તા. ૧૪ નવેમ્બર ૨૦૨૦થી ૨૦ નવેમ્બર ૨૦૨૦ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 13th November 2020 08:36 EST
 
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમય કેટલીક અગત્યની બાબતો અંગે ચિંતાપ્રદ બનતો જણાય. આરોગ્યના બાબતોમાં પણ ચિંતા રખાવે. અસ્વસ્થતાના કારણે કેટલાક મહત્ત્વના કાર્યોમાં વિલંબ થાય. નાણાંકીય દૃષ્ટિએ પણ સમય થોડો ખર્ચાળ રહેશે. પરંતુ આપના આગોતરા આયોજનને કારણે કોઈ આર્થિક મુશ્કેલીઓ નડશે નહીં. નોકરી કરનારા વ્યક્તિઓ માટે મિશ્ર યોગ રહેશે. આપ જો સ્થાનફેર કરવા ઇચ્છતા હશો તો એ શક્ય બનશે. ધંધા-વેપારમાં પણ સારું રહેશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ અગત્યની બાબતોનો ઉકેલ આ સમય દરમિયાન લાવી શકશો. આવકવૃદ્ધિના નવા સ્રોત ઊભા થતાં જોવા મળશે. નોકરિયાત વર્ગ માટે પ્રગતિકારક યોગો રહેશે. આપના કાર્યો થકી યશ-માન-કિર્તી પ્રાપ્ત કરી શકશો. મકાન-મિલકતની ખરીદીના કાર્યો પણ પાર પડશે. ધંધા-વેપારમાં નવા રોકાણો કરવાના હો તો એમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. આરોગ્ય બાબતે નજીવી ચિંતા રહે.

મિથુન (ક,છ,ઘ)ઃ મનોસ્થિતિ આનંદદાયક રહે. સામાજિક, ધાર્મિક કાર્યોમાં મન પરોવાયેલું રહે, જેના દ્વારા માનસિક સ્વસ્થતા કેળવી શકશો. કોઈક શુભ પ્રસંગોના યોગો પણ બળવાન જોવા મળે છે. કૌટુંબિક સુખ-શાંતિ જળવાશે. નોકરિયાત માટે થોડીક ટેન્શનવાળી સ્થિતિ કામના ભારણને કારણે જોવા મળે. ધંધા-વેપારમાં પણ અતિ વ્યવસ્તતા રહે. આપના આરોગ્યને લઈને કોઈ પ્રશ્નો હશે તો એ દૂર થતાં દેખાશે.

કર્ક (ડ,હ)ઃ પરિશ્રમ અને મહેનત રંગ લાવશે. કાર્ય થકી સિદ્ધિ અને સફળતા મળવાના ઉજળા સંજોગો છે. આપના વડીલો, મિત્રોની મદદ અને એમના સલાહ-સૂચન થકી આગળ વધશો તો લાભમાં રહેશો. મકાન-મિલકતની ખરીદી બાબતે થોડીક ચિંતા રહે. નોકરીના ક્ષેત્રમાં કામના કારણે ખૂબ દોડધામ કે પ્રવાસ રહેશે. ધંધાકીય ક્ષેત્રમાં નવા નવાં રોકાણો માટેના માર્ગ ખૂલતાં દેખાશે. એકંદરે આનંદમય વાતવરણમાં કાર્ય કરી શકશો.

સિંહ (મ,ટ)ઃ આ સમય થોડો કપરો છે. કોઈ કાર્ય અટવાયેલા હોય તો એના કારણે મન બેચેન રહ્યાં કરે. આપના સ્વભાવમાં પણ થોડાંક ફેરફાર જોવા મળે. ગુસ્સા પર અંકુશ રાખશો તો નુકસાનીમાંથી બચશો. કૌટુંબિક સમસ્યાઓ પણ વધતી જોવા મળે. નોકરીમાં કામનું ભારણ વધ્યા જ કરે. આરોગ્ય બાબતે થોડોક સમય સારો છે. પરંતુ જો આપ કાળજી નહિ રાખો તો આરોગ્યને લઈને કોઈક સમસ્યા ઊભી થઈ શકે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં તમે કેટલાક પરિવર્તન થતાં નિહાળશો. અલબત્ત, નોકરી-ધંધાના ક્ષેત્રમાં ખૂબ સાવધાન રહીને કામગીરી કરવી જરૂરી છે. હરીફો મિત્રો આપને નીચા પાડવા માટે સતત પ્રયત્નશીલ રહેશે. નાણાકીય દૃષ્ટિએ નહીં નફો નહીં નુકસાનવાળી પરિસ્થિતિ રહેશે. આરોગ્યને લઈને થોડી ચિંતા રહ્યા કરે. કોર્ટ-કચેરીના પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. કૌટુંબિક જવાબદારીનું ભારણ વધતું જોવા મળશે.

તુલા (ર,ત)ઃ આ સમયગાળામાં માનસિક સ્વસ્થતાના કારણે ઘણાં બધા કાર્યોમાં પૂર્તતા થતી જોઈ શકશો. કુટુંબમાં કોઈ શુભ પ્રસંગોને કારણે થોડી વ્યસ્તતા રહેશે. નોકરી કરતાં વ્યક્તિઓને પુરુષાર્થનું ફળ પ્રાપ્ત થતું જોઈ શકશે. આ અઠવાડિયું આપના માટે ઘણું વ્યસ્તતાભર્યું રહેશે. સતત કાર્યશીલ રહેશો. ધંધા-વેપારમાં પણ નવા નવાં કાર્યો થકી સફળતા પ્રાપ્ત કરી શકશો.

વૃશ્ચિક (ન,ય)ઃ આવકવૃદ્ધિના નવીન માર્ગો થકી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થતો જોઈ શકશો. આપના દ્વારા કરેલા સાહસો થકી ભવિષ્યમાં એનો પૂરો લાભ પણ મેળવી શકશો. કુટુંબીજનોના સહયોગ દ્વારા તેમજ આપની મહેનત અને પરિશ્રમ થકી દરેક કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરશો. ધંધા-વેપારમાં જોઈ-જાળવીને નવું સાહસ હાથ ધરવું. આગોતરું આયોજન કરશો તો જ્વલંત સફળતા પણ હાંસલ કરશો. આંખ, મસ્તકની સામાન્ય તકલીફ રહે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ નકારાત્મક વિચારોને જો તમારા મન પર હાવી થવા દેશો તો એના માઠાં પરિણામ ભોગવવા પડશે. મનને ખૂબ શાંત રાખીને ધાર્મિકવૃત્તિમાં મન પરોવીને કાર્યો કરશો તો નુકસાનીમાંથી થોડી હળવાશ મળશે. સામાજિક દૃષ્ટિએ કાર્યશીલ વ્યક્તિઓ માટે સમય થોડોક ખરાબ છે. આપના ઉપર કોઈ કલંક લાગવાની શક્યતા રહેશે. આથી વાણી પર ખૂબ કંટ્રોલ રાખવો. આરોગ્ય બાબતે ખાસ ચિંતાઓ જણાતી નથી. આર્થિક પરિસ્થિતિ પણ યથાવત્ રહેશે.

મકર (ખ,જ)ઃ ગૂંચવાયેલા પ્રશ્નોના નિરાકરણ માટે ખૂબ મહેનત કરવી પડશે. ધીરજ રાખીને કાર્ય કરશો તો પરિસ્થિતિને સુખદ અને સાનુકૂળ બનાવી શકશો. નોકરિયાત વ્યક્તિઓના અટવાયેલા કાર્યોની પૂર્તતા માટે સાનુકૂળ સમય છે. બઢતીના સંજોગો બળવાન બને. ધંધાકીય ક્ષેત્રે પણ સતત કાર્યશીલ રહેવું જરૂરી છે. અંગત સ્નેહીજનના આરોગ્યને લઈને થોડીક ચિંતા રહેશે. જીવનસાથી સાથે મનદુઃખ હોય તો દુર થાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહ ઘણા સારા સમાચારો લઈને આવી રહ્યું છે. આપના ભાગ્યોદય માટેની ઉત્તમ તકો રહેશે. નોકરીના ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ પ્રાપ્ત કરી શકશો. આર્થિક દૃષ્ટિએ પણ ઘણાં એવાં લાભ મળશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં આપનો વિજય થાય. ઉદ્યોગોના ક્ષેત્રમાં વધારો જોવા મળશે. સંતાનોના ભવિષ્ય માટેની ચિંતાઓ દૂર થાય. કોઈ સારા પ્રવાસ માટેના આયોજન પણ થઈ શકશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય આપના માટે મિશ્ર ફળ આપનારું સાબિત થાય. આર્થિક દૃષ્ટિએ સદ્ધરતાઓ વધશે તો સાથે સાથે આરોગ્યની બાબતોમાં થોડાંક ટેન્શન પણ વધશે. થોડોક વ્યાયામ, મેડિટેશન દ્વારા મનોસ્થિતિને કાબૂમાં રાખશો તો ચિંતાજનક બાબતોને ટાળી શકશો. ધાર્મિક વૃત્તિમાં મનને પરોવાયેલું રાખશો તો નોકરી-ધંધાના ક્ષેત્રમાં સફળતાઓ મળશે. અભ્યાસને લઈને થોડીક ચિંતા રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter