાયા હતા. આ અવસરે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનું સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે ભારતીય સનાતન સંસ્કૃતિનું ગૌરવગાન કરતો વિશ્વવિક્રમ રચાયો હતો અને ખાસ આ મહોત્સવ માટે જ ઇંગ્લેન્ડથી આવેલા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારી દ્વારા મહંત સ્વામી મહારાજને બહુમાનપત્ર અર્પણ કરાયું હતું.
જન્મોત્સવની ઉજવણીના આ પ્રસંગે આદિવાસી વિસ્તારો માટે ‘હર ઘર ઘર શિક્ષા કી જ્યોત જલે’ અભિયાન અંતર્ગત મહંત સ્વામી મહારાજના હસ્તે મોબાઈલ પાઠશાળાનો શુભારંભ થયો હતો. સાથે સાથે જ બીએપીએસ સંસ્થા દ્વારા બાળકો માટે વિશિષ્ટ યુટ્યુબ ચેનલ BAPS Kids પઓ લોન્ચ કરાઇ હતી. તો મહંત સ્વામી મહારાજ રચિત ગ્રંથ ‘ઈન્સાઈટ્સ ફ્રોમ ધ સત્સંગ દીક્ષા’ ગ્રંથનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સમાપન વેળા બે લાખ જેટલાં હરિભક્તો દ્વારા સમૂહ આરતી કરાતાં અદભૂત અને અલૌકિક માહોલ સર્જાયો હતો.

સત્સંગદીક્ષા ગ્રંથના સમૂહગાનનો વિશ્વવિક્રમ

મહંત સ્વામી મહારાજના જન્મજયંતી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ‘હિન્દુ ગ્રંથના સૌથી વિરાટ સમૂહગાન’નું આ પ્રસંગે આયોજન થયું હતું. જેમાં એક સાથે કુલ 12,723 બાળકોએ ગિનીસ બુકના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં સમૂહગાન કરતાં વિશ્વવિક્રમ માટે સત્તાવાર નોંધણી કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે પ.પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સંસ્થાના 3થી 13 વર્ષના 15,666 બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથનો એક વર્ષમાં સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો છે.
મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત 315 શ્લોકો ધરાવતો સત્સંગદીક્ષા ગ્રંથ ઉન્નત આધ્યાત્મિક, નૈતિક, સામાજિક, વ્યવહારિક જીવનની પ્રેરણા પૂરી પાડે છે. કોઈ એક સંસ્કૃત ગ્રંથનો, તે ગ્રંથના રચયિતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં હજારો બાલ-બાલિકાઓએ માત્ર એક વર્ષમાં સંપૂર્ણ ગ્રંથ એટલે કે 315 શ્લોકોનો મુખપાઠ કર્યો હોય અને સમૂહગાન કર્યું હોય, તેવી આ ઐતિહાસિક વિરલ ઘટના છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મહંત સ્વામી મહારાજના જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવીને આશીર્વાદ મેળવ્યા હતા. મહંત સ્વામી મહારાજના જન્મસ્થાન એવા મધ્ય પ્રદેશના જબલપુરનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રી મોહન યાદવે ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ અવસરે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા પાઠવાયેલા શુભેચ્છા પત્રનું વાંચન કરાયું હતું. આ પ્રસંગે મંત્રપુષ્પાંજલિ દ્વારા સૌ ભક્તોએ પ.પૂ. મહંત સ્વામી મહારાજના ચરણોમાં ગુરુભક્તિઅર્ઘ્ય અર્પણ કર્યું હતું.

વિશ્વવિક્રમનું સન્માન ગુરુઓને સમર્પિતઃ પ.પૂ. મહંત સ્વામી

પ.પૂ. મહંત સ્વામી મહારાજે પણ સૌને ઉન્નત આધ્યાત્મિક જીવનની પ્રેરણા આપતાં આશીર્વચન દ્વારા કૃતાર્થ કર્યા હતા. તેમણે આશીર્વાદ આપતાં જણાવ્યું, ‘પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ‘બીજાના આનંદમાં આપણો આનંદ છે.’ ભગવાન જ સર્વકર્તાહર્તા છે. શાસ્ત્રીજી મહારાજે ખૂબ પુરુષાર્થ કરીને આ સંસ્થા સ્થાપી. યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે તેનું સંવર્ધન કર્યું છે. આ સંસ્થા સિદ્ધાંતને વરેલી સંસ્થા છે. આ સંસ્થા સંપની સંસ્થા છે. આ સંસ્થા તે સમજણની સંસ્થા છે. આજે જે ગિનીસ બુકનું સન્માન મળ્યું છે, તેની પાછળ આ બાળકોની આકરી મહેનત છે અને આ સન્માન તમામ ગુરુઓને સમર્પિત છે. સંતો, કાર્યકર્તાઓ અને વાલીઓએ ખૂબ મહેનત કરી છે, આ તેમનું સન્માન છે.’

સમગ્ર કાર્યક્રમને અંતે લાખો દીવડાઓ દ્વારા સમૂહઆરતી સમયે હૃદયંગમ વાતાવરણ સર્જાયું હતું. આ જન્મજયંતી સમારોહમાં બીએપીએસના 800 સંતો તેમજ અંદાજે બે લાખ જેટલા ભક્તો-ભાવિકો સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય સંસ્કૃતિના મજબૂત આધારસ્તંભ છે સંત, શાસ્ત્ર અને મંદિરઃ ભૂપેન્દ્ર પટેલ

પ.પૂ. મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતી અને તેમની દીક્ષા પૂર્ણ થવાના 69 વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે આયોજિત સત્સંગ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સત્સંગને જીવનની દરેક સમસ્યાનું સમાધાન આપતો માર્ગ ગણાવ્યો હતો. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સનાતન સંસ્કૃતિ, સ્વધર્મ પરપરા અને સંતશક્તિએ સદીઓથી માનવજાતને સદમાર્ગે ચાલવાની પ્રેરણા આપી છે. સંત, શાસ્ત્ર અને મંદિર, આ ત્રણ આધારસ્તંભો દ્વારા આપણી સંસ્કૃતિ મજબૂત બની છે અને સ્વધર્મ અને આસ્થાના કેન્દ્રો પર થયેલા આક્રમણો સામે પણ સંતશક્તિ અને વીરોએ સનાતન સંસ્કૃતિને અકબંધ રાખી છે. મુખ્યમંત્રીએ પ્રમુખ સ્વામી મહારાજ તથા મહંત સ્વામી મહારાજના ‘અહમશૂન્ય’ જીવનદર્શનને જીવનમાં અપનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. સોમનાથ મંદિર પર થયેલા આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવાના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજાગર કરેલા ‘દેવથી દેશ’ અને ‘રાષ્ટ્રહિત સર્વોપરી’ના મંત્રનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે બીએપીએસ સંસ્થાએ પણ આ મંત્રને પોતાના કાર્યમાં આત્મસાત કર્યો છે. સ્વામી મહારાજના જીવન પર પ્રકાશ પાડતાં ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, તેમનો જન્મ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો હતો અને બાળપણથી જ ધાર્મિક સંસ્કાર, સાદગી અને શિસ્ત તેમના જીવનમાં પ્રગટ હતા. કૃષિ વિજ્ઞાનમાં સ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વૈરાગ્યના માર્ગે આગળ વધીને યોગીજી મહારાજના આશીર્વાદથી તેમણે સંન્યાસ જીવન અપનાવ્યું અને ગુરુનિષ્ઠાને જીવનનો આધારસ્તંભ બનાવ્યો.

સંસ્કૃતિ અને સનાતન મૂલ્યોને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનું કાર્યઃ મોહન યાદવ

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ અવસરને માત્ર ઉત્સવ નહીં પરંતુ ગુણાતીત ગુરુ પરંપરાના અખંડ પ્રવાહનું જીવંત સાક્ષ્ય ગણાવી મહંત સ્વામી મહારાજને શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી યાદવે તેમના સંબોધનમાં ભારતીય સનાતન સંસ્કૃતિમાં ગુરુ પરંપરાની મહત્તા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે ગુરુ વંદન ભારતીય સંસ્કૃતિને દરેક યુગમાં જીવંત રાખે છે. તેમણે વડોદરામાં યોજાયેલા સાંસ્કૃતિક અને સંસ્કારલક્ષી કાર્યક્રમોની પ્રશંસા કરી હતી. મધ્યપ્રદેશમાં અગાઉ ગીતા પાઠના આધારે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવાયો હતો, પરંતુ આજે તે રેકોર્ડ તૂટ્યો તેનાથી તેમને વિશેષ આનંદ થયો છે, કારણ કે આ સંખ્યાબંધ બાળકોમાં સંસ્કાર બીજ વાવવાનું કાર્ય મહંત સ્વામી મહારાજની અદભુત સાધનાનું પરિણામ છે. શિક્ષણ, આરોગ્ય, સંસ્કૃત પાઠશાળાઓ અને વિશ્વના વિવિધ દેશમાં મંદિર નિર્માણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સનાતન મૂલ્યોને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનું કાર્ય પરમ પૂજ્ય ગુરુઓના આશીર્વાદથી શક્ય બન્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

3 મહિના, 34 સેવા વિભાગ, સેંકડો સંતો અને 14 હજાર સ્વયંસેવકો

આ ભવ્ય આયોજન માટે ત્રણ મહિનાથી વધુ સમય સુધી વ્યાપક આયોજન અને તૈયારીઓ ચાલી હતી, જેમાં બીએપીએસના સેંકડો સંતો તથા 34 સેવાવિભાગોના 14,000 સ્વયંસેવકોએ અવિરત સેવા આપી હતી. આ ઐતિહાસિક મહોત્સવ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સુરક્ષા, સલામતી અને જરૂરી સેવાઓ બાબતે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. આ સમારોહ દ્વારા સૌએ વિનમ્રતા, શ્રદ્ધા અને નિઃસ્વાર્થ સેવાના ભાવ સાથે જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરી હતી. આ મહોત્સવને ભારત તેમજ વિદેશમાં રહેલા અસંખ્ય ભક્તો – ભાવિકોએ live.baps.org તથા આસ્થા ભજન ચેનલ દ્વારા જીવંત પ્રસારણ દ્વારા નિહાળ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter