તા. 12 ઓગસ્ટ 2023થી 18 ઓગસ્ટ 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 11th August 2023 07:20 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન તમારા સ્વાસ્થ્યને લઈને ઘણા સકારાત્મક પરિણામ પ્રાપ્ત કરી શકશો. આથી તમારું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધરશે. આર્થિક રીતે કોઈ અકલ્પનીય મદદ પ્રાપ્ત કરી શકશો જે તમને ભૂતકાળના નુકસાનમાંથી બહાર નીકળવા માટે મદદરૂપ બની રહેશે. નોકરી-વ્યવસાયમાં તમારા બગડેલાં સંબંધો સુધરતાં જોવા મળે. જે ધંધાકીય રીતે તમને આગળ આવવામાં લાભકારક રહેશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ હવે તમારો આધ્યાત્મિક અને ધર્મ–કર્મમાં રસ થોડો વધતો જોવા મળે. તમારા વ્યક્તિત્વમાં પોઝિટીવિટી તેમજ પરિવર્તન લાવી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારો સહકર્મચારી સાથે તણાવ ઓછો થતો જોવા મળે. ધંધા-વ્યવસાયમાં નવા રોકાણો માટેની આર્થિક મદદ માટે તમે બેંક કે કોઈ અન્ય નાણાકીય સંસ્થાઓની મદદ પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થીઓને થોડીઘણી મુશ્કેલી વધતી જોવા મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહે કેટલાક ઉતાર–ચઢાવમાંથી પસાર થવું પડશે. વ્યવસાયિક તેમજ સામાજિક બેલેન્સ બનાવી રાખવા માટે તમારે ખૂબ પ્રયત્નો કરવા પડે. કામગીરી અથવા તો ધંધાકીય રીતે દોડધામમાં વધારો જોવા મળે, જે તમને થોડી શારીરિક થકાન મહેસૂસ કરાવે. આર્થિક રીતે સમય સારો રહેશે. તમારા બાકી નીકળતાં લેણાં પરત મળે.
• કર્ક (ડ,હ)ઃ આ સમયમાં તમારા વાણી-વર્તન પર થોડો કાબૂ રાખવો જરૂરી રહેશે, નહીં તો કોઈ નજીકની વ્યક્તિ સાથે સંબંધો ખરાબ થઈ શકે છે. કરિયર સંબંધિત નિર્ણયો લેવા માટે કોઈ યોગ્ય સલાહકારની મદદની આવશ્યક્તા રહેશે. શેરબજારમાં ખૂબ ધ્યાન રાખીને આગળના નિર્ણયો લેવાની સલાહ રહેશે. ધંધાકીય બાબતોમાં હવે જૂનવાણી વિચારો છોડીને નવી પદ્ધતિથી કામ કરશો તો ફાવશો. સ્વાસ્થ્યમાં પેટના સામાન્ય દુઃખાવાની સમસ્યા રહેશે.
• સિંહ (મ,ટ)ઃ આપની મૂંઝવણો હવે ધીરે ધીરે દૂર થતી જોવા મળે. અટવાયેલા કાર્યો થોડી ધીમી ગતિથી, પરંતુ સાનુકૂળ રીતે ઉકેલી શકાય. અહીં તમારી કાલ્પનિક ચિંતાઓને દૂર રાખશો તો ફાવશો. આવકવૃદ્ધિના તમારા પ્રયત્નો સફળ થતાં જોવા મળશે. નોકરીના ક્ષેત્રમાં કોઈ મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે. વ્યવસાયિક રીતે પણ હવે ઝડપથી વિકાસના પંથે આગળ વધી શકાય. વાહન ખરીદીની ઈચ્છાઓ પૂર્ણ થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન તમારા આક્રોશ અને ગુસ્સાને થોડો કંટ્રોલમાં રાખવાથી નક્કામી તકલીફોમાંથી બચી શકશો. નાણાકીય રીતે અગત્યના મૂડીરોકાણો થકી એકાદ–બે લાભ પણ થતાં જોવા મળશે. જોકે હજી ધારો છો એટલો લાભ લેવાનો સમય આવ્યો નથી. વ્યવસાય–નોકરીમાં થોડું કામનું તેમજ જવાબદારીનું ભારણ વધતું જોવા મળે. કૌટુંબિક ગેરસમજ દૂર થાય. કોર્ટ–કચેરી સંબંધિત કાર્યમાં વિજય પ્રાપ્ત કરશો.
• તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન માનસિક સંતુલન ઘણું સારું રહેશે. મન પરથી કોઈ બોજો હોય તો દૂર થાય, કોઈ અંગત વ્યક્તિ સાથે મતભેદ થયા હોય તો સંબંધોમાં સુધારો જોવા મળે. આવકની સરખામણીએ જાવકમાં વધારો જોવા મળે, જેથી જોઈજાળવીને ખર્ચા કરશો. નોકરિયાત વર્ગને કદાચ સ્થાન બદલી કે પ્રમોશનના ચાન્સ રહેશે. વ્યવસાયિક રીતે જોતાં હવે ઘણો ફાયદો થાય એવા પ્રોજેક્ટ્સ પર કામ હાથ ધરી શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં હજી થોડો અજંપો - અકળામણ વર્તાશે. ખાસ કરીને કોઈ કૌટુંબિક સમસ્યાઓને કારણે મન બેચેન રહેશે. બને એટલું શાંતિથી કામ કરશો તો આમાંથી બહાર આવી શકશો. નોકરિયાત વર્ગને ડેડલાઈન પહેલાં કામ પૂરું કરવાનું ભારણ વર્તાય. વ્યવસાયમાં તમારા આવક સંબંધિત પ્રશ્નોનો હલ જોવા મળે. નવી ભાગીદારી થકી તમને મદદ મળે. જમીન-મકાનના પ્રશ્નો ઉકેલાતા હજી થોડી વાર લાગશે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ કામનું ભારણ વધતાં મન થોડી બેચેની અનુભવે. જોકે, એકાગ્રતા રાખીને થોડી વધુ મહેનત કરશો તો તમારા નિર્ધારિત સમયે કાર્યને પૂર્ણ કરી શકશો. આર્થિક મામલાઓમાં કોઈના પર અતિવિશ્વાસુ બનવુ તમારા માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે, જેની ખાસ કાળજી રાખવી. વ્યવસાયમાં તમારા ભાગીદારો સાથેની પરિસ્થિતિમાં હવે સકારાત્મક ફેરફાર જોઈ શકશો. નોકરીમાં નવી તકો પ્રાપ્ત થાય. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે.
• મકર (ખ,જ)ઃ લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ હવે મેળવી શકશો. જે તમારા ચિંતાને દૂર કરશે. નાણાકીય બાબતોમાં પણ હવે જરૂરી જોગવાઈ ઊભી કરવાના રસ્તાઓ ખૂલતાં જોવા મળશે. વ્યાપારિક રીતે તમારી જવાબદારી તેમજ કાર્યભારમાં વધારો જોવા મળે. જોકે એના ફાયદાઓ પણ મેળવી શકશો. પરિવારમાં માંગલિક પ્રસંગને કારણે દોડધામમાં વધારો થાય. વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારા રોજિંદા વ્યવહારમાં જે પરિવર્તન ઈચ્છો છો એ હવે થોડાઘણા અંશે સફળ થતું જોઈ શકશો. જોકે, હજી પણ થોડું સંયમથી કામ કરવું પડશે. નાણાકીય બાબતોમાં થોડું સાચવીને ખર્ચ કરશો. આવક કરતાં જાવકનું પ્રમાણ વધે. વ્યવસાયિક મામલાઓમાં તમારા પ્રતિસ્પર્ધી ઉપર વિજય મેળવી શકશો. વાહનની ખરીદીની ઈચ્છા પૂર્ણ થાય. નોકરિયાત વર્ગની મહેનત રંગ લાવશે. કોર્ટ–કચેરીના મામલામાં થોડું સંભાળીને આગળ વધવું.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન તમારી કાર્યક્ષમતામાં વધારો લાવીને સખત મહેનત કરવી પડશે. આર્થિક રીતે થોડી ઘણી રાહત જોવા મળે. વ્યવસાય – ધંધામાં તમારી વાણી પર કંટ્રોલ જરૂરી રહેશે. નોકરિયાત વર્ગને તમારા કાર્યને લઈને પ્રશંસા પ્રાપ્ત કરી શકશો. કૌટુંબિક જવાબદારીઓમાંથી થોડી ઘણી રાહત મેળવશો. પ્રવાસ થકી લાભ મેળવી શકશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter