તા. ૧૫ ઓગસ્ટ ૨૦૨૦થી ૨૧ ઓગસ્ટ ૨૦૨૦ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 14th August 2020 08:13 EDT
 
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમય દરમિયાન કોઈને કોઈ પ્રકારના વિઘ્નો - વિલંબ અને પ્રતિકૂળતા વચ્ચેથી પસાર થવું પડશે. ધીરજની કસોટી થશે. આર્થિક અને ધંધાકીય પ્રશ્નોથી માનસિક તાણ વધતી જણાશે. પરિણામે આપના સ્વાસ્થ્ય તેની અસર થશે. આથી બને તેટલા ધીરજવાન અને સંયમી બનજો. કુટુંબના સભ્યો સાથે વિખવાદ જાગશે. આરોગ્ય અને અકસ્માતનો ભય રહે. યાત્રા-પ્રવાસ માટે લાભકારક સમય. મહત્ત્વના મિલન-મુલાકાતો, માંગલિક અને ધાર્મિક પ્રસંગો વગેરેનું આયોજન થઇ શકશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક રાહત અને સ્વસ્થતાનો અનુભવ થશે. મહત્ત્વના કામકાજોમાં પ્રગતિ થતાં આનંદ-ઉત્સાહ વધશે. સક્રિયતા વધશે. ચિંતામાંથી મુક્તિ મળે. વધુ પડતાં ખર્ચા તેમજ અગત્યના મૂડીરોકાણના કારણે નાણાકીય ખેંચનો અનુભવ થશે. ધારી આવક થાય નહિ. જોકે એકાદ-બે લાભ - આવકના પ્રસંગોથી કામ પાર પડતું જણાશે. નોકરિયાતોના પ્રયત્નો સફળ નીવડશે. સંઘર્ષ તથા મુશ્કેલીઓમાંથી માર્ગ મળશે. વિરોધીના હાથ હેઠા પડતાં જણાશે. અગત્યના કોલ કરાર થશે યા નવી તક મળશે.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહમાં મનોવ્યથા અને ઉદ્વેગ રહેશે. મન પરનો ભાર વધે તેવા પ્રસંગો આવશે. આર્થિક સંજોગો વિપરીત રહેતા મૂંઝવણ અનુભવશો. ઉઘરાણીઓ પ્રત્યે સજાગ રહેવું પડશે. મકાન-જમીનના કામકાજોમાં વિઘ્નો જોવા મળે. તમારા મિલકત સંબંધિત કાર્ય ગૂંચવાય નહિ તે જોવું રહ્યું. વાદવિવાદ સર્જાય. નોકરી-ધંધાના ક્ષેત્રે પ્રતિકૂળતા હશે તો તેમાંથી માર્ગ મળે. મુશ્કેલી દૂર થાય. સ્થળાંતરની શક્યતા પણ છે. તબિયતની કાળજી લેવી જરૂરી માનજો. હિતશત્રુઓ - વિરોધીઓ અંતરાય ઊભા કરે.

કર્ક (ડ,હ)ઃ આ સમય અતિશય કામકાજનું દબાણ તથા વધારાના ખર્ચના પ્રસંગો સૂચવે છે. સંતાનો અંગેની સમસ્યાઓ વધશે. માનસિક રાહત વર્તાય નહિ. પ્રતિકૂળતાના કારણે ધાર્યું કામ પાર પડે નહીં. જમીન-મકાન અંગેની સમસ્યા જણાશે. ભાડાના કે સરકારી મકાન બાબત મુશ્કેલી પેદા થાય. આ સમય નોકરિયાતો માટે નવા ફેરફારો લાવશે. બઢતીનો પ્રશ્ન હજુ ગૂંચવાયેલો જણાશે. વેપાર-ધંધામાં ભાગીદાર સાથે મનદુઃખ ન થાય તે જોવું રહ્યું.

સિંહ (મ,ટ)ઃ લાગણીઓને સંયમમાં રાખશો તો જ સ્વસ્થતા અને શાંતિનો અનુભવ થશે. ગેરસમજોના કારણે સર્જાયેલા વ્યથા-વિષાદના પ્રસંગોથી આ રીતે જ હળવા રહી શકશો. નાણાકીય પ્રશ્નોનો કોઈ સારો ઉકેલ મળશે. મનોમૂંઝવણમાંથી માર્ગ મળશે. ધિરાણ-લોન સહાય દ્વારા આર્થિક ચિંતા દૂર થશે. અલબત્ત, ખર્ચાઓ પર સંયમ રાખવો પડશે. નોકરિયાતો માટે આ સમયના યોગો પ્રગતિકારક અને આશાજનક છે. અગત્યના કામકાજો પાર પડશે. વિવાદો યા વિરોધો વચ્ચે સફળતા મળશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ પ્રગતિકારક નવરચના થાય. વિકાસની તકો આવશે તે ઝડપી લેજો. નાણાકીય કટોકટી કે સમસ્યામાંથી બહાર નીકળવાના પ્રયત્નો સફળ થાય. જરૂરિયાતોને પહોંચી વળવા માટે જરૂરી નાણાની જોગવાઈ કરી શકશો. વિશ્વાસઘાતના પ્રસંગથી ચેતજો. નોકરિયાતોને વિરોધીઓ કે સહકર્મચારીઓ સાથે વાદ-વિવાદ થાય. ઉપરી સાથે મતભેદ થઇ શકે છતાંય એકંદરે સાનુકૂળતા રહેશે. ધંધા-વેપારમાં કામકાજો ઉકેલાશે. મકાન-મિલકતની પ્રગતિ માટે સમય પ્રતિકૂળ સમજવો.

તુલા (ર,ત)ઃ આ સમય નવીન તકો લઇને આવશે. પ્રયત્નો સફળ થતા જણાશે. મહત્ત્વની વ્યક્તિની મુલાકાત લાભદાયી બનશે. યાત્રા-પ્રવાસમાં વિઘ્ન જણાય. નાણાકીય બાબતો અંગે આ સમય વધુ તંગ પરિસ્થિત સૂચવે છે. નાણા પરત મળવામાં અંતરાય આવે. ખર્ચના પ્રસંગો વધી ન જાય તે જોવું રહ્યું. આ સમય મકાન-જમીન કે અન્ય પ્રકારની સ્થાવર જંગમ મિલકતોના કામકાજ માટે પ્રતિકૂળ જણાય. ધાર્યું કામ વિલંબમાં પડી શકે છે, તેથી પૂરતું ધ્યાન આપવું જરૂરી. નોકરિયાત વર્ગને સ્થળાંતરની શક્યતા છે. અલબત્ત જે થાય તે સારા માટે સમજવું.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન હવે મહત્ત્વના વળાંક તરફ આગળ વધતા હો તેમ જણાશે. આયોજન કરશો તો આ સમયનો લાભકારક ઉપયોગ કરી શકશો. આર્થિક ચિંતામાંથી બહાર નીકળી શકશો. આવકવૃદ્ધિના ઉપાયો કારગત નીવડશે. જૂની લેણી રકમો - લોન વગેરે મેળવી શકશો. નોકરિયાતોને કામકાજનો તથા નવીન જવાબદારીનો બોજ વધશે. તમારા કામનો પ્રકાર પણ બદલાય. વિરોધીઓ ફાવી શકશે નહીં. ધંધા-વેપારમાં સફળતા - વિકાસ અને કાર્યસિદ્ધિનો સમય છે. નવીન યોજનાને આગળ ધપાવી શકશો. જમીન-મકાન-મિલકત સંબંધિત મુશ્કેલીઓ દૂર થાય.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારી હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખજો. અવાસ્તવિક ભય અને કાલ્પનિક ચિંતાઓ જણાશે. આધ્યાત્મિક માર્ગે જ શાંતિ મેળવી શકશો. નિરાશા-નકારાત્મક વિચારો છોડી દેજો. આ સમયમાં આર્થિક બાબતો સંબંધિત મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. તમારી ઉન્નતિ આડે લાંબા સમયથી રહેલો અવરોધ દૂર થાય. આ સમયમાં વિકાસની તક વધે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ આ સમય સાનુકૂળ બનતો જણાશે.

મકર (ખ,જ)ઃ સપ્તાહમાં ઘણા અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાતા જણાય. વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. જેટલી સાનુકૂળતા છે તેટલી જ નવી કામગીરી પણ આવશે. જોકે આર્થિક સંજોગો સારી આવકના અભાવે યથાવત્ રહેશે. જે કોઈ આવક થશે તે ખર્ચમાં જતી રહેશે. મનોમૂંઝવણ દૂર થશે. નોકરિયાતો માટે હવે વાતાવરણ સાનુકૂળ બનવા લાગશે. લાંબા સમયથી અટકેલા લાભો અને બઢતીની તકો વધશે. તમારા પ્રયત્નો સફળ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સફળતા અને વિકાસકારક તક મળશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં એક પ્રકારની ઉદાસીનતા કે વ્યગ્રતા વર્તાશે. તમારા વિચારોને અમલમાં મૂકવાનું મુશ્કેલ જણાતાં તંગદિલી વધશે. નાણાકીય દૃષ્ટિએ થોડી વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. આવક સામે વિશેષ ખર્ચાના યોગ બળવાન છે. નોકરિયાતોને નવી તક મળે. પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય. વિરોધીઓના હાથ હેઠા પડે. વેપાર-ધંધાના ક્ષેત્રે વાતાવરણ અગવડરૂપ બનશે. જોકે સમસ્યામાંથી બહાર નીકળી શકશો. મકાન-મિલકત-જમીનના કામકાજો માટે જોઈતી તકો અને સાનુકૂળતાઓ મેળવી શકશો. પુરુષાર્થ ફળશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ કાલ્પનિક અશાંતિ રહેતી જણાશે. તમારા વિચારોના ઘોડાઓને કાબૂમાં રાખશો તો જ શાંતિ પામશો. પરિણામો વિશે વધુ ચિંતા કરશો નહીં. અણઉકેલ આર્થિક પ્રશ્નોનો કોઈ સારો ઉકેલ મળશે. તમારી મૂંઝવણમાંથી માર્ગ મળશે. ધિરાણ - લોન સહાય દ્વારા આર્થિક ચિંતા દૂર થશે. ખર્ચ પર કાપ મૂકવો પડશે. નોકરિયાતોને કામકાજનો બોજ વધુ રહેશે. હરીફ અને સહકર્મચારીઓ સાથે મતભેદ વધે નહિ તે જોવું રહ્યું. ધાર્યું ફળ મળવામાં વિલંબ થાય. ધંધાકીય ક્ષેત્રે વધુ વિઘ્નો જણાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter