તા. 10 ફેબ્રુઆરી 2024થી 16 ફેબ્રુઆરી 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 09th February 2024 05:18 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહની શરૂઆત સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતા રખાવશે. નાનીમોટી પરેશાનીનો સામનો કરવો પડે. મન થોડું બેચેની અનુભવશે. નોકરી-વ્યવસાયમાં સહકર્મચારીઓથી સાવધાન રહેવું. કોઈની સાથે નકામી જીભાજોડી ન ઉતરવું અહીં સલાહભર્યું રહેશે. આર્થિક રીતે થોડી રાહત મહેસૂસ થાય. ખર્ચાઓ વધશે સાથે આવક પણ વધે. કોર્ટકચેરીના કામમાં રાહત થાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ તમારી મહેનતની થોડાઘણા અંશે કસોટી થાય. જોકે અંતે યોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકશો. મહત્ત્વપૂર્ણ કાર્યોમાં નિર્ણય લેતા સમયે યોગ્ય વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણા કરીને આગળ વધજો. ધંધા-વ્યવસાયમાં તમારી આવડતના આધારે નોંધપાત્ર સિદ્ધિ હાંસિલ કરી શકો એવા કાર્યો થઈ શકે છે. આવકમાં વધારો જોઈ શકશો. લાંબા સમયના રોકાણોનો હવે ફાયદો મેળવવામાં સફળતા મળશે. પ્રવાસનું આયોજન વિચારતા હો તો હવે શક્ય બનશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન ભાગ્યના દ્વાર ખુલતાં જોઈ શકશો. તમારી કારકિર્દીને ચાર ચાંદ લાગે એવા યોગો છે. નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. જોકે આકસ્મિક ખર્ચા પણ ઘણા આવશે. નોકરી વ્યવસાયમાં નવા પ્રોજેક્ટ્સને કારણે થોડી વ્યસ્તતા વધે. શક્ય છે આ સપ્તાહ દરમિયાન આપ વિદેશ પ્રવાસ પણ કરી શકો છો. મકાન-મિલકતના પ્રશ્નો હજી વણઉકેલ્યા જ રહેશે.
• કર્ક (ડ,હ)ઃ થોડાઘણા અવરોધોને બાદ કરતાં આ સપ્તાહે તમારા કામના સ્થળે નવા વૃદ્ધિદાયક અવસર ઊભા થશે. પાછલા ઉઘરાણીના નાણાં પરત મળતાં આર્થિક રાહત થાય. માતાપિતાના સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતા રહેશે. અવિવાહિતોને યોગ્ય પાત્રની પસંદગી માટેનો અનુકૂળ સમય છે. વાહનખરીદીની ઇચ્છાઓ પૂર્ણ થતી જોઈ શકશો.
• સિંહ (મ,ટ): તમારા ગ્રહયોગોના પ્રભાવને જોતાં અવરોધો અને મુશ્કેલીઓ સમયમાંથી બહાર આવી શકશો. નવા સંબંધો એ પ્રકારે વિકસાવી શકશો જે આગળ જતાં તમારા જ હિતમાં કામ કરી શકે છે. ઉદ્યોગ-વ્યવસાયની દૃષ્ટિએ લાંબા ગાળાના અટવાયેલા કામકાજો અહીં પૂર્ણ થઈ શકે એવી પ્રતિકૂળ પરીસ્થિતિનું નિર્માણ થાય. કાયદાકીય ક્ષેત્રના લોકો માટે મોટા અને મહત્ત્વના નિર્ણયો આ સમયમાં તેમની કારકિર્દીને ચાર ચાંદ લગાવી શકશે. જમીન-મકાનના અટવાયેલા કાર્યો અહીં પૂ્ર્ણ થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ અંગત સમસ્યાઓને કારણે થોડી માનસિક બેચેની મહેસૂસ કરશો. જોકે તેના ઉકેલ માટેના પ્રયત્નો પણ સાથે સાથે ચાલુ રાખશો તો થોડી રાહતનો અનુભવ થશે. નોકરી-વ્યવસાયમાં આપના વિરોધીને કારણે થોડીઘણી નુકસાની વેઠવી પડે. સ્થળાંતર યા તો બદલીની શક્યતાઓ રહેશે. માંગલિક પ્રસંગોને કારણે થોડું મન હળવું થાય. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યામાંથી બહાર આવી શકશો.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં અનુકૂળ અને ઇચ્છિત તકો મળતાં ખુશી અને આત્મવિશ્વાસમાં વધારો થાય. નવા સંબંધો બંધાય. નાણાકીય તંગદિલીમાંથી બહાર આવવાના રસ્તાઓ માનસિક બોજ ઓછો કરે. નોકરિયાત વ્યક્તિને સ્થળફેર યોગ છે. બઢતી માટેની તકો ઊભી થાય કૌટુંબિક વાદવિવાદથી દૂર રહેવું. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધાર લાવવા માટે અહીં તમારા વિચારો બદલાવાની જરૂર રહેશે, નહીં તો પરિસ્થિતિ વધુ કપરી બની શકે છે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય ઉત્તમ પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકવા માટે સહકાર આપે એવો સાબિત થઈ શકે છે. આપની કારકિર્દીને લગતી સમસ્યાનો અહીં ઉકેલ લાવી શકશો. આપના જૂના સંબંધો અહીં ઉપયોગી લાગે. સ્વાસ્થ્ય સંબંધી થોડી સમસ્યા રહેશે. નાણાકીય ગૂંચવણો અહીં દૂર થાય. કોર્ટકચેરીના ધક્કાઓમાંથી હવે મુક્તિ મળે.

• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયના યોગ ગમેતેટલા પ્રતિકૂળ કે વિપરિત બને, પણ જો તમારું મનોબળ અને ધીરજ જાળવશો તો દરેક પરિસ્થિતિમાંથી સફળતાપૂર્વક બહાર આવી શકશો. ધીરેલા નાણાંમાંથી લાભ પ્રાપ્ત કરી શકશો. લોન કે દેવાંમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય તેવી જોગવાઈ કરી શકશો. વ્યાપારના ક્ષેત્રમાં આપની સૂઝબૂઝને કામ લગાડી આગળના નિર્ણયો લેશો તો પ્રતિસ્પર્ધી સામે વિજય પ્રાપ્ત કરી શકશો. મિલકત સંબંધી સમસ્યાનો ઉકેલ આવે.
• મકર (ખ,જ)ઃ આ સમય મિશ્ર પરિણામવાળો રહેશે. સારા-નરસા અનુભવોમાંથી પસાર થવું પડે. ચિંતા-ઉપાધીમાંથી મુક્તિ મેળવવા માટે અધ્યાત્મ તેમજ મનન-ચિંતન ઉપર વધુ ધ્યાન આપવું જરૂરી છે. ધંધાકીય કાર્યોમાં ક્ષણિક લાભ લેવા માટે લાંબા ગાળાના ફાયદાને દાવ પર ન લગાવતા. નોકરીમાં થોડી ઘણી ઉપર-નીચેવાળી પરિસ્થિતિનું નિર્માણ થાય. આથી જોઈજાળવીને આગળ વધશો. યાત્રાપ્રવાસના આયોજન શક્ય બને.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં ગુસ્સો-આક્રોશને થોડા કંટ્રોલમાં રાખજો. લાગણીઓ પર કાબૂ રાખશો તો સ્વસ્થતા તેમજ શાંતિનો અનુભવ કરી શકશો. ખોટી ગેરસમજ કે વ્યથાના પ્રસંગોથી દૂર રહેશો. નોકરિયાત વર્ગને માર્ગ આડેના અંતરાયો દૂર થતાં જણાય. વ્યવસાયિક ક્ષેત્રમાં આર્થિક લાભ મેળવવવાના પ્રયત્નોમાં સફળતા મેળવી શકશો. ગૃહજીવનના ખટરાગ દૂર કરી શકશો. મકાન-મિલકત સંબંધી સમસ્યામાં આપનું ધાર્યું પરિણામ મેળવશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આપનો આ સમય આર્થિક પ્રતિકૂળતા સૂચવે છે. આવક કરતાં ખર્ચનાં પ્રમાણ વધારે જોવા મળે. વધુ પડતાં ખર્ચાઓને અંકુશમાં લેવાના પ્રયત્નો કરશો તો પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકશો. ધંધા-વ્યવસાયના ક્ષેત્રમાં ઉન્નતિના માર્ગને મોકળો કરવા માટે વિચારસરણીમાં થોડો ફેરફાર લાવશો તો ફાવશો. નોકરીના ક્ષેત્રે કોઈ અગત્યના નિર્ણય લેતાં પહેલાં આપના ઉપરી સાથે ચર્ચા વિચારણા કરી લેશો. જીવનસાથી સાથેના સંબંધોમાં મીઠાશ વધશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter