આંતરરાષ્ટ્રીય સ્તરે સુવિખ્યાત ભારતીય શાસ્ત્રીય સંગીતજ્ઞ પં. જસરાજજીએ સોમવાર ૧૭ ઓગષ્ટ ૨૦૨૦ની વહેલી સવારે અમેરિકાના ન્યુ જર્સી ખાતે નવ દાયકાનું આયુ પૂર્ણ કરી જીવનલીલા સંકેલી લેતાં શાસ્ત્રીય સંગીત જગતમાં શૂન્યાવકાશ સર્જાયો. પંડિતજી એમનાં પત્ની મધુરાબેન (જાણીતા ફિલ્મ નિર્માતા વ્હી. શાંતારામની દિકરી), પુત્ર સારંગદેવ પંડિત અને દિકરી દુર્ગા જસરાજ સાથે ઘણા સમયથી અમેરિકામાં સ્થાયી થયા હતા. સંગીત માર્તંડને ૧૯૭૫માં પદ્મશ્રી, ૧૯૯૦માં પદ્મ ભૂષણ અને ૨૦૦૦માં પદ્મ વિભૂષણ આદી પ્રતિષ્ઠિત ખિતાબો મળ્યા હતા. ક્લાસીકલ મ્યુઝીકના ઇતિહાસમાં એમનું નામ સ્વર્ણ અક્ષરે લખાશે.
સંગીત માર્તંડના ઇશ્વરધામમાં ગયાના સમાચાર વાયુવેગે પ્રસરતા અમે અંજલિ સંદેશઓ માટે સૌ પ્રથમ લંડનના ભારતીય વિધ્યા ભવનના ચેરમેન ડો. નંદકુમારનો સંપર્ક સાધ્યો. એમણે જણાવ્યું કે, “પંડિતજી એમના યુગના એક ઉત્તમ કક્ષાના વોકલીસ્ટ હતા. એમના આવાજમાં ગહેરાઇ અને મીઠાશ હતી જે સાંભળનારાના હ્દયમાં કાયમી સ્થાન મેળવી લે એવી હતી. તેઓ ખૂબ જ સરળ વ્યક્તિ હતા. ભારતીય વિધ્યા ભવનના એ ખૂબ જ ચાહક અને પ્રશસ્તિકર્તા હતા. ૧૯૮૦ના દાયકાની શરૂમાં લંડન આવ્યા ત્યારથી ભવન સાથેના એમના સંબંધો વધુ ગાઢ બન્યા. લંડન આવે તો અચૂક ભવનનો સંપર્ક કરે.
તેમણે ભવનમાં ઘણાં કોન્સર્ટ અને વર્કશોપ્સ કર્યા છે. એમનો ચાહક વર્ગ વિશાળ છે.
ભવનની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે તેઓ સપરિવાર, કલાકારો સહિત કાર્યક્રમ આપવા આવ્યા ત્યારે ઉતારો અમારા સાદા નિવાસસ્થાનમાં આપ્યો હતો પરંતુ એમની કોઇ મોટી અપેક્ષાઓ નહિ! સરળતા અને સાદગી, મળતાવડો સ્વભાવ સૌ સાથે આત્મીયતા બાંધી લેતા. ભવનના એ યાદગાર કાર્યક્રમમાં તબલા સંગત જાણીતા તબલાવાદક ઝાકીર હુસેને અને હાર્મોનિયમ સંગત એમના શિષ્યા અલ્પા જલગૌડેએ કરી હતી. ભવનના કાર્યક્રમમાં મેં આભારવિધિ કરતાં "એમની ૩૫ વર્ષીય સંગીત સફર વર્ણવતાં “હિન્દુસ્તાની ક્લાસીકલ લેજન્ડ માત્ર જસરાજ જ નહિ પણ રસરાજ" પણ છે કહ્યું તો એ પ્રાસથી તેઓ ખૂબ જ પ્રભાવિત થઇ ગયા હતા. એમના ભત્રીજા દિનેશ પંડિત લંડનમાં રહે છે એમના ઘરે મીની કોન્સર્ટમાં મને યાદ કરી બોલાવ્યો એ એમની મહાનતા હતી. પંડિતજી જસરાજનો અવાજ સદીઓ સુધી એમના ચાહકોના દિલમાં ગૂંજતો રહેશે.”
સંગીત, સાહિત્ય, કલા, ધર્મ અને ભાષા પ્રેમી હસુભાઇ માણેકે કહ્યું કે, તમે એમને રુબરૂ મળ્યા ન હો તો પણ “એમનું વ્યક્તિત્વ જ એવું હતું કે, જેમણે એમને સાંભળ્યા હોય એમને લાગે કે એ એમની નજીક છે"
આપણા સૌના જાણીતા સંગીતકાર માયા દીપકે પોતાનો પં. જસરાજજી સાથેનો અનુભવ જણાવતાં કહ્યું કે, “ હું આજે ૧૫ વર્ષ પહેલાની વાત કરી રહી છું. મારી ખાસ મિત્ર કૃષ્ણા જે લંડનમાં રહે છે જે પૂ.જસરાજજીની શિષ્યા...એમની પાસે શીખે.એ વખતે લંડનમાં હું એના ઘરે જ રોકાતી. લંડનના એના ઘરે રોકાણ દરમિયાન એક વખત એણે મને કહ્યું, માયા ગુરુજી અમેરિકાથી અહિં એક કાર્યક્રમ આપવા આવી રહ્યા છે અને ચાર દિવસ હોટેલમાં રોકાવાના છે પણ જમવાનું આપણા ઘરેથી મોકલવાનું છે. છેલ્લા દિવસે ગુરુજીએ ઘરે જમવા આવવાની અને કૃષ્ણાની મમ્મીને મળવાની ઇચ્છા દર્શાવી. કૃષ્ણા એમને હોટેલથી ઘરે કારમાં લેવા ગઇ. રસ્તામાં એણે મારી યમુનાષ્ટકની જુદા જુદા રાગમાં ગાયેલી સી.ડી.વગાડી તો ગુરુજીએ પૂછ્યું, બેટા, આ કોણ ગાય છે. સારો અવાજ છે. એ ઘરે આવ્યા. હું ઘરમાં જ હતી. કૃષ્ણાએ મારી ઓળખાણ કરાવી. ગુરુજીએ અચાનક જમ્યા બાદ મને એક ગુજરાતી ભજન ગાવા કહ્યું. એ મારા આદર્શ ગુરૂ હતા. એમની સામે ગાવાનો સંકોચ થયો. એ મારી મૂંઝવણ કળી ગયા. મેં મનમાં આવ્યું એ એક ભજન ગાયું. એ અણમોલ સંભારણું મારા માટે આશીર્વાદ સમાન બની ગયું"
૧૯૯૪થી પં.જસરાજજીએ શિષ્યા તરીકે સ્વીકારેલ કૃષ્ણા જોષીએ પદ્મશ્રી ગુરુજીની શિક્ષા પધ્ધતિના વખાણ કરતાં જણાવ્યું કે, પ્રેમપૂર્વક, શાંતિપૂર્વક શીખવાડવાની પધ્ધતિ દાદ માગી લે એવી હતી. છેલ્લે આ વર્ષના જુન મહિનામાં અને જુલાઇ મહિનામાં વાર્ષિક શીબીરમાં ઝુમ પર અમેરિકાથી આપેલ સંગીત તાલીમમાં મેં ભાગ લીધો હતો એ જીવનમાં કદીય નહિ ભૂલાય. તેઓ હંમેશા શિષ્યની જરૂરિયાતને મહત્વ આપતા. ગુરુજીને મળવા જ્યારે પણ મારા કોઇ સંબંધીને લઇને જઉં તો સૌને પ્રેમથી મળતા. મારા મમ્મી તો એમના અતિપ્રિય હતાં. એમના પવિત્ર આત્માને ભગવાનના ધામમાં સુખ, સમૃધ્ધિ અને સંગીત મળે એવી પ્રાર્થના.
સદનસીબે મને પણ પં. જસરાજજીને મળવાનો, સંભળવાનો અને ઇન્ટરવ્યુ લેવાનો અવસર મળ્યો હતો. લંડનમાં ક્વીન એલિઝાબેથ હોલમાં નવરસના ઉપક્રમે સંગીત સંધ્યા યોજાઇ હતી. એ વખતે રસપ્રદ વાર્તાલાપ યોજાયો હતો જેની ઝલક : આપના મેવાતી ઘરાનાની વિશેષતા કઇ? જવાબ: અમે ભગવદ્ ભક્તિ તરફ વધુ ઢળેલ છે. સ્વર એ જ ઇશ્વર છે. એટલે ઇશ્વર મધ્ય નજરે રાખી રચાયેલ સંગીત ઇશ્વરના ચરણોમાં જ સમર્પિત કરીએ છીએ. કંઠ એ ઇશ્વરની કૃપા છે. ભગવાન વિષ્ણુએ ખુદ કહ્યું છે, “મારો વાસ મારા ભક્તોના સૂરમાં છે’.
અમારા કટુંબમાં ચાર પેઢીઓથી સંગીત ચાલ્યું આવે છે. મારા પિતા મોતીરામ, મોટાભાઇ પં.મણિરામ પણ જાણીતા સંગીતકાર હતા. સંગીત અમારું જીવન છે. પંડિતજીએ ૩૦૦ જેટલી બંદિશ બનાવી છે. અને જસરંગી રાગનું કમ્પોઝીશન કરેલ છે. દેશવિદેશમાં અસંખ્ય કાર્યક્રમો આપી ભારે લોકચાહના મેળવી છે. એમનું પ્રિય ભજન કાલીકા માતાનું "માતા કાલીકા, મહાકાલ મહારાણી, જગત જનની ભવાની" છે. એમના પ્રિય રાગો દરબારી, ભૈરવ અને પુરીયા છે.
તેઓશ્રી એમના કોન્સર્ટની શરૂઆતમાં અને સમાપનમાં "જય હો. પંચોમેં પરમેશ્વર...” બોલે છે એનું મહત્વ દર્શાવતા કહે છે, ભગવાનનો વાસ બધામાં છે. આત્મા એ જ પરમાત્મા" આ વાક્યો આપોઆપ મારા મુખમાંથી નીકળે છે.
પં. જસરાજજી આપણી વચ્ચે સદેહે નથી પરંતુ સૂરોમાં સદાય જીવંત રહેશે. જય હો જસરાજજી.