‘સુપર સેટરડે’માં મદમસ્ત બ્રિટિશરો ઝૂમ્યાઃ પબ્સમાં જઈ ૧૦૪ દિવસની તરસ બુઝાવી

સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોની અવહેલનાઃલંડનના સોહો અને બરો માર્કેટ વિસ્તારોમાં તો કીડિયારું ઉભરાયુંઃ દેશભરના ૨૩,૦૦૦ જેટલા સ્થળોએ ૧૫ મિલિયન પિન્ટ શરાબ ગટગટાવાયોઃ લેસ્ટરવાસીઓ નિરાશ

Wednesday 08th July 2020 01:22 EDT
 
 

લંડનઃ સમગ્ર યુકેમાં ૧૦૪ દિવસ પબ્સ અને રેસ્ટોરાં પરના લોકડાઉન નિયંત્રણો ૪ જુલાઈના ‘સુપર સેટરડે’એ હળવાં કરી દેવાયાં સાથે બ્રિટિશ નાગરિકો તેમના ‘ઉપવાસ’ તોડી મદમસ્ત બન્યા હતા. માર્ચ મહિના પછી પબ્સમાં તેમની પહેલી મુલાકાતે જ ‘તરસ્યા’ લોકો દેશના ૨૩,૦૦૦ જેટલા સ્થળોએ ૧૫ મિલિયન પિન્ટ બિયર-શરાબ ગટગટાવી ગયા હતા અને ઉત્સાહ સાથે આખી રાત શેરીઓમાં નાચ્યા-કૂદ્યા હતા. મોટા ભાગના બ્રિટિશરોએ ૧ મીટરના સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પાલન કર્યું ન હતું. લંડનના સોહો અને બરો માર્કેટ વિસ્તારોમાં તો જાણે કીડિયારું ઉભરાયું હતું. લેસ્ટરમાં લોકડાઉન ફરી લાગુ કરાયું હોવાથી નવા વર્ષની પૂર્વસંધ્યા કરતાં પણ વધુ પોલીસ ખડકી દેવાઈ હતી. તેના પડોશી વિસ્તાર નોટિંગહામશાયરમાં પબમાલિકોએ અરાજકતા સર્જાવાના કારણે બાર વહેલા બંધ કરી દીધા હતા. જોકે, કેટલાક વિસ્તારોમાં પબ્સ અને બારની સરખામણીએ હેર સલૂન્સ અને બાર્બર્સને ત્યાં વધુ લાઈન જોવાં મળી હતી.

દેશભરમાં ચોથી જુલાઈના ‘સુપર સેટરડે’ના દિવસે પબ્સ, બાર અને રેસ્ટોરાં ખુલ્લાં મૂકી દેવાયાં પછી બ્રિટિશરો ત્રણ મહિનાના કડક વિરામ પછી બિયર અને શરાબની મોજ માણવા ઉમટી પડ્યા હતા. લંડનના સોહો ડિસ્ટ્રિક્ટ સહિત અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોએ ૧ મીટરના નવા સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોની અવગણના કરી શરાબપાન સાથે નાચગાન કર્યા હતા. મોટા ભાગના નાચગાન શાંતિપૂર્ણ રહ્યા હતા. નિષ્ણાતોએ કહ્યું હતું કે લોકોએ દેશભરના ૨૩,૦૦૦ જેટલા સ્થળોએ ૧૫ મિલિયન પિન્ટ એક જ દિવસમાં ગટગટાવી તરસ છીપાવી હતી.

ભારે નશામાં જમીન પર પડી ગયેલા અને ઉલટીઓ કરતા લોકોને તાત્કાલિક સારવાર આપવા પેરામેડિક્સ કામે લાગી ગયા હતા. ડેવોન અને કોર્નવોલમાં પોલીસને શરાબપાન સંબંધિત ૧,૦૦૦થી વધુ રિપોર્ટ્સ મળ્યા હતા જ્યારે વેસ્ટ યોર્કશાયર પોલીસને બ્રેડફોર્ડ નજીકના ગામે સલામતીની ચિંતાનો કોલ મળ્યો હતો. એસેક્સમાં શરાબપાન પછી બોલાચાલી સંબંધે બ્રેન્ટવૂડ હાઈ સ્ટ્રીટ ખાતે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી. લેસ્ટરશાયર અને નોટિંગહામશાયરમાં અસામાજિક વર્તનની ઘટનાઓ નોંધાઈ હતી જેના પરિણામે, બાર વહેલા બંધ કરવાની ફરજ પડી હતી.

બોરિસની શીખામણ ઝાંપા સુધી

સરકારની નવી ગાઈડલાઈન્સમાં બે પરિવારોના સમૂહને અન્યોથી એક મીટરના સામાજિક અંતર સાથે પબ્સમાં મળવાની તેમજ અલગ અલગ પરિવારોના છ સભ્યોના જૂથને બહાર એકત્ર થવાની છૂટ અપાઈ હતી. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને યુકે હજુ મુશ્કેલીમાંથી બહાર આવ્યું ન હોવાની ચેતવણી સાથે સાવચેતી રાખવા સલાહ આપી હતી.

ઘણા આરોગ્ય નિષ્ણાતોએ સમગ્ર દેશમાં R નંબર ૦.૭થી ૦.૯ વચ્ચે હોવાનું જણાવી કોરોના વાઈરસના બીજા આક્રમણની શંકા દર્શાવી છે. લંડનમાં R આંક ૧ નજીક સરકી રહ્યો છે. કોરોના કેસીસમાં ઉછાળો આવતા જ લેસ્ટરમાં ફરી લોકડાઉન લાદવાની ફરજ પડી છે. આમ છતાં, માર્ચ મહિના પછી પહેલી વખત ખુલેલાં પબ્સ, બાર અને હેર સલૂન્સમાં જવાં તેમજ લગ્નો યોજવા તરફ લોકોએ દોડ લગાવી છે.

બિયર, વાઈન, સિડારના ભાવ વધારી દેવાયા

ડ્રિન્કર્સને તરસ છીપાવવામાં ભાવવધારાનો સામનો કરવો પડ્યો હતો. વીધરસ્પૂન્સ સહિતની પબ ચેઈન્સે ત્રણ મહિનાના ધંધાની ખોટને થોડીઘણી સરભર કરવા બિયર, વાઈન, સિડાર અને સ્પિરિટ્સના ભાવ વધારી દીધા હતા. સસ્તા આલ્કોહોલ માટે જાણીતા અને ૯૦૦ પબ્સ સાથેની વીધરસ્પૂન્સે બિયર, વાઈન અને સ્પિરિટ્સના ભાવમાં ૧૦ પેન્સનો વધારો કર્યો હતો. ઘણા સ્થળોએ ભોજનમાં ૨૦ પેન્સ વધારાયા હતા. જોકે, ઉત્સાહી લોકોને તેનાથી ખાસ ફરક પડ્યો ન હતો. પબ ચેઈન્સની કેમ્બ્રિજમાં ધ રીગલ તેમજ અન્યત્ર લોકોએ પ્રવેશ મેળવવા એક કલાકથી વધુ રાહ જોઈ હતી. ઘણી પબ્સમાં આગોતરા બૂકિંગ સાથે જ પ્રવેશ અપાયો હતો.

ઘણા પબમાલિકોએ તે મધરાતથી જ બાર ખોલી દેવાની તૈયારી કરી હતી પરંતુ, ડાઉનિંગ સ્ટ્રીટે સવારના ૬ વાગ્યા પછી જ ખોલી શકાય તેવા નિયમનો કડકાઈથી અમલ કરતા મોટા ભાગની પબ્સ અને બાર સવારે ૭ વાગ્યે ખુલ્યાં હતાં. લોકોએ બિયર અને શરાબની તરસ છીપાવવા બારની બહાર લાઈનો લગાવી દીધી હતી.

લેસ્ટરમાં લોકડાઉનનો અમલ કડક

લેસ્ટરમાં કોરોના વાઈરસ સંક્રમણમાં ઉછાળા પછી ગત સપ્તાહે ફરી લાગેલા લોકડાઉનનો અમલ કડક રહ્યો હતો. તમામ પબ્સ બંધ રહી હતી અને લેસ્ટરવાસીઓ ડ્રિન્ક માટે લોકડાઉન બાઉન્ડરી ઓળંગી બહાર જઈ શકતા ન હતા. રહેવાસીઓ પણ ટ્રેઈન દ્વારા પ્રવાસથી નિયમભંગ કરવા તૈયાર દેખાયા નહિ. લેસ્ટર સ્ટેશન ખાલી હતું અને કોઈ વ્યક્તિ બિયરનો આનંદ મેળવવા નિયમભંગ કરવા માગતો હોય તેણે સંખ્યાબંધ પોલીસ અધિકારીઓની પૂછપરછનો સામનો કરવો પડતો હતો. જોકે, આવું સાહસ કરનારા કેટલાક લોકોએ ગર્લફ્રેન્ડને મળવા જવાનું બહાનું આગળ ધર્યું હતું જે અતિ આવશ્યક કામ ન હોવાથી પોલીસે તેમને પાછા વાળ્યા હતા. લોકડાઉન નિયમોનો અમલ કરાવવા પોલીસે નવા વર્ષની પૂર્વસંધ્યા કરતા પણ વધુ સંખ્યામાં ઓફિસરોને ડ્યૂટી પર ગોઠવી દીધા હતા. નિયમભંગ કરનારા લોકો અથવા બિઝનેસીસ માટે ૩,૨૦૦ પાઉન્ડ સુધીના દંડનો સામનો કરવાની સત્તા આપી છે. બીજી તરફ, સ્થાનિક લોકડાઉન ઝોનમાં નહિ આવતા માર્કેટ હારબરોમાં પોલીસને અસામાજિક વર્તન અને અરાજકતા ફેલાવતા તત્વોને વિખેરવા વિશેષ સત્તા અપાઈ હતી. લેસ્ટરમાંથી ઘણા પબ મુલાકાતીઓએ લેસ્ટર લોકડાઉન ઝોનથી માત્ર ૫૦ મીટરના અંતરે બ્લાબીના ધ બ્લેક હોર્સ પબની બહાર લાઈન લગાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter