તા. ૧૨ માર્ચથી ૧૮ માર્ચ ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 09th March 2016 02:29 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ નાણાકીય સ્થિતમાં સુધારો થતો જણાશે. લાભ મેળવી શકશો. વધારાની આવક ઊભી કરવાના પ્રયત્નોમાં થોડા-ઘણા વિઘ્નો બાદ સફળ થશે. નોકરિયાતોને હજુ માનસિક બોજો રહેશે. પ્રગતિ-બઢતી મળવામાં વિલંબ થાય. ધંધાના ક્ષેત્રે મુશ્કેલી આવે, પણ તેમાંથી રસ્તો મેળવી શકશો. ધનહાનિ ન થાય તે જોવું રહ્યું. વિરોધી અને હરિફોથી સાવચેત રહેજો. આ સમયગાળામાં એકાદ મહત્ત્વની પ્રગતિકારક તક મળશે, જેનો લાભ ઊઠાવી લેજો. કૌટુંબિક કામકાજો પાર પાડી શકશો. સ્નેહીજનોથી મિલન-મુલાકાત થાય. નજીકના સ્વજનના આરોગ્ય અંગે ચિંતા રહે.

વૃષભ (બ,વ,ઉ)ઃ કાલ્પનિક ભયના કારણે તમારી સ્વસ્થતા જાળવવી મુશ્કેલ બનશે. એક પ્રકારની નિરાશા અનુભવશો. બેચેની રહે. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળશે. અણધારી સહાયથી કામકાજો નભી જશે. જરૂરી નાણાકીય વ્યવસ્થા ઊભી કરી શકશો. નોકરીમાં પરિવર્તન, બઢતીના કામકાજ થશે. ધંધાના ક્ષેત્રે જણાતી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગશે. મકાનમાં લે-વેચના કામમાં હજુ ધારી સફળતા ન મળતાં માનસિક ભાર જણાય. ભાડુઆત કે મકાન-માલિક સાથેના વિવાદોથી માનસિક અશાંતિ રહે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં નવીન પરિચય થાય, જે ભવિષ્યમાં લાભદાયી નીવડશે. યાત્રાપ્રવાસ લાભદાયી અને સફળ રહેશે. સ્નેહીજનોથી મિલન થતાં આનંદ ઊપજે. આવક કરતાં જાવક વધુ રહેવાના કારણે આ સપ્તાહ તંગીવાળું રહેશે. તમારા ખર્ચની સામે બચત સંભવ બને નહીં. પરિણામે કરજ દેવું વધે. જમીન કે સ્થાવર મિલકતને લગતા કાર્યો અંગે હજી સાનુકૂળ વાતાવરણની આશા નથી. હિતશત્રુઓનું જોર જામતું જણાય. સરકારી કામકાજોમાં લાભ કરતાં મુશ્કેલી વધુ જણાય છે. કોર્ટ-કચેરીના કાર્યમાં ધાર્યું થાય નહીં. નવીન મુલાકાતો ભવિષ્યમાં લાભદાયી નીવડે. આવક કરતાં ખર્ચ વધે નહીં તેની કાળજી રાખવી. વિદેશથી શુભ સમાચાર મળી શકે.

કર્ક (ડ,હ)ઃ તમારા મનની અશાંતિ અને બોજો તમને નકારાત્મક ન બનાવે તે જોજો. તમારા પ્રયત્નો સામે પુરુષાર્થનું ફળ મળવામાં વિલંબ થાય. છતાં મહેનત ચાલુ રાખજો. નોકરીના ક્ષેત્રે ધાર્યા પરિણામ માટે ઉપરી વર્ગનો સાથ જરૂરી જણાશે. સહકર્મચારી વર્ગ તમને હેરાનગતિમાં ન મૂકે તે જોજો. ધંધાકીય સમસ્યાઓ ગૂંચવાતા ભાર અકળામણ અનુભવશો. જોકે તેથી થાકી ન જતાં, આગળ વધજો. આર્થિક ક્ષેત્રે તમને માર્ગ મળતા થોડીઘણી રાહત થાય. એકાદ-બે લાભના યોગ સાંપડશે તે છે ઝડપી લેજો. સંતાનો બાબતની મૂંઝવણ વધતી જોવા મળશે. કૌટુંબિક પ્રશ્નો યથાવત્ રહેશે. નવા પ્રવાસના આયોજનમાં તમારું ધાર્યું થાય નહીં.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહમાં મનની મુરાદ પૂર્ણ થશે. મહેનત અને પુરુષાર્થનું ફળ મળતાં મનનો બોજો હળવો થાય. અગત્યની કામગીરીમાં સફળતા મળશે. નાણાકીય સંજોગો ખર્ચાળ જણાશે. આવક કરતાં જાવક વધશે. લાભની તક ગુમાવવી પડે. વ્યવસાયિક ક્ષેત્રે જણાતી વિષમ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી ધીરજપૂર્વક ચાલીને બહાર નીકળી શકશો. નોકરિયાતને નવી નોકરી અંગેના પ્રયત્નો સફળ થતા જણાય. કોઈની મદદ લેવી પડે. કોઈ અગત્યની મુલાકાત સફળ નીવડશે. ભાઈભાંડુની તબિયત ચિંતા રખાવશે. દાંપત્યજીવનની ગેરસમજો નિવારીને પ્રસન્નતાનું વાતાવરણ સર્જી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારા મન પરનો ભાર અને અશાંતિના ઓળા દૂર થતા જણાશે. લાંબા સમયથી અનુભવાતી બેચેનીથી મુક્તિ મળશે. તમારા આર્થિક કામકાજો માટે સમય સાનુકૂળ પૂરવાર થશે. કેટલીક વધારાની આવક ઊભી કરવાનો માર્ગ ખૂલશે. કરજ-બોજામાંથી મુક્તિ મેળવી શકશો. નોકરીમાં કાર્યસફળતાના યોગ છે. બઢતી-બદલીરૂપે રચનાત્મક ફેરફારો થાય. વિરોધીની ચિંતા કરશો નહીં. વેપાર-ધંધાની ચિંતા હળવી થશે. મકાન-મિલકતના પ્રશ્નો યથાવત્ રહેતા જણાશે. દાંપત્યજીવનમાં સર્જાયેલી ગેરસમજો કે વિવાદો દૂર થશે. સ્વજનના આરોગ્યની કાળજી રાખવી જરૂરી.

તુલા (ર,ત,)ઃ આ સમયમાં શંકા-ભયની લાગણીને મનમાંથી હાંકી કાઢશો તો જ સુખ માણી શકશો. ચિંતા છોડજો. આવકનો નવો માર્ગ શોધી શકશો. સારી તકો મળશે. આવક સામે ખર્ચ વધશે. નુકસાનના પ્રસંગોથી જૂના લાભ અટક્યા હોય તો તે મળતા જણાય. નોકરીના ક્ષેત્રે મુશ્કેલીઓ દૂર થતાં સાનુકૂળતા જણાશે. નવા કામનો પ્રારંભ થઈ શકશે. મકાન-સંપત્તિને લગતી બાબત માટે સમય શુભ છે. ગૃહજીવનમાં એકંદરે પરિસ્થિતિ ઠીક ઠીક રહે. અગત્યના કાર્યો પાર પડે. મિલન-મુલાકાતના પ્રસંગો વધશે. સામાજિક કાર્ય પાર પાડી શકશો. તમારું આરોગ્ય બગડે નહીં તે જોજો. સંતાનોના પ્રશ્નો ઉકેલી શકશો.

વૃશ્ચિક (ન,ય)ઃ કૌટુંબિક પ્રશ્નો હશે તો સપ્તાહ દરમિયાન તેને ઉકેલાતા જોઇ શકશો. ઉદાર દિલે જતું કરવાની ભાવનાથી સારું પરિણામ મેળવી શકશો. આવક સામે ખર્ચનું પ્રમાણ વધી જતાં તમારી પરિસ્થિતિ તંગ રહેશે. આર્થિક વ્યવહારોમાં તકલીફ વધે. મકાન-જમીનને લગતા કામોમાં પ્રગતિના યોગ છે. ખરીદ-વેચાણની ચર્ચા સફળ થાય. નોકરિયાતને કાર્યસફળતા ન મળતા અસંતોષ જણાય. ધંધાદારી વ્યક્તિને નવા કાર્ય અંગે મહત્ત્વની મુલાકાત થાય. દાંપત્યજીવનમાં અકારણ મતભેદો સર્જાય. અકસ્માત-ઈજાથી સાચવવું જરૂરી છે. શારીરિક વ્યાધિમાંથી મુક્તિ મેળવશો. સપ્તાહમાં મોટા ખર્ચા ટાળજો.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારી લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો બેચેન બનાવશે. આત્મવિશ્વાસ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે જ રાહત મેળવી શકશો. નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થઈ શકશે. અગત્યની કામગીરીઓ સફળ થતાં લાભની તકો ઊભી થાય. નોકરિયાતોને બઢતીના પ્રયત્નો આડે હજુ અવરોધ જણાશે. સહકર્મચારી કે ઉપરી દ્વારા યશ ન મળતાં ઉદ્વેગ રહેશે. મકાન-વાહન અંગે કોઈને કોઈ પ્રકારની મુશ્કેલી કે મૂંઝવણ જણાશે. સ્વજનો કે કુટુંબીજનોથી લાગણીઓને ઠેસ પહોંચે તેવા પ્રસંગો બનશે. બેરોજગારો માટે લાભકારક તક મળી શકે છે.

મકર (ખ,જ)ઃ અગત્યના કામકાજો માટે જોઈતી સાનુકૂળતા ઊભી થાય. પરિણામે પ્રગતિ કરી શકશો. નવીન યોજનાઓનો વિકાસ જોવા મળે. અણધારી સગવડ મળે. ભાગ્યનો સાથ સાંપડશે. આર્થિક મુદ્દે આ સમયમાં લાભની તક સામે વ્યય, ખર્ચના પ્રસંગો આવતાં પરિસ્થિતિ યથાવત્ રહેશે. અલબત્ત, નાણાના અભાવે તમારા કામ રોકાશે નહીં. નોકરી-ધંધાના ક્ષેત્રે સંજોગો મધ્યમ રહે. ઉતાવળા નિર્ણયો લેવા નહીં. ધાર્યું ફળ મળે નહીં. હજી પ્રગતિ ધીમી લાગશે. દાંપત્યજીવનમાં સંવાદિતા અને સુખદ મનમેળ સર્જી શકશો. તમારી તબિયત કાળજી માગી લેશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ ઘણા વણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાશે અને હવે વધારાની નવી જવાબદારી ઊઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. જેટલી સાનુકૂળતાઓ છે તેટલી જ નવી કામગીરીઓ પણ આવશે. નાણાકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. નોકરિયાતોને હજુ કેટલાક વિઘ્નો જણાશે. હિતશત્રુઓથી સાવચેત રહેવાની સલાહ છે. ધંધા માટે આ સમય શુભ રહેશે. મકાન-મિલકતની બાબતો માટે આ સમય સારો નીવડશે. ધાર્યું કામ આગળ વધતાં ઉત્સાહ અનુભવશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ મહત્ત્વની વ્યક્તિ સાથે મિલન-મુલાકાતથી લાભ થશે. મહત્ત્વના કામકાજોમાં સફળતા મળતા આ સમય આનંદમય પસાર થાય. સામાજિક ક્ષેત્રે કામ કરતી વ્યક્તિઓને યશ-માન મળશે. નોકરિયાતોને બઢતીની તકો મળશે તે ઝડપી લેજો. ઉન્નતિનો યોગ છે તે જતો ન કરશો. કોઈ સારી નોકરી મળવાની પણ શક્યતા છે. વેપારી અને ધંધાર્થી વર્ગ માટે આ સમય લાભકારક અને વિકાસકારક છે. ગૂંચવાયેલા પ્રશ્નોનો હલ મળશે. જોકે માનસિક તણાવ - બોજો વર્તશે. ગૃહજીવનની સમસ્યાઓ - કૌટુંબિક વિખવાદોને કારણે થોડીક અશાંતિ રહે. તમારું આરોગ્ય કાળજી માગી લેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter