વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન જીવનમાં ઘણાં સકારાત્મક પરિવર્તન આવશે. કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવા માંગતા હો તો એને આગળ વધારી શકશો. કાર્યસ્થળે તમારી જવાબદારીમાં વધારો થવાની શક્યતા રહેશે. આર્થિક રીતે નવા સ્ત્રોતો પ્રાપ્ત કરશો. વિદેશ અથવા ધાર્મિક યાત્રાના કારણે ખર્ચામાં વધારો થશે. વ્યવસાયિક સમસ્યાનો ઉકેલ લાવી શકાય. કલા અને સર્જનાત્મક પ્રવૃત્તિ તરફ રસરુચિ વધે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ જીવનમાં નકારાત્મક દૃષ્ટિકોણ રાખતા હો તો હવે એને બદલવાની જરૂર રહેશે. તમારી નોર્મલ દિનચર્યામાં ફેરફાર જરૂરી બને. વાણી-વર્તન પર કંટ્રોલ રાખશો તો નકામી દલીલબાજીમાંથી બહાર આવી શકશો. નોકરી-વ્યવસાયમાં અપેક્ષિત લાભ મેળવવા હજી થોડી રાહ જોવી પડશે. નોકરીમાં કાર્યબોજ તણાવની પરિસ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. આર્થિક મોરચે એકાદ-બે બાબતને બાદ કરતાં સંજોગ નોર્મલ રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ ગ્રહયોગ અનુસાર સપ્તાહ દરમિયાન મિશ્રિત પરિણામ મેળવશો. મહેનત અને પ્રયત્નોનું ફળ પ્રાપ્ત કરી શકશો. નાણાકીય મુશ્કેલીમાંથી હાર આવવાના રસ્તા મળશે. વ્યવસાયના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતાં પહેલાં કોઈ યોગ્ય વ્યક્તિ સાથે સલાહસૂચન અવશ્ય લેશો. નોકરીમાં મેનેજમેન્ટને લગતા કાર્ય સાથે સંકળાયેલા વ્યક્તિને ઘણી સારી તકો હાથમાં આવશે, જે આપના જીવનમાં સફળતા લાવશે.
• કર્ક (ડ,હ)ઃ નસીબના આધારે બેસી રહેવા કરતાં મહેનત અને પ્રયત્નો ચાલુ રાખશો તો અચૂક સફળ થશો. મનનો બોજો થોડો ઓછો થતો જોવા મળે. નાણાકીય પ્રશ્નો હજી થોડા ગૂંચવાયેલા રહેશે. વાહન-મિલકત સંબંધી કોઈ સમસ્યાને કારણે થોડી મુશ્કેલી વધી શકે છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિલંબ જોવા મળે. કારકિર્દી સંદર્ભે હજી થોડી સાવધાનીથી આગળ વધવું સલાહનીય રહેશે. ઔદ્યોગિક રોકાણો માટે સમય અનુકૂળ રહેશે.
• સિંહ (મ,ટ): ચિંતા અને દુઃખદર્દને વિસરી આનંદ-ઉત્સાહ સ્ફૂર્તિથી તમારા કામમાં વ્યસ્ત રહેશો તો દરેક સમસ્યા આપોઆપ ઉકેલાતી જોવા મળે. નોકરી-ધંધા તેમજ ઘર-પરિવારના કોઈ પ્રશ્નો માટે અંગત વ્યક્તિના સલાહસૂચન સાથે આગળ વધી શકો છો. ઇલેકટ્રિક, બિલ્ડીંગવર્ક તેમજ સોના-ચાંદીના વ્યવસાય માટે તેજીનો સમય જોવા મળશે. જીવનસાથીના આરોગ્ય બાબતે થોડી કાળજી રાખવી જરૂરી.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં મહત્ત્વની યોજના કે આયોજન હાથ પર લીધા હશે તો સફળતાપૂર્વક પાર પાડી શકશો. આપના માન-સન્માનમાં વધારો થતો જોવા મળશે. નોકરીના ક્ષેત્રમાં સારી એવી પ્રોત્સાહિત કામગીરી થકી વાહવાહ મેળવી શકશો. નાણાકીય પરિસ્થિતિને વધુ મજબૂત બનાવવા માટેના પ્રયત્નો અહીં સફળ થાય. મકાન-સંપત્તિને લગતા કોર્ટકચેરીના કાર્યો હજી વિલંબિત થાય. અકસ્માતથી સાચવવું જરૂરી.
• તુલા (ર,ત)ઃ વર્તમાન સંજોગોમાં આપને કોઈ અણધાર્યો ફાયદો થાય. તકનો લાભ લઈ લેજો. મોટી લાલચમાં ન ફસાઇ ન જાવ એનું પણ ખાસ ધ્યાન રાખજો. વ્યવસાયિક કામગીરી માટે વધુ દોડધામ રહે. વિદેશપ્રવાસના યોગ છે. મિત્રો-સ્વજનો સાથેની મુલાકાત આપના માટે લાભદાયી પુરવાર થાય. અવિવાહિત વ્યક્તિ માટે પાર્ટનરની શોધખોળ પૂરી થાય. માતાપિતાના સ્વાસ્થ્ય બાબતે થોડી વધુ કાળજી રાખવી જરૂરી.
• વૃશ્ચિક (ન,ય)ઃ આપનો આ સમય પ્રવૃત્તિશીલ અને સક્રિય કાર્યોમાં પસાર થશે. આર્થિક પરિસ્થિતિ હજી યથાવત્ રહેશે. ખર્ચાઓને થોડાં કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરશો તો થોડીઘણી રાહત મેળવી શકશો. પરિસ્થિતિ મુજબ પગલાં ભરવા અતિ આવશ્યક જણાય. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં ધીમે ધીમે પરિસ્થિતિ સુધરતી જણાય. નોકરી માટે સ્થળ પરિવર્તન ઇચ્છતા હશો તો શક્ય બનશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારી એનર્જીનો ઉપયોગ કોઈ સારા કાર્યો માટે કરશો, અને તેનો પોઝિટિવ લાભ પણ મેળવશો. તમારા ગુસ્સાને કાબૂમાં રાખવાથી ઘણા કામ આપમેળે જ પૂરા કરી શકશો. સંતાનોની લગતી સમસ્યાઓનું સમાધાન મળવાથી ચિંતા દૂર થાય. આવકની દૃષ્ટિએ થોડી સમસ્યાનો સામનો કરવો પડશે. કાર્યક્ષેત્રે વ્યસ્તતામાં થોડોક વધારો જોવા મળે. પરિવારના સુખ-શાંતિ જાળવી રાખવાના પ્રયત્નો તમારે જ કરવા પડે.
• મકર (ખ,જ)ઃ ગ્રહયોગોની દૃષ્ટિ તમારા ભાગ્ય માટે ઉત્તમ પરિસ્થિતિનું નિર્માણ કરશે. તમારા સપનાંઓ અને આશાઓને પરિપૂર્ણ કરવામાં ભાગ્ય તમારો સાથ આપશે. આર્થિક સ્થિતિમાં વધુ સદ્ધરતા પ્રાપ્ત કરશો. મીડિયા અને ટેકનોલોજી ક્ષેત્રના કામકાજ સાથે સંકળાયેલા લોકોને ઉત્તમ પ્રગતિકારક તકો હાથ લાગે. માતાપિતાના સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતા રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં થોડો ઉદ્વેગ અને ઉચાટ અનુભવશો. મેડિટેશન દ્વારા મનોસ્થિતિને અંકુશમાં રાખી શકશો. તમારી પ્રતિભાને સમજી યોગ્ય દિશામાં કામ કરશો તો અચૂક સફળતા હાંસલ કરશો. આર્થિક સ્થિતિ કાબૂમાં રાખવા માટે ખર્ચા પર નિયંત્રણ આવશ્યક બની રહેશે. કાર્યક્ષેત્રમાં જરૂરી ફેરફાર લાવશો તો એ આપના જ ફાયદામાં રહેશે. માંગલિક પ્રસંગોને કારણે ઉમંગ-ઉલ્લાસ અનુભવશો. પ્રવાસથી લાભ થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ કોઈક પ્રભાવશાળી વ્યક્તિ થકી લાભ મેળવશો. ધારેલા કાર્યને પૂર્ણ કરવા માટે અથાગ મહેનત કરવી પડે. સફળતા અચૂક હાથ લાગશે. શેરસટ્ટાથી બચીને રહેવું જરૂરી, નહિ તો મોટા નુકસાનના ભોગ બનવું પડે. નોકરીમાં સ્થળાંતરના યોગ છે. વ્યવસાયિક ગતિવિધિ હાલ થોડી ધીમી ગતિથી આગળ વધતી જોવા મળશે. કામકાજ સાથે પારિવારિક જવાબદારી પ્રત્યે પણ સજાગતા દાખવવી જરૂરી રહેશે.


