‘મૂડી કરતાં વ્યાજ વ્હાલું’ ઉક્તિને સાર્થક કરતાં સૂરજબા

છોટાભાઈ લીંબાચિયા Wednesday 17th May 2017 07:19 EDT
 
 

નારી પ્રેરણામૂર્તિ છે. પોતાના સંતાનો પર નિરંતર સ્નેહની અમીધારા વરસાવતી નારી સહનશીલતા, વાત્સલ્ય અને કર્તવ્યપારાયણતાનું શ્રેષ્ઠ પ્રતીક છે. આપણા સૌના જીવનમાં સ્ત્રીનું વિશેષ મહત્ત્વ હોય છે. પછી તે માતા હોય દાદી, બહેન કે પત્ની હોય. માતાને તો પોતાનું સંતાન વહાલું હોય તે સ્વાભાવિક છે. પરંતુ, દાદીને તો તે વધારે વહાલું હોય છે. કહેવત છે ને કે ‘મૂડી કરતાં વ્યાજ વહાલું’. પ્રેસ્ટનમાં રહેતા શ્રી છોટાભાઈ એમ. લીમ્બાચીયાના જીવનમાં પણ અન્ય કોઈ કરતાં તેમના દાદીમા સૂરજબાનું વિશેષ યોગદાન અને મહત્ત્વ રહ્યું છે.
છોટાભાઈનો જન્મ ૧૯૩૩માં પૂર્વ આફ્રિકાના નૈરોબીમાં થયો હતો. તેઓ માત્ર ચાર વર્ષના હતા ત્યારે ૧૯૩૭માં તેમના પિતા મગનભાઈ પત્ની બેની બા અને તેમને ભારત મૂકીને આફ્રિકા ગયા. ત્યાં બીજા વિશ્વયુદ્ધ વખતે તેઓ મિલિટરીમાં મોટર મિકેનીક તરીકે જોડાયા. થોડા જ વર્ષમાં એટલે કે ૧૯૪૨માં છોટાભાઈ માત્ર નવ વર્ષના હતા ત્યારે ડબલ ન્યૂમોનિયાને લીધે બેની બાનું નિધન થયું. આથી તેમની અને તેમની બહેનના ઉછેરની જવાબદારી સૂરજબાના શિરે આવી પડી. જોકે, તેઓ સહેજ પણ મૂંઝાયા નહીં કે કોઈને પણ તેમનું દુઃખ કળવા દીધું નહીં. ટાઢ, તાપ અને વરસાદની ઋતુમાં અથાગ મહેનત મજૂરી કરીને તેમણે બન્નેને મોટા કર્યા.
સૂરજબાનું સ્વપ્ન હતું કે છોટાભાઈ ભણીગણીને સારી જગ્યાએ નોકરી મેળવે. તેથી તેમને ભણાવવામાં તેમણે કોઈ જ કચાશ રાખી ન હતી. એક મહિલા તરીકે તેમનાથી જે કાંઈપણ શક્ય હતું તે તમામ તેમણે કર્યું. પહેલા છોટાભ3ાઈને ગુજરાતી ફાઈનલ સુધીનો અભ્યાસ કરાવ્યો. પછી સૂરજબાએ તેમને પાટણની અંગ્રેજી શાળામાં મેટ્રિક સુધી ભણાવ્યા. મગનભાઈ નૈરોબીમાં મિલિટરીમાં હતા ત્યારે સૂરજબાએ જ તેમના માટે કન્યા અને તેમની બહેન માટે મૂરતીયો શોધીને લગ્ન કરાવ્યા. છોટાભાઈના લગ્ન કુસુમબેન સાથે થયા. આ પ્રસંગોમાં મગનભાઈ હાજર રહી શક્યા ન હતા. લગ્નની તમામ વ્યવસ્થા અને વ્યવહાર સૂરજબાએ જ કર્યા હતા અને બન્નેના લગ્નના પ્રસંગ રંગેચંગે પાર પાડ્યા હતા.
૧૯૫૧માં યુદ્ધ પૂરું થયા પછી મગનભાઈએ તેમના માટે પરમીટ મોકલી અને છોટાભાઈ નૈરોબી ગયા. તે વખતે સૂરજબાની વય ૯૦ વર્ષ હતી.
તેમણે છોટાભાઈને કહ્યું હતું,‘ હવે તો હું તારી કમાણી ખાવા રહીશ નહીં.’ નૈરોબીમાં પિતાએ તેમને રેલ્વેમાં બુકિંગ ક્લાર્ક તરીકે રખાવ્યા. છોટાભાઈએ તેમનો પહેલો પગાર સૂરજબાને મનીઓર્ડરથી ભારત મોકલાવ્યો. તે તેમને મળ્યો તેના થોડા સમયમાં જ સૂરજબાનો સ્વર્ગવાસ થયો.
છોટાભાઈ રેલ્વેમાં ૧૪ વર્ષ નોકરી કરીને નિવૃત્ત થયા. કેન્યા આઝાદ થતાં તેઓ ભારત ગયા. થોડો સમય ત્યાં રહીને ૧૯૬૫માં તેઓ યુકે આવ્યા. તે પછી ૧૯૬૯માં તેમના પિતા મગનભાઈપણ ગુજરી ગયા. જોકે, તેમણે તેમનું મૃત્યુ ક્યારે થશે તે એક મહિના અગાઉ જ જણાવ્યું હતું. મગનભાઈએ તો તેની પત્રિકા પણ છપાવી હતી. તે મુજબ જ બન્યું. તેમણે જે તારીખ અને સમય આપ્યો હતો તે જ સમયે તેમનું મૃત્યુ થયું હતું. છોટાભાઈએ તે પત્રિકા પણ અત્યાર સુધી તેમના પિતાની સ્મૃતિ તરીકે સાચવી રાખી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter