તા. ૧૧-૪-૨૦૧૫ થી તા. ૧૭-૪-૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 08th April 2015 10:49 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહમાં કોર્ટ-કચેરી અને સરકાર સંબંધિત પ્રશ્નોના ઉકેલમાં સાનુકૂળતા જણાશે. દાવા-વિવાદનો નીવેડો આવશે. હિતશત્રુઓને પરાજય થાય. માનસિક ચિંતાઓનો ભાર હળવો થશે. તમારું સ્વાસ્થ્ય સુધરશે. વેપાર અને નોકરીમાં સફળતા યોગ જણાય છે. તમે ધીમી પણ નક્કર પ્રગતિ સાધી શકશો. જોકે પુરુષાર્થ વધારવો પડશે. કોઈની મદદથી કામ સાકાર થતા જણાય. ખોટા સાહસથી દૂર રહેજો.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં કેટલાક પરિવર્તનો અને ફેરફારોના સાક્ષી બનશો. ધંધા-નોકરીના પ્રશ્નો અંગે વધુ સાવધ રહેવું જરૂરી છે. તમારા વિરોધીઓ જોર કરીને અંતરાયો ઊભા કરતા હોય તેવું લાગશે. પરિણામે આર્થિક મુશ્કેલી અને નાણાકીય તંગી પણ તમારે જોવી પડશે. આ સમયમાં તમે કોઈ નવા ફેરફાર આવી રહેલા નિહાળશો. કોઇ પણ મહત્ત્વનો નિર્ણય કરતાં પહેલા બે વાર અચૂક વિચારજો.

મિથુન (ક,છ,ઘ)ઃ ગ્રહયોગ દર્શાવે છે કે ગમે તેટલા પ્રતિકૂળ કે વિપરીત સંજોગો છતાં માનસિક જુસ્સો જાળવવો જરૂરી છે. તમારી ધીરજ તમને ઉપયોગી બનશે. મનની લાગણી દુભાય તેવા પ્રસંગો બનશે. આકસ્મિક ખર્ચના પ્રસંગો સવિશેષ વધશે. બોજો-કરજ વધશે. કોઇને ધીરેલાં નાણાં નજીકના ભવિષ્યમાં મળે તેવી શક્યતા નથી. નોકરિયાત માટે આ સમય એકંદરે ઠીક ઠીક સાનુકૂળ છે.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહ પ્રતિકૂળ અને અવરોધવાળું જણાય છે. ધાર્યા કામમાં રુકાવટ આવતી જણાય. માનસિક વ્યથા વધશે. અસંતોષનો અનુભવ થશે. જમીન-મકાન કે સંપત્તિના પ્રશ્નોમાં પ્રતિકૂળતા વર્તાશે. કોઈના વિશ્વાસે વહાણ ન હાંકવું. મૂડીરોકાણ કરતાં પહેલા વિચારજો. ધંધા કે નોકરીની કામગીરીમાં ગૂંચવાડો વધતો જણાશે. ધાર્યું ફળ મળવાના યોગ નથી. તમારી ધીરજની કસોટી થશે. આયોજન કરીને તમે નાણાંકીય કટોકટીનો ઉકેલ મેળવી શકશો.

સિંહ (મ,ટ)ઃ વર્તમાન સમયમાં હાથમાં રહેલાં કાર્યોમાં અણધાર્યો ફાયદો થાય. તક સ્વીકારી લેશો તો લાભ મેળવશો. ધંધા-વેપારમાં આગળ વધવાના ચાન્સ મળશે. નોકરિયાતોએ વર્તમાન સ્થળે જ કામ ચાલુ રાખવું. નોકરિયાત વર્ગને બદનામી અને આરોપોથી બચવું. નવું આયોજન કે નોકરીમાં પરિવર્તનનું જોખમ ખેડવું નહિ. આવકનાં હાલના સાધનો બળવાન થશે. વિદેશથી શુભ સમાચાર મળશે. મિત્રો-સ્વજનોથી ટેન્શન.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારી મનોવેદનાઓ - વ્યથાઓ હળવા બને તેવા પ્રસંગો સર્જાય. સમસ્યા નિવારણમાં ઈશ્વરીય શક્તિ સહાયભૂત બનશે. જોઈતી તક સામેથી આવશે. આવકવૃદ્ધિનો માર્ગ મળે. પરિસ્થિતિમાં સુધરો થશે અને જરૂર મદદ થકી માથા પરની આર્થિક જવાબદારીઓ અદા કરી શકશો. વિશ્વાસે ધીરધાર કરવાનું વલણ ટાળજો. નોકરીના સ્થળે પ્રશ્નો હલ થાય અને પ્રગતિનો માર્ગ ખૂલે. ખટપટો કરનાર ફાવશે નહિ.

તુલા (ર,ત)ઃ જૂની ચિંતા કે સમસ્યાઓના ઉકેલ માટે આ સમય સાનુકૂળ છે. અંતરાયોને પાર કરીને સફળતા મેળવી શકશો. આર્થિક જવાબદારી કે કરજના ભારની ચિંતા હશે તો તેના ઉકેલની તક મેળવશો. સપ્તાહમાં ખર્ચ-ખરીદીઓ પર અંકુશ રાખશો તો વાંધો નહિ આવે. ઉઘરાણીનાં નાણાં પરત મેળવશો. નોકરિયાત વર્ગે હિતશત્રુઓથી સાવધ રહેવું જરૂરી છે. નોકરીમાં બદલી કે પરિવર્તનની તક ઊભી થતી જણાય.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહમાં સફળતા અને સાનુકૂળતાઓનું વાતાવરણ સર્જાતા સમય મજાનો નીવડશે. તમારો પુરુષાર્થ ફળશે. મહત્ત્વના કામકાજોમાં પણ તમને પ્રગતિ જોવા મળશે. માનસિક ઉત્સાહ વર્તાશે. આર્થિક દૃષ્ટિએ સમય શુભ હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નાણાકીય ગોઠવણો માટે સાનુકૂળતા રહેશે. ઉઘરાણી કે લેણી રકમો પરત મેળવી શકશો. નોકરિયાતો માટે આ સમય મિશ્ર ફળ આપનારો છે. વધુ પ્રયાસે કાર્યસફળતાના યોગ છે. વિલંબમાં પડેલા બઢતી-બદલીના કામકાજો ઉકેલાશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ માનસિક અકળામણ અને તીવ્ર તણાવના કારણે અસ્વસ્થતામાં વધારો થશે. ખોટી ચિંતાઓના કારણે વધુ અશાંત રહેશો. આધ્યાત્મિક વલણ કેળવશો તો શંકા અને ચિંતાથી મુક્તિ મેળવી શકશો. સતત કાર્યરત રહેશો તો મન સ્વસ્થ રહેશે. અણધાર્યા ખર્ચના પ્રસંગો આવી પડતાં આર્થિક તંગી વર્તાશે. મિત્રો-સ્વજનોની સહાય આધાર રાખવો પડશે. નવા મકાનમાં રહેવા જવા માટે ગ્રહયોગ સાનુકૂળ છે.

મકર (ખ,જ)ઃ તમારા અંગત પ્રશ્નો અને યોજનાઓના નિરાકરણમાં ગ્રહયોગ મદદરૂપ થશે. તમારા માર્ગ આડેના અંતરાયો ધીમે ધીમે દૂર થતાં વિકાસ થતો જણાશે. મહત્ત્વની કાર્યવાહીથી ભવિષ્યમાં સારી ઉન્નતિ થાય. આવક કરતાં ખર્ચ વધતા સ્થિતિ કટોકટીભરી રહે. જોકે નોકરીના ક્ષેત્રે તમે ધારો છો તેવી તક હાથમાં આવીને સરી ન પડે તેની કાળજી રાખજો. બદલી-બઢતીના યોગ પ્રબળ છે. વિરોધી અને સહ-કર્મચારીઓથી સાવધ રહેવું.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ કાર્યબોજમાં વધારો અને અગાઉથી નક્કી કરેલી યોજનાઓમાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જોવા મળતાં અસ્વસ્થતા કે તાણ વર્તાશે. આર્થિક વ્યવહારોમાં તકેદારી રાખવી જરૂરી છે. કૌટુંબિક અને આરોગ્ય સંબંધિત ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે આર્થિક બોજો વધે. આર્થિક હાલત સંતોષજનક થવામાં વિલંબ જણાશે. ઉઘરાણી કે અન્યત્ર અટવાયેલા નાણાં મળતા થોડી રાહત થશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં માનસિક રાહતનો અનુભવ કરી શકશો. મહત્ત્વના કામકાજોમાં પ્રગતિ થતાં તમારો આનંદ વધશે, સક્રિયતા વધશે. ચિંતામાંથી મુક્તિ મળશે. જોકે વધુ પડતા ખર્ચા અને મૂડીરોકાણના કારણે નાણાકીય ખેંચનો અનુભવ થશે. નોકરિયાતોના પ્રયત્નો સફળ નીવડશે. સંઘર્ષ અને મુશ્કેલીઓમાંથી માર્ગ મળશે. વિરોધીના હાથ હેઠા પડતાં જણાશે. ધંધા-વેપારમાં અગત્યના કરારો કે નવીન તક મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter