તા. ૧૯ મે થી ૨૫ મે ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 18th May 2018 08:30 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સપ્તાહમાં ઘણી માનસિક મૂંઝવણો અને વ્યથાઓનો અનુભવ થશે. માર્ગમાં કેટલાક અવરોધો આવતાં જણાશે. આ સમયગાળામાં નાણાંકીય પરિસ્થિતિ પર પણ ચાંપતી નજર રાખવી પડશે. અહીં આવક કરતાં ખર્ચ વધી ન જાય તે જોવું રહ્યું. વધુ પડતો કાર્યબોજ રહેતો હોય તેવું અનુભવશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયગાળામાં વધુ કામકાજના કારણે માનસિક શાંતિ હણાતી જણાય. વધારાના ખર્ચના પ્રસંગો પણ આવી પડશે. સંતાનો અંગેની સમસ્યાઓમાં વધારો થતો જણાશે. માનસિક રાહત જોવા ન મળે. પ્રતિકૂળતા અને અજંપાનો અનુભવ થાય. મકાન કે જોબ અંગેની સમસ્યા જણાશે અને તેનો ધાર્યો ઉકેલ ન મળતા અસંતોષ જણાય. નોકરીમાં ઉપરી સાથેના સંબંધો સાચવજો.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક સ્થિતિ અસ્વસ્થ કે તણાવ ભરી રહેશે. કામગીરીઓનો વધુ પડતો બોજ અને તમારી યોજનાઓમાં હજુ જોઈએ એટલી પ્રગતિ ન જોવા મળતા અસ્વસ્થતા કે તાણ રહેશે. ધીરજ અને નિશ્ચયાત્મકતા જેવા ગુણ વડે જ તમે વિકાસ સાધી શકશો. આ સમય તમારી નાણાંકીય બાબત પ્રત્યે વધુ લક્ષ યા તકેદારી માંગી લે તેવો છે.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં તમારા કેટલાક મહત્ત્વના કામકાજોમાં વિકાસની તક જણાતા મન પરથી ચિંતાનો ભાર દૂર થાય. નાણાંકીય પરિસ્થિતિ બગડી હોય તો સુધારવાના તમારા પ્રયત્નો સફળ થાય. જોકે ખર્ચ પર કાબુ રાખવો જરૂરી છે. નોકરી કે વ્યવસાય સંબંધિત સમસ્યાઓ ઉકેલાય. વિરોધી કે હરીફોના હાથ હેઠા પડતાં જણાશે.

સિંહ (મ,ટ)ઃ આ સમયગાળો કૌટુંબિક બાબતો અંગે ઉદ્વેગજનક તેમજ ચિંતાપ્રદ બનશે. આરોગ્ય બગડતા કામકાજ ખોરંભે પડે. આ સમયગાળો આર્થિક દૃષ્ટિએ પણ અતિશય ખર્ચાળ અને ચિંતાપ્રદ બને તેવા ગ્રહમાન સંકેત છે. અહીં આવક કરતાં જાવકનું પ્રમાણ વધે નહિ તે જોવું રહ્યું.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહમાં તમારા અગત્યના ગૂંચવાયેલા પ્રશ્નો હજી વણઉકેલ જ રહે. માનસિક અજંપો અને બેચેનીમાં વધારો થશે. ખોટા વિચારોને મન પર ભાર વધારવા દેશો નહીં. નાણાંકીય આયોજન ઠીક ઠીક રીતે પાર પાડી શકશો. નોકરિયાતોને બઢતી અટકેલી હશે તો મળશે.

તુલા (ર,ત)ઃ અન્ય સાથે આ સમયમાં ઘર્ષણ કે વાદવિવાદ ટાળજો. સંઘર્ષથી તમારા જ મન પર બોજ વધશે. બને તેટલા સંયમ અને શાંતિથી વર્તજો. ખોટા વિવાદ નહીં અટકાવો તો સંબંધો બગડશે. મહત્ત્વની કોઈ પણ બાબતમાં ઉતાવળા થયા વિના વિચારીને જ આગળ કદમ ભરવા. નોકરી-ધંધામાં આ સમય ખૂબ મહેનત માગી લેશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહ દરમિયાન મનમાં મૂંઝવણ અને બેચેનીના કારણે પીડાનો અનુભવ થાય. મનની મુરાદો હજુ મનમાં રહેતી જણાય. આ સમયગાળામાં તમારી ધીરજની કસોટી થતી જણાય અને માનસિક તણાવ રહે. અણધાર્યા ખર્ચનાં પ્રસંગો બનશે અને અહીં આવક હજુ ખાસ વધે નહીં. પરિણામે નાણાંભીડ જણાશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં અકારણ અને કાલ્પનિક કારણોસર માનસિક અશાંતિ રહેતી જણાશે. તમારા વિચારોના ઘોડાઓને કાબૂમાં રાખજો. પરિણામો વિશે વધુ ચિંતા કરશો નહિ. અણઉકેલ્યા નાણાંકીય પ્રશ્નોનો કોઈ સારો ઉકેલ મળશે. ધિરાણ, લોન, સહાય દ્વારા આર્થિક ચિંતાનો બોજ દૂર થશે. ધંધા-વેપારના ક્ષેત્રે કેટલાક વિઘ્નો જણાશે.

મકર (ખ,જ)ઃ તમે પ્રગતિનાં માર્ગ તરફ આગળ વધી શકશો. સપ્તાહ દરમિયાન તમારી ચિંતાના વાદળો દૂર થતા જણાય. અગત્યની તકનો લાભ ઉઠાવી લેજો. માનસિક પ્રસન્નતાનો અનુભવ થાય. ઉત્સાહપ્રેરક પ્રસંગો બને. આ સમયગાળામાં આર્થિક મૂંઝવણનો ઉપાય મેળવી શકશો. આ અંગે મદદ કે સહાયથી પરિસ્થિતિને સાચવી શકશો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં કેટલાક પ્રસંગોથી આપ ચિંતામુકત બની શકશો. એકંદરે માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નવીન પરિસ્થિતિ સાથે સાનુકૂળતા સાધશો તો વધારે આનંદ માણી શકશો. નાણાંકીય પરિસ્થિતિ વધુ બગડે નહીં તે જોવું રહ્યું. બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખજો. વિરોધીના હેઠા હાથ પડતા જણાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારા પ્રયત્નો ધીમે ધીમે સફળ બનતા જણાય. સમય લાભકર્તા બનતાં આશા-ઉમંગમાં વધારો થશે. હાથમાં તક આવશે તેને વધાવી લેજો. મનનો બોજ હળવો થવાની શરૂઆત થશે. એકાદ-બે સારા લાભોની તક પણ મળી શકે છે. નોકરિયાતોને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળે. અવરોધોમાંથી બહાર નીકળશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter