લંડનઃ પોતાને ‘બુખેનવાલ્ડ પ્રિન્સેસ’ તરીકે ઓળખાવતી અને ‘મિસ હિટલર’ સૌંદર્યસ્પર્ધાની વિજેતા એલિસ કટર અને તેના પૂર્વ ફિયાન્સ માર્ક જોન્સને પ્રતિબંધિત રેસિસ્ટ, એન્ટિ સેમેટિક, અતિ જમણેરી ટેરર ગ્રૂપ નેશનલ એક્શનના સભ્ય હોવા બદલ જેલની સજા કરાઈ છે. શાળાની ૧૫ વર્ષીય કિશોરીઓને આ ગ્રૂપમાં ભરતી કરવાના પ્રયાસો પણ એલિસે કર્યા હતા. એલિસને ત્રણ વર્ષ અને માર્ક જોન્સને સાડા પાંચ વર્ષ માટે જેલમાં મોકલાશે. આ ઉપરાંત, તેમના કટ્ટર નાઝીવાદી મિત્રો ગેરી જેક અને કોનર સ્કોથર્નને પણ અનુક્રમે સાડા ચાર વર્ષ અને ૧૮ મહિના જેલની સજા કરાઈ છે.
બર્મિંગહામ ક્રાઉન કોર્ટના જજ પોલ ફેરર QCએ સજા ફરમાવતા ૨૩ વર્ષીય કટરને બુદ્ધિશાળી અને મજબૂત મનની મહિલા ગણાવી હતી જે, ૨૦૧૨માં સ્થાપિત ગ્રૂપની નેતાગીરીને ટ્રેનિંગ અને સુરક્ષા બાબતે સલાહ આપતી હતી. કોર્ટે આરોપીઓના મોબાઈલના આધારે સજા આપી હતી. કોર્ટે એ ચારેય વચ્ચે મેસેજ વાતચીતને માન્ય રાખી હતી જેમાં, તેમણે યહુદીઓ વિશે ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને એલિસે તો યહૂદીઓના મસ્તકને ફૂટબોલની જેમ ઉછાળવું જોઈએ એવી ટીપ્પણી પણ કરી હતી. કોર્ટે કહ્યું હતું કે ચારેયની માનસિકતા ખૂબ જ ઘાતકી છે.
સાંસદ જો કોક્સના હત્યારાના ગુણગાન ગાવાની સલાહ આપનારા નેશનલ એક્શન ગ્રૂપને ડિસેમ્બર ૨૦૧૬માં પ્રતિબંધિત કરાયું હતું. એલિસના ૨૫ વર્ષીય પૂર્વ પાર્ટનર જોન્સે આ ગ્રૂપને ચાલુ રાખવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. તે નવા સભ્યોની ભરતી અને તાલિમી કેમ્પ્સ સાથે સંકળાયેલો હતો. એલિસ અને જોન્સ વેસ્ટ યોર્કશાયરના સોવર્બી બ્રિજ ખાતે રહેતાં હતાં તથા ૧૫ અને ૧૬ વર્ષની વિદ્યાર્થિનીઓને કટ્ટર નાઝીવાદી ગ્રૂપમાં ભરતી કરવામાં સંકળાયેલાં હતાં.
રેસ્ટોરાંમાં નોકરી કરતી એલિસે નેશનલ એક્શન દ્વારા આયોજિત ‘મિસ હિટલર’ સ્પર્ધામાં ‘બુખેનવાલ્ડ પ્રિન્સેસ’ નામે ભાગ લીધો હતો. જર્મન બુખેનવાલ્ડ શહેર યહુદીઓને યાતના આપતી નાઝી કેમ્પ માટે જાણીતું હતું. એલિસે કોર્ટમાં તે રેસિસ્ટ વિચારો ધરાવતી હોવાનું સ્વીકાર્યું હતું પરંતુ, નેશનલ એક્શનની સભ્ય હોવાનું નકાર્યું હતું. વેસ્ટ મિડલેન્ડ્સ કાઉન્ટર ટેરરિઝમ યુનિટના ડિટેક્ટિવ ચીફ સુપરિન્ટેન્ડન્ટ કેની બેલે જણાવ્યું હતું કે નેશનલ એક્શન શસ્ત્રોનો સંગ્રહ તેમજ કટ્ટરવાદી વિચારધારા ફેલાવવા અન્યોની ભરતી કરી રંગભેદી યુદ્ધની તૈયારી કરતું હતું. એલિસ સહિત ચાર આરોપીને સજા સાથે નેશનલ એક્શન સાથે સંકળાયેલા કુલ ૨૧ લોકોને ટેરરિઝમ અથવા હેટ ક્રાઈમ્સ માટે સજા થઈ છે.