તા. ૨ સપ્ટેમ્બર થી ૯ સપ્ટેમ્બર ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 02nd September 2017 06:25 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો પરિસ્થિતિ સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. ઉતાવળિયા બનશો નહિ. આર્થિક રીતે સમય મધ્યમ રહેશે. વધારાની આવક ઊભી કરવા મહેનત વધારવી પડે. નવા ખર્ચાનો બોજ પણ વધે. નોકરિયાતને માટે સામાન્ય પરિસ્થિતિ મનને અજંપિત કરે તેવી લાગે. બઢતીના પ્રયત્નો આડે હજુ અવરોધ જણાશે. સહકર્મચારી કે ઉપરી દ્વારા યશ-માન ન મળતા ઉદ્વેગ જણાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં સમય વિકાસ સૂચવે છે. માર્ગ આડે આવતા અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. આ સમયમાં તમારી આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. નોકરીના પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. ઉપરી અધિકારીનો સહકાર મળે. સહકર્મચારીઓની કારી ફાવે નહિ. સંતાન સંબંધિત પ્રશ્નો હશે તો તેનું નિરાકરણ આવશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં ખોટા વાદવિવાદથી દૂર રહેજો. કાલ્પનિક ચિંતા રાખશો નહિ. આ સમયગાળામાં આવક કરતાં જરૂરિયાત અને ચૂકવણી વધુ રહેતા નાણાંકીય સંજોગો જરા મુશ્કેલીભર્યા બનશે. ઉઘરાણી તરફ ધ્યાન આપવું જરૂરી છે. નોકરિયાત ધીમે ધીમે મહત્ત્વની તકો ઊભી થતાં માનસિક રાહત અનુભવશે. હિતશત્રુઓ ફાવશે નહિ. સાચું સ્થાન મેળવી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે સમય મધ્યમ સમજવો. સંપત્તિ સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે પ્રતિકૂળ સમય સમજવો.

કર્ક (ડ,હ)ઃ અગત્યની કાર્યવાહીઓમાં સફળતાં મળતાં તમારા ઉત્સાહમાં વૃદ્ધિ થાય. સંજોગો અને પરિસ્થતિ સુધરતાં સાનુકૂળતા જણાશે. નાણાંકીય મૂંઝવણમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી આવશે. જૂના લેણા કે ઉઘરાણીની આવક થાય. સારા વિકલ્પમાં નાણાંનું રોકાણ થાય. નોકરી-ધંધામાં તમારા પ્રયત્નો સફળ થશે અને સંઘર્ષ તથા મુશ્કેલીમાંથી માર્ગ નીકળશે. વિરોધીઓના હાથ હેઠા પડતાં જણાય. અગત્યના કોઈ કામકાજમાં નવી તક મળે. મકાન-મિલકત બાબતે સરળતાથી જોવા મળે. વગદાર વ્યક્તિઓ તરફથી આત્મીયતા વધશે.

સિંહ (મ,ટ)ઃ આ સમયગાળો આશા-નિરાશાનો મિશ્ર અનુભવ કરાવશે. શુભ ગ્રહોની અસરથી તમે દૃઢતાપૂર્વક આગળ વધી શકશો. કાલ્પનિક ચિંતાઓના વાદળો પેદા થઈને વિખેરાઇ જશે. નકારાત્મક વિચારોને છોડજો. અણધાર્યા ખર્ચના પ્રસંગો વધતાં નાણાંભીડ જણાય. નોકરી અંગે મહત્ત્વના નિર્ણયો લઈ શકશો. વેપાર-ધંધામાં સાવધાનીથી ચાલશો તો હરીફો સામે ટકી શકશો. સ્થાવર મિલકતો અંગેના કામકાજો માટે આ સમય પ્રતિકૂળતા અને તકલીફો સૂચવે છે. સરકારી કામકાજો અટવાતા જણાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક સ્થિતિ તણાવમુક્ત બનતી જોવા મળશે. માનસિક અશાંતિનો ઉકેલ મળશે. તમારી કેટલીક મહત્ત્વની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહક તકો પણ મેળવી શકશો. નોકરિયાતોને ઉત્સાહ વધારે તેવી તકો મળશે. પ્રગતિ-ઉન્નતિનો માર્ગ ખૂલતો જણાય. વિરોધીઓના હાથ હેઠા પડતા લાગે. વેપાર-ધંધાના ક્ષેત્રે વાતાવરણ મૂંઝવણરૂપ બનશે. મકાન-મિલકત યા ભાડાના મકાન અંગેની બાબતો માટે આ સમય સફળતા સૂચવે છે.

તુલા (ર,ત)ઃ આ સમયમાં માનસિક રીતે અસુખ અને અકારણ ભારની લાગણી અનુભવશો. અગત્યના કાર્યમાં અવરોધના કારણે પણ ચિંતા જણાય. આર્થિક પ્રશ્નો ઘેરા બનતા જણાશે અને ધાર્યો લાભ મળે નહિ. નોકરિયાતોને પ્રશ્નો હલ થતાં જણાય. ઉપરી તરફથી યશમાન મળે, કદર થાય. સહકર્મચારીઓના કારણે ચિંતાઓ હશે તો તે દૂર થતી જણાય. જમીન-મિલકત અંગેના કામકાજોમાં પ્રગતિ જણાય. કૌટુંબિક સંપત્તિ અંગેની ગૂંચો ઉકેલી શકશો. વિવાહ માટે આ સમય વાતો આગળ વધી શકશે.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ સાનુકૂળ અને સફળ નીવડતાં તમારી માનસિક સ્થિતિ સારી રહેશે. મનનો ભાર હળવો થાય. ચિંતાના વાદળો વિખેરાતા જણાશે. તમારા જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાય, લોન વગેરે મેળવી શકશો. કામકાજો અટકશે નહિ. ખર્ચને પહોંચી વળશો. નોકરીના અંગે કોઈ સારી તક મેળવી શકશો. વર્તમાન નોકરીના ક્ષેત્રે પણ પરિવર્તન થાય. વિરોધીના કારણે થોડીક પ્રતિકૂળતા જણાશે. વેપાર-ધંધામાં પરિસ્થિતિ યથાવત્ રહેશે. મકાન-જમીનના પ્રશ્નો સાનુકૂળ રીતે ઉકેલાશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ નવીન પ્રવૃત્તિઓમાં વેગ મળે. નવરચનાઓ સાકાર થાય. સારા અને મહત્ત્વના કામકાજોમાં વિકાસ થતાં માનસિક ઉત્પાત ઘટશે. અવરોધ યા મુશ્કેલી હશે તો તમે પાર ઉતરી શકશો. આર્થિક મૂંઝવણનો ઉકેલ મળશે. જરૂરી નાણાંકીય વ્યવસ્થા થઈ શકશે. શેર-સટ્ટાકીય લાભ મળે નહિ. નોકરિયાતોને અંગત સમસ્યાઓનો ઉકેલનો માર્ગ મળે. વિરોધીના હાથ હેઠા પડે. વેપાર-ધંધાની કાર્યવાહીમાં વિકાસ થાય. સફળતા સાથે લાભ મેળવી શકશો.

મકર (ખ,જ)ઃ લાગણીઓના ઘોડાપુરમાં વધુ પડતાં તણાશો તો ઉશ્કેરાટ-વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું જ મળવાનું નથી. ધીરજ અને સંયમથી વર્તશો તો ઘણી સમસ્યાઓ આપોઆપ ઉકેલાતી જણાય. નોકરિયાત વર્ગને નજીક લાગતો લાભ દૂર ઠેલાય. બદલી-પરિવર્તનની તક આવી મળે તો ઝડપી લેજો. ગુપ્ત વિરોધીઓથી સાવધ રહેવું. વેપાર વર્ગ માટે આ સમય મિશ્ર છે. ઘણા પ્રયત્નોએ કામ પાર પડતું જણાય. મકાન-મિલકત કે જમીન સંબંધિત બાબતોમાં આ સમય ખર્ચાળ પુરવાર થાય. ધર્મભાવ વધશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં બનતા પ્રસંગોના કારણે તમારા મનમાં ઉત્પાત કે બેચેનીની લાગણી અનુભવશો. સહનશક્તિ વધારવાથી જ રાહત થાય. પ્રતિકૂળતાનો સામનો ધીરજપૂર્વક કરશો તો માનસિક બોજ રહેશે નહીં. નોકરિયાતને પ્રશ્નના ઉકેલ માટે આ સમય સાનુકૂળ છે. તમારા ધંધાના ક્ષેત્રે ભાગીદારો સાથે કારણ વિનાના વિવાદો જાગશે. ધંધાકીય યોજનામાં કોઈ અવરોધ પેદા થશે. આવકની નવી તકો મળે. આ સમયગાળામાં મકાનના ફેરફારો કે પરિવર્તન માટે પ્રતિકૂળતા જણાશે. લગ્નઇચ્છુકો માટે પ્રયત્ન ફળદાયી બનશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ મૂંઝવણોનો સાનુકૂળ ઉકેલ મેળવી શકશો. રચનાત્મક પ્રવૃત્તિથી આનંદ મળે. માનસિક ભારણ હળવું થાય. નાણાંકીય સંજોગો સુધરતા જણાય. કેટલાક સારા લાભની તક મળતાં આવક વધારી શકશો. નોકરિયાતને પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડે. વિવાદને કુનેહપૂર્વક ટાળજો. ધંધા-વેપારના ક્ષેત્રે લાભની તક ગુમાવવી ન પડે તે જોજો. સંપત્તિના પ્રશ્નો અંગે સાનુકૂળતા છે. મહત્ત્વની ખરીદી થાય. કૌટુંબિક સંપત્તિ અંગે મહત્ત્વનો નિર્ણય લઈ શકશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter