તા. ૧૫ મે ૨૦૨૧થી ૨૧ મે ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 14th May 2021 07:02 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ મનનો ભાર આ સમય દરમિયાન ઓછો થતો જણાય. ઘણા સમયથી અનુભવાતી બેચેનીનો અંત આવે. આર્થિક કામકાજો માટે સમય સાનુકૂળ પુરવાર થાય. વધારાની આવક ઊભી કરવાનો માર્ગ ખૂલ્લો થાય. લોન વિગેરે બોજો ઓછો થતો જણાય. જમીન-મકાનના સોદાઓ સંભાળપૂર્વક કરવા.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં વેપાર-ધંધામાં કૌટુંબિક કારણોસર માનસિક તાણ અથવા કોઈ અગમ્ય અનિશ્ચિતતા અનુભવવી પડશે. તમારી કલ્પના કે લાંબા સમયની ઇચ્છાઓ પાર પડતી જણાશે. નોકરીના ક્ષેત્રમાં આપના પ્રયત્નો સાકાર થાય. કોઈની સહાયતા થકી સફળ થવાય. આયોજનબદ્ધ કાર્ય કરશો તો સારા લાભ મેળવી શકશો. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નો હજુ યથાવત્ રહેતા જણાશે.
મિથુન (ક,છ,ઘ)ઃ આપનો આ સમય રચનાત્મક પ્રવૃત્તિઓ તેમજ ધ્યેયલક્ષી કાર્યો થકી સફળતા અપાવનારો રહેશે. નાણાકીય પ્રશ્નો હલ થાય. નોકરી- વ્યવસાયમાં પ્રગતિકારક પ્રયત્નો સફળ થતાં જણાય. ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો અહીં કામ લાગે. સંતાનની લગ્નવિષયક બાબતોમાં વાતો આવે, પણ હજી સમયની સાનુકૂળતા થતાં થોડી રાહ જોવી પડશે. કોર્ટ-કચેરી કે ઇમિગ્રેશનને લગતાં કામકાજમાં સફળતા પ્રાપ્ત થાય.
કર્ક (ડ,હ)ઃ આ સમયગાળામાં આસપાસનું વાતાવરણ અને પરિસ્થિતિ માનસિક તાણ અને ઉત્પાતનો અનુભવ કરાવે. કોઇ પણ જાતનાં ઉતાવળાં પગલાં લેતાં પહેલા સો વાર વિચાર કરજો. ખર્ચ કરતાં આવક ઓછી અને થોડું વધુ ધ્યાન રાખવું હિતાવહ રહેશે. આવકવૃદ્ધિના નવા માર્ગ શોધવા પડશે. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધાર આવે. વ્યાપારવૃદ્ધિના નવા માર્ગ મળશે.
સિંહ (મ,ટ)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. એકંદરે માનસિક સ્વસ્થતા જળવાશે. નવીન પરિસ્થિતિ સાથે અનુકૂળતા સાધશો તો વધારે આનંદ માણી શકશો. ઉઘરાણીના નાણા પરત મળે, પરંતુ તેમાં વધુ ધ્યાન રાખવું પડશે. નવું ઇન્વેસ્ટમેન્ટ શક્ય બનશે. નોકરિયાત વર્ગને માર્ગ આડેના અંતરાયો દૂર થતા જણાય. સગાં-સ્વજનો સાથેની ગેરસમજ દૂર થાય.
કન્યા (પ,ઠ,ણ)ઃ આપના ગ્રહયોગોની ચાલ દર્શાવે છે કે માનસિક સ્થિતિ વધુ સારી થાય. વણઉકેલ્યા પ્રશ્નો હવે તમે હાથ પર લઈને તેનું સમાધાન મેળવી શકશો. અંગત મૂંઝવણોનો પણ અંત આવે. નોકરીના ક્ષેત્રમાં ઉન્નતિના માર્ગ ખૂલશે. વ્યવસાયિક કામગીરીમાં થોડુંક કામનું ભારણ વધે. નવા મૂડીરોકાણો તેમજ નવીન બિઝનેસના પાયા નંખાય. એકંદરે પ્રગતિકારક સમય રહેશે.
તુલા (ર,ત)ઃ ના સહેવાય અને ના કહેવાય તેવા પ્રશ્નોના કારણે ટેન્શન રહેતા અજંપો અનુભવાશે. મહત્ત્વના કામકાજોમાં હજી પણ વિલંબ થાય. જોકે નાણાંકીય રીતે તમારો આ સમય કોઈક અણધાર્યા લાભવાળો રહેશે. નોકરિયાત વર્ગને પ્રયત્નોનું શુભ ફળ પ્રાપ્ત થાય. વાણી-વર્તન પર થોડોક કાબૂ તમારા લાભમાં રહેશે. ધંધાકીય ક્ષેત્રમાં કોઈ મોટા રોકાણો કરવા ઇચ્છતા હો તો થોડો સમય હજી રોકાઈ જશો. પ્રવાસ-પર્યટનથી લાભ થાય.
વૃશ્ચિક (ન,ય)ઃ આપના પ્રયત્નો ધીમે ધીમે સફળ બનતા જણાશે. મન પરનો બોજ હળવો થાય. સારી તકો હાથ લાગે. આર્થિક રીતે ઉત્તમ સમયની સાનુકૂળતા રહેશે. ધંધા-વ્યાપારમાં વિકાસ વૃદ્ધિના યોગો છે. નોકરિયાત વર્ગને ઘણા સમયથી રાહ જોતા હોય એવી જગ્યાઓ એ સફળતા પ્રાપ્ત કરી શકાય. વિદ્યાર્થીઓને પણ શુભ સમાચાર સાંપડે એવા યોગો રહેશે. જમીન-મકાનની લે-વેચમાં થોડા સમજી વિચારીને આગળ વધવું.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહ આપના માટે ખૂબ મહત્ત્વનું રહેશે. નાણાકીય મુશ્કેલીઓનો અંત આવતો જણાશે. આવકવૃદ્ધિ થશે, પરંતુ હજી પણ આપ ઇચ્છો છો એવી બચત કરી શકશો નહીં. નોકરીના ક્ષેત્રમાં ખૂબ કાળજી રાખવી જરૂરી છે, નહીં તો હાથમાં આવેલી તકો જતી કરવી પડશે. વિરોધીઓની ચાલબાજીથી સાવધાન રહેવું. મોટા વ્યવસાયિક ક્ષેત્રમાં તેજીના યોગો રહેશે. નાના વ્યાપારીઓએ થોડી મહેનત વધુ કરવી પડે. સંતાનોની જવાબદારી તેમજ અભ્યાસ વિષયક બાબતોના પ્રશ્નો હલ થાય.
મકર (ખ,જ)ઃ આ સમય દરમિયાન વિકાસશીલ પ્રવૃત્તિઓ હાથ લાગતા માનસિક સ્વસ્થતા અને આનંદ-ઉત્સાહનો અનુભવ થાય. ઘણા સમયથી અટવાયેલી કામગીરીનો પ્રયત્નપૂર્વક હલ લાવી શકાય. નાણાકીય દૃષ્ટિએ પણ સમય સારો રહેશે. માંગલિક પ્રસંગો કે કૌટુંબિક પ્રસંગોને કારણે વ્યસ્તતા વધે. માતા-પિતાના સ્વાસ્થ્ય સંબંધિત થોડી ચિંતાઓ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ સપ્તાહ દરમિયાન તમારા મનમાં થોડી શંકાઓ ઊભી થઈ શકે છે, જેથી કરીને તમારા કામકાજના ક્ષેત્રમાં પણ અડચણો પેદા થઈ શકે છે. ખાસ કાળજી રાખવી જરૂરી છે. વ્યાપારિક ક્ષેત્ર માટે આ સમય થોડો વધુ ફાયદાકારક જણાય. વિદ્યાર્થી વર્ગને થોડીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. પારિવારિક જીવન આનંદમય રહેશે. આર્થિક રીતે આવક કરતાં જાવકના પ્રમાણમાં વધારો થતો જણાય.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય પડકારોથી ભરેલો હોઈ શકે છે. નવી કરિયાર બનાવનારા માટે થોડો વધુ કઠીન સમય સાબિત થાય. એકાગ્રતાનો અભાવ થોડી ચિંતા વધારે. જોકે સ્વજન કે કોઈ અંગત વ્યક્તિની સલાહ-સૂચનથી થોડા લાભ થાય. આર્થિક રીતે સ્થિતિ વધુ મજબૂત બનાવી શકશો. વ્યાપાર ક્ષેત્રમાં નવા પાયા નંખાય. નોકરિયાત વર્ગને કામનું ભારણ વધતું જોવા મળે. સંપત્તિ સંબંધિત વિવાદનો ઉકેલ આવે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter