તા. 06 ડિસેમ્બર 2025થી 12 ડિસેમ્બર 2025 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 05th December 2025 04:12 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન આપને નાણાકીય ક્ષેત્રમાં સમૃદ્ધિ મળી શકે છે. સ્વાસ્થ્યને લઈને પણ હવે થોડી રાહત અનુભવશો. વ્યાપારિક દૃષ્ટિકોણથી થોડીઘણી વિપરિત પરિસ્થિતિને લઈને ચિંતા રહેશે. થોડી મુશ્કેલીઓ પણ વધતી જોવા મળશે. પરિવાર અને કુટુંબીજનો સાથે ઘણો સારો સમય વિતાવી શકશો. વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ થોડો વ્યસ્ત પસાર થાય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહે કોઈપણ જાતના નિર્ણયો આવેશમાં કે ગુસ્સામાં ન લેવા. તમારા કાર્યને યોગ્ય દિશા આપવા માટે કોઈ સલાહકારની મદદ લેશો તો થોડાઘણા અંશે સફળતા મળશે. જીવનસાથી કે ભાગીદારોની મદદ દ્વારા આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવશો. નોકરીના કામકાજ અર્થે બહારગામનો પ્રવાસ થાય. કરિયરને લઈને ચિંતા રહે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહની શરૂઆત થોડી ધીમી જણાય, પરંતુ અંત સુધીમાં તમારા રોકાયેલા કામકાજ સફળતાપૂર્વક પૂરા કરી શકશો. આર્થિક મજબૂતી વધતી જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં નાણાકીય ખેંચને પહોંચી વળવાના રસ્તાઓ ખુલતાં જણાય. માતાપિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહે. કોઈ મિત્ર સાથેની મુલાકાત આપના મનને પ્રફુલ્લિત કરી શકે છે. લગ્નપ્રસંગને કારણે દોડધામ વધે.
• કર્ક (ડ,હ)ઃ સ્વાસ્થ્યને લઈને થોડીઘણી મુશ્કેલી વધતી જોવા મળશે. જોકે, એની અસર તમારા કામકાજ ઉપર પડવા દેશો નહીં. તમારો કામ પ્રત્યેનો ઉત્સાહ અને સક્રિયતા સારી એવી સફળતા અપાવશે. આર્થિક રીતે આવકજાવકનું પલડું સરખું રહેશે. વ્યવસાયમાં ભાગીદારો સાથે થોડી રકઝક થઈ શકે છે. નોકરીમાં ઉન્નતિ અને પ્રગતિવાળા યોગ છે. કોર્ટ-કચેરીને લગતા કાર્યોમાં હજી થોડી નિરાશા જોવા મળશે.
• સિંહ (મ,ટ): ભૂતકાળની ભૂલોમાંથી શીખ લઈ હવે આગળ વધવાની જરૂરિયાત રહેશે. સુખ-દુઃખની પરિસ્થિતિમાં જો બેલેન્સ બનાવી રાખશો તો દરેક પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકશો. વ્યવસાય-નોકરીમાં આ સપ્તાહના ગ્રહયોગો શુભ પરિણામવાળા રહેશે. નોકરિયાત વર્ગને પ્રમોશન પ્રાપ્ત થઈ શકે છે. નાણાકીય મામલે ચિંતા હવે ઓછી થાય. જો શક્ય હોય તો એકાદ-બે દિવસનો બ્રેક લઈને થોડો કુટુંબીજનો સાથે સમય વિતાવો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન વૃદ્ધ લોકોને સ્વાસ્થ્યને લઈને થોડી વધુ કાળજી રાખવા સલાહ રહેશે. આર્થિક રીતે આ સપ્તાહમાં કોઈ જૂના રોકાણો દ્વારા ફાયદો મેળવી શકાશે. વ્યવસાય કે ધંધામાં કોઈ મહત્ત્વના નિર્ણયો થકી જરૂરી ફેરફાર લાવી શકશો. વિદ્યાર્થીઓ માટે ડેડલાઈનને લઈને થોડું પ્રેશર વધતું જોવા મળશે. ઘરમાં આવનારા પ્રસંગોને લઈને કામકાજમાં પણ હવે થોડી સ્ફૂર્તિ લાવવી જરૂરી રહેશે.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં કોઈ નવી કાર્યરચનાની શરૂઆત થઈ શકે છે, જે લાભદાયક પુરવાર થશે. નાણાકીય પ્રશ્નો માટે યોગ્ય માર્ગ મળતો જોઈ શકશો. જોકે, અહીં શેરસટ્ટા કે ખોટા લોભથી દૂર રહેવું જરૂરી રહેશે. નોકરિયાત વર્ગને થોડો કાર્યભાર વધતો જણાય. ધંધા-વ્યાપારમાં પરિસ્થિતિને અનુકૂળ રહીને કામગીરી કરવી સલાહનીય રહેશે. દાંપત્યજીવનની ખટાશ હવે દૂર થાય. આનંદ અને સહકારનું વાતાવરણ જોઈ શકશો
• વૃશ્ચિક (ન,ય)ઃ આપની મનોકામનાને પૂર્ણ કરવા માટે પુરુષાર્થ પણ એટલો જ કરવો પડશે. માનસિક બેચેની - ચિંતાને કારણે થોડી અસ્વસ્થતા વર્તાશે. નાણાકીય રીતે પણ અહીં થોડી કાળજી રાખવી જરૂરી. નોકરી-ધંધા માટે સમય એકંદરે સાનુકૂળ રહેશે. વિરોધીઓની સામે જીત મેળવી શકશો. મકાન-મિલકત અંગેના પ્રશ્નો યથાવત્ રહેશે. કુટુંબીજનોનો સાથ-સહકાર મળશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહ થોડું ઉતાર-ચઢાવવાળું રહેશે. જો કોઈ વ્યસન હોય તો હવે સમય આવી ગયો છે કે એમાંથી બહાર આવી જાવ. તમારી કુટેવ તમારા અને તમારા પરિવાર માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે. આર્થિક સ્થિતિ જેવી છે કે તેવી જ રહેશે. કામકાજના ક્ષેત્રમાં જરૂરી ફેરફાર પર તરત જ અમલ કરી કાર્યવાહી કરવી હિતાવહ રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ શુભદાયી સાબિત થાય.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહે તમારો ભાગ્યોદય થાય. ઘણાંખરાં અટવાયેલાં કામકાજો પૂર્ણ થતાં જોઈ શકશો. સ્વાસ્થ્યસંબંધી મુશ્કેલી પણ દૂર થાય. નોકરિયાત વર્ગને પ્રમોશન મળવાના યોગો બળવાન બને છે. આવકના સાધન વધારવાના તમારા પ્રયત્નો હવે સફળ થાય. પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જોઈ શકો છો. નજીકના જ સમયમાં ઘર-પરિવારમાં કોઈ શુભ પ્રસંગો આવી શકે છે. સંતાનની લગ્નવિષયક બાબતે પરિણામ શુભ જોવા મળે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ લાંબા સમયથી ચાલી રહેલી કોઈ બીમારીથીમાંથી હવે છૂટકારો મળશે. તમારે નિયમિત વ્યાયામ-કસરત તેમજ તમારા ખોરાક ઉપર થોડું વધુ ધ્યાન આપવું પડશે. આ સપ્તાહમાં બિનજરૂરી ખર્ચા પર થોડો કંટ્રોલ લાવવો જરૂરી રહેશે. ધંધા-ઉદ્યોગમાં નવા લક્ષ્ય નક્કી કરીને આગળ વધો. સમય અને લાભ તમારી સાથે જ રહેશે. વિદ્યાર્થીઓને શિક્ષા સંબંધિત સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈ યોગ્ય વ્યક્તિ સાથે ચર્ચા કરવી જરૂરી રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ થોડું ધીમું પરંતુ પ્રગતિકારક સાબિત થાય. કોઈપણ પરિસ્થિતિમાં ધીરજ ન ગુમાવશો. કોઈપણ નિર્ણય લેતાં પહેલાં ભવિષ્યની પરિસ્થિતિને વિચારી આગળ વધજો. આર્થિક રીતે આ સપ્તાહ ઘણું સારું છે. સોનું-ઝવેરાત, મકાન કે કોઈ બીજી જગ્યાએ રોકાણ કરી શકશો. નોકરીમાં તમારી પ્રગતિ કદાચ બીજા જોઈ શકે નહીં. તમને નીચા પાડવા માટે તમારા વિરોધીઓ કોઈ પણ હદે જઈ શકે છે તેથી કાળજી રાખવી જરૂરી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter