તા. ૧૬ જાન્યુઆરી ૨૦૨૧થી ૨૨ જાન્યુઆરી ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 15th January 2021 07:57 EST
 
 

મેષ (અ,લ,ઇ)ઃ અકારણ ચિંતાના કારણે ટેન્શન-તાણ જણાય. જોકે તમારું મન સતત કાર્યશીલ રાખશો તો થોડી રાહત રહેશે. પરિણામની આશા રાખ્યા વગર આપનું કાર્ય કરજો. આવકની દૃષ્ટિએ સાનુકૂળ સમય જોવા મળશે. કોઈ મોટા ખર્ચાઓ અણધાર્યા આવી પડે. વ્યવસાયિક અને નોકરીના ક્ષેત્રમાં પ્રગતિકારક યોગ રહેશે. તમારી મહેનત અને પુરુષાર્થ થકી કાર્યમાં સફળતા મેળવી શકાય. વિદ્યાર્થી વર્ગને નવી - નવી તક પ્રાપ્ત થાય. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ સામાજિક અને જાહેર પ્રવૃત્તિઓના કાર્યમાં યશ-માન કિર્તી પ્રાપ્ત થતાં ઉત્સાહ વધે. અનેક વિવિધ પ્રવૃત્તિઓમાં પણ આપના નોંધનીય પ્રદાન રહે. નાણાંકીય તકલીફોમાંથી બહાર નીકળવાના માર્ગ મળશે. નોકરિયાત વ્યક્તિઓ માટે સમય મહત્ત્વનો રહેશે. ઉચ્ચ પદની પ્રાપ્તિ શક્ય બને. વ્યવસાયમાં પણ પરિસ્થિતિમાં સુધાર આવતો દેખાય. વિદ્યાર્થી વર્ગને હજી ખૂબ મહેનત કરવાનું સૂચન છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય.

મિથન (ક,છ,ઘ)ઃ મહત્ત્વના કામકાજો માટે સાનુકૂળતા અને સફળતાના યોગ પ્રાપ્ત થાય. તમારા સ્નેહીજનો - મિત્રોની મદદ મેળવી શકશો. કોઈક અંગત વ્યક્તિની અણધારી સહાયથી તમારા કાર્યોમાં પ્રગતિ સાધી શકશો. ધંધાકીય ક્ષેત્રમાં નવી તકો આવશે. જોકે સમજીવિચારીને આગળ વધવું. મોટું મૂડીરોકાણ કરવાના હો તો થોડો સમય થોભી જજો. નોકરીમાં બદલી કે સ્થાનફેરના યોગો બળવાન બનશે. કુટુંબમાં સારા પ્રસંગોની ઉજવણી થાય. મકાન-સંપત્તિ બાબતે પ્રશ્નોનો ઉકેલ આવશે.

કર્ક (ડ,હ)ઃ ધીમે-ધીમે પરિસ્થિતિમાં સુધાર આવતો જણાય. માનસિક તણાવ હળવો થશે. વ્યવસાયમાં ખૂબ મહેનત છતાં હજી પરિણામ ન દેખાય. જોકે હતાશ થયા વગર પ્રયત્નો ચાલુ રાખશો તો અચૂક સફળતા મેળવશો. વિદ્યાર્થી વર્ગના સ્વપ્નાઓ પૂર્ણ થતા જણાય. સંતાનોના લગ્નવિષયક ચર્ચાવિચારણા થાય. સામાન્ય આરોગ્યની ચિંતાઓ રહેશે. કુટુંબમાં વાદ-વિવાદ ન થાય એનું ખાસ ધ્યાન રાખશો.

સિંહ (મ,ટ)ઃ સમય અને ગ્રહોની અનુકુળતા વધતા તમારો ઉજ્જવળ સમય આવશે. મકાનના અધૂરા કાર્યો પૂર્ણ થાય. વ્યવસાયિક કાર્યોમાં રૂચિ વધશે, જેના સારા પરિણામ પણ મેળવી શકશો. નોકરીમાં કેટલાક સમયથી પ્રગતિની ઈચ્છા ધરાવનારની પૂર્તતા થતી જોવા મળશે. માતા-પિતાના આરોગ્ય બાબતે વધુ કાળજી માંગી લેશે. વિદ્યાર્થી વર્ગને પ્રવાસ-આયોજન થકી લાભ થાય. ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ મન પરોવાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ થોડુંક ચિંતાનું ભારણ વધતું જણાય. કાર્યની વ્યસ્તતા ચિંતાનું કારણ બને, જેના કારણે આપના આરોગ્ય ઉપર પણ અસર થાય. થોડો વધુ ભાર વ્યાયામ-મેડિટેશન તરફ આપશો તો એ બધામાંથી બહાર આવી શકશો. નોકરીનાં ક્ષેત્રમાં પણ કાર્યનું ભારણ વધતું જણાય. આર્થિક દૃષ્ટિએ કોઈ ટેન્શન રહેશે નહિ. અટવાયેલાં નાણાં પણ અણધાર્યા મળે. વિદ્યાર્થી વર્ગ માટે મહેનત તેમજ ધીરજ આવશ્યક બને.

તુલા (ર,ત)ઃ કોઈ અંગત સ્વજન સાથેનો વાદવિવાદ મોટું સ્વરૂપ ધારણ ના કરે તેનું ખાસ ધ્યાન આપશો. વાણી-વર્તન પર અંકુશ રાખશો તો મોટાં નુકસાનમાંથી બચી શકશો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં તકનો લાભ લેશો તો સફળતા મેળવી શકશો. નવી સંપતિ કે વાહનની ખરીદી શક્ય બને. ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશો. આરોગ્યની બાબતમાં થોડીક કાળજી જરૂરી છે. સંતાનના લગ્નવિષયક પ્રશ્નોનું નિરાકરણ આવશે. આર્થિક દૃષ્ટિએ સમય સારો રહેશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય ગ્રહોની દૃષ્ટિએ ઉત્તમ રહેશે. મહત્ત્વના નિર્ણયો લઈ શકશો. નવાં વ્યાપારનો પાયો નાખી શકશો. નોકરીના ક્ષેત્રમાં પણ બઢતી મળવાના ચાન્સીસ છે. આર્થિક દૃષ્ટિએ આ સમય આપના માટે સોનાની ખાણ સમાન સાબિત થઈ શકશે. વિદ્યાર્થી વર્ગને સારાં સમાચાર મળશે. ઉચ્ચ અભ્યાસ વિષયક કાર્યોમાં આગળ વધી શકશો.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ માનસિક અકળામણ અને અકારણ ચિંતાઓનું ભારણ વધે. નાણાકીય જવાબદારીનો બોજ વધતો જણાય. અહીં યોગ્ય પગલાં લઈ આગળ વધશો તો આર્થિક તંગીમાંથી બહાર આવી શકશો. નોકરી-વ્યવસાય માટે પણ સમય મધ્યમ રહેશે. ધીરધારનાં ધંધામાં કોઈ મોટું સાહસ ન કરવું સલાહભર્યું છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં પણ વિલંબ જણાય. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો રહેશે. ઈચ્છિત જગ્યાએ અભ્યાસના યોગો બળવાન બનશે. નાના યાત્રા-પ્રવાસ શક્ય બને.

મકર (ખ,જ)ઃ આ સમય આપના માટે નહિ નફો નહિ નુકસાનવાળો રહેશે. કાર્યની વ્યસ્તતા થોડુંક માનસિક ભારણ વધારશે. વ્યવસાયિક તેમજ કૌટુંબિક જવાબદારીનો બોજ વધે. કુટુંબમાં માંગલિક પ્રસંગોના યોગો બળવાન બને. નોકરીના ક્ષેત્રમાં સ્થાનફેર રહે. સંબંધોના બંધનની હૂંફ આપને માનસિક શાંતિ અપાવે. વિદ્યાર્થી વર્ગને હજી મહેનત વધારવાનું સૂચન છે, નહિ તો માઠા પરિણામ ભોગવવા પડે.

કુંભ (ગ,શ,ષ,સ)ઃ આ સમય દરમિયાન મનગમતાં કાર્યો થકી આપ સંતોષ પ્રાપ્ત કરી શકશો. ચિંતા અને કાળજીનું કેન્દ્રસ્થાન આપનો પરિવાર રહેશે. વ્યવસાયના ક્ષેત્રમાં પ્રગતિ અને સફળતા પ્રાપ્ત કરી શકશો. નોકરીના ક્ષેત્રમાં કેટલાક સમયથી અટવાયેલા કાર્યો પૂર્ણ કરી શકશો. સંપતિ બાબતના પ્રશ્નોના નિરાકરણ માટે આપના તરફથી પહેલ આવશ્યક બની રહેશે. આર્થિક બાબતોમાં ચિંતા જણાતી નથી. સંતાનોના અભ્યાસ વિષયક મહત્ત્વના નિર્ણય લેવાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ કેટલાક અગત્યના કામકાજોમાં હજી પણ થોડાક અંતરાય રહેશે, પરંતુ પ્રયત્ન ચાલુ રાખશો તો સફળતા દૂર નથી. વિશ્વાસઘાતના પ્રસંગો બળવાન બને, જેથી કોઈના પર અતિ વિશ્વાસુ બનીને કાર્ય કરવું નહિ. નાણાકીય ક્ષેત્રે સમતુલા જળવાઈ રહેશે. વિદ્યાર્થી વર્ગ ઘણાં પ્રયત્નો બાદ ઈચ્છિત સફળતા મેળવી શકશે. પ્રવાસ-પર્યટન થકી આનંદ-ઉલ્લાસનો અનુભવ કરશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter