લંડનઃ યુકેમાં ભારતીય મૂળના ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને જન્મેલા એક પંજાબી બાળકને બ્રિટિશ નાગરિકત્વ એનાયત કરવામાં આવ્યું છે. ભારતીય સત્તાવાળાઓ દ્વારા તેનું રજિસ્ટ્રેશન કરાયું ન હોવાની જાણકારી મળ્યા પછી રોયલ કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. આના પરિણામે અનેક લોકો માટે બ્રિટિશ રાષ્ટ્રીયતાના દ્વાર ખુલી શકે છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અખબારના અહેવાલ અનુસાર ભારતીય ‘શર્મા’ દંપતી તેમના સ્ટુડન્ટ વિઝાની મુદત પૂર્ણ થયા પછી પણ યુકેમાં રહ્યા હતા. તેમનો પુત્ર આજે છ વર્ષથી વધુ વયનો છે. ૧૮ મહિના લાંબી કાનૂની લડત પછી આ બાળકનો દરજ્જો ‘રાષ્ટ્રવિહીન’ હોવાની અરજીઓ પરનો નિર્ણય રોયલ કોર્ટ ઓફ જસ્ટિસે આપ્યો હતો. બ્રિટિશ કાયદા અનુસાર ભારતની બહાર ભારતીય પેરન્ટ્સને ૩ ડિસેમ્બર, ૨૦૦૪ પછી જન્મેલા બાળક જો ભારતીય સત્તાવાળા દ્વારા રજિસ્ટર કરાયા ન હોય તો તેમને ‘રાષ્ટ્રવિહીન’ દરજ્જાના મનાય છે અને તેઓ બ્રિટિશ નાગરિક તરીકે રજિસ્ટર્ડ થવાનો અધિકાર ધરાવે છે.
સગીર ‘MK’ (વાદી) વિરુદ્ધ ધ સેક્રેટરી ઓફ સ્ટેટ- હોમ ડિપાર્ટમેન્ટ (પ્રતિવાદી)નો કેસ આ વર્ષના ફેબ્રુઆરીમાં રોયલ કોર્ટ ઓફ જસ્ટિસ સમક્ષ સુનાવણી અર્થે આવ્યો હતો. આ પ્રકારની સૌપ્રથમ અરજી કોર્ટ સમક્ષ હતી, જે બ્રિટિશ નેશનાલિટી એક્ટ ૧૯૮૧ના શિડ્યુલ-૨ના ત્રીજા પેરેગ્રાફ પર આધારિત હતી.
અનામ રહેવા ઈચ્છતા અરજદાર પેરન્ટ્સે એમ કહ્યાનું મનાય છે કે,‘અમને આનંદ છે કે છ વર્ષ અગાઉ ભારતીય હાઈ કમિશને અમારી સાથે તુચ્છ વ્યવહાર કર્યો હતો. અમે અહીં વિદ્યાર્થી તરીકે આવ્યાં હતાં અને સાથે રહેવા લાગ્યાં હતાં તેથી અમારી સાથે ખરાબ વ્યવહાર થયો હતો.અમારા પુત્રનો જન્મ થયો ત્યારે ભારતીય હાઈ કમિશન સાથે તેની નોંધણી કરાવવાનું એટલું પીડાજનક અને હેરાનગતિપૂર્ણ રહ્યું કે અમારે તે પ્રક્રિયા પડતી મૂકવી પડી હતી. આજે અમારો પુત્ર ‘રાષ્ટ્રવિહીન’ દરજ્જાનો ગણાયો હોવાથી તે અમારા લાભમાં રહ્યું છે.’

