વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ આ સમય તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ મોકળો કરશો. તકને ઝપી લેશો તો ફાવશો. સપ્તાહ દરમિયાન થોડી વધુ પારિવારિક જવાબદારી તમારા શીરે રહેશે. નાણાકીય મામલે થોડી ચિંતા રહેશે. ખર્ચાઓને પહોંચી વળવાની જોગવાઈ કરવા માટે ખૂબ મહેનત કરવી પડે. વ્યવસાય-ઉદ્યોગમાં કોઈ પણ જાતના નિર્ણયોમાં ઉતાવળ કરશો નહીં. વિદ્યાર્થીઓ માટે સમય લાભકારક પુરવાર થાય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન ભવિષ્યના કેટલાક કાર્યો માટે જે શરૂઆત ઇચ્છતા હશો એ શક્ય બની શકે છે. તમારા ફસાયેલાં નાણાં પરત મળતા આર્થિક રીતે થોડી રાહત અનુભવશો. વ્યવસાયિક ક્ષેત્રે નવી ભાગીદારીથી લાભ મેળવી શકશો. નોકરીમાં કામની થોડી વધુ જવાબદારી રહેશે. પરિવાર સાથે થોડો સારો સમય વ્યતીત કરી શકશો. મહત્ત્વના કામકાજો પૂર્ણ થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ સમય થોડો કસોટી કરનારો જણાય, જે સમસ્યાઓના ઉપાય શોધવા માંગો છો એ હજી વણઉકેલ રહેશે. જોકે કોઈ વ્યક્તિની સલાહથી આગળ વધશો તો થોડી ઘણી રાહત અનુભવશો. કાર્યક્ષેત્રમાં આપના પ્રયત્નો ચાલુ રાખશો. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે. આર્થિક સ્થિતિ સુધરતી જોવા મળે. જીવનસાથી સાથેના મતભેદ દૂર થતાં જણાય.
• કર્ક (ડ,હ)ઃ સરકારી કામકાજ અથવા તો રાજકારણમાં હોય એવા વ્યક્તિઓ માટે થોડો વિપરિત સમય પસાર થાય. થોડું ટેન્શન વધતું જોવા મળે જેની અસર સ્વાસ્થ્ય ઉપર પણ જોઈ શકાય. નાણાકીય બાબતોમાં આવક-જાવકનું પ્રમાણ યથાવત્ રહેશે. મકાન-વાહનની ખરીદીની બાબતમાં હજી થોડો સમય રાહ જોવી પડશે. કોર્ટ-કચેરીની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં રહેશે. જોકે થોડીક નુકસાની પણ ભોગવવી પડશે.
• સિંહ (મ,ટ): કાર્ય કરતી વખતે ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલ થઈને કામગીરી કરશો તો સફળતા મેળવી શકશો. આર્થિક મામલે હવે સમય સારો રહેશે. બાકી નીકળતાં નાણાં પરત મેળવી શકાય. વ્યવસાય-નોકરીમાં તમારા સહકર્મચારીઓ સાથેના કામની રકઝકમાં પડશો તો સંબંધોમાં ખટાશ આવી શકે છે. મકાન રિનોવેશનના કામકાજમાં ખાસ કાળજી રાખવી. નહીં તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવી સ્થિતિ પેદા થઈ શકે છે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ જીવનમાં દરેક બાબતોમાં શિસ્તપાલન જરૂરી છે. જો આ બાબતો પર પૂરતું ધ્યાન નહીં આપો તો પરિસ્થિતિ ડામાડોળ બની જશે. વ્યવસાયિક ક્ષેત્રે નવી કામગીરી ચાલુ કરતાં પહેલાં દરેક બાબતની પૂરેપૂરી જાણકારી મેળવી લેજો. જીવનસાથી સાથે સંબંધોનો તાલમેલ જાળવવાની જવાબદારી તમારા ઉપર રહેશે. સંતાનોના જીવનની સમસ્યાઓનું સમાધાન શોધવામાં સફળતા મળશે.
• તુલા (ર,ત)ઃ સમયની કિંમતને ઓળખો, યોગ્ય સમયે કામ ન કરવાથી તમારું જ નુકસાન થશે. આર્થિક રીતે સમય થોડો મધ્યમ રહેશે. નોકિરયાતે ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાન પર ફોકસ કરવું ફાયદાકારક રહેશે. મકાન-મિલકતના રિનોવેશનનું કામ પાર પડશે. કોર્ટ-કચેરીમાં વિજયયોગ છે, પરંતુ ડોક્યુમેન્ટ્સ બાબતે જરાસરખી પણ ચૂક ન રહી જાય તે જોવું રહ્યું.
• વૃશ્ચિક (ન,ય)ઃ નકારાત્મક્તાને ખંખેરીને સકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રીત કરવું રહ્યું. થોડું આત્મચિંતન પણ જરૂરી રહેશે. વ્યવસાય-નોકરીમાં મહત્ત્વપૂર્ણ સંપર્ક સ્થપાશે, જે લાંબા ગાળે તમારા માટે ફાયદાકારક રહેશે. પરિવારના સભ્યો સાથે આનંદનો સમય વ્યતીત થાય. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી તકલીફ રહેશે, પરંતુ તે કામચલાઉ હશે. વિદેશમાં ભણવા જવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓને સપનાં સાકાર થતાં જણાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ બહારનું વાતાવરણ થોડી શારીરિક મુશ્કેલી તેમજ સુસ્તી ઊભી કરી શકે છે. કાળજી રાખશો તો તમારા નિર્ણયો થકી મહત્તવપૂર્ણ કામગીરીમાં સફળતા મેળવી શકશો. વ્યવસાયિક કામગીરીમાં બીજાના મંતવ્ય ધ્યાને લેશો. નોકિરયાત વ્યક્તિઓએ ગુસ્સા પર થોડો કંટ્રોલ રાખવો જરૂરી રહેશે. જીવનસાથી સાથેના મતભેદ વધી શકે છે જેથી કાળજી રાખવી જરૂરી.
• મકર (ખ,જ)ઃ આ સમય થોડો મિશ્ર જોવા મળશે. કોઈ કામગીરીમાં સફળતાં સાંપડશે તો કોઈ કામો અટકતાં જોવા મળે. જે વ્યક્તિઓ તમારા સપોર્ટમાં હોય તેઓ પણ અમુક વાતે તમારાથી નારાજ જોવા મળે. પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે. આવકના નવા સ્ત્રોત ઉભા થતા જણાય. વિઝાને લગતી કામગીરીમાં રાહત જોઈ શકશો. કરિયર સંબંધિત મહત્ત્વપૂર્ણ કામગીરી હાથ ધરી શકશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આર્થિક મામલે આ સપ્તાહ શ્રેષ્ઠ પુરવાર થશે. કોઈ મહત્ત્વપૂર્ણ ચીજવસ્તુની ખરીદી કરી શકશો. વ્યવસાય ક્ષેત્રે કામગીરી હવે તેજીથી આગળ વધતી જોઈ શકશો. નવા પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરી શકો છો. નોકરીના સ્થળ ઉપર તમારી કામગીરીને કારણે સફળતા મેળવશો. તમારા કાર્યોની પ્રશંસા થાય. સંતાનોની મહત્ત્વપૂર્ણ બાબતો ઉપર કોઈ ચોક્કસ નિર્ણય પર હવે આવી શકશો. પ્રવાસ-પર્યટનથી મન પ્રફુલ્લિત રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ અનેક વિઘ્નોને પાર કરી હવે તમે તમારી જાતને બીજા સમક્ષ સફળ પુરવાર કરવામાં સક્ષમ થઈ શકશો. માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશો. આર્થિક મામલે હવે પોઝિટિવ સમય રહેશે. જરૂરી નાણાંની જોગવાઈ કરી શકશો. વ્યવસાયમાં થોડું બજેટથી બહાર કામ કરવું પડશે. જોકે આગળ જતાં એ તમને લાભકારક સાબિત થાય. નોકરીના સ્થળ ઉપર હજી નાના નાના વિઘ્નો જોવા મળે, પરંતુ તેને તમે આસાનીથી પાર કરી શકશો. જીવનસાથી સાથે સુખદ સમય વ્યતીત કરી શકશો.