લંડનઃ ફેમિલી ડોક્ટરોને મૃત્યુ પામેલા અથવા તો અન્ય શહેરમાં જતા રહેલા ‘ભૂતિયા દર્દીઓ’ની સંભાળ માટે દર વર્ષે ૩૫૪ મિલિયન પાઉન્ડ ચૂકવાતા હોવાનું તાજા આંકડા જણાવે છે. અસ્તિત્વ ન ધરાવતા ૨.૫ મિલિયન દર્દીઓ હાલ સર્જરીના લિસ્ટમાં છે અને NHSને દરેક પાછળ ૧૪૧ પાઉન્ડનો ખર્ચ થાય છે. દરેક સર્જરીની સરેરાશ રકમ ૪૩,૭૫૦ પાઉન્ડ થાય છે.
ડોક્ટરોને તેમના રજિસ્ટરો તાજી માહિતીથી અપડેટ રાખવા જણાવાયું હોવા છતાં ૨૦૦૮થી આ સંખ્યામાં ૨૦ ટકાનો વધારો થયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે રજિસ્ટરોમાં ઘણાં ‘ભૂતિયા દર્દી’ ભૂલથી રહી ગયા છે અને કેટલાકના નામ તો ડોક્ટરોએ વધુ રકમ કમાવવા ઈરાદાપૂર્વક રાખ્યા છે. ઉદાહરણ તરીકે સાઉથ લંડનના સ્ટ્રીટહામના જનરલ પ્રેક્ટીશનર્સ દર્દીઓ મૃત્યુ પામ્યા હોય અથવા ભારત કે આયર્લેન્ડ જતા રહ્યા હોવાનું જાણવા છતાં તેમના નામ લિસ્ટમાં રાખતા જણાયા હતા.
હેલ્થ એન્ડ સોશિયલ કેર ઈન્ફર્મેશન સેન્ટરના આંકડા મુજબ ઈંગ્લેન્ડમાં ૫૫.૧ મિલિયન લોકોની વસ્તી સામે ૫૭.૬ મિલિયન દર્દી GP સાથે નોંધાયેલા છે. આ આંકડામાં ૨.૫૧ મિલિયનનો તફાવત છે, એટલે કે નોંધાયેલા લોકો પૈકી ૪ ટકાનું અસ્તિત્વ જ નથી. ૨૦૦૮માં આ સંખ્યા ૨.૧ મિલિયન હતી, જેમાં ધીમે ધીમે વધારો થયો છે.


