‘સુપર રિચ’ હિન્દુજા ભાઈઓનો ‘લેટરબોમ્બ’: સંપત્તિનો વિખવાદ કોર્ટના આંગણે

Wednesday 01st July 2020 05:27 EDT
 
હિન્દુજાબંધુઓ- (ડાબેથી) પ્રકાશ, શ્રીચંદ, ગોપીચંદ અને અશોક
 

લંડનઃ ‘જર, જમીન અને જોરુ, ત્રણે કજિયાના છોરું’ કહેવત બ્રિટનમાં સૌથી ધનાઢય ‘સુપર રિચ’ લોકોમાં સ્થાન ધરાવતા ભારતીય મૂળના બિઝનેસ ગ્રૂપ હિન્દુજા ગ્રૂપ માટે સાચી પડી રહી છે. ચાર હિન્દુજાબંધુ વચ્ચે ૧૧.૨ બિલિયન ડોલરની સંપત્તિના વિભાજન સંબંધિત ‘લેટરબોમ્બ’ બાબતે જામેલો વિખવાદ કોર્ટના આંગણે પહોંચ્યો છે. બીજી જુલાઇ ૨૦૧૪ના પત્રમાં લખાયું છે કે કોઇપણ એક ભાઇની નામે રહેલી સંપત્તિ પર પરિવારના દરેક સભ્યની માલિકી છે અને દરેક ભાઈ અન્યને તેમના વહીવટદાર તરીકે નિયુક્ત કરશે. હિન્દુજા પરિવારના ૮૪ વર્ષીય મોભી શ્રીચંદ પરમાનંદ હિન્દુજા અને તેમની પુત્રી વિનૂએ આ પત્રને ‘અમાન્ય’ ઠરાવવા કોર્ટને વિનંતી કરી હતી. આ કેસથી સમગ્ર યુકેમાં ભારતીય મૂળના બિઝનેસ જૂથોમાં સોપો પડી ગયો છે.

ઇંગ્લેન્ડની હાઇ કોર્ટના  ચાન્સેરી ડિવિઝનમાં જસ્ટિસ સારાહ ફોકે મંગળવાર ૨૩ જૂને આપેલા આંશિક ચુકાદા સાથે યુકેસ્થિત ભારતવંશી પરિવારનો વિવાદ બહાર આવ્યો છે. જજે જણાવ્યું હતું કે અન્ય ત્રણ ભાઈ ગોપીચંદ, પ્રકાશ અને અશોક હિન્દુજાએ શ્રીચંદ હિન્દુજાના નામ પર રહેલી હિન્દુજા બેન્કનો અંકુશ મેળવવા પ્રયાસ કર્યો હતો.

જજે જણાવ્યું હતું કે શ્રીચંદ અને વિનૂ હિન્દુજાએ એવા ચુકાદા માટે વિનંતી કરી છે કે આ પત્રની કોઈ ‘કાનૂની અસર ન રહે’ અને તેનો ઉપયોગ વસિયત-વિલ તરીકે કરી શકાય નહિ. તેમણે કહ્યું હતું કે શ્રીચંદે છેક ૨૦૧૬માં એમ જણાવ્યું હતું કે જુલાઈ ૨૦૧૪નો પત્ર તેમની ઈચ્છાઓ પ્રદર્શિત કરતો નથી અને પરિવારની સંપત્તિનું વિભાજન થવું જોઈએ.

ગોપીચંદ, પ્રકાશ અને અશોક હિન્દુજાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, આ કાનૂની કાર્યવાહીની  તેમના બિઝનેસીસ પર કોઈ અસર પડશે નહિ અને ‘કાર્યવાહી અમારા સ્થાપક પિતા અને પરિવારના મૂલ્યોની વિરુદ્ધ જાય છે’. તેમણે કહ્યું હતું કે,‘ દાયકાઓથી આ મૂલ્યો અને ખાસ તો ‘પરિવારની સંપત્તિ પર બધાનો હક છે અને કોઈ એકનો માલિકી હક નથી’ સિદ્ધાંત ચાલી આવે છે.’

ત્રણ ભાઈએ જણાવ્યું હતું કે જો આ દાવો સફળ થશે તો હિન્દુજા બેન્કમાં તમામ શેરહોલ્ડિંગ સહિત શ્રીચંદના નામ પર રહેલી મિલકતો તેમની પુત્રી અને તેના પરિવાર હસ્તક ચાલી જશે. જજે જણાવ્યું હતું કે શ્રીચંદ તેમના ધારાશાસ્ત્રીઓને સૂચના આપવા સક્ષમ નથી અને તેમના વતી કામ કરવા વિનૂને નિયુક્ત કરી હતી.

વિશ્વના સુપર રિચ લોકોમાં હિન્દુજા પરિવારનો સમાવેશ થાય છે. તેમની સંપત્તિનો મોટો હિસ્સો  પારિવારિક બંધનથી જોડાયેલા હિન્દુજા ગ્રૂપમાંથી આવે છે જેની સ્થાપના એક સદી અગાઉકરતા વધુ સમયથી થયેલી છે. તેની વેબસાઈટ અનુસાર આજે ગ્રૂપ ૪૦થી વધુ દેશમાં ફાઈનાન્સ, મીડિયા અને હેલ્થ કેર સહિતના ક્ષેત્રોમાં ઈન્વેસ્ટમેન્ટ્સ ધરાવે છે.

ચાર હિન્દુજા ભાઈઓ મુંબઈસ્થિત ગ્રૂપનું સંચાલન કરે છે, જે કોરોના મહામારીમાંથી ઉદ્ભવેલી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. હિન્દુજા ગ્રૂપના ઓટોમોટિવ યુનિટના અંકુશ હેઠળના ભારતીય ટ્રક ઉત્પાદક અશોક લેલેન્ડ લિમિટેડના શેરના ભાવમાં માર્ચમાં ૩૩ ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં ભારે ઘટાડાથી આ ગ્રૂપના ગલ્ફ ઓઈલ ઈન્ટરનેશનલને પણ મુશ્કેલી નડી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter