તા. ૧૮ માર્ચ થી ૨૪ માર્ચ ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 17th March 2017 03:54 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ માનસિક તાણ વધે તેવા પ્રસંગ બને. ગુસ્સો-આવેશની લાગણીઓને કાબુમાં નહિ રાખો તો વિવાદ-ઘર્ષણના પ્રસંગો બનશે. આર્થિક રીતે આ સમય મિશ્ર છે. તમારી જરૂરત પૂરતી નાણાંની જોગવાઈ ઊભી કરવામાં સફળતા સાંપડે. ખર્ચને પહોંચી શકવાનો ઉપાય મળે. મકાન-જમીન કે વાહનના પ્રશ્નોથી તકલીફ થાય. વ્યયના પ્રસંગો આવે. નોકરી અંગેના ગૂંચવાયેલા પ્રશ્નો હલ થાય. વિરોધી ફાવશે નહીં. ધંધા-વેપારમાં જણાતી પ્રતિકૂળતામાંથી બહાર આવવાની તક મળે. કોઈ મહત્ત્વનો પ્રશ્ન હલ થાય. લાભની તક પણ મળશે. કૌટુંબિક અને દામ્પત્યજીવનના ખોટા કલહ અને ઝઘડાના પ્રસંગોને અટકાવજો. સ્નેહીજનોથી મિલન મુલાકાત વધશે. અંગત આરોગ્ય સુધરે. યાત્રા-પ્રવાસમાં વિઘ્ન આવે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં મનોસ્થિત તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો પરિસ્થિતિ સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. ઉતાવળિયા-ઘાંઘા બનશો નહીં. આર્થિક રીતે આ સમય મધ્યમ રહે. આથી વધારાની આવકો ઊભી કરવા વધુ મહેનત કરવી પડશે. વળી, નવા ખર્ચાઓનો બોજો પણ વધશે. નોકરિયાતો માટે હજુ કેટલાક વિઘ્નો જણાય છે. તેથી સારા સમયની રાહ જોવી પડે. અગત્યના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નોનું ફળ જરૂર મેળવશો. મકાન-મિલકતના કામકાજ માટે પ્રતિકૂળતા જણાશે. સક્રિય નહીં બનો તો કામ પાર પડશે નહીં. પૈતૃક સંપત્તિના પ્રશ્નો યથાવત્ રહે. અગત્યના કૌટુંબિક નિર્ણયો લઈ શકશો. મતભેદો દૂર થાય. સારા માંગલિક કાર્ય થાય. ભાતૃવર્ગનો સહકાર મળે. યશમાન-સફળતા મળે. ગૃહજીવનના મહત્ત્વના પ્રશ્નો ઉકેલી શકશો.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન અંગત આરોગ્ય સાચવજો. તબિયતના કારણે ઘણા કામકાજો હાથ ધરી શકાય નહીં. તમે જે લાભની આશા રાખી રહ્યા છો તે મળવામાં હજુ વિલંબ થતો જણાશે. પ્રતિસ્પર્ધીઓ અને હરીફોના કારણે ચિંતા રહેશે. નાણાંકીય જવાબદારી વધશે. પરિણામે કરજ અને દેવું વધશે. આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધશે. વિશ્વાસઘાતના કારણે ઉઘરાણી ન મળવાથી ધનહાનિ થાય. મકાન-સંપત્તિ અંગેના પ્રશ્નો હજુ મૂંઝવણરૂપ જણાશે. સરકારી કામકાજો સફળ થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય રાહતરૂપ જણાશે.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં જરૂરી કામકાજો ગૂંચવાય નહીં તેની કાળજી લેજો. ધીરજ અને સ્વસ્થતાપૂર્વક વ્યવસ્થિત રહીને ચાલશો તો કામકાજનો નિકાલ આવશે. ઉતાવળા અને અસ્વસ્થ રહેશો તો વધુને વધુ ગૂંચવાતા જશો. મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી લાગશે. તમારી આર્થિક બાબતો પ્રત્યે વધુ લક્ષ આપજો. આવક-જાવકના બંને પાસાઓની ગણતરી કરી. ધંધાકીય યોજનાઓમાં કોઈ અવરોધ પેદા થાય નહીં તેની કાળજી રાખશો. આવકની તકો મળશે. નોકરિયાતોના પ્રશ્નના ઉકેલ પણ મળશે. સ્ત્રીઓ માટે આ સમય ઉત્સાહજનક નીવડશે. સ્નેહીજનથી મિલન-મુલાકાત થાય. વિદ્યાર્થીઓને આ સમયમાં ધારી પ્રગતિમાં અવરોધ સર્જાશે.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં માનસિક તાણ અને કાલ્પનિક ચિંતાના કારણે મૂંઝવણ યા બેચેનીનો અનુભવ થશે. ખોટા વાદવિવાદોથી દૂર રહેજો. આધ્યાત્મિક વલણ કેળવજો. લાગણીઓને બહુ મહત્ત્વ ન આપશો. નાણાંકીય બાબતો અંગે ગ્રહયોગો સાથ આપશે. તમારા પ્રયત્નો સફળ થાય. નાણાંકીય ચિંતાનો ઉકેલ મળે. વધારાના ખર્ચના પ્રસંગોને કાબૂમાં રાખજો. નોકરિયાતો માટે આ સમય પરિવર્તન અને સફળતા સૂચવે છે. મિત્રો અને પરિચિતો ઉપયોગી બનશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ધાર્યા લાભ ઓછા મળે. મકાન-મિલકતના કામકાજો માટે ગ્રહો સાનુકૂળ છે. પ્રયત્નો ફળશે. વડીલોપાર્જિત મિલકતો મેળવી શકાશે. જીવનસાથી સાથે ગેરસમજો હશે તો દૂર કરી શકશો. સંયુક્ત કુટુંબમાં ખોટા વિવાદો અશાંતિ પેદા કરશે. લગ્ન-વિવાહના કામમાં સફળતા મળે. વિરોધીના કારણે ચિંતા રાખવાની જરૂર નથી. મહત્ત્વની કામગીરીમાં સફળતા સાંપડે. પ્રગતિ થાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ નવીન તકો આપનાર છે. તમારા પ્રયત્નો સફળ થશે. મહત્ત્વની વ્યક્તિની મુલાકાત લાભદાયી બની શકશે. નાણાંકીય બાબતો અંગે આ સમય વધુ તંગ પરિસ્થિત સૂચવે છે. નાણાં પરત મેળવવામાં અંતરાય આવે. ખર્ચના પ્રસંગો વધી ન જાય તે જોજો. આ સમયમાં મકાન, જમીન કે અન્ય પ્રકારની સ્થાવર જંગમ મિલકતો માટે પ્રતિકૂળ જણાય. નોકરિયાત વર્ગને બદલીની શક્યતા જણાય છે. અલબત્ત, જે થાય તે સારા માટે સમજવું. નોકરિયાતને બઢતીના ચાન્સ પણ મળશે. ધંધા-વેપારની બાબતો સંદર્ભે તમારા કામકાજમાં માટે સાનુકૂળતા અને સફળતા મળે. અગત્યની તક પ્રગતિ તરફ દોરી જાય. લગ્ન-વિવાહની બાબતો માટે આ સમય સામાન્ય કહી શકાય. સંતાનોના પ્રશ્નો ઉકેલવા તરફ ધ્યાન આપજો.

તુલા (ર,ત)ઃ માનસિક અને શારીરિક સ્થિતિ એકંદરે સારી જળવાશે. ઉત્સાહપ્રેરક કામકાજો થાય. કોઈ સારા નવા પરિચયો બંધાશે. આર્થિક જવાબદારીઓ અને અગત્યની લેવડદેવડના કામકાજો માટે આ સમય સાનુકૂળ જણાશે. નવા સંબંધોથી લાભ થાય. ફસાયેલા કે અટકેલા લાભ મેળવવાના પ્રયત્નો ફળદાયી બનશે. આ સમયમાં સામાજિક તથા કૌટુંબિક કારણસર ખર્ચનો યોગ બને છે. જમીન-મકાનના પ્રશ્નો ગૂંચવાય અથવા વિલંબ થાય. નોકરીના ક્ષેત્રે હિતશત્રુઓની ચાલબાજીથી સાધવ રહેવું. ધાર્યું થાય નહીં. ધંધા-વેપારના ક્ષેત્રે સંજોગો પ્રતિકૂળ જણાતા ન હોવાથી તે અંગેના કામકાજો મુલતવી રાખવા સલાહ છે. ગૃહજીવનમાં લાગણીઓ તથા વિચારોનો સંઘર્ષ સર્જાય તેવા પ્રસંગો ટાળજો. કુટુંબીજનોનો સહકાર મેળવી શકશો અને ગેરસમજો નિવારી શકશો.

વૃશ્ચિક (ન,ય)ઃ પ્રયત્નો સફળ નીવડતા અને ઉન્નતિના સંજોગો જણાતા માનસિક સંવાદિતા રહેશે. ઉદ્વેગ કે બેચેની દૂર થતાં જણાશે. માનસિક બોજો હળવો થાય. નાણાંકીય મૂંઝવણોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી આવશે અને જૂના લેણાં કે ઉઘરાણીથી આવક થાય. સારી ઓફરો મેળવી શકશો. પ્રતિકૂળતાઓ વચ્ચે પણ આગળ નીકળાશે. ઉપરી અધિકારીનો સહકાર મળે. સંતતિના પ્રશ્ન ગૂંચવાતા જણાશે. પરિસ્થિતિ અને સંજોગો સાનુકૂળ જણાશે નહીં. તેથી તે અંગેના કામકાજો મુલતવી રાખવા સલાહ છે. ગૃહજીવનમાં લાગણીઓ તથા વિચારોનો સંઘર્ષ સર્જાય તેવા પ્રસંજો ટાળજો. કુટુંબીજનનો સહકાર મેળવી શકશો.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ હજુ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે તેને પાર કરવા તરફ મનની શક્તિને કેન્દ્રિત કરવી પડશે. ઉતાવળા સાહસથી દૂર રહેજો. કોઈની સાથે કારણ વિનાના વિખવાદ કે ઘર્ષણમાં ન ઉતરવાની કાળજી લેજો. નાણાકીય દૃષ્ટિએ આ સમય સાનુકૂળ હોવાથી જરૂરિયાતો તથા ખર્ચાઓ માટેની વ્યવસ્થા ઊભી થઈ શકશે. ઉઘરાણીના કામ પણ પતશે. મૂડીરોકાણ લાભદાયી પુરવાર થશે. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની તકો મળશે. ધંધા-વેપારના ક્ષેત્રે સારી રીતે આગળ વધીને સફળતા મેળવી શકશો. આ સમયમાં સુખ-સગવડના સાધનોની ખરીદી પાછળ ખર્ચ થાય. સંપત્તિની સમસ્યાઓ ઉકેલાતી જોવા મળશે. કૌટુંબિક મૂંઝવણનો ઉકેલ મળે. અગત્યના કામકાજોમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસ સફળ નીવડશે.

મકર (ખ,જ)ઃ સપ્તાહ સાનુકૂળ અને સફળ નીવડતા તમારી માનસિક સ્થિતિ સારી રહેશે. મનનો ભાર હળવો થાય. આર્થિક જવાબદારીઓ વધારશો અને વ્યવસ્થિત રહીને ચાલશો તો બહાર આવી શકાશે. મન પરનો ભાર હળવો થાય. આ સમયમાં ઉપરીનો સહકાર મળશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમે વધુ સારી તકો ઊભી કરી શકશો. વિકાસનો માર્ગ ખૂલ્લો થશે. મકાન-મિલકતના પ્રશ્નો યથાવત્ રહેશે. સારા મકાનની શોધ કરતા હો તો રાહ જોવી પડશે. ભાગીદારીના કામમાં સફળતા મોડી મળશે. યાત્રા-પ્રવાસની યોજના પડતી મૂકવી પડશે. આરોગ્ય સુધરશે. સંતાનોના પ્રશ્નો પાછળ ધ્યાન આપજો.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ માનસિક સ્વસ્થતા અને મનોબળ વધશે. ચિંતા-ઉદ્વેગથી રાહત મળશે. સંજોગો વિપરિત લાગે તો પણ સફળતા મળતાં તમારો ઉત્સાહ વધશે. આવકમાં હાલ વૃદ્ધિનો અવકાશ જણાતો નથી. ચૂકવણી સામે ઉઘરાણી મેળવવા પ્રયત્નશીલ બને. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વની તકો મળે. લાભ તાત્કાલિક ન મળે. મકાન-મિલકતના પ્રશ્નો હજુ યથાવત્ રહેતા જણાશે. જમીન-મકાનના સોદા ગંભીરતાપૂર્વક કરવાની સલાહ છે. દામ્પત્યજીવનમાં હવે વિવાદ દૂર થશે. મિત્રો-સંબંધીઓથી મિલન થાય. મહત્ત્વના કૌટુંબિક પ્રશ્નો હલ થતાં આનંદ મળે. વિરોધીઓ પર વિજય મળે. સારા સમાચાર પ્રાપ્ત થાય. કોર્ટ-કચેરીના કામો માટે પ્રતિકૂળતા જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ વિનાકારણ અશાંતિ રહેતી જણાશે. તમારા વિચારોના ઘોડાઓને કાબૂમાં રાખશો તો જ માનસિક રાહત મળશે. પરિણામો વિશે વધુ ચિંતા કરશો નહિ. અણઉકેલ્યા નાણાંકીય પ્રશ્નોનો કોઈ સારો ઉકેલ મળશે. તમારી મૂંઝવણમાંથી માર્ગ મળશે. ધિરાણ-લોન સહાય દ્વારા આર્થિક ચિંતા દૂર થશે. ખર્ચ પર કાપ મૂકવો પડશે. નોકરિયાતને કામકાજનો બોજ વધુ રહેશે. હરીફ અને સહકર્મચારીઓ સાથે મતભેદ વધે નહિ તે જોવું રહ્યું. ધાર્યું ફળ મળે નહીં. ધંધાકીય ક્ષેત્રે વિઘ્નો જણાશે. ગૂંચવાયેલા સંપત્તિના પ્રશ્નો ધીમે ધીમે હલ થાય. ખરીદ-વેચાણના કામકાજ માટે સાનુકૂળતા જણાશે. જીવનસાથીનો સહકાર વધે. વિવાહિત બાબતો માટે સાનુકૂળ સંજોગો જણાય. સંતાનોની તબિયતની કાળજી લેજો. નજીકના સ્નેહીજનોથી મનદુઃખનો પ્રસંગ આવે. તમારા અંગત આરોગ્યની કાળજી લેજો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter