તા. 14 માર્ચ 2026થી 20 માર્ચ 2026 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 13th March 2026 09:17 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ કારકિર્દી સંદર્ભે આ સમય ખૂબ સારો છે. નવીન કાર્યોની શરૂઆતના દોરમાં જ ઘણા સારા પરિણામ અપાવે. ધંધા-ઉદ્યોગમાં રોકાણો માટે ઉત્તમ સમય છે. ભાગ્યની સુસંગતતામાં તમારો પ્રગતિકારક સમય સાબિત થાય. નોકરીના ક્ષેત્રમાં થોડીઘણી સમસ્યાઓ હજી યથાવત્ રહેશે. વિદ્યાર્થી વર્ગ મહત્ત્વપૂર્ણ પરિણામો મેળવી શકશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં અકારણ ચિંતાઓ મનને અસ્વસ્થ બનાવશે. નિર્ણયો લેવામાં ઉતાવળા થશો નહીં. વ્યાપાર-ધંધામાં મહત્ત્વની તકો આવશે. આપની સૂઝબૂઝ અને બુદ્ધિથી આગળ વધશો તો ભવિષ્યમાં ફાયદાકરક સાબિત થશે. જો આ સમય દરમિયાન તમારા પૈસાનો યોગ્ય ઉપયોગ કરશો, તો આગળ સારો એવો ફાયદો કરાવી આપશે. નોકરિયાત વર્ગે વિરોધીઓથી સાવધાન રહેવું. સ્વાસ્થ્ય સંબંધી થોડીઘણી મુશ્કેલી રહેશે.

• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય મહત્ત્વના નિર્ણયો લેવા માટે ઉત્તમ યોગકારક છે. આર્થિક સ્થિતિમાં અચાનક મહત્ત્વના ફેરફારો જોવા મળે, જે ફાયદાકારક પુરવાર થશે. નોકરી-વ્યવસાયનું ક્ષેત્ર પ્રગતિ અપાવશે. આ સમયમાં સંતાનોના વિવાહિત જીવન સંબંધિત પ્રશ્નોનો હલ આવશે. કોર્ટ-કચેરીના અટવાયેલા કાર્યો ઉકેલાય. કૌટુંબિક સંપત્તિનો ભાગ મળવાથી આપની આર્થિક સ્થિતિ બદલાય. પ્રવાસ-પર્યટનનું આયોજન થાય.

• કર્ક (ડ,હ)ઃ આ સમયમાં અકારણ માનસિક ઉશ્કેરાટ કે ઉગ્રતામાં વધારો જોવા મળે. સંયમિત વર્તન રાખશો તો પરિસ્થિતિ બગડતી અટકાવી શકશો. આપના આર્થિક આયોજનને વ્યવસ્થિત નહીં રાખો તો આર્થિક ભીંસ સહન કરવાનો વારો આવી શકે છે. ખોટા ખર્ચાઓ ટાળશો. કૌટુંબિક જવાબદારીનું ભારણ વધતું જણાય. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા પર સારા એવા ખર્ચા કરવા પડે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.

• સિંહ (મ,ટ): આપની સમક્ષ ગમેતેવા સંજોગો ઊભા થાય જો એનો સામનો સૂઝબૂઝથી કરશો તો દરેક સમસ્યામાંથી બહાર આવી શકશો. તમારી ફરજ નિભાવવાનો આ સમય છે. સખત મહેનત અને એકાગ્રતાથી કાર્ય કરશો. વ્યવસાય-ઉદ્યોગના ક્ષેત્રે આપે ઘણાં મહત્ત્વના નિર્ણયો લેવા પડશે. બીજાની ગેરસમજ દૂર કરવામાં પોતાનું નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન રાખશો. વ્યવસાયિક કામગીરી અર્થે પ્રવાસમાં આયોજન થાય. વિદ્યાર્થી વર્ગને સમયની અનુકૂળતા સારા પરિણામો અપાવશે.

• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય ખાસ ઉતાર-ચઢાવવાળો રહેશે. વ્યવસાયિક કાર્યોમાં તમારા ઉપરી અધિકારીઓ તમારા ઉપર દબાણ લાવી શકે છે. આપ મહેનત સાથે આગળ વધ્યા કરશો તો સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. આર્થિક રીતે કોઈ ખાસ પરિવર્તન જણાતું નથી. વિદ્યાર્થીઓને આકરી મહેનતે જ સફળતાના યોગ છે. અન્યથા નુકસાની ભોગવવી પડે. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી વિલંબ થાય.

• તુલા (ર,ત)ઃ આ સમયમાં આપના માટે સંગ તેવો રંગ જેવી પરિસ્થિતિ ઊભી થાય. જો સારી સંગતમાં રહેશો તો લાભમાં રહેશો. નહીં તો આપના કહેવાતા મિત્રો જ પીઠમાં છરો ભોંકવાનું કામ કરી શકે છે. આથી ખૂબ સાવચેતી રાખશો. વ્યવસાયિક ક્ષેત્રમાં પણ કુશળતાપૂર્વક નિર્ણયો લેવાની સલાહ છે. વિદ્યાર્થીઓ ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરી શકાય. મકાન-સંપત્તિના પ્રશ્નોનું નિરાકરણ આવતું દેખાય. સ્વાસ્થ્ય સંબંધી બાબતોમાં ખૂબ કાળજી માંગી લેતો સમય.

• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં સહનશક્તિની પરીક્ષા થાય. કુટુંબમાં કોઈ વિવાદ ન થાય તેનું ખાસ ધ્યાન તમારે જ રાખવું રહ્યું. વાણીવર્તન મહત્ત્વના સાબિત થાય. નોકરી-વ્યવસાયમાં પણ ખૂબ સમજીવિચારીને આગળ વધવું રહ્યું. સંતાનોના અભ્યાસ બાબતે થોડીઘણી ચિંતાઓ વધે. એડમિશન માટેની કામગીરી માટે દોડાદોડી કરવી પડે. અવિવાહિત વ્યક્તિઓ માટે ખુશીના સમાચાર છે. લગ્નની શહેનાઈ સંભળાય.

• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય સફળતાસૂચક અને મહત્ત્વનો પુરવાર થાય. પુરુષાર્થ ફળે. મહત્ત્વના નિર્ણયો તમારા તરફેણમાં પરિવર્તિત થાય. નોકરીના ક્ષેત્રમાં તમારો સમય પ્રગતિકારક રહેશે. કુટુંબમાં માંગલિક પ્રસંગો યોજાય, જેના કારણે વાતાવરણ ખુશમય અને આનંદિત રહેશે. વિદ્યાર્થીજગતમાં મહત્ત્વના પરિણામો પ્રાપ્ત થશે. નવી સંપત્તિની ખરીદી શક્ય બને. આર્થિક સદ્ધરતામાં વધારો થાય.

• મકર (ખ,જ)ઃ આ સમય થોડો મિશ્ર રહેશે. ક્યાંક ખુશીની લહેર દોડે તો ક્યાંક ગમગીની સર્જાય. આર્થિક દૃષ્ટિએ ખાસ મુશ્કેલી જણાતી નથી. વ્યવસાયિક કાર્યોમાં થોડું ટેન્શનવાળું વાતાવરણ રહેશે. જમીન-મકાન કે વાહન સંબંધિત નવી ખરીદી શક્ય બનશે. વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનું પરિણામ આવી શકે છે.

• કુંભ (ગ,શ,સ,ષ)ઃ મહત્ત્વની કામગીરીમાં સફળતા પ્રાપ્ત કરશો. આ સમય પરિવર્તન લઇને આવશે, જેના કારણે આપનો ઉત્સાહ વધે. કોઈ મહત્ત્વના સમાચારથી આનંદિત વાતાવરણ ઊભું થાય. આર્થિક સમસ્યાનો ઉકેલ મળે. નોકરીમાં બઢતીના યોગ છે. વ્યાપારમાં નવા રોકાણો માટે સારી એવી તકો પ્રાપ્ત થાય. નવીન સંપત્તિની ખરીદી માટે સમય ખૂબ સારો રહેશે.

• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય આપના માટે ઘણા એવા અવરોધો લાવશે, પણ સૂઝબૂઝથી અને બુદ્ધિશક્તિથી આગળનું વિચારશો તો એ દરેક અવરોધોનો સામનો દૃઢતાથી કરી શકશો. સારા પરિણામ પણ મેળવી શકશો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં પણ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આપની કસોટી થાય. સંતાનોના લગ્નવિષયક પ્રશ્નોનો હલ થાય, જેના કારણે માનસિક હળવાશ વર્તાય. આર્થિક રીતે સમય નહીં નફો કે નહીં નુકસાનવાળો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter