તા. 23 એપ્રિલ 2022થી 29 એપ્રિલ 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 22nd April 2022 08:06 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ મનની મુરાદ પુરી ન થતાં માનસિક અજંપાનો અનુભવ થાય. માર્ગ આડેના અંતરાયો ધારો છો એટલા જલ્દી દૂર થશે નહીં. જોકે કોશિશ કર્યે રાખશો તો અંતે સફળ પૂરવાર થશો. આવકની દૃષ્ટિએ કોઈ જૂનો લાભ પ્રાપ્ત થઈ શકે છે, જેના કારણે થોડી રાહત અનુભવાય. શેરબજારથી લાભ પ્રાપ્ત કરી શકશો. નોકરિયાત વ્યક્તિને પરિસ્થિતિ ધીરે ધીરે સુધરતી જણાશે. વિરોધી દૂર થતાં માર્ગ સરળ બનતો જાય. ધંધામાં ઉન્નતિકારક તક આવે તો ઝડપી લેશો. મકાન-મિલકતના પ્રશ્નો ઉકેલાતાં જણાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં માનસિક સુખ અને સ્વસ્થતાનો અનુભવ થાય. સ્વસ્થતા અને સક્રિયતા વધતી જોવા મળશે. કાર્યમાં પ્રગતિ કરી શકાય. નાણાંકીય રીતે પણ સમયની સાનુકૂળતા રહેશે. નોકરીના ક્ષેત્રમાં થોડું વધારે સાવચેત રહીને કામગીરી કરવી, નહીં તો કામ તમે કરશો અને ક્રેડિટ બીજા લઈ જશે. ધંધાકીય પ્રવૃતિમાં કાર્યભાર સહન કરવો પડે. સામાજિક કાર્ય સાથે જોડાયેલા હોય તેવા ક્ષેત્રમાં આ સમય જીતનો અહેસાસ કરાવશે. અટવાયેલી મિલકતસંબંધી કાર્યવાહીનો ઉકેલ આવશે.

• મિથુન (ક,છ,ઘ)ઃ ધારેલા કાર્યોની પૂર્તતા માટે તનતોડ મહેનત કરવી પડશે. કેટલીક વાર હારનો સામનો પણ કરવો પડે, પરંતુ જો એકાગ્ર થઈને કામગીરી કરશો તો અચૂક સફળતા મેળવશો. ધંધા-નોકરીના સંદર્ભમાં સાનુકૂળ તકો ઊભી થશે. વિદ્યાર્થીઓને સારાં પરિણામ મળે. ઈચ્છિત અભ્યાસનો માર્ગ ખૂલે. પ્રવાસ-પર્યટનની દૃષ્ટિએ આપ આનંદની સાથે સાથે કોઈ મોટો લાભ પણ મેળવી શકશો. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી થોડો વધુ સમય લાગશે. આરોગ્ય બાબતે થોડી કાળજી જરૂરી.
• કર્ક (ડ,હ)ઃ બિનજરૂરી વિચારો મગજમાં ઘર ન કરી જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમારી જાતને કોઈને કોઈ કારણસર વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરશો તો ફાવશો. અંગત વ્યક્તિની સલાહ મુજબ આગળ વધવું હિતાવહ રહેશે. કાર્યક્ષેત્ર થકી ધનલાભ થવાની સંભાવના છે. નોકરિયાત વર્ગને બઢતીના યોગો રહેશે. દાંપત્યજીવનમાં તાલમેલ બનાવી રાખશો. મકાન-મિલકતના પ્રશ્નોનો ઉકેલ આવતા વાર લાગશે. સંતાન બાબતે ચિંતા રહેશે.
• સિંહ (મ,ટ)ઃ સમય અને તમારા ગ્રહોની અનુકૂળતા વધતા તમારો ઉજ્જવળ સમય રહેશે. અધૂરાં કાર્યો પૂર્ણ થાય. વ્યવસાયિક કાર્યોમાં રૂચિ વધશે, જેના સારા પરિણામ પણ મળી રહેશે. નોકરીમાં કેટલાય સમયથી પ્રગતિની ઈચ્છા ધરાવનારની પૂર્તતા થતી જોવા મળશે. માતા-પિતા બાબતે આ સમય વધુ કાળજી માંગી લેશે. વિદ્યાર્થી વર્ગને પ્રવાસ-આયોજન થકી લાભ થાય. ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ મન પરોવાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ થોડીક ચિંતાનું ભારણ વધતું જણાય. કાર્યની વ્યસ્તતા ચિંતાનું કારણ બને, જેના કારણે આરોગ્ય ઉપર પણ અસર થાય. થોડુંક વધુ ધ્યાન વ્યાયામ-મેડિટેશન તરફ આપશો તો એ બધામાંથી બહાર આવી શકશો. નોકરીના ક્ષેત્રમાં પણ કાર્યનું ભારણ વધતું જણાય. આર્થિક દ્રષ્ટિએ કોઈ ટેન્શન જણાતું નથી. અટવાયેલા નાણાં અણધાર્યા પરત મળે. વિદ્યાર્થી વર્ગ માટે મહેનત તેમજ ધીરજ આવશ્યક બને.
• તુલા (ર,ત)ઃ અંગત સાથેનો વાદ-વિવાદ મોટું સ્વરૂપ ધારણ ના કરે તે માટે આપના વાણી-વર્તન પર અંકુશ જરૂરી. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં તકનો લાભ લેશો તો સફળતા મેળવી શકશો. નવી સંપત્તિ કે વાહનની ખરીદી શક્ય બને. ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશો. આરોગ્યની બાબતમાં થોડી કાળજી માંગી લેતો સમય. સંતાનના લગ્નવિષયક પ્રશ્નોનું નિરાકણ આવશે. આર્થિક દ્રષ્ટિએ સમય સારો રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય આપના ગ્રહોની દ્રષ્ટિ ઉત્તમ રહેશે. મહત્ત્વના નિર્ણય લઈ શકશો. નવા વ્યાપારના પાયાં નાંખી શકશો. નોકરીના ક્ષેત્રમાં પણ બઢતી મળવાના ચાન્સીસ છે. આર્થિક દ્રષ્ટિએ આ સમય આપના માટે સોનાની ખાણ સમાન સાબિત થઈ શકશે. વિદ્યાર્થી વર્ગને સારા સમાચાર મળે. ઉચ્ચ અભ્યાસ વિષયક કાર્યોમાં આગળ વધી શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ માનસિક અકળામણ વધે. અકારણ ચિંતાનું ભારણ વધે. નાણાકીય જવાબદારીનું ભારણ પણ વધતું જણાય. યોગ્ય પગલાં લઈ આગળ વધશો તો આર્થિક તંગીમાંથી બહાર આવી શકશો. નોકરી-વ્યવસાય માટે પણ સમય મધ્યમ રહેશે. ધીરધારના ધંધામાં કોઈ મોટું સાહસ ન કરવાનું સલાહભર્યું છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં પણ વિલંબ જણાય. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો છે. ઈચ્છિત જગ્યાએ અભ્યાસના યોગ બળવાન બનશે. નાના યાત્રા-પ્રવાસ શક્ય બને.
• મકર (ખ,જ)ઃ આ સમય આપના માટે નહીં નફો - નહીં નુકસાનનો રહેશે. કાર્યની વ્યસ્તતતા થોડું માનસિક ભારણ વધારે. વ્યવસાયિક તેમજ કૌટુંબિક જવાબદારીનું ભારણ વધે. કુટુંબમાં માંગલિક પ્રસંગોના યોગ બળવાન બને. નોકરીના ક્ષેત્રમાં સ્થાનફેરના યોગ છે. સંબંધોના બંધનની હૂંફ આપને માનસિક શાંતિ અપાવે. વિદ્યાર્થી વર્ગને હજી મહેનત વધારવાનું સૂચન છે, નહીં તો માઠાં પરિણામ ભોગવવા પડશે.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ મનગમતાં કાર્યો થકી આપ સંતોષ પ્રાપ્ત કરી શકશો. આપની ચિંતા અને કાળજીનું કેન્દ્રસ્થાન આપનો પરિવાર રહેશે. વ્યવસાયના ક્ષેત્રમાં પ્રગતિ અને સફળતા પ્રાપ્ત કરી શકશો. નોકરીના ક્ષેત્રમાં કેટલાય સમયથી અટવાયેલાં કાર્યો પૂર્ણ કરી શકશો. સંપત્તિ બાબતના પ્રશ્નોના નિરાકરણ માટે આપના તરફથી પહેલ આવશ્યક બની રહેશે. આર્થિક બાબતોમાં ચિંતા રહેશે નહીં. સંતાનોના અભ્યાસ વિષયક મહત્ત્વના નિર્ણય લેવાશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ કેટલાક અગત્યના કામકાજોમાં પણ હજી થોડા અંતરાયો રહેશે, પરંતુ પ્રયત્ન ચાલુ રાખશો તો સફળતા દૂર નથી. વિશ્વાસઘાતનું જોખમ ટાળવા કોઈના પર અતિ વિશ્વાસ રાખીને કામ કરવું નહીં. નાણાકીય બેલેન્સ જળવાઈ રહેશે. વિદ્યાર્થી વર્ગ ઘણા પ્રયત્નો બાદ ઈચ્છિત સફળતા મેળવી શકશે. પ્રવાસ-પર્યટન થકી હર્ષોલ્લાસ તેમજ આનંદિત વાતાવરણ મળી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter