તા. ૧૦ જૂન થી ૧૬ જૂન ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 10th June 2017 06:04 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ દરમિયાન હાથમાં નાણાં આવે અને ખર્ચાઈ જાય. વાણીના કારણે મિત્રો-સ્વજનોથી થોડાક સમય માટે સંબંધો બગડશે. શુભ સમાચાર મળે. સંતાનોનાં અંગત પ્રશ્નોમાં રસ લેવાથી લાભ થાય. નાણાંભીડ દૂર કરવા માટે લોન લેવી પડશે. સાહસિક વૃત્તિ પર કાબુ રાખવો. માતાપિતાની સાથે વિવાદ થાય. અભ્યાસમાં રુચિ રહે નહિ. બ્લડપ્રેશર હોય તો સંભાળવું. સરકારી કાર્યોમાં થોડોક વિલંબ થાય. લગ્નજીવનમાં ઉમંગ-ઉલ્લાસ જળવાય. સામાજિક કાર્યોમાં યશ મળશે. નોકરીમાં આવેલા અવરોધો દૂર થાય. પરદેશના પ્રશ્નોના ઉકેલમાં વિલંબ. પ્રગતિ, સફળતા સાંપડે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહ વિશેષ ખર્ચાળ અને માનસિક ચિંતા કે બોજો રખાવશે. તમારી ધીરજની કસોટી થતી જણાશે. માર્ગ આડેના અવરોધો પાર કરી શકશો. વ્યવસાયિક યોજનાઓ માટે આ સમય પ્રગતિકારક અને સાનુકૂળ બનશે. તમારા પ્રયત્નો ફળદાયી બને. નોકરિયાતો માટે આ સમયમાં એકંદરે કામનો બોજો, જવાબદારી વધે. મકાન-મિલકતના પ્રશ્નો અંગેની ચિંતા વધતી લાગે. અગત્યના નિર્ણયો લેવામાં ગૂંચ જણાય.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયગાળામાં અજંપો કે અશાંતિનો અનુભવ થાય. ધાર્યું કામ થાય નહિ તેથી ઉત્પાત જણાય. વ્યર્થ દોડધામ અને ધાર્યું ફળ ન મળતાં નિરાશા જણાય. આ સમયગાળામાં તમારા જરૂરી ખર્ચ કે આયોજન માટે નાણાંકીય વ્યવસ્થા કરી શકશો. આવક વધે નહિ. કરજ યા બોજ મેળવવાના પ્રયત્નો સફળ નીવડે અને તમારા કામ આગળ ધપાવી શકશો. લાભની તકો બહુ જણાતી નથી. નોકરિયાત વર્ગને કામનો બોજ વધુ અને લાભ ઓછો મળતા ઉદ્વેગ રહે. ધંધા-વેપારના ક્ષેત્રે લાભ અટકશે યા ધાર્યા કરતાં ઓછો લાભ મળે. સામાજિક તથા રાજકીય કાર્યોમાં પ્રગતિ થાય.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં સાનુકૂળતા વર્તાશે. તમારો પુરુષાર્થ ફળશે. માનસિક ઉત્સાહ જણાશે. આર્થિક દૃષ્ટિએ સમય શુભ હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નાણાંકીય ગોઠવણ થઈ શકશે. ઉઘરાણી કે લેણી રકમો મેળવી શકશો. નોકરિયાતો માટે આ સમય મિશ્ર ફળ આપનાર છે. વધુ પ્રયાસે કાર્યસફળતા સાંપડશે. બઢતી-બદલીના કામકાજો અટવાયેલા હશે તો વિલંબથી ઉકેલાશે. વેપારીઓને પણ પ્રોત્સાહક વાતાવરણ જોવા મળશે. સંપત્તિના પ્રશ્નો વધુ ગૂંચવાયેલા રહેશે. ધાર્યું કામ થાય નહીં. સંયુક્ત મિલકતો અંગે ઘર્ષણ પેદા થાય. દામ્પત્યજીવનમાં લાગણી યા માન-મહત્ત્વના પ્રસંગોના કારણે ઘર્ષણ જાગશે. વિરોધીના કારણે તમારા માર્ગમાં વિઘ્નો આવશે. શેરસટ્ટાથી કાળજી રાખવી હિતાવહ.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહમાં મિશ્ર અનુભવો થશે. લાગણી અને સ્વમાન ઘવાતાં દિલમાં અજંપો વધે. તમારા ધાર્યા પ્રમાણેની પરિસ્થિતિ ન જણાય. અંતઃકરણમાં ઉત્પાત થશે. ખાસ નજીકના અંગત સ્નેહીથી પણ ઘર્ષણ થઇ શકે છે. માનસિક પરિતાપ સહન કરવો પડશે. નાણાકીય જવાબદારીઓ ધીમે ધીમે પૂરી થતી જણાશે. નોકરિયાતને આ સપ્તાહમાં પ્રોત્સાહક સમય વર્તાશે. આ સમયમાં આવક કરતાં ખર્ચનું પ્રમાણ વિશેષ જોવા મળે. નુકસાન, હાનિ કે અણધાર્યા મૂડીરોકાણને કારણે નાણાંકીય સ્થિતિ બગડે નહિ તેનો ખ્યાલ રાખજો. મકાન-જમીનના કામકાજ થઈ શકશે. અવરોધો દૂર થાય. યાત્રા-પ્રવાસ સફળ થાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં તમે યોજનાઓમાં આગેકૂચ કરી શકશો. દૃઢ મનોબળ અને મક્કમ નિર્ધારથી સફળતા મળતાં ઉત્સાહ વધશે. અહીં કોઈ પણ પ્રકારના સાહસોમાં નાણાં રોકવા હિતાવહ નથી. આવક વધારો જણાશે નહીં. શેરસટ્ટામાં લાભ કરતાં વ્યય વધુ જણાશે. નોકરિયાતને નોકરી બદલવાના પ્રયાસમાં સફળતા મળે. સહકર્મચારી કે ઉપરી સાથેના સંબંધોમાં સાચવજો. જમીન-મકાન અંગેના કોઈ કામ અટક્યા હશે તો તે પતાવી શકશો. કુટુંબના કોઈ સ્વજનની માંદગી ચિંતા કરાવશે. જીવનસાથી સાથે ઘર્ષણના પ્રસંગો નિવારજો.

તુલા (ર,ત)ઃ આ સમય એકંદરે સફળ નિવડશે. કામગીરીઓ પાર પડતી જણાશે. કોઈના સહકાર અને મદદથી ગૂંચવાયેલા પ્રશ્ન ઉકેલાશે. નાણાંકીય અવરોધોમાંથી માર્ગ કાઢી શકશો. તમારી મૂંઝવણ યા ચિંતાનો ઉકેલ મળે. આવી પડેલા ખર્ચને પહોંચી વળશો. આવકનું પ્રમાણ વધે, પરંતુ તે સંતોષકારક નહીં હોય. નોકરિયાતને બઢતી આડે વિઘ્ન હશે તો દૂર થશે. બદલી અંગેના પ્રયત્નો સફળ થશે. ધંધા-વેપારના કામકાજો માટે પણ સફળતા મળે. નવીન કોલ-કરારો થાય. અગવડોમાંથી માર્ગ મળશે. મકાન-વાહન અંગે હજુ સમય પ્રતિકૂળ છે. વડીલોની તબિયત બાબતે ચિંતા થાય.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયગાળામાં માર્ગ આડેના વિઘ્નો માનસિક તાણ પેદા કરશે. જોકે ધીરજ ન ગુમાવવા સલાહ છે. અશાંતિ પણ અનુભવાશે. નાણાંકીય દૃષ્ટિએ આ સમયમાં આવકના પ્રમાણમાં જાવક પણ સારી રહે તેવી છે. આથી સાચવીને ખર્ચ કરજો. આંધળા સાહસ કરશો નહિ. નોકરી-ધંધા અંગે તમે કોઈ સાનુકૂળ તક મેળવી શકશો. નોકરીમાં પરિવર્તન કરવું હોય તો વાંધો નથી. વેપારી વર્ગને ધીમો વેપાર જણાશે. મકાન-જમીનના કામકાજોમાં હજુ ખાસ લાભ જણાય નહીં. યથાવત્ સ્થિતિ જણાશે. દામ્પત્યજીવનની સમસ્યાઓ વધે નહિ તે જોજો. કોર્ટ-કચેરીના કામમાં વિલંબ વધે. ચઢાવ-ઉતારથી ચિંતા રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ તમે કાલ્પનિક અને વ્યર્થ ચિંતાઓ કરીને મનની શાંતિ ગુમાવશો તેમ લાગે છે. શંકા કે તર્ક-વિતર્કોથી મન વધુ અસ્વસ્થ થશે. આ સપ્તાહના યોગો જોતાં આવકમાં વૃદ્ધિ કરવામાં તમારા પ્રયત્નો સફળ થવામાં અંતરાયો આવશે. જોકે તમે તે પાર કરી શકશો. તમારા મહત્ત્વના કામ પ્રસંગે કે ધંધા અંગેની નાણાંકીય મૂંઝવણનો ઉકેલ મેળવી શકશો. કેટલાક વિશેષ ખર્ચાઓની જોગવાઈ કરી લેવી. નોકરી સંબંધિત પ્રશ્નો ઉકેલ માટે આ સમયના ગ્રહયોગો સાનુકૂળ અને મદદકર્તા છે. તમારા હરીફ કે હિતશત્રુઓની કારી ફાવશે નહીં. નવા મકાનની શોધમાં હો તો એ મેળવી શકશો. અલબત્ત, સંપૂર્ણ સંતોષ થશે નહીં.

મકર (ખ,જ)ઃ આ સમયમાં તમારા અગત્યના કાર્યનો ભાર માનસિક તાણ રખાવશે. ઉશ્કેરાટ અને આવશે પર કાબુ રાખજો. ઉતાવળા નિર્ણયો લેવા નહિ. નાણાકીય સમસ્યાઓના કારણે પરિસ્થિતિ ઠેરની ઠેર રહે. અહીં આવક-જાવકના બંને છેડા સરખા કરવા માટે મહેનત વધારવી પડે. નોકરી-ધંધાના ક્ષેત્રે હજુ સંજોગો ઠીક ઠીક જણાય છે. નોકરિયાતોએ તેમના પ્રશ્નો વધુ ગુંચવાય નહિ તે જોવું. ઉપરી સાથે વિવાદ અટકાવજો. સહકર્મચારીઓ સાથે ઘર્ષણનો પ્રસંગ ઊભો થાય. વેપાર-ધંધાના ક્ષેત્રે શત્રુઓ ફાવે નહીં. જમીન-મકાનના કામકાજો કે સંપત્તિના પ્રશ્નોના ઉકેલ માટે સમય મદદરૂપ બનતો જણાશે. સરકારી કામ આગળ વધે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ અંગત મૂંઝવણોના કારણે બેચેની, વિષાદ કે વ્યથાનો અનુભવ થાય. મંદ ગતિએ કામ થતાં અજંપો વધશે. નિરાશ થયા વિના પ્રયત્નો જારી રાખવાથી જ શ્રેય થાય. આવકના પ્રમાણમાં જાવક તથા ખર્ચના પ્રસંગ બનશે. અણધારી ચૂકવણીના કારણે નાણાંભીડ રહે. આર્થિક ટેન્શન વધશે. આ માટે તમારે જાવક ઓછી કરવી પડશે. મોટા કે અણધાર્યા લાભના યોગો જણાતા નથી. નોકરિયાત વર્ગ માટે આ સમય યથાવત્ સ્થિતિ સૂચવે છે. ગૃહજીવનમાં એકંદરે સાનુકૂળતા રહે. જીવનસાથીનો સહકાર મળે નહિ. જમીન-મકાનની સમસ્યાઓનો ઉકેલ મળે. કૌટુંબિક પ્રશ્નો હલ થઈ શકશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ લાંબા સમયથી અનુભવાતી બેચેનીમાંથી મુક્તિ મળશે. આર્થિક કામકાજો માટે સમય શુભ પુરવાર થશે. કેટલીક વધારાની આવક ઊભી થવાનો માર્ગ ખુલશે. કરજ-બોજથી મુક્તિ મળવાનું શરૂ થાય. નોકરિયાતોને હવે કેટલીક મહત્ત્વની કામગીરી અંગે યશ-માન મળશે. બઢતી માટેની તકો યા તેને અનુરૂપ વાતાવરણ ઊભું કરી શકશો. નોકરી અંગેના પ્રયાસ વધશે. વેપાર-ધંધાના ક્ષેત્રે હજુ સમય ઠીક ઠીક સમજવો. મકાન-સંપત્તિની ખરીદી-વેચાણના કામકાજો માટે સમયનો સાથ મળશે. કૌટુંબિક પ્રશ્નોનું સમાધાન શોધીને શાંતિ સ્થાપી શકશો. લાંબી મુસાફરીમાં મુશ્કેલી લાગે. તબિયત સુધરતી જણાય. નવીન ઓળખાણો લાભ અપાવે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter