તા. ૨ મે, ૨૦૧૫થી ૮ મે, ૨૦૧૫ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 29th April 2015 04:49 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ ઘણા વણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાશે અને હવે વધારાની નવી જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. જેટલી સાનુકૂળતાઓ છે તેટલી જ નવી કામગીરીઓ પણ આવશે. નાણાકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેતી જણાશે. નોકરિયાતોને હજુ કેટલાક વિઘ્નો જણાશે. હિતશત્રુઓથી સાવચેત રહેવા સલાહ છે. ધંધા-વેપાર માટે આ સમય શુભાશુભ પુરવાર થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ આવનાર સમય માટે યોજનાઓ અત્યારથી જ વિચારી લેવી પડશે. આર્થિક નવરચના પણ કરવી પડશે. ખોટા ખર્ચ વધે નહીં તે જોજો. ગૃહજીવનમાં વધુને વધુ સંતાપ, ઘર્ષણ અને ઝઘડાઓ થાય નહીં તેવું જોવું રહ્યું. તમે ઇચ્છા રાખો છો તેટલી સરળતા આ સમયમાં જણાશે નહીં. ચિંતામાં વધારો થતો જણાશે. વિદ્યાર્થીઓને સાનુકૂળતા વર્તાશે. તમારી મહેનત લેખે લાગતી જણાશે. ધાર્યું ફળ મળતું જણાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ રચનાત્મક પ્રવૃત્તિઓ અને કોઈ અગત્યના મૂંઝવતા પ્રશ્નોમાં સફળતા મળતા ઉત્સાહ વધશે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યનો નિકાલ આવે કે તેમાં પ્રગતિ થતી જણાશે. નાણાકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફો જણાશે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. ખર્ચા માટે જરૂરી નાણાકીય વ્યવસ્થાઓ કરી શકશો. એકાદ સારો લાભ પણ મળશે. નોકરિયાતોને કામકાજનો બોજો વધતો લાગશે. વેપાર-ધંધામાં વાદ-વિવાદના પ્રસંગો બનશે.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં સફળતા સાંપડશે. માનસિક શાંતિ મેળવશો. અગત્યની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહક તક મેળવી શકશો. નોકરિયાતને તેમના પુરુષાર્થનું ધાર્યું ફળ મળશે. બદલી-બઢતીના કાર્યો ઇચ્છા અનુસાર સાકાર થતા જણાય. મુશ્કેલીના સંજોગોમાંથી બહાર નીકળી શકશો. મકાન- સંપત્તિના પ્રશ્નો વધુ ગૂંચવાય નહી તે જોજો. વિરોધીઓની ચાલબાજીથી ચેતતા રહેજો. ધીરજથી કામ લેવું પડશે. સામાજિક કે કૌટુંબિક કામકાજો હાથ ધરીને સફળતા હાંસલ કરી શકશો.

સિંહ (મ,ટ)ઃ તમારી માનસિક તંગદિલી કે અકળામણ વધશે. અકારણ ચિંતાઓથી અંતઃકરણમાં અશાંતિનો અનુભવ થાય. બાહ્ય પરિસ્થિતિનો બોજ મન પર વધવા દેશો નહીં. ધર્મ-અધ્યાત્મમાં મન પરોવશો તો અજંપાથી બચી શકશો. નાણાંકીય જવાબદારીઓ વધતી જણાશે. આવક કરતા ખર્ચના પ્રસંગો વધશે. લાભ વિલંબમાં પડશે. પૂરતી કાળજી નહીં રાખો તો નુકસાન, હાનિનો યોગ છે. નોકરિયાતોએ વિરોધીઓથી સાવધ રહેવું.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયની સફળતા આશાવાદ અને વિકાસના પંથે દોરી જશે. માનસિક ઉમંગ-ઉલ્લાસનો અનુભવ થાય. તમારી ચિંતા, માનસિક બોજ હળવા થતા જણાય. નાણાકીય કામકાજો માટે સફળતા આપનારો સમય છે. સપ્તાહમાં લાભના સંજોગો કે તકો મળે તે ઝડપી લેજો. તમારા અટકેલા આર્થિક લાભ પણ મળશે. નોકરી અને ધંધા-વેપારમાં પ્રતિકૂળતા અને અંતરાયમાંથી બહાર આવી શકશો.

તુલા (ર,ત)ઃ પૂર્વનિર્ધારિત યોજનાઓ અંગે જોઈતી સાનુકૂળતા કે સગવડો ઊભી થતાં પ્રગતિ થશે. સારી તકો મળશે. સફળતાના કારણે માનસિક સ્થિતિ સ્વસ્થ રહેશે. જોકે આ સમયમાં ખર્ચ- વ્યયનું પ્રમાણ વધતું જણાશે. લેણી રકમો પૂરતી મળે નહીં. નોકરિયાતોને બઢતી-બદલીના યોગ છે. મહત્ત્વની વ્યક્તિની મદદ ઉપયોગી થાય. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારો વિકાસ થતો જણાશે. લાંબા ગાળાથી અટવાયેલા મકાન-મિલ્કતના પ્રશ્નો હલ થાય. લગ્ન-વિવાહના પ્રશ્નોનો ઉકેલ આવવાની આશા છે.

વૃશ્ચિક (ન,ય)ઃ અંગત બાબતોને આ સમયમાં ઉકેલી શકશો. આવકવૃદ્ધિ જણાશે. બાકી ઉઘરાણી-લેણાં મેળવી શકશો. નાણાકીય તંગીમાંથી છૂટકારો મેળવશો. નવીન આવક મેળવવાના પ્રયત્નો ફળશે. નોકરિયાતોને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળતું જણાશે. અવરોધમાંથી બહાર નીકળશો. બદલી-બઢતી યોગ છે. ધંધા-વેપારમાં વૃદ્ધિ-વિકાસના આયોજન માટે આ સમય લાભકારક જણાય છે. મકાન ખરીદ-વેચાણના કામમાં અવરોધ હશે તો તે દૂર થશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ અંગત મૂંઝવણો કે સમસ્યાઓ ધીમી ગતિએ પણ સાનુકૂળ રીતે ઉકેલાશે. કોરી કલ્પનાઓ કરીને દુઃખી થશો નહીં. માનસિક સ્વસ્થતા જાળવશો તો કોઇ જ સંકટ ભોગવવું નહીં પડે. આ સમયમાં તમારા અટકેલા કેટલાક લાભ મેળવવાના પ્રયત્નો સફળ થશે. જૂના લેણાં મળશે. આર્થિક બાબતોને વધુ વ્યસ્થિત રાખવાની જરૂરત સમજવી પડશે. નાણાં વિના કામ અટકે નહીં તે જોવું રહ્યું.

મકર (ખ,જ)ઃ આ સમયગાળામાં તબિયતના કારણે અસ્વસ્થતા જણાય. ખોટી ચિંતાના કારણે માનસિક ભારણ વધતું જણાય. મનની મુરાદ મનમાં રહેતી જણાશે. કેટલાક કાર્યોમાં વધુ મહેનત કરવા છતાં અલ્પ ફળ મળતું જણાશે. નાણાકીય રીતે સમય કટોકટીભર્યો જણાય છે. આર્થિક કાર્યોમાં અંતરાયો જોવા મળશે. નોકરિયાતોને યથાવત્ સ્થિતિ જણાશે. વેપાર-ધંધામાં ધાર્યું આયોજન પાર પડે નહીં.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ નાના-મોટા અંતરાયો અને સંઘર્ષનો સામનો કરવો પડશે. માનસિક તંગદિલી અને અસ્વસ્થતાનો અનુભવ થાય. માનસિક સ્વસ્થતા ટકાવી રાખવી પડશે. આર્થિક સમસ્યાનું નિરાકરણ શોધી શકશો. યોગ્ય આર્થિક આયોજન થકી નિર્ધારિત કાર્યો પાર પાડી શકશો. યાત્રા-પ્રવાસ સફળ અને મજાના નીવડશે. સંતાન સંબંધિત ચિંતા ઉકેલાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ ઇચ્છાઓ આ સમયમાં સાકાર ન થતાં માનસિક અશાંતિ કે અજંપો અનુભવશો. માર્ગ આડેનાં વિઘ્નો ધારો છો તેટલાં ઝડપથી દૂર ન થતાં નિરાશા જણાય. ખર્ચ વિશે વ્યવસ્થિત આયોજન કરવા પ્રયત્ન કરજો. આર્થિક કામકાજોમાં પ્રગતિ જણાય. આ સમયમાં નોકરિયાતોને જો કોઈ સમસ્યા હશે તો ઉકેલાતી જણાય. વેપાર-ધંધાના ક્ષેત્રે તમામ પ્રયત્નો ફળદાયી બને. પૈતૃક સંપત્તિ અંગેના વાદ-વિવાદો હજુ માનસિક તાણ આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter