તા. ૨૧ ઓક્ટોબર થી ૨૭ ઓક્ટોબર ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 20th October 2017 07:15 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં હજી એક પ્રકારની અજંપા અને અકળામણની સ્થિતિનો અનુભવ થાય. તેમજ વિલંબથી ફળ મળવાના કારણે તાણ અનુભવાશે. આર્થિક જવાબદારીઓ વધતી જણાશે. નુકસાન યા ખર્ચનું પ્રમાણ વધતું જણાશે. નાણાંભીડના કારણે કેટલીક યોજનાઓ મુલતવી રાખવી પડશે. ઉઘરાણી પ્રત્યે વધુ ધ્યાન આપજો. નોકરિયાતોની ઉન્નતિનો માર્ગ હજી અવરોધોયેલો જણાશે. કોઈને કોઈ પ્રકારના વિઘ્નો આવે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય દરમિયાન તમારા ગૂંચવાયેલા પ્રશ્નો યથાવત્ રહેતા માનસિક અશાંતિ અને અજંપો જણાશે. તેથી મનને પ્રસન્ન રાખવા પ્રયત્ન કરશો. ખોટા વિચારોને મનમાંથી હાંકી કાઢજો. નાણાંકીય પરિસ્થિતિ ઠીક ઠીક રીતે જાળવી શકશો. આર્થિક પરિસ્થિતિ સુધારવાના પ્રયત્નો ફળશે ખરા, પરંતુ ખોટા ખર્ચ વ્યયના કારણે પુનઃ જેમના તેમ રહેશો. નાણાંભીડ તીવ્ર બનતી જણાશે, તેને પહોંચી વળવા પ્રયત્નો ચાલુ રાખજો.

મિથુન (ક,છ,ઘ)ઃ માનસિક દૃષ્ટિએ આ સમય સારો જણાશે. મનનો બોજો ઉતરતો જણાશે. નવા કામકાજોમાં જણાવી પ્રગતિ ઉત્સાહપૂર્વક બનશે. આપની નાણાંકીય તકલીફોનો ઉપાય મળશે. જરૂરી વ્યવસ્થાઓ ઊભી થતાં મૂંઝવણ દૂર થશે. ખર્ચાઓ પૂરતી જોગવાઈ કરવામાં વાંધો નહિ આવે. નોકરીમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. વેપાર-ધંધાના કાર્યો આડેના વિઘ્નોને પાર કરી સફળતા મેળવી શકશો.

કર્ક (ડ,હ)ઃ મનની મુરાદ બર ન આવતા માનસિક અશાંતિ કે અજંપો અનુભવાશે. માર્ગ આડેના અંતરાયો ધારો છો તેટલી ઝડપથી દૂર ન થતાં નિરાશા જણાશે. આવકવૃદ્ધિ કે કોઈ જૂનો લાભ મળતા આ સમય રાહત આપતો પુરવાર થાય. તમારા માથેના ખર્ચાઓની જોગવાઈ ઊભી થવાની આશા રહે છે. તમારા કામ પૂરતા નાણાં મળવાનો યોગ છે. શેરસટ્ટાથી લાભ નથી. નોકરિયાતો માટે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે અને વિરોધીઓ દૂર થતાં લાગે. માર્ગ સરળ બનશે. ઉન્નતિકારક તક મળે.

સિંહ (મ,ટ)ઃ રચનાત્મક પ્રવૃત્તિઓ તથા કોઈ અગત્યના મૂંઝવતા પ્રશ્નોમાં સફળતા મળતાં ઉત્સાહ વધશે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવે અથવા તો તેમાં પ્રગતિ થતી જણાય. નાણાંકીય દૃષ્ટિએ આ સમયમાં અહીં અણધારી લાભ કમાઈ લેવાની લાલચમાં ન પડશે. આવકનું પ્રમાણ વધવાનો યોગ નથી બલકે, વધુ પડતાં ખર્ચાઓ રહેવાનો યોગો પ્રબળ છે. સાચવીને નાણાં વાપરવાની સલાહ છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ કેટલાક મુદ્દે વિના કારણ આશંકાઓથી માનસિક બેચેનીનો અનુભવ થશે. તમારા મનની શાંતિ હણાતી જણાશે. ધીરજની કસોટી થશે. આવકવૃદ્ધિના નવા માર્ગ મળતા આર્થિક સ્થિતિમાં સુધારો થાય. અગત્યના લાભના પ્રસંગો પ્રાપ્ત થશે. ખર્ચાઓ માટેની જોગવાઈ ઊભી કરવાના પ્રયત્નો સફળ નીવડશે. નોકરીના ક્ષેત્રે પ્રશ્નોથી મૂંઝવણ સર્જાશે, જે ઉદ્વેગ પેદા કરે. વિવાદાસ્પદ વાતથી દૂર રહેજો. બદલી કે સ્થળાંતર પેદા થાય. વેપાર-ધંધામાં પણ પ્રતિકૂળ સંજોગો જણાશે.

તુલા (ર,ત)ઃ મનોસ્થિતિ ગૂંચવાયેલી અને મૂંઝવણભરેલી રહેશે. અલબત્ત, મૂંઝવણો કાલ્પનિક વધુ રહેશે. નાણાંકીય જવાબદારીઓ વધતી જોવાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. કોઇને ધીરધાર કરશો નહીં. મોટા સાહસમાં પડશો નહિ. નોકરિયાતોને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળે. અવરોધોમાંથી નીકળાશે. બદલીનો યોગ છે. વૃદ્ધિ અને વિકાસના પગલાંના આયોજન માટે આ સમય વિકાસકારક છે.

વૃશ્ચિક (ન,ય)ઃ અગત્યના પ્રશ્નોના નિકાલ માટે સાનુકૂળ સંજોગો પેદા થતાં તમારી સક્રિયતા અને ઉત્સાહ વધશે. પ્રગતિકારક નવરચના થાય. વિકાસની તકો આવશે તે ઝડપી લેજો. આ સમય એકંદરે નાણાંકીય દૃષ્ટિએ સુધારો સૂચવે છે. અટવાયેલાં નાણાં મેળવવા વધુ પ્રયત્ન કરજો. આવક ઊભી થવા સામે રોકાણ, ચૂકવણીઓ નોંધપાત્ર રહેશે. નોકરિયાતો માટે આ સમય વધુ પ્રોત્સાહક નીવડશે. તમારા કાર્ય અંગે પ્રશંસા મળે. વિરોધીઓના હેઠાં પડતાં શાંતિ વર્તાશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ માનસિક સ્વસ્થતા અને શાંતિ ડહોળાય તેવાં સંજોગો જણાશે. પુરુષાર્થ અને આત્મવિશ્વાસ વધારજો. નિરાશાજનક વિચારો છોડજો. આ સમયગાળામાં ખર્ચના પ્રસંગો વધશે. નુકસાન, કરજ કે લોન દ્વારા આર્થિક બોજો વધશે. નાણાંભીડના કારણે ધાર્યા પ્રમાણેની યોજના અટકશે. નોકરિયાતોને માર્ગના અવરોધો જણાશે. નોકરીની સમસ્યાઓ હજી યથાવત્ ઊભી રહેશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ધીમો વિકાસ જણાશે.

મકર (ખ,જ)ઃ અગત્યની કાર્યવાહીઓમાં વિઘ્ન આવ્યા બાદ સફળતા મળે. ખોટા વાદ-વિવાદના પ્રસંગો માનસિક સંઘર્ષ અને ઉત્પાત્તનો અનુભવ કરાવશે. મનનો બોજો વધશે. નાણાંકીય પરિસ્થિતિ અંગેના ગ્રહયોગો મિશ્ર ફળ આપનાર છે. અહીં એક બાજુથી જાવક અને ખર્ચના પ્રસંગો આવે. બીજી બાજુ આવક યા લાભ મળવા છતાંય સ્થિતિ કટોકટીભરી બને. કોઈ નુકસાન કે વ્યયનો પ્રસંગ પેદા થશે. નોકરિયાતને પ્રતિકૂળ પરિસ્થિતિમાં સુધારો થતા જણાતા રાહત મળશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ ગ્રહયોગો જોતાં આ સમયમાં તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. તમારા પ્રયત્નો કે કામગીરીઓ મુજબ યશ કે લાભ ન મળવાથી ઉદ્વેગ વધશે. વ્યથાના કડવા ઘૂંટ પીવા પડશે. આ સમય નાણાંકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે ચિંતાપ્રદ જણાશે. નોકરિયાતોને હવે કોઈ નવીન સાનુકૂળ પરિવર્તનની તક મળી શકશે. તમારા વિકાસ આડેના અવરોધ દૂર થતાં જોવા મળશે. નવા ફેરફાર થાય. ધંધાકીય ક્ષેત્રે પણ હવે તમારા માટે નવી ક્ષિતિજો ખૂલશે. પ્રયત્નો જરૂર ફળશે.

મીન (દ,ચ,છ,થ)ઃ આ અરસામાં અગમ્ય કારણસર બેચેની કે ઉદાસીનો અનુભવ જણાશે. ખોટી નિરાશા મનનો કબજો ન લઈ તે જોજો. તમારી મૂંઝવણનો વિશે જેમ વધુ વિચારશો તેમ વધશે. નાણાંકીય દૃષ્ટિએ તમારી આવક ગમે તેટલી વધે તો પણ નાણાંભીડ જણાશે. ગૃહોપયોગી ચીજવસ્તુઓની ખરીદી પાછળ ખર્ચ થાય. નોકરીની પરિસ્થિતિ યા વાતાવરણ તમારી તરફેણમાં જણાશે નહિ. પ્રતિકૂળતા અને અડચણોમાંથી માર્ગ કાઢવો પડશે. ધંધા વેપારની બાબતો માટે પણ પરિસ્થિતિ હજુ મૂંઝવતી જણાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter