તા. ૧૬ જુલાઇ ૨૦૧૬ થી ૨૨ જુલાઇ ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 13th July 2016 10:20 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ માનસિક સ્વસ્થતા અને મનોબળ વધશે. ચિંતા-ઉદ્વેગથી રાહત મળશે. સંજોગો વિપરિત લાગે છતાં પણ સફળતા મળતા તમારો ઉત્સાહ વધશે. આવકમાં હવે વૃદ્ધિને અવકાશ જણાતો નથી. આ સમય નાણાભીડ સૂચવે છે. નોકરિયાતો માટે આ સમયમાં એકંદરે કામનો બોજ વધે. જવાબદારી વધે તેથી ભારણ રહે. જોકે પ્રતિકૂળતા કે મુશ્કેલીના યોગો જણાતા નથી. કામગીરી સફળ બને. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વની તકો મળે. તાત્કાલિક લાભ મળવાના યોગ નથી.

વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક અકળામણ અને તીવ્ર તાણના કારણે અસ્વસ્થતા વધતી જણાય. અણધાર્યા ખર્ચના પ્રસંગો બનતા તમારે અન્ય પર આધાર રાખવો પડશે. શેરસટ્ટામાં લાભની આશા ફળે નહીં. નોકરીના ક્ષેત્રે મનની મુરાદ સાકાર થતી લાગે. સ્થળાંતરના યોગ જણાય છે. ધંધાકીય દૃષ્ટિએ વધુ સાનુકૂળ સમય પુરવાર થશે. અગત્યના કામકાજો હાથ ધરી શકશો. જમીન-મકાનની કામગીરી અંગે પ્રયત્નો ફળદાયી નીવડે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં ધંધા કે નોકરીના ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતાઓ સર્જાતા માનસિક ભારણ - ચિંતા જણાશે. આમ છતાં પણ પરિસ્થિતિ ઝડપથી સુધરતી જણાશે. આથી ચિંતાનો ભાર હળવો બનશે. મહત્ત્વની કામગીરીઓમાં સફળતા મળશે. મકાન-સ્થાવર મિલ્કત અંગેની ચિંતાઓ હળવી બનશે. આર્થિક સમસ્યાઓમાંથી બહાર નીકળી શકશો. લાંબા સમયથી અટવાયેલા ઉઘરાણીના કાર્યો પાર પડતા જણાશે. ખર્ચને પહોંચી વળાશે.

કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહમાં ભાગ્ય સાથ આપતું હોવાથી નવીન કામોમાં પ્રગતિ થતી જણાશે. વિઘ્નોને પાર કરી શકશો. ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધતો જણાશે. જોકે તમારા કામકાજોમાં વિલંબ જરૂર વધી જશે. આ સમય એકંદરે વધુ ખર્ચાળ અને મૂંઝવણરૂપ જણાશે. આર્થિક જવાબદારી કે બોજો વધતો લાગશે. નોકરિયાત વર્ગ માટે આ સમય મિશ્ર પુરવાર થશે. લાભ કે પ્રગતિના સંકેતો મળશે. જોકે તે મળવામાં હજી વિલંબ થશે. તમારા વિરોધીઓ ફાવી શકશે નહીં.

સિંહ (મ,ટ)ઃ નસીબ સાથ આપતું હોવાથી કામમાં પ્રગતિ થતી જણાય. વિઘ્નોને પાર કરી શકશો. ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધતો જણાય. આર્થિક જવાબદારી કે બોજ વધતો જણાય. લાભ કે આવકના સંજોગો અલ્પ જણાશે. નોકરિયાત વર્ગ માટે આ સમય લાભકારક છે. લાભ કે પ્રગતિના અણસાર મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિમાં વિલંબ જોવા મળે. ધીરજ જાળવવી જરૂરી.

કન્યા (પ,ઠ,ણ)ઃ મૂંઝવણનો ઉકેલ મળતો જણાય. સાનુકૂળતા સર્જાતી જોઈ શકશો. કૌટુંબિક પ્રશ્નો હલ થતાં માનસિક બોજો ઘટે. સંજોગો સુધરતા અને કેટલાક સારા લાભની તક મળતા આવક વધશે. ધંધાકીય ક્ષેત્રે સાનુકૂળતા સર્જાતી જોઈ શકશો. મહત્ત્વની વ્યક્તિઓનો સાથ-સહકાર પણ મળશે. નોકરિયાત વર્ગ માટે આ સમય સારા સમાચાર લાવશે. વેપાર-ધંધામાં વિરોધીઓ પાછા પડે.

તુલા (ર,ત)ઃ અંગત મૂંઝવણો દૂર થતી જણાશે. લાંબા સમયથી અટવાયેલા કાર્યમાં પ્રગતિ થશે. આર્થિક બાબતોના આયોજનમાં હવે આગળ વધી શકશો. નાણાકીય સમસ્યાનો ઉકેલ મેળવવા માટે પુરુષાર્થ વધારજો. નોકરિયાતને વિકાસતરફી તક મળશે, જેનો લાભ ઊઠાવી લેજો. સહકર્મચારીઓ સાથેના વિખવાદો દૂર કરી શકશો. મહત્ત્વની કામગીરી અંગે સાનુકૂળતા ઊભી થતી લાગે. ધંધાકીય દૃષ્ટિએ આ સમય ચિંતામાં પસાર થશે.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન મૂંઝવણનો ભાર હળવો થતો લાગે. મનને સ્વસ્થ બનાવીને આગેકૂચ કરશો તો ફતેહ મળશે જ. નાણાકીય બાબતે આ સમયમાં ધ્યાન આપવું પડશે. તમારા ખર્ચના પ્રમાણને કાબૂમાં રાખજો. નવીન કાર્યનો બોજ પણ આવી પડશે. વ્યવસાયિક ક્ષેત્રે સમસ્યાથી ઘેરાયા હશો તો તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. ધંધાકીય પ્રશ્નોને હલ કરી શકશો. શત્રુની પીછેહઠ થતી જણાય. નવીન તકનો ઉપયોગ કરી લેજો.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ પૂર્વનિર્ધારિત કામકાજો ગૂંચવાય નહીં તેની કાળજી લેવી જરૂરી છે. ધીરજથી સ્વસ્થતાપૂર્વક અને વ્યવસ્થિત રહીને ચાલશો તો કામકાજનો નિકાલ આવશે. મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી લાગશે. નાણાકીય દૃષ્ટિએ આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. તમારી નાણાકીય જવાબદારીઓને પહોંચી વળાય તેવી વ્યવસ્થા પણ ઊભી કરી શકશો. તમારા અટવાયેલા લાભો અને બઢતી મળવાની તકો વધશે.

મકર (ખ,જ)ઃ આ સમયમાં આશાસ્પદ સંજોગો સર્જાતાં માનસિક શાંતિ અનુભવશો. કાલ્પનિક-અવાસ્તવિક ચિંતાઓને મનમાં રહેવા ન દેશો. રચનાત્મક પ્રવૃત્તિઓને વેગ મળશે. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નાણાકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મેળવી શકશો. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. નોકરિયાતને પ્રતિકૂળતામાંથી માર્ગ મળશે. વિરોધીઓના અવરોધોને પાર કરી શકશો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ લાભદાયક પ્રવૃત્તિમાં તમે આગેકૂચ કરી શકશો. દૃઢ મનોબળ અને મક્કમ નિર્ધારથી સફળતા મળતાં ઉત્સાહ વધશે. આવેશોને કાબૂમાં રાખવા જરૂરી છે. આ સમયમાં કોઈ પણ પ્રકારના સાહસમાં નાણાં રોકવાનું હિતાવહ નથી. ચાલુ આવક સિવાયની આવક વધવાનો યોગ નથી. શેરસટ્ટામાં લાભ કરતાં વ્યય વધુ છે. સારી નોકરી મેળવવા પ્રયાસ કરતા હો તો સફળતા મળે. વેપાર-ધંધા સંબંધિત મુશ્કેલીમાંથી બહાર આવી શકશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય. ખોટી ચિંતા - ટેન્શન જણાશે. સમતા-સંયમ જ મદદરૂપ થાય. તમારા આર્થિક પ્રશ્નો ગૂંચવાયા હશે તો તેનો ઉકેલ લાવવા માટે વધુ મહેનત તથા પ્રયત્નો જરૂરી બનશે. ઉઘરાણી પાછળ વધુ ધ્યાન આપવું જરૂરી છે. નાણાભીડમાંથી માર્ગ મેળવી શકશો. મહેનત વધુ થશે. ગૃહજીવન કે કૌટુંબિક બાબતે ખર્ચા વધે. નવા યાત્રા-પ્રવાસ થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter