તા. ૧ એપ્રિલ થી ૭ એપ્રિલ ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 25th March 2017 10:22 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ અગત્યની કાર્યવાહીઓમાં સફળતાથી તમારામાં ઉત્સાહવૃદ્ધિ થાય. સંજોગો અને પરિસ્થિતિ સુધરતાં સાનુકૂળતા વર્તાશે. અગાઉ કરેલા કેટલાક કામકાજોમાંથી આર્થિક લાભ મળવાના સંજોગો આ સમયમાં ઊભા થતાં જણાશે. જરૂરિયાતો પૂરતી સગવડ પણ થઈ શકશે. શેરસટ્ટાથી લાભ જણાય નહીં. નોકરિયાતોને આ સમયમાં કેટલીક મુશ્કેલીઓ હોવા છતાંય કશું બગડવાનો ભય રાખવાની જરૂર નથી. સમસ્યાને ધીરજપૂર્વક ઉકેલી શકશો. મકાનની લે-વેચ કે ભાડાનું ઘર બદલવાની ઇચ્છા આ સમયમાં સાકાર થાય તેમ લાગતું નથી. પ્રયત્નો ચાલુ રાખવા. કૌટુંબિક મિલકતોના વિવાદ દૂર થશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ તમારા મન પરનો બોજ, ઉદ્વેગ અને અશાંતિના ઓળા દૂર થતા જણાશે. લાંબા સમયથી અનુભવાતી બેચેનીથી મુક્તિ મળે. આર્થિક કામકાજો માટે સમય સાનુકૂળ પૂરવાર થશે. કેટલીક વધારાની આવક ઊભી કરવાનો માર્ગ મોકળો થશે. કરજ-બોજામાંથી મુક્તિ મેળવી શકશો. નોકરિયાતોને કેટલીક મહત્ત્વની કામગીરીમાં યશ-માન મળશે. બઢતી માટેની તકો કે તે માટે જરૂરી વાતાવરણ ઊભું કરી શકશો. નોકરી સંદર્ભે પ્રવાસ વધશે. ધંધાના ક્ષેત્રે સમય મિશ્ર સમજવો. મકાન યા સંપત્તિના ખરીદ-વેચાણને લગતા કામકાજો કરી શકશો.

મિથુન (ક,છ,ઘ)ઃ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે તેને પાર કરવા તરફ મનની શક્તિને કેન્દ્રિત કરવી પડશે. ઉતાવળા સાહસથી દૂર રહેજો. કોઈની સાથે વિખવાદ કે ઘર્ષણમાં ન ઉતરશો. નાણાંકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ હોવાથી જરૂરિયાતો તથા ખર્ચાઓ માટેની આર્થિક વ્યવસ્થા ઊભી થઈ શકશે. ઉઘરાણીના કામ પણ પાર પડશે. મૂડીરોકાણ લાભદાયી પુરવાર થાય. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની તકો મળશે. મુશ્કેલી હશે તો તે દૂર થશે.

કર્ક (ડ,હ)ઃ તમારા પ્રયત્નનું ફળ મેળવવા તમારે ધીરજ રાખવી પડશે. ઉન્નતિનો માર્ગ ખુલ્લો થશે. ઉજ્જવળ સફળતા મળતા તમારી પ્રગતિ થયા વિના રહેશે નહિ. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય મૂંઝવણભર્યો છે. ખર્ચને પહોંચી વળવા માટે તમારે વધુ વ્યવસ્થિત બનવું પડશે. એકાદ-બે મોટા ખર્ચ થઇ શકે છે. ધીરેલા કે ફસાયેલાં નાણાં પરત મળતાં રાહત થાય. નોકરિયાતો માટે સમય સાનુકૂળ નીવડશે. તમારા માર્ગ આડેના અવરોધોની ચિંતા કરશો નહિ. આગળ વધ્યે જાવ કોઈ કશું છીનવી શકશે નહીં. વેપાર-ધંધાના ક્ષેત્રે લાભ વધશે. મકાન-મિલકતોની બાબતો અંગે ચિંતા રહે. કોઈને કોઈ રીતે પ્રતિકૂળતા જોવા મળે.

સિંહ (મ,ટ)ઃ રચનાત્મક પ્રવૃત્તિઓ માટે મહત્ત્વના કામો થઈ શકશે. આશા અને પ્રગતિનું વાતવરણ સર્જાતું જણાશે. પુરુષાર્થ ફળદાયી બનશે. નાણાંકીય જવાબદારીઓ વધશે. આવક વધવાના યોગો ઓછા છે. ખોટા નાણાંકીય રોકાણ થઈ ન જાય તે જોજો. નોકરિયાત જે તકની આશા રાખે છે તે હજુ દૂર ઠેલાતી જણાશે. સંપત્તિ વિષયક ચિંતા વિલંબથી ઉકેલાશે. દામ્પત્યજીવનમાં જીવનસાથીનો સહકાર મળે. કૌટુંબિક મતભેદોનો ઉકેલ મળશે. સામાજિક - માંગલિક કાર્યો પાર પડે. સ્વજનોનો સાથ મેળવી શકશો. પ્રિયજનથી વિયોગ થાય. અંગત આરોગ્યની તકેદારી લેવી જરૂરી.

કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક દૃઢતા વધશે. મહત્ત્વકાંક્ષાની પૂર્તિ માટે જરૂરી સાનુકૂળતા જોવા મળશે. યશમાનમાં વધારો થશે. તમારી યોજનામાં પ્રગતિ થતી જોઈ શકશો. આર્થિક દૃષ્ટિએ અનિશ્ચિતતા અને અસ્થિરતા છતાં તમારા કોઇ કામ અટકશે નહીં. તમારી આવક કરતાં ખર્ચ વધી ન જાય તેની કાળજી રાખશો. નોકરીના ક્ષેત્રે જો કોઈ ચિંતા પેદા થઈ હશે તો તેનો સારો ઉકેલ મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિકારક તકો મળશે.

તુલા (ર,ત)ઃ સમય અને સંજોગ સાનુકૂળ બની રહ્યા હોવાથી માનસિક ચિંતાઓનો બોજો હળવો થાય. આશાવાદી કાર્યરચનાના કારણે માનસિક તણાવ ઘટશે. જેટલા વધુ સક્રિય રહેશો તેટલો આનંદ મળશે. નાણાંકીય રીતે અણધાર્યા લાભ મળે નહિ. વધુ પડતા ખર્ચ રહેશે તેથી સાચવીને નાણા વાપરવાની સલાહ છે. નોકરિયાતોને જો કોઈ સમસ્યા હોય તો ઉકેલાશે. બદલી અને બઢતી બાબતે સાનુકૂળ માર્ગ નીકળે. વેપાર-ધંધાના ક્ષેત્ર તમારા પ્રયત્નો ફળદાયી બની રહેશે. મકાન અંગે કેટલીક મૂંઝવણો આવશે. જમીન-મકાનના ખરીદ-વેચાણના કામમાં અવરોધોનો સામનો કરવો પડશે. વારસા કે કૌટુંબિક સંપત્તિના પ્રશ્નો યથાવત્ રહેશે. લગ્ન-વિવાહના પ્રશ્નો અંગે માનસિક અશાંતિનો અનુભવ થાય.

વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક આવેગો શાંત પડતાં જણાશે. બેચેની અને અસ્વસ્થતા દૂર થાય. આશાસ્પદ માહોલ સર્જાતો જોવા મળશે. અવરોધો દૂર થતા જણાશે. નાણાંકીય મૂંઝવણના પ્રસંગો બાબતે કોઈને કોઈ પ્રકારે ઉકેલ મળશે. આર્થિક મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. લાભની તકો પણ મળે. સારા માર્ગે ખર્ચ થાય. નોકરિયાતોને રચનાત્મક અને સફળ કામગીરીની કદર થતી જણાશે. વિરોધીઓ દૂર થાય. ઉપરીનો સાથ-સહકાર મળશે. બદલીના સંજોગો પણ આવે. વેપાર-ધંધામાં હવે વિકાસની યોજના આગળ વધશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહમાં રાહત અને સ્વસ્થતાનો અનુભવ કરી શકશો. તમારા મહત્ત્વના કામકાજોમાં પ્રગતિ થતાં આનંદ વધશે. સક્રિયતા વધશે. ચિંતામાંથી મુક્તિ મળે. વધુ પડતા ખર્ચના કારણે આર્થિક ખેંચનો અનુભવ થશે. ધાર્યા પ્રમાણે આવક થાય નહિ. એકાદ-બે લાભ આવકના પ્રસંગોથી કામ પાર પડતું જણાશે. નોકરિયાતોના પ્રયત્નો સફળ મળશે. વિરોધીના હાથ હેઠા પડતાં જણાશે. અગત્યના કોલ-કરારો થશે યા નવી તક મળશે.

મકર (ખ,જ)ઃ લાગણીઓના ઘોડાપૂરમાં વધુ પડતા તણાશો તો ઉશ્કેરાટ-વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું મળવાનું નથી. ધીરજ અને સંયમથી વર્તશો તો ઘણી સમસ્યાઓ આપોઆપ ઉકેલાતી જણાશે. મુશ્કેલીઓને તમે કુનેહપૂર્વક પાર કરી શકશો. કૌટુંબિક અને ગૃહજીવનને લગતાં ખર્ચાનું પ્રમાણ વિશેષ રહેતા તમે ચાહો છો તેવી સ્થિતિ થાય નહિ. નવા મૂડીરોકાણ સમજીવિચારીને કરવા જરૂરી છે. આવકવૃદ્ધિના પ્રયાસો પૂર્ણ સફળ થશે નહિ તે સમજીને ચાલજો. નોકરિયાતોને આ સમય મહત્ત્વનો છે. તમે સારી નોકરી કે પદ મેળવવામાં સફળ થશો. તમારી સ્થળાંતર સંબંધિત સમસ્યા હલ થાય. વેપાર-ધંધાના ક્ષેત્રે પરિસ્થિતિ ઉજ્જવળ જણાશે. મહત્ત્વના લાભની આશા રાખી શકશો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારા અંગત પ્રશ્નોના નિરાકરણ અને યોજનાઓના અમલીકરણમાં ગ્રહયોગો મદદરૂપ થશે. માર્ગ આડેના અંતરાયો ધીમે-ધીમે દૂર થતાં વિકાસ થતો જણાશે. મહત્ત્વની કાર્યવાહીથી ભવિષ્યમાં સારી ઉન્નતિ થાય. આવક કરતા ખર્ચ વધતાં સ્થિતિ કટોકટીભરી રહે. નોકરીના ક્ષેત્રે તમે ધારો છો તેવી તક હાથમાં આવીને સરી ન પડે તે જોજો. ગાફેલ રહેશો તો તક ગુમાવવી પડે. બદલીનો યોગો પ્રબળ છે. વિરોધી અને સહકર્મચારીઓથી સાવધ રહેવું. વ્યવસાયના ક્ષેત્રે વિકાસ મંદ જણાશે. મૂંઝવણભર્યું વાતાવરણ જણાશે. કૌટુંબિક મિલકતોના પ્રશ્નો વધુ ગૂંચવાતા જણાશે.

મીન (દ,ચ,છ,થ)ઃ માનસિક અસ્વસ્થતા દૂર થશે. પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં આત્મવિશ્વાસ વધતો જણાશે. નવરચનાની સાથે લાભદાયી તકો મળતાં ઉત્સાહ વધશે. ખર્ચાઓ અને અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી નાણાંની જોગવાઈ થઈ શકશે. એકાદ- બે લાભની આશા જણાશે. એકંદરે ચિંતાનો બોજો હળવો થતો જણાશે. નોકરિયાતોને અંગત સમસ્યા હલ થતી જણાશે. નોકરી બદલવાના પ્રયત્નો સફળ થાય. વિકાસકારક સ્થાન મેળવી શકશો. ધંધાકીય ક્ષેત્રે કોઈ મહત્ત્વની સફળતા મેળવી શકશો. જમીન-મકાનની લે-વેચનાં કામકાજોમાં રુકાવટ કે અવરોધ જણાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter