તા. ૧૬ મે, ૨૦૧૫થી ૨૨ મે, ૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 13th May 2015 07:38 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમય તમને નિષ્ફળતાઓ અને અવરોધોમાંથી બહાર લાવીને સફળતાના પંથે દોરી જશે. આશા, હિંમત અને ઉત્સાહનો અનુભવ થાય. આર્થિક મોરચે નજીવો સુધારો જોવા મળશે, પણ ઉતાવળા થશો નહીં. કોઈ સમસ્યા હશે તો તેનો ઉકેલ મળતો જણાય. તમારી નાણાકીય ચિંતા હળવી બનશે, પણ ખોટા ખર્ચના પ્રસંગો ટાળજો. નોકરિયાત વર્ગને મુશ્કેલીઓમાંથી બહાર આવવાનો માર્ગ મળશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ મહેનત લેખે લાગશે. મહત્ત્વના કામકાજોમાં પણ તમને પ્રગતિ જોવા મળે. માનસિક ઉત્સાહ જણાશે. આર્થિક દૃષ્ટિએ સમય શુભ હોવાથી ચિંતા કે બોજો હળવો થાય. નાણાકીય ગોઠવણ માટે સાનુકૂળતા રહેશે. સંપત્તિના પ્રશ્નો ગૂંચવાયેલા રહેતા ધાર્યું કામ થાય નહીં. નોકરિયાત માટે આ સમય મિશ્ર ફળ આપનારો છે. વધુ પ્રયાસે જ કાર્યસફળતાના યોગ છે. બદલી-બઢતીના અટવાયેલા કામો વિલંબથી ઉકેલાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય માનસિક તાણ અને ભારણ સૂચવતો જણાશે. વધુ મહેનતે અલ્પ ફળ મળે. આ સમય દરમિયાન નાણાકીય લેવડદેવડ અંગે જાગૃત રહેવું જરૂરી છે. નોકરિયાતો માટે આ સમય આશાસ્પદ છે. તેમના અટવાયેલા કામકાજો ઉકેલાતા જણાય. વેપારી વર્ગ અને ધંધાર્થી માટે આ સમય લાભદાયી જણાય છે. મકાન-મિલકત અંગેનું મહત્ત્વનું કાર્ય ગૂંચવાય નહિ તે જોજો. વિવાદો યથાવત્ રહે.

કર્ક (ડ,હ)ઃ તમારા મનની સમસ્યાનું અહીં યોગ્ય સમાધાન મળતું જણાશે. કોઈ મહત્ત્વનું કાર્ય સફળ બનતા આનંદ જણાય. પ્રયત્નો યારી આપતા લાગે. નાણાકીય મુશ્કેલીનો ઉકેલ આવતો જણાશે. નોકરિયાતોએ હિતશત્રુઓની બદલાની ભાવનાથી સાવધ રહેવું. માનસિક અકળામણ જણાશે. નોકરીના પ્રશ્નો હજુ યથાવત્ રહેતા જણાય. વેપાર-ધંધાની કામગીરી માટે સપ્તાહના ગ્રહયોગ મંદ ફળ આપનાર છે. કૌટુંબિક અને ગૃહજીવનમાં સમય સાનુકૂળ અને શુભકાર્ય સૂચવે છે.

સિંહ (મ,ટ)ઃ વ્યથા અને બેચેનીનો અનુભવ થાય. અગમ્ય બેચેની જણાશે. મનને સક્રિય રાખશો તો તમે વધુ નિરાશામાંથી ઉગરી શકશો. આવકમાં વૃદ્ધિને અવકાશ જણાતો નથી. જાવકનું પ્રમાણ વધે નહિ તે જોવું રહ્યું. નોકરિયાતોએ વિરોધીથી સાવધ રહેવું. ઉતાવળા નિર્ણય લેવાનું ટાળવું. અણઉકેલ્યા પ્રશ્નો સતાવશે. વેપાર-ધંધાના ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતાના કારણે ધાર્યા લાભ મળવામાં વિલંબ થાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં તમને એક પ્રકારના ઉદાસીનતા વર્તાશે. તમારા વિચારોને અલમમાં મૂકવા અશક્ય જણાતા તનાવ જણાશે. આર્થિક સંજોગો સુધરતા વાર લાગે તેમ હોવાથી સમજી-વિચારીને ખર્ચ કરશો. નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. વિરોધીના કારણે થોડી પ્રતિકૂળતા જણાશે. વેપાર-ધંધામાં લાભકારક સોદો પાર પડશે, પણ વિલંબથી.

તુલા (ર,ત)ઃ મહત્ત્વના કાર્યોમાં પ્રગતિ થાય. આ સમયમાં ઉત્સાહ વધારે તેવા આશાપ્રેરક સંજોગો ઊભા થાય. તમારા આર્થિક પ્રશ્નોના ઉકેલ માટે પરિસ્થિતિમાં સુધારો થતો જણાશે. વધારાની આવક પણ ઊભી કરી શકશો. સંપત્તિ અંગેના કામમાં સાનુકૂળતા જણાશે. લે-વેચના કામકાજ થઈ શકે. નોકરિયાતોને સાનુકૂળતા જણાશે. ગેરસમજો દૂર કરી શકશો. વેપાર-ધંધામાં નવીન રચના અને વૃદ્ધિનો માર્ગ ખૂલશે.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહમાં મહત્ત્વની કાર્યરચનાઓ સાકાર થતી જણાય. માનસિક ભારણ હળવું થાય. સર્જનાત્મક કામ પાર પાડી શકશો. નિરાશાના વાદળો વિખેરાતા જણાય. આર્થિક પરિસ્થિતિ વધુ કથળતી અટકાવી શકશો. જરૂરી આવક ઊભી થાય. નોકરીમાં પરિવર્તનનો યોગ છે. બદલીના કામકાજો પાર પડશે. વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી જણાશે. જમીન-મકાનની ખરીદી-વેચાણના કામમાં અવરોધ હશે તો દૂર થશે. મકાન બદલવાની ઇચ્છા સાકાર થાય.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ કેટલાક પ્રતિકૂળ સંજોગો સર્જાતા માનસિક તંગદિલી ટેન્શન વધતું જણાશે. કાર્યશીલ રહેશો, ધીરજ જાળવશો તો આર્થિક સમસ્યાઓ ગમે તેટલી ઘેરી રહેશે તો પણ તેનો હલ મેળવી શકશો. એકાદ-બે ધનલાભના પ્રસંગો બનતા લાભની આશા ફળે. નોકરિયાતને બદલી-બઢતીનો માર્ગ અવરોધાયેલો જણાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ મુશ્કેલીઓ વધતી જણાશે. વિરોધીઓ અને હરીફો ધંધામાં બાધારૂપ બનતા જણાશે.

મકર (ખ,જ)ઃ આ સમયમાં તમારી કામગીરીમાં સફળ થશો. માનસિક ઉત્સાહ-ઉમંગમાં વધારો થશે. જોકે આ સમય આર્થિક પરિસ્થિતિ તંગ બનાવશે. અહીં આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધતું જણાશે. નાણાકીય પરિસ્થિતિ કટોકટીભરી બનતી જણાશે. મિત્રો-પરિચિતો ઉપયોગી બનતા જણાશે. નોકરીના ક્ષેત્રે પ્રતિકૂળતા હશે તો દૂર થશે. ઉપરી અને સહકર્મચારીનો સાથ-સહકાર મળે. સંતાનો અને પ્રિયજન સાથે વિવાદ અને મનદુઃખનો પ્રસંગ બને.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં તમારા કામમાં પ્રગતિ નિહાળી શકશો. સફળતા મળતાં તમારો ઉત્સાહ વધશે. જોકે આવેશ અને ઉગ્રતાને કાબૂમાં રાખજો. અહીં કોઈ નવા સાહસમાં નાણાં રોકવાનું હિતાવહ નથી. નુકસાની અને વ્યય થઇ શકે છે. સારી નોકરી મેળવવાના પ્રયત્નોમાં સફળતા-સહકાર મળશે. મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. સ્વજન સાથેના સંબંધોની કેર લેતા રહેજો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહમાં મૂંઝવણનો સાનુકૂળ ઉકેલ મળશે. રચનાત્મક સર્જનાત્મક પ્રવૃત્તિનો આનંદ મળે. માનસિક બોજો હળવો થાય. સાનુકૂળતા સર્જાતી અનુભવશો. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. આવક-ખર્ચાઓની જોગવાઈ થઇ શકશે. જવાબદારીઓ પાર પડશે. શેર-સટ્ટાથી લાભના યોગ નથી. વિશ્વાસે ધિરાણ કરવાથી હાનિ થઇ શકે છે. નોકરીના ક્ષેત્રે પ્રગતિના પ્રયાસ ફળશે. વેપાર-ધંધામાં વ્યવસ્થિત આયોજન કરીને લાભકારક તક સર્જી શકશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter