તા. ૧૬ ફેબ્રુઆરી થી ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 15th February 2019 04:11 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ માનસિક દૃઢતા, સ્વસ્થતામાં વધારો થશે. મહત્ત્વકાંક્ષાની પૂર્તિ માટે જરૂરી સાનુકૂળતા જોવા મળશે. માન-મરતબામાં વધારો થશે. યોજનાઓમાં પ્રગતિ થતી જોઈ શકશો. આર્થિક દૃષ્ટિએ આ સમય અનિશ્ચતતા અને અસ્થિરતા દર્શાવે છે છતાં તમે પરિસ્થિતિ સાચવી શકશો. જરૂર વખતે નાણાં મળી રહેતા આનંદ થશે. આવકવૃદ્ધિ કરતાં ખર્ચને વધવા ન દેશો. નોકરીના ક્ષેત્રે જો કોઈ ચિંતા પેદા થઈ હશે તો તેનો ઉકેલ મળશે અને સારી રીતે હલ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિકારક તકો મળશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક સ્વસ્થતાને ઉત્સાહમાં પલટાવી શકશો. પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં આત્મવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતા ઉત્સાહ વધશે. ખર્ચાઓ કે અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી નાણાંકીય જોગવાઈ થઈ શકશે. એકાદ-બે સારા લાભની આશા જણાય છે. એકંદરે આર્થિક ચિંતાનો બોજો હળવો થશે. નોકરી બદલવાના પ્રયત્નો સફળ થાય. વધુ વિકાસકારક સ્થાન મેળવી શકશો. ધંધાકીય ક્ષેત્રે કોઈ મહત્ત્વની સફળતા મેળવી શકશો.

મિથુન (ક,છ,ઘ)ઃ અગત્યની કાર્યવાહીઓમાં સફળતા જણાતા ઉત્સાહમાં ઉમેરો થાય. સંજોગો અને પરિસ્થિતિ સુધરતા સાનુકૂળતા જણાશે. અગાઉના કરેલા કેટલાક કામકાજોમાંથી આર્થિક લાભ મળવાના સંજોગો આ સમયમાં ઊભા થતાં જણાશે. જરૂરિયાતો પૂરતી સગવડો પણ થઈ શકશે. શેરસટ્ટાથી લાભ જણાતો નથી. નોકરિયાતોને આ સમયમાં કેટલીક મુશ્કેલીઓ હોવા છતાંય કશું બગડવાનો ભય રાખવાની જરૂર નથી. સમસ્યાઓને ધીરજપૂર્વક ઉકેલી શકશો.

કર્ક (ડ,હ)ઃ મનોમૂંઝવણ કે આંતરિક વ્યથાની સ્થિતિમાંથી મુક્તિ મળવાનો સંકેત ગ્રહયોગ સૂચવે છે. આ સમયમાં હવે આત્મવિશ્વાસ સાથે આગળ વધશો. આવકના નવા સ્ત્રોતો વધશે. ચાલુ આવક ઉપરાંત વધારાની આવક થાય. ખર્ચ પણ વિશેષ થવાના યોગો છે. વિરોધીઓની ચિંતા કર્યા વિના આગળ વધ્યે જાવ. કાર્ય-સફળતાના યોગ છે. કાર્યક્ષેત્રે કેટલાક રચનાત્મક ફેરફારો થશે. આ સમયમાં નોકરીના ક્ષેત્રે સારી તક તથા લાભ મળવાના સંજોગો સર્જાતા જોવા મળશે. પ્રગતિકારક સમય છે. વેપારી વર્ગને ધંધાકીય મુશ્કેલીઓ દૂર થશે. પ્રયત્નો ફળશે.

સિંહ (મ,ટ)ઃ ઘણા લાંબા સમયથી મૂંઝવતા પ્રશ્નોનો સાનકૂળ ઉકેલ આવતા રાહત વધશે. માનસિક તણાવપૂર્ણ પરિસ્થિતિમાંથી મુક્તિ મળશે. ઉત્સાહપૂર્વક આગળ વધી શકશો. આર્થિક પ્રશ્નોના ઉકેલ માટે પરિસ્થિતિ સારી બનતી જણાશે. વધારાની આવક ઊભી કરી શકશો. નોકરીના ક્ષેત્રે જો કોઈ મુશ્કેલી હશે, અંતરાય હશે તો દૂર થતાં જણાશે. ઉન્નતિનો માર્ગ મોકળો થતો જણાશે. વ્યવસાયના પ્રશ્નો હલ થશે. ઘણા સમયથી અણઉકેલ્યા પ્રશ્નનો ઉકેલ મળશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયગાળામાં તમે હવે મહત્ત્વના વળાંક તરફ આગળ વધતા હો તેમ જણાશે. આયોજન કરશો તો સમયનો બરાબર સદુપયોગ કરી શકશો. આર્થિક ચિંતામાંથી બહાર નીકળી શકશો. આવકવૃદ્ધિના ઉપાયો કારગત નીવડશે. જૂની લેણી રકમો, લોન વગેરે મેળવી શકશો. નોકરિયાતને કામકાજનો અને નવીન જવાબદારીનો બોજ વધશે. તમારા કામનો પ્રકાર બદલાય, પણ લાભમાં રહેશો. વિરોધીઓ ફાવી શકશે નહીં. ધંધા-વેપારમાં સમય સફળતા અને કાર્યસિદ્ધિ સૂચવે છે.

તુલા (ર,ત)ઃ આ સમયમાં આનંદ અને સ્વસ્થતા પ્રાપ્ત કરી શકશો. પ્રગતિકારક સંજોગો આશા પ્રેરશે. મૂંઝવણો હલ થતી જણાય. આવકની દૃષ્ટિએ સમય બહુ સાનુકૂળ ન લાગે કેમ કે ખર્ચનું પ્રમાણ વધશે. આર્થિક ગોઠવણો પાછળ ધ્યાન આપવું પડશે. નુકસાનથી બચજો. નોકરિયાતો માટે સમય પ્રગતિકારક અને અનુકૂળ નીવડશે. કાર્યસફળતા મળશે. શત્રુ-પ્રતિસ્પર્ધી પર વિજય મેળવશો. જવાબદારીઓ પાર પડતી જણાય. વેપાર-ધંધા માટે ગ્રહો મદદકર્તા છે. સારા મકાનમાં રહેવા જવાની ઈચ્છા પૂર્ણ થાય.

વૃશ્ચિક (ન,ય)ઃ મનોસ્થિતિ ગૂંચવાયેલી અને મૂંઝવણભરી રહેશે. અલબત્ત આ મૂંઝવણો કાલ્પનિક જ હશે. નાણાંકીય જવાબદારી વધતી જોવાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. કોઇને ધીરધાર કરશો નહીં. મોટા સાહસમાં પડવાનું ટાળજો. નોકરિયાતોને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળી રહેશે. અવરોધોમાંથી નીકળશો. બદલીના યોગ છે. વૃદ્ધિ-વિકાસના આયોજન માટે આ સમય લાભકારક છે. મકાન-સંપત્તિને લગતી કાર્યવાહીઓ હજુ ગૂંચવાયેલી રહે. સરકારી મકાન મેળવવામાં મુશ્કેલી રહેશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ ઉત્સાહપ્રેરક બનાવોના કારણે માનસિક અશાંતિ સર્જતા પ્રસંગોથી બચી શકશો. મહત્ત્વના કામકાજો કે આયોજનોમાં સફળતા મળવાના આશાસ્પદ સંજોગો આનંદ-ઉત્સાહનો અનુભવ કરાવશે. આર્થિક પરિસ્થિતિ સંબંધિત ચિંતાઓમાંથી બહાર નીકળવાના પ્રયાસ કરતા હશો તો સફળ થશો. આવકમાં વૃદ્ધિનો ઉપાય કારગત નીવડશે. નોકરિયાતને લાંબા સમયથી ઉન્નતિ આડે રહેલો અવરોધ દૂર થશે. વિકાસની તક મળશે.

મકર (ખ,જ)ઃ લાગણીઓના ઘોડાપુરમાં વધુ પડતા તણાશો તો ઉશ્કેરાટ, વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું મળવાનું નથી. ધીરજ અને સંયમથી વર્તશો તો ઘણી સમસ્યાઓ આપોઆપ ઉકેલાતી જણાય. નોકરિયાત વર્ગને નજીક લાગતો લાભ દૂર ઠેલાય. પરિવર્તનની તક આવી મળશે તે ઝડપી લેજો. ગુપ્ત વિરોધીઓથી સાવધ રહેવું જરૂરી છે. વેપારી વર્ગ માટે આ સમય મિશ્ર છે. મકાન-મિલકત તેમજ જમીન કે મિલકતો સંબંધિત બાબતોમાં આ સમય ખર્ચાળ પુરવાર થાય. વ્યર્થ દોડાદોડી વધતી લાગે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ અંગત બાબતોના કારણે અજંપો-વ્યથા જણાશે. અગમ્ય બેચેની વર્તાશે. તન-મનને સક્રિય રાખશો તો વધુ નિરાશામાંથી ઉગરી શકશો. નાણાંકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ અને સફળ નીવડશે. આવનાર ખર્ચાઓ માટેની જોગવાઈ કરી શકશો. લોન-કરજ વગેરેના કાર્યો પાર પડતા જણાય. નોકરિયાતને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળે. અવરોધોમાંથી બહાર નીકળી શકશો. ધંધા-વેપારની વૃદ્ધિ, વિકાસના પગલાં માટે આ સમય લાભકારક છે. જમીન-મકાનના ખરીદ-વેચાણના કામકાજમાં સફળતા વધે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહમાં તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. તમારા પ્રયત્નો કે કામગીરી મુજબ યશ કે લાભ ન મળવાથી મનમાં ઉદ્વેગ બનશે. વ્યથાના કડવા ઘૂંટ પીવા પડે. આ સમય નાણાંકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે ચિંતાપ્રદ જણાશે. ધાર્યા પ્રમાણે આવક કે લાભ ન મળે. ઉઘરાણી પણ ફસાયેલી જોવા મળે. ધંધા-વેપાર માટે સમય સાનુકૂળ છે. સંપત્તિની સમસ્યાઓ હજુ ખાસ ઉકેલાશે નહીં. કોઈને કોઈ પ્રકારે વિઘ્ન આવે. બાપ-દાદાની મિલકતનો પ્રશ્ન પણ મનને મૂંઝવશે. સમય પ્રતિકૂળ સમજવો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter