‘સાહિત્ય ઉતાવળથી નહીં સંગતથી ખુલતું હોય છે’

(મારી કલમે...)

- ભારતી પંકજ વોરા Wednesday 10th June 2026 07:03 EDT
 
 

માનવજીવનમાં કેટલીક એવી બાબતો હોય છે જે સમય, ધીરજ અને સહિયારા અનુભવથી ધીમે ધીમે ખીલે છે. સાહિત્ય પણ એવી જ એક અણમોલ સંપત્તિ છે. તેને માત્ર વાંચી લેવાથી કે સાંભળી લેવાથી સંપૂર્ણપણે સમજી શકાતું નથી. શબ્દોની પાછળ રહેલા ભાવ, અનુભવોની પાછળ રહેલી પીડા અને કલ્પનાની પાછળ રહેલું જીવન ધીમે ધીમે ખુલતું જાય છે. કદાચ એટલે જ મને વારંવાર લાગે છે, કે સાહિત્યનો સાચો આસ્વાદ ત્યારે મળે છે જ્યારે તે સહહૃદય લોકોની સંગતમાં, સંવાદોમાં અને અનુભવોની આપ-લે વચ્ચે જીવંત બને છે. તેથી કહી શકાય કે ‘સાહિત્ય ઉતાવળથી નહીં, સંગતથી ખુલતું હોય છે’.
તાજેતરમાં મને Zoom પર યોજાયેલા મુશાયરામાં જોડાવાનો અવસર મળ્યો. ટેકનોલોજીના માધ્યમથી જુદા જુદા શહેરો, જુદા જુદા દેશો, અને જુદા જુદા સમયપ્રદેશોમાં વસતા સાહિત્યપ્રેમીઓ એક જ મંચ પર ભેગા થયા. સ્ક્રીન અલગ હતી, ઘરો અલગ હતાં, પરંતુ હૃદયોની ધડકન એક હતી. કોઇ કવિએ ગઝલ રજૂ કરી, કોઈએ ગીત સંભળાવ્યું, કોઈએ અછાંદસ કાવ્ય વાંચ્યું. દરેક રચના સાથે માત્ર શબ્દો જ નહોતા આવતા; તેની સાથે જીવનના અનુભવો, સ્મૃતિઓ, સંઘર્ષો, પ્રેમ, વિરહ અને આશાના રંગો પણ આવતા હતા. શ્રોતાઓ ધ્યાનથી સાંભળતા હતા. ક્યાંક પ્રશંસાનું સ્મિત હતું, ક્યાંક સંમતિનો સ્વીકાર હતો અને ક્યાંક કોઈ પંક્તિ હૃદયને સ્પર્શી જતી હતી.
કાર્યક્રમ પૂરો થયો ત્યારે એવું લાગ્યું નહીં કે આપણે માત્ર કવિતાઓ સાંભળી. એવું લાગ્યું કે આપણે સૌએ મળીને કંઈક અનુભવ્યું છે. આ અનુભૂતિ જ સંગતની શક્તિ છે.
સાહિત્યનો ઈતિહાસ જોઈએ તો તેની શરૂઆત પણ સંગતથી જ થઈ છે. પ્રાચીન સમયમાં વાર્તાઓ પુસ્તકોમાં નહીં, લોકોના હૃદયોમાં જીવતી હતી. એક પેઢી બીજી પેઢીને કથાઓ સંભળાવતી. ગામના ચોરાહે, મંદિરના ઓટલે કે વૃક્ષની છાયામાં લોકો ભેગા થતા અને શબ્દોનું એક વિશ્વ રચાતું. ગુજરાતી સંસ્કૃતિમાં પણ સંગતનું સ્થાન વિશેષ રહ્યું છે નવરાત્રીના ગરબા હોય, રામલીલાના પ્રયોગો હોય, ભવાઈના ખેલ હોય કે લોકગીતોની મહેફિલ; આ બધું માત્ર મનોરંજન નહોતું. એ લોકોના મનને જોડવાના પ્રસંગો હતા. ગરબાનું વર્તુળ માત્ર નૃત્યનું વર્તુળ નથી; તે સમાનતા અને એકતાનું પ્રતીક છે. ત્યાં કોઇ મોટું કે નાનું નથી. સૌ એક જ તાલમાં જોડાય છે. સાહિત્યિક ગોષ્ઠીમાં પણ આવું જ થાય છે. કવિ, લેખક અને શ્રોતા - સૌ એક જ ભાવયાત્રાના સહયાત્રી બની જાય છે.
રામલીલાની વાત કરીએ તો વર્ષોસુધી ગામડાઓમાં લોકો આતુરતાથી તેની રાહ જોતા. બાળકો, યુવાનો અને વડીલો સૌ ભેગા થઈને કથાને જીવતા. એ કથા માત્ર રામ અને રાવણની નહોતી; એ માનવમૂલ્યોની, કર્તવ્યની અને આદર્શોની કથા હતી. જ્યારે કથા સામૂહિક રીતે અનુભવાય છે ત્યારે તેનો પ્રભાવ અનેકગણો વધી જાય છે. નાટકનું પણ એવું જ છે. એક પુસ્તકમાં લખાયેલા સંવાદો જ્યારે મંચ પર જીવંત થાય છે ત્યારે શબ્દોમાં નવો પ્રાણ આવે છે. દર્શકો સાથે મળીને હસે છે, રડે છે અને વિચાર કરે છે. આ સહિયારો અનુભવ જ સાહિત્યને લોકજીવન સાથે જોડે છે. આજનો સમય ઝડપનો સમય છે. માણસ પાસે માહિતી મેળવવા માટે અનેક સાધનો છે. એક ક્લિકમાં પુસ્તક મળી જાય છે. એક સ્પર્શમાં કવિતા સાંભળી શકાય છે, અને વાંચી શકાય છે. પરંતુ માહિતીની આ સરળ ઉપલબ્ધિ અને સાહિત્યની સાચી સમજ બંને એક જ વસ્તુ નથી. સાહિત્ય માત્ર શબ્દોનો સંગ્રહ નથી; તે જીવનના અનુભવો, લાગણીઓ, સંસ્કૃતિ અને માનવીય સંબંધોની અભિવ્યક્તિ છે. તેને સમજવા માટે મનને જરા થોભવું પડે અને અન્ય લોકોના અનુભવોથી પોતાને સમૃદ્ધ બનાવવું પડે. તેના માટે સંગત જરૂરી છે. આજે પણ માણસને પોતાની લાગણીઓ વહેંચવા માટે કોઈ હૃદય જોઈએ છે અને તેને સાંભળનાર અને સમજનાર લોકોની જરૂર છે.
Zoom પરનો તાજેતરનો મુશાયરો એનો સુંદર પુરાવો હતો. ભલે આપણે હજારો માઈલ દૂર હોઈએ, પરંતુ કવિતાએ અંતરને નાનું બનાવી દીધું. સ્ક્રીન પર દેખાતા ચહેરાઓ થોડા સમય પછી પરિચિત લાગવા લાગ્યા. કોઈની ગઝલમાં પોતાનો અનુભવ મળ્યો, કોઈના ગીતમાં પોતાની યાદો મળી અને કોઈની પંક્તિમાં પોતાની જ લાગણીનો પ્રતિધ્વનિ સંભળાયો. સાહિત્યની સૌથી મોટી શક્તિ કદાચ આ જ છે - તે અજાણ્યાંને પણ પરિચિત બનાવી દે છે.
ઘણીવાર લોકો પૂછે છે કે સાહિત્ય વાંચવાથી શું મળે? તેનો જવાબ કદાચ આ છે કે તે આપણને વધુ સંવેદનશીલ, દયાળું અને સમજદાર માનવી બનાવે છે. તે આપણને શીખવે છે કે દુનિયા માત્ર આપણાં અનુભવોથી બનેલી નથી. બીજા લોકોના જીવનમાં પણ આનંદ છે, આંસું છે, સંઘર્ષ છે અને સપનાઓ છે. પરંતુ આ સમજ માત્ર વાંચવાથી આવતી નથી. તે સંગતથી આવે છે જ્યારે આપણે અન્ય વાચકોને સાંભળીએ છીએ, કવિઓ સાથે વાત કરીએ છીએ, ચર્ચાઓમાં ભાગ લઈએ છીએ અને વિવિધ દૃષ્ટિકોણોને સ્વીકારીએ છીએ ત્યારે સાહિત્યના નવા દ્વાર ખુલવા લાગે છે. એક જ કવિતા દસ લોકો વાંચે તો દસ અલગ અર્થ જન્મે. આ ભિન્નતા જ સાહિત્યનો વૈભવ છે.
સંગત આપણને શીખવે છે કે દરેક અર્થમાં કંઈક સત્ય છુપાયેલું છે. તેથી સાહિત્યનો અભ્યાસ એકલતાની પ્રક્રિયા હોવા છતાં તેની પૂર્ણતા સંગતમાં છે. મને ઘણીવાર લાગે છે કે કાવ્યગોષ્ઠિ, મુશાયરો કે સાહિત્યસભા એ માત્ર કાર્યક્રમો નથી. તે મનુષ્યતાના ઉત્સવો છે. ત્યાં શબ્દો બહાનું બને છે અને હૃદયઓ મળવાનું કાર્ય કરે છે.
તાજેતરમાં Zoom મુશાયરામાં પણ આ જ બન્યું. કવિઓએ પોતાની રચના રજૂ કરી, શ્રોતાઓએ પ્રેમપૂર્વક વધાવી અને કાર્યક્રમના અંતે સૌના મનમાં એક સંતોષ હતો - આપણે કંઈક સુંદર સાથે મળીને માણ્યું છે. આ સંતોષ પૈસાથી મળતો નથી. કે પ્રસિદ્ધિથી મળતો નથી કે કોઈ સ્પર્ધા જીતવાથી પણ મળતો નથી.
આ સંતોષ સંગતથી મળે છે. આથી આજે જ્યારે સહિત્યની વાત કરીએ ત્યારે માત્ર પુસ્તકોની વાત ન કરીએ. કાવ્યગોષ્ઠીઓની વાત કરીએ, પુસ્તકચર્ચાઓની વાત કરીએ, નાટ્યપ્રયોગોની વાત કરીએ, લોકકલાઓની વાત કરીએ અને એવા દરેક પ્રસંગની વાત કરીએ જ્યાં લોકો શબ્દો અને સંવેદનાઓના માધ્યમથી એકબીજાને મળે છે. કારણ કે સાહિત્યનું સાચું ઘર પુસ્તકોમાં જેટલું છે, એટલું જ સહહૃદય લોકોની સંગતમાં પણ છે. અંતે ફરી એકવાર એ જ વાત મનમાં ગૂંજે છે - સાહિત્ય ઉતાવળથી નહીં, સંગતથી ખુલતું હોય. શબ્દો વાંચવાથી અર્થ મળે છે, પરંતુ સંગતથી અનુભવ મળે છે. અને જ્યાં અનુભવનો સ્પર્શ થાય છે ત્યાંથી જ સાહિત્યની સાચી યાત્રા શરૂ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter