તા. ૧૦ ડિસેમ્બર ૨૦૧૬ થી ૧૬ ડિસેમ્બર ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 07th December 2016 07:09 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહનો શુભારંભ શુભ સમાચારોની પ્રાપ્તિ કરાવશે. અત્યાર સુધી મનમાં સંઘરી રાખેલી વ્યથા આ સમયમાં દૂર થશે. અંગત પરિજનોની હૂંફ અને પ્રેરણા કાર્યોમાં પ્રગતિ કરાવશે. નાણાંકીય પરિસ્થિતિ સુધરશે. વહેવાર સચવાશે. વ્યાવસાયિક કામકાજમાં થોડી તેજી આવશે. નોકરીમાં વધુ રાહત રહેશે. આત્મબળ ટકી રહેશે. નવા સોદા કરવા માટે તેમજ શેરની ખરીદી માટે થોભી જઈને કામ કરશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ નવા પ્રવાસની તૈયારી સાથે અધુરા કામોને પૂર્ણ કરવાની મનોકામના સાકાર થશે. શારીરિક સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા હલ થશે. નવીન ખરીદીમાં બેલેન્સની પણ કાળજી રાખવી પડશે. વધુ પડતું દેવું ન થાય તે જોવું જરૂરી રહેશે. ધર્મ લાભ મળશે. માંગલિક અને સામાજિક પ્રસંગોને લઈ આપની દોડધામ વધી શકે છે. સંતાન અંગેના પ્રશ્નોમાં સહાયતા મળશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં હાથમાં આવતી તકોનો સદ્ઉપયોગ કરી લેશો. અનેક મુશ્કેલીઓ બાદ મળતી સફળતાનો અનુભવ આ સમયે થશે. અટકેલા કામોનો ઉકેલ મળશે. સ્વજનો તરફથી સ્નેહભાવ વધશે. ધંધાકીય રીતે પડેલી ગૂંચવણ ઉકેલાશે. ભાગીદારીમાં રાહત રહેશે. પૈસાની તકલીફ ઓછી થાય. લેણા પૈસા પાછા મળવાના ઉજળા સંજોગો છે. વડીલો તરફથી સહાનુભૂતિ વધશે.

કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહે શેરસટ્ટા અથવા લોટરીમાં પૈસા વેડફવાથી બચજો. નાણાકીય ખેંચ તમને મુશ્કેલીમાં ન મૂકે તે જોવું જરૂરી રહેશે. લગ્ન અને માંગલિક અન્ય પ્રસંગો માટેના વહેવારોને લઈ દોડધામ વધશે. નવીન ચીજવસ્તુની ખરીદી અને ઇચ્છિત વસ્તુ વસાવવા માટે ખર્ચ થશે. સંતાન માટે સમય આપવો પડશે. દાંપત્યજીવનમાં કડવાશ ઓછી થઈને જીવનરૂપી બાગમાં પુષ્પો ખીલશે.

સિંહ (મ,ટ)ઃ નાણાકીય ભીડ ઓછી થશે. આર્થિક વ્યવવારો સચવાય તેવી પરિસ્થિતિ નિર્માણ થાય. મિલકત બાબતના પ્રશ્નોનો ગૂંચવાડો ક્રમશઃ દૂર થાય. પ્રગતિ દેખાય. દુકાન-મકાનમાં રિનોવેશન કરાવવાની બાબતોએ નિર્ણય લેવાશે. ગાડી તથા વાહનની ખરીદી માટે પણ ચક્રો ગતિમાન થાય. સંતાનો તરફથી હૂંફ મળશે. નોકરીમાં શાંતિ જળવાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ નવો વહેપાર શરૂ કરતાં થોડી અડચણોનો સામનો કરવો પડશે. નોકરીમાં પણ સહયોગીઓ સાથે મન ઊચું થાય. જોડીદાર સાથે ચડભડ ન થાય તેની કાળજી રાખવી પડશે. કૌટુંબિક તથા સામાજિક કામગીરીથી ખર્ચ થાય. સંતો-મહાપુરુષોનું મિલન તમને માનસિક શાંતિનો અનુભવો કરાવશે. નોકરીની બાબતે થોડીક ચિંતા વધશે. આમ છતાં આત્મબળથી પ્રશ્નોનો ઉકેલ આવે. મિત્રો-સ્વજનોનો સહયોગ વધશે. ઇચ્છીત ફળ મળશે.

તુલા (ર,ત)ઃ અનુભવી મિત્રો અને વડીલોની સલાહથી તમારા ગૂંચવાયેલા પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકશો. નાણાકીય મુશ્કેલી હવે ઓછી થતી જણાશે. યાત્રા-પ્રવાસમાં થયેલી ઓળખાણનાં લાભ આ સપ્તાહમાં મેળવી શકશો. નવા વેપાર-ધંધામાં મૂડીરોકાણ કરવાની યોજના સફળ થાય. શેર તથા લોટરીમાં ધ્યાન રાખશો. નવી ખરીદીમાં જાળવીને કામગીરી કરવી પડશે. મકાન તથા ઓફિસને લગતી કામગીરીમાં સરળતા થશે. મિત્રોની હૂંફ અને સ્વજનોની લાગણી વધશે.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન નાણાકીય સ્થિતિમાં ચઢાવ-ઉતાર આવશે. આર્થિક આયોજન નહીં કરો તો દેવાદાર થઇ જશો. સરકારી અને વ્યાવસાયિક કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. સ્વજનો અને મિત્રો તરફથી મુશ્કેલીના સમયમાં સાથ મળશે. ખોટા વાદ-વિવાદમાં સપડાય ન જાવ તેની કાળજી રાખવી જરૂરી છે. અન્યોથી દોરવાઈ જઈને નિર્ણય નહીં લેતા. મહત્ત્વના નિર્ણય લેતાં પહેલા ફરી ચકાસણી કરશો.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ નાણાકીય રીતે આ સપ્તાહમાં લાભની અને સફળતાની આશાઓ ફળીભૂત થશે. બાકી દેવું ચૂકવવામાં પણ તમને રાહત થતી જણાય. તમારા મનમાં રહેલી ગૂંચવણોનો જવાબ મળશે. ભાઈ-બહેનો તથા વડીલો તરફથી સ્નેહભાવ આત્મીયતા વધશે. મનદુખ હશે તો તેનું નિરાકરણ આવશે. ધાર્મિક અને માંગલિક પ્રસંગોનું આયોજન થાય. હાથમાં લીધેલા કાર્યો પૂરા થાય. લગ્નવાંચ્છુઓ માટે આ સમય નવીન મુલાકાતનું આયોજન કરનાર છે.

મકર (ખ,જ)ઃ વેપાર-ધંધાની દૃષ્ટિએ આ સપ્તાહમાં તમારી અનુકૂળતા વધશે. દબાયેલા નાણાં અને મિલકત તથા વાહન માટેની તમારી યોજનાઓને સફળતા મળે. ઉચ્ચ અધિકારીઓ તરફથી રાહત રહેશે. નોકરીમાં સાનુકૂળતા વધતી જણાય. સંતાન અંગેના પ્રશ્નોમાં જરૂરી માર્ગદર્શન મળશે. દામ્પત્યજીવનમાં અનેરી સુવાસ પ્રસરશે. નોકરીમાં પણ માનપાન વધશે. કામની કદર થશે. નાના યાત્રા-પ્રવાસનું આયોજન થાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહમાં ક્રમશઃ પ્રગતિ અને ઇચ્છીત સફળતાઓ હાંસલ કરી શકશો. સંતાનના પ્રશ્નોના ઉકેલમાં પુરતું ધ્યાન આપવું હિતાવહ રહેશે. ધંધાકીય ક્ષેત્રે તેજી જોવા મળશે. અહીં કરેલા મૂડીરોકાણનું વળતર મળશે. શુભ પ્રસંગોનું આયોજન થશે. સંતાન સુખની ઇચ્છાઓ સાકાર થતી જોવા મળશે. સંતોની મુલાકાત લાભદાયી બનશે. ધર્મસ્થાનોની મુલાકાત શાંતિ બક્ષીને ટેન્શન મુક્ત કરાવશે.

મીન (દ,ચ,છ,થ)ઃ સપ્તાહના આરંભે કામકાજનો બોજ વધશે. મિત્રો-પરિવાર તરફથી જવાબદારીને નિભાવવી પડશે. નાણાકીય ખેંચ ઊભી થશે. નવા યાત્રા-પ્રવાસ માટે ઇચ્છાઓ પ્રબળ બનશે. નવીન ઓળખાણો મદદરૂપ બનશે. સરકારી કાર્યમાં અટકેલી કામગીરી પ્રગતિમાં આવશે. સ્વજનોની હુંફ વધશે. શારીરિક તંદુરસ્તીમાં કાળજી લેવી હિતાવહ રહે. વડીલોની ચિંતા રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter