તા. ૧૮ ઓગસ્ટ થી ૨૪ ઓગસ્ટ ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 17th August 2018 07:35 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમયે કોઈને કોઈ પ્રકારે નાની-મોટી ચિંતાઓના કારણે અશાંતિ ઉદ્વેગ જણાશે. બેચેની અને અસ્વસ્થતાને કારણે ધાર્યું કરી શકશો નહીં. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધુ રહેતા મૂંઝવણ જણાશે, જેનો ઉકેલ લાવવા માટે તમારે વધુ પ્રયત્નો કરવા પડશે. નોકરિયાતોને આ સમયના યોગો પ્રગતિકારક અને આશાજનક જણાશે. અગત્યના કામોમાં સફળતા મળશે. વિવાદો યા વિરોધોમાંથી બહાર નીકળી શકશો. વેપાર-ધંધામાં ધાર્યા કામકાજ થતાં લાભ વધશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક શાંતિ હણાય તેવા પ્રસંગો સર્જાય. પ્રતિકૂળતાથી ડગી જશો નહીં, બલકે તમારો પુરુષાર્થ જારી રાખજો. વ્યવસ્થિત રહેશો તો પ્રતિકૂળ સંજોગો જ સાનુકૂળ બની જશે. ચિંતા રાખવાને કારણ નથી. ગૃહજીવનને લગતા ખર્ચાઓનું પ્રમાણ વિશેષ રહેતા તમે ચાહો છો તેવી સ્થિતિ થાય નહીં આપે. નવીન મૂડીરોકાણ સમજીવિચારીને કરવું પડે. ગાફેલ રહેશો તો તક ગુમાવવી પડશે. નોકરીમાં બદલીનો યોગ પ્રબળ છે. વિરોધીઓ અને તમારા સહકર્મચારીઓની ચાલબાજીથી સાવધ રહેજો.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહમાં આશાસ્પદ સંજોગો પેદા થતાં માનસિક આનંદ કે શાંતિ અનુભવી શકશો. કાલ્પનિક કે અવાસ્તવિક ચિંતાઓને મનમાં લાવવા ન દેશો. નાણાંકીય દૃષ્ટિએ તમારી આવક ગમેતેટલી વધે તો પણ તંગી, નાણાંભીડ જણાશે. કૌટુંબિક અને ગૃહોપયોગી ચીજવસ્તુ પાછળ ખર્ચ વધશે. હરીફોથી ચિંતા રાખવાની જરૂર નથી. જમીન-મકાનના પ્રશ્નો માટે સમય હજુ સાથ આપતો જણાશે નહીં. સંતાનો અંગેની સમસ્યાઓ વધશે. માનસિક રાહત જોવા મળે નહીં. પ્રતિકૂળતાના કારણે ધાર્યું કામ નિયત સમયમાં થશે નહીં.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં ગ્રહયોગો દર્શાવે છે કે પ્રગતિમાં વેગ આવે. નવરચનાઓ થાય. સારા અને મહત્ત્વના કામકાજોમાં વિકાસ થતાં માનસિક ઉત્સાહ વધશે. અવરોધો યા મુશ્કેલી હશે તો તમે તેને પાર કરી શકશો. નાણાંકીય આયોજનો વ્યવસ્થિત નહિ રાખો તો ગરબડ વધે. ખોટા ખર્ચાઓ વધી જવાનું સંભવ છે. હજુ અટવાયેલા લાભો કે ઉઘારણીઓ મેળવવામાં વિલંબ થશે. કૌટુંબિક કારણસર ખર્ચનું પ્રમાણ વધતા નાણાંભીડ જણાશે. નોકરિયાતને કામકાજનો બોજો વધતો લાગે.

સિંહ (મ,ટ)ઃ પુરુષાર્થ ફળદાયી નીવડશે. સક્રિયતા વધતી જણાશે. આવકમાં વધારો થશે. આગળ વધો અને ફતેહ મેળવો - સૂત્રને ધ્યાનમાં રાખીને ચાલશો તો જ સફળતા તમારા કદમ ચૂમશે. જરૂરિયાતના પ્રમાણમાં વધુ ખર્ચ થાય નહીં તે જોવું રહ્યું. નોકરીમાં પરિસ્થિતિ પલટાતી જણાય. પ્રતિકૂળતા અને અડચણમાંથી માર્ગ કાઢવો પડશે. ધંધા-વેપાર બાબતે હજુ સમય અનુકૂળ જણાતો નહીં. ભાગીદાર સાથે ગેરસમજ વધતી લાગે. આ સમયમાં મકાન-મિલકતના કામકાજો પાર પાડી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ મનની અશાંતિ અને ખોટી ચિંતાના ભારણના કારણે સમય પ્રતિકૂળ જણાશે. શક્ય હોય તો ખોટા વાદ-વિવાદોથી દૂર રહેવું જરૂરી છે. નાણાંકીય બાબતો માટે તમારા પ્રયત્નો સફળ થાય નહીં. નાણાંકીય ચિંતાઓ વધતી જણાશે. વધારાના ખર્ચના પ્રસંગો પણ આવશે. નોકરિયાત માટે આ સમય પરિવર્તન અને સાનુકૂળ જણાય છે. આપના મિત્રો, સ્નેહીઓ, પરિચિતો ઉપયોગી બનતા જણાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ધાર્યા કરતાં ઓછા લાભ મળે. મકાન-મિલકતના કામકાજ માટે ગ્રહયોગો સાનુકૂળ છે. પ્રયત્નો સફળ થશે.

તુલા (ર,ત)ઃ લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નો ઉકેલાશે. હવે વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. જેટલી સાનુકૂળતા છે તેટલી જ નવી કામગીરીઓ પણ આવશે. નાણાંકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. જો કંઈ સારી આવક થશે તો તે ખર્ચાઈ જશે. જૂની જવાબદારીઓ હળવી હશે. મકાન-સંપત્તિ તેમજ મિલકતો અંગેના પ્રશ્નોનો નિવેડો આવશે. બાપદાદાની સંપત્તિ મેળવી શકશો. ભાડુઆત અંગેનો પ્રશ્ન હશે તો હલ થશે. સફળતા આપનાર સમય છે.

વૃશ્ચિક (ન,ય)ઃ આવેશ અને ગુસ્સાને કાબૂમાં રાખજો. વિવાદાસ્પદ મુદ્દાને સ્વમાનનો પ્રશ્ન બનાવશો તો અંતે તમારી મનોસ્થિતિ તંગ જ બનશે. તમારી યોજના મુજબના લાભ થાય નહીં. આવક અંગેનો અસંતોષ અકળાવશે. કરજ કે ચૂકવણી અંગે અન્યોની સહાય મેળવી શકશો. નોકરિયાતો માટે કાર્યભાર અને વધારાની જવાબદારીઓ વધારે તેવો સમય છે. અયોગ્ય ખટપટો અને વિરોધીઓની પ્રવૃત્તિના કારણે ટેન્શન જણાશે. બદલી કે બઢતી અંગે તમારા પ્રયત્નો સફળ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ઘણો પુરુષાર્થ કરવો પડશે. પરિસ્થિતિ થોડાક સમય બાદ સુધરતી જણાશે. સંપત્તિ કે મકાન અંગેની સમસ્યાઓ યથાવત્ રહેશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન અગત્યના કાર્યનો ભાર માનસિક તાણ રખાવશે. ઉશ્કેરાટ અને ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે. ઉતાવળા નિર્ણય ન લેવા એ હિતાવહ છે. નાણાંકીય સમસ્યાઓના કારણે પરિસ્થિતિ ઠેરના ઠેર જેવી બનશે. વધારાની આવક કે જોગવાઈઓ ચૂકવણીના સપાટામાં ચાલી. જો ખર્ચ ઘટાડીને તમે પરિસ્થિતિ સાચવી શકશો. નોકરીના ક્ષેત્રે કોઈ પ્રતિકૂળ સ્થિતિ નિર્માણ થઈ હશે તો તેમાંથી બહાર નીકળી શકશો. વેપાર-ધંધાના પ્રશ્નો અંગે સાનુકૂળતા છે.

મકર (ખ,જ)ઃ પૂર્વનિર્ધારિત પ્રવૃત્તિઓમાં આગેકૂચ થતા ઉત્સાહ વધશે. દૃઢ મનોબળ અને મક્કમ નિર્ધારણથી સફળતા મળતા ઉત્સાહ વધશે. આવેગોને કાબૂમાં રાખજો. આ સમયમાં કોઈ પણ પ્રકારના સાહસમાં નાણાં રોકવા હિતાવહ નથી. નુકસાન અને વ્યયયોગ છે. ચાલુ આવક સિવાયની આવક વધવાનો યોગ નથી. શેરસટ્ટા જેવી પ્રૃત્તિઓમાં લાભ કરતાં વ્યય વધુ છે. સારી નોકરી મેળવવાના પ્રયાસ કરતા હો તો સફળતા મળશે. મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. જમીન કે મકાનના કામ અટવાયેલા રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ કારણ વિના પરિસ્થિતિ કે સંજોગોથી માનસિક ઉત્પાત વર્તાશે. તમારી લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા બેચેન બનાવશે. આત્મવિશ્વાસ અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા થકી જ તમે રાહત મેળવી શકશો. તમારા વિચારો અને હેતુને વળગી રહેજો. નોકરિયાતોને બઢતી આડે વિઘ્ન હશે તો તે દૂર થશે. બદલી અંગેના પ્રયત્નો સફળ થશે. વેપાર-ધંધામાં પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. જોકે વધુ મહેનતે અલ્પ ફળ જણાય. મકાન-મિલકતના કામકાજ માટે પ્રતિકૂળ સમય છે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં સ્વસ્થતા જાળવવાની જરૂર છે. કાલ્પનિક મુદ્દે ચિંતાઓ છોડજો. આર્થિક સમસ્યાઓનો ઉકેલ સાંપડશે. બાકી લેણાં, ઉઘરાણીના કામકાજમાં સફળતા મળે. તમારો આર્થિક બોજો હળવો થાય. વધારાની આવકનો માર્ગ મોકળો થાય. મકાન-વાહનના મુદ્દે સમય પ્રતિકૂળતા સૂચવે છે. નાની નાની હેરાનગતિ જોવા મળે, જેથી ટેન્શન વધે. નોકરિયાતોને એકંદરે સાનૂકુળતા વધે. ગૃહજીવન ક્ષેત્રે વૈચારિક ઘર્ષણના પ્રસંગો બને.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter