તા. ૧૪ એપ્રિલથી ૨૦ એપ્રિલ ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 13th April 2018 08:48 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ આસપાસનું વાતાવરણ અને સંજોગો માનસિક તાણ ઉત્પન્ન કરશે. ઉતાવળાં પગલાં લેતાં પહેલાં સો વાર વિચાર કરજો. ખર્ચનું પ્રમાણ વધવાથી નાણાંકીય પરિસ્થતિ પણ તકલીફ પહોંચાડશે. આવકના નવા માર્ગ શોધવા માટે પણ તમારી શક્તિ કામે લગાડવી પડશે. ધાર્યું કામ કરવા માટે દોડધામ કરવી પડશે. ધંધા-વહેપારમાં સંજોગો સારા નહીં રહે, જેથી કાળજી લેવી પડશે. નોકરીમાં પણ કાળજી રાખવી પડશે. સપ્તાહના અંતે ક્રમશઃ રાહત અનુભવશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ ગ્રહયોગોની અનુકૂળતા કાર્યપદ્ધતિ બદલી નાંખશે. અત્યારની કામગીરી ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી રહેશે. નાણાંકીય રોકાણો પણ લાભકર્તા પુરવાર થવાના યોગો બળવાન બનશે. સંતાનો તરફથી સહકાર મળશે. લગ્નઇચ્છુકો માટે માનસિક તૈયારીઓ રાખવી પડશે. હા કે ના પાડવાનો નિર્ણય લેવામાં મૂંઝવણ થાય. છતાં પાત્રતાની અનુકૂળતા જોઈને ગોઠવાઈ જશો. નોકરીમાં નિર્ણાયક ભૂમિકા ભજવશો.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહમાં ગૃહજીવનમાં અને વહેપારી કાર્યોમાં વિના કારણે પ્રશ્નો ગૂંચવાશે. તમારા મન ઉપર ભારણ વધશે. તમારા પરત્વે લાગણી રાખનારા પણ તમારી કામગીરીથી અસંતોષી બનશે. સતત તમારી અવગણના પણ થાય. અહીં જોઈજાળવીને કામગીરી કરશો. નાણાંકીય પ્રશ્નોનું નિરાકરણ આવતાં વાર લાગે. અગત્યના કાર્યો ખોરંભે પડશે. પ્રતિસ્પર્ધીઓ તરફથી પણ ભાર વધશે. પ્રવાસ-યાત્રા મુલ્તવી રાખવા પડે. કાળજી લેવી જરૂરી.

કર્ક (ડ,હ)ઃ મન હાલ પૂરતું ચિંતામુક્ત બનશે. નવીન પરિસ્થિતિ સાથે મનમેળ કરવો પડશે. તમારા દબાયેલા નાણાં પાછા માંગવા માટે હવે સમય તમારી તરફેણ કરશે. તક ચૂકશો તો બીજા કાર્યો પણ વિલંબિત થશે. મિલકતની લે-વેચમાં તમે લાભમાં રહેશો. વારસામાં સંપત્તિ મળે. લાભદાયી આર્થિક આયોજન થાય. સંતાનના પ્રશ્નોમાં ઉકેલ મળે. મિત્રો અને સ્વજનો તમારા માટે આત્મીયતા દર્શાવશે. પ્રવાસ-પર્યટનના યોગ છે.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં તમારી રચનાત્મક કામગીરીનો વિકાસ થશે. બૌદ્ધિક અને યોજના સંબંધિત કામગીરીમાં સફળતા મળશે. માનસિક રીતે તમારી ચિંતાઓ ઓછી થાય. નોકરીમાં આ સમયગાળામાં થોડાક પરિવર્તનનો અનુભવ કરશો. તમારી અવગણના થઇ શકે છે. દામ્પત્યજીવનમાં વધુ સુગંધ ભળશે. મિત્રો તથા ભાતૃવર્ગ તરફથી બળ મેળવશો. નવા વેપાર અથવા એજન્સી માટે પણ ચક્રો ગતિમાન થાય. સંતાનના પ્રશ્નો હલ થાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ ગ્રહયોગો થોડાક વધુ નિર્બળ બનાવશે. આર્થિક બોજ ઓછો થવાના હજુ યોગો બળવાન બન્યા નથી. ઉતાવળા નિર્ણય ન લેશો. બીજાની મોટી વાતોથી આપ અંજાઈને કૂદી ન પડતા. તમે કાચબાની ચાલથી જ આગળ વધશો તો લાભમાં રહેશો. બિનજરૂરી સ્પર્ધા તમારા માટે મુશ્કેલી સર્જી શકે છે. મકાન-મિલકતની લે-વેચના પ્રશ્નોમાં પણ ખોટા નિર્ણય લેવાય. ધર્મકાર્યનું આયોજન થાય. સાધુ-સંતોનું સાંનિધ્ય સાંપડશે.

તુલા (ર,ત)ઃ બહારની વ્યક્તિઓનો આપનામાં અતૂટ વિશ્વાસ લાભકારક સાબિત થશે. આ સમય ઇચ્છિત કાર્યોમાં વધુ લાભદાયી તક મળી રહેશે. અત્યારે ગૂંચવાયેલા પ્રશ્નોમાં નિરાકરણ માટેના રસ્તાઓ ખુલ્લા થાય. તમારા કાર્યોની પ્રશંસા થશે. વહેપાર-ધંધામાં તમારી મહેનત ફળશે. તમારા માટે સાનુકૂળ વાતાવરણ આકાર લેશે. તકનો લાભ લેવાનું ચૂકતા નહીં. પાડોશીઓ તથા મિત્રો સાથે તમારા સંબંધો વધુ ઘનિષ્ઠ બનશે. સંતાન લાભ થાય.

વૃશ્ચિક (ન,ય)ઃ તમારા માર્ગ આડેના વિઘ્નો દૂર થશે. પ્રગતિના માર્ગે સફળતાપૂર્વક આગળ વધી શકશો. ખર્ચ ઉપર થોડુંક ધ્યાન આપવું પડશે. મોજશોખ સંબંધિત ખર્ચ અંકુશમાં રાખવો જરૂરી છે. નોકરીમાં બદલીના સંજોગો છે અથવા તો નવી ઓફર પણ આવી શકે છે. જોકે ખોટી ઉતાવળની પણ જરૂરિયાત નથી. ક્રમશઃ પ્રગતિ હાંસલ કરશો. સંતાનપ્રાપ્તિ માટેના યોગો બળવાન છે. કોર્ટકચેરીના કાર્યો પણ તમારી તરફેણ રહેશે. લગ્નજીવનમાં તમારી જવાબદારી અધિક રહેશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારી નક્કી કરેલી કામગીરીમાં અવરોધો સર્જાય. ના છૂટકે બીજાના કામોમાં માથું મારશો. નહીં તો વિના કારણ ભેરવાઈ જાવ તેથી પરિસ્થિતિનું નિર્માણ થશે. ભાઈઓ-બહેનોનો સહકાર મળશે. નોકરીમાં તમારી કસોટી થાય. ધીરજ ધરશો તો લાભમાં રહેશો. આત્મબળ ટકાવી રાખવું પડશે. વેપાર-ધંધામાં સહન કરવું પડશે. તમારી ફરિયાદ સાંભળવા હાલ કોઇ તૈયાર થશે નહીં. નાણાંકીય પરિસ્થિતિ યથાવત્ રહે.

મકર (ખ,જ)ઃ નાણાંકીય રીતે આ સમય આકસ્મિક લાભ આપી જશે. વેપારમાં પણ તેજી જોઈ શકશો. નોકરીમાં પણ લાભદાયી સમય છે. તમારી મહેનતનું ફળ તમને મળશે જ. સ્વજનો સાથે તમારે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે. સરકારી અને રાજકીય કાર્યોમાં તમારી વગ વધશે. ઇચ્છિત લાભ મેળવી શકશો. સંતાન સંબંધિત તમારી ઇચ્છાઓ સાકાર કરી શકશો. સામાજિક માન-મોભામાં વધારો થાય.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ સંતાનની ચિંતાઓનું ભારણ તમારી તબિયત અસ્વસ્થ કરશે. તમારી ઇચ્છા મુજબનું કામ થશે નહીં. ઊછીના લીધેલા નાણાં અથવા લોનના હપ્તા બાબતે પણ અવરોધો સર્જાય. ધાર્મિક અને માંગલિક પ્રસંગો ધાર્યા કરતાં વધુ ખર્ચા કરાવશે. મિલકત બાબતે હાલ ભાગલા પાડવા અથવા નિર્ણય લેવાનું મુલત્વી રાખવું સલાહ ભરેલું રહેશે. તમારા આયોજનમાં પાછા ન પડે તેનું પણ ધ્યાન રાખશો. યાત્રા-પ્રવાસમાં ધ્યાન રાખશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ ધાર્મિક કાર્યો માટેની તમારી અંતરમનની ઇચ્છાઓ આ સમયમાં પૂર્ણ કરી શકશો. સામાજિક, રાજકીય વ્યક્તિઓની હૂંફ તમને સાંપડશે. તમારી સતત દોડધામનું ફળ પણ તમને મળશે. નાણાંકીય રીતે લાભદાયી સમય છે. તમારા સ્વજનો તરફથી મદદ મળી રહેશે. યશ-માન મેળવી શકશો. જોકે સંતાનોની બાબતે થોડીક ચિંતાઓ વધશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter