તા. ૨૧ માર્ચ થી ૨૭ માર્ચ ૨૦૨૦

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 20th March 2020 06:53 EDT
 
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં મનોવેદના અને બેચેનીનો અનુભવ થાય. વિઘ્ન કે વિલંબના કારણે ઉત્પાત જણાશે. ધીરજ અને સમતા કેળવજો. નાણાકીય લાભ મેળવી લેવાની ઉતાવળ કરશો નહીં. લાભની આશા ઠગારી નીવડે. નોકરિયાતોને મહેનતનું ફળ લાંબા ગાળે મળશે. ધંધાકીય સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો. કોઈ અગત્યનું કામકાજ સફળ થતું જણાશે. દામ્પત્યજીવનમાં વિવાદ-વિખવાદોનું કોઈ કારણ ઊભું ન થાય તે જોવું રહ્યું. જીવનસાથીનો સહકાર રહેશે. સંતાનોના પ્રશ્ને ચિંતા રહે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં નવી કાર્ય પ્રવૃત્તિના કારણે તમારો ઉત્સાહ વધશે. નવી આશા જન્મશે. કેટલીક પ્રવૃત્તિથી નવી દિશાઓ ઉઘડતી જણાય. અંગત બાબતોના કારણે મનોસંઘર્ષ થવાની શક્યતા છે. આર્થિક દૃષ્ટિએ આ સમય મધ્યમ છે. અણધાર્યા ખર્ચના પ્રસંગો પણ વધશે. નોકરિયાત વર્ગને એકંદરે સાનુકૂળતા અને સફળતાની તક મળશે. ઉપરી વર્ગથી મનમેળ વધે. ધંધાકીય કામગીરીમાં તમારો વિકાસ સાધી શકશો. અણધારી સહાય મળતી જણાય. મકાન-મિલકતના કામકાજો ગૂંચવાયેલા જણાય.

મિથુન (ક,છ,ઘ)ઃ રચનાત્મક પ્રવૃત્તિઓ અને કોઈ મૂંઝવતા પ્રશ્નોમાં સફળતા મળતા ઉત્સાહ વધશે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવશે કે તેમાં પ્રગતિ થતી જણાય. આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા તમારે વધુ સક્રિય બનીને પુરુષાર્થ વધારવો પડશે. નાણાકીય વ્યવહારો સાચવવા અને જોઈતાં નાણાં મેળવવામાં મુશ્કેલી જણાય. નોકરિયાતો માટે ગ્રહયોગ સાનુકૂળ બનશે. તમારા અટવાયેલા કામકાજો ઉકેલાશે. ઉપરી અધિકારોનો સાથ-સહકાર મળે. નોકરીની સારી તક મળશે. ધંધાર્થીઓ માટે સફળતા અને વિકાસનો સમય છે.

કર્ક (ડ,હ)ઃ સંપત્તિમાં વૃદ્ધિનો યોગ છે. મહત્ત્વની ચીજવસ્તુની ખરીદી થાય. મકાન-જમીનને લગતા કામકાજોનો હલ મેળવી શકશો. કૌટુંબિક સંપત્તિ અંગે મહત્ત્વનો નિર્ણય લઈ શકાય. સારા મકાનની ઇચ્છા પૂર્ણ થાય. ધીરજના ફળ મીઠા સમજવા. લગ્ન-વિવાહના પ્રશ્નો અંગે ચિંતા અનુભવાશે. જીવનસાથીની તબિયત સાચવવી. સંયુક્ત કુટુંબના લાગણીના પ્રશ્ને વિવાદ સર્જાશે. પ્રવાસ-યાત્રાનો લાભ મળશે. પ્રિયજનથી વિખવાદ અને મતભેદ વધે નહીં તે માટે જતું કરવાની ભાવના કેળવજો. લાંબા કરતાં ટૂંકા પ્રવાસ સરળ બને. વડીલોની તબિયત ચિંતા કરાવે.

સિંહ (મ,ટ)ઃ મન પરનો બોજ ઉતરતો જણાશે. નવા કામકાજોમાં પ્રગતિ જણાય. નાણાકીય બાબતોના ઉકેલ માટે આ સમયના ગ્રહયોગો મિશ્ર ફળ આપનાર છે. આવક કરતાં ખર્ચનું પલડું વિશેષ નમતું રહેવાના કારણે બચત થશે નહિ. નોકરી- ધંધાના ક્ષેત્રે તમે જરૂર આગળ વધી શકશો. ચિંતાનો ઉકેલ મળશે. ઉતાવળા પરિણામની આશા રાખશો નહિ. જમીન-મકાનની સમસ્યાઓ મૂંઝવણ રખાવે. તેને લગતા ખર્ચ વધશે. અપેક્ષા પ્રમાણે કામ ન થાય. સંયુક્ત મિલકત અંગેની ચિંતામાંથી બહાર નીકળવાનો માર્ગ મળે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય કારણ વિનાની માનસિક અશાંતિ અને બેચેનીમાંથી પસાર થાય તેમ લાગે છે. ઉશ્કેરાટ અને આવેશાત્મક વલણ છોડજો. શાંતિ અને સ્વસ્થતાથી ચાલશો તો કશું જ અનિચ્છનીય બનશે નહીં. તમારી આર્થિક પ્રગતિ શક્ય બનશે. આવકમાં વૃદ્ધિ થાય. ઉઘરાણીના કાર્યો પાર પડશે. નવીન કામકાજોથી પણ આવક વધશે. ગણતરીપૂર્વક ચાલશો તો લાભ અવશ્ય મળશે. ગૃહજીવન, પ્રવાસ-પર્યટન તથા સુખસગવડના સાધનો માટે ખર્ચ થશે. ધનહાનિનો એકાદ પ્રસંગ બનશે.

તુલા (ર,ત)ઃ કેટલાક પ્રસંગોના કારણે તમારું મન ઉત્પાત કે બેચેનીની લાગણી અનુભવશે. સહનશક્તિ વધવાથી જ રાહત થાય. પ્રતિકૂળતાનો સામનો ધીરજપૂર્વક કરશો તો વધુ તાણ રહેશે નહિ. મહત્ત્વનું કાર્ય, પ્રસંગો કે ખરીદી માટે જો નાણાંની મૂંઝવણ હશે તો તેનો સાનુકૂળ માર્ગ મળતાં પ્રસંગ ઉકેલી શકશો. વ્યવસાયના ક્ષેત્રે કેટલીક સાનુકૂળ અને પ્રગતિકારક તકો મળશે. તેનો યોગ્ય ઉપયોગ કરીને લાભ ઉઠાવી લેજો. નોકરીમાં બદલી-બઢતીની શક્યતા છે. કાર્યક્ષેત્રે સફળતા મળવામાં વિલંબ જણાશે.

વૃશ્ચિક (ન,ય)ઃ મન પરનો બોજો ઉતરતો જણાશે. નવા કામકાજોમાં પ્રગતિ જણાય. નાણાંકીય બાબતોના ઉકેલ માટે આ સમયના ગ્રહયોગો મિશ્ર ફળ આપનાર છે. આવક કરતાં ખર્ચનું પલડું વિશેષ નમતું રહેવાના કારણે બચત થાય નહીં. નોકરી ધંધાના ક્ષેત્રે તમે જરૂર આગળ વધી શકશો. તમારા માર્ગમાં આવતા અવરોધોને પાર કરી શકશો. ચિંતાનો ઉકેલ મળે. ઉતાવળા પરિણામની આશા રાખશો નહિ. જમીન-મકાનની સમસ્યાઓ મૂંઝવણ રખાવે. તેને લગતા ખર્ચ વધે અને ધાર્યા પ્રમાણે કામ ન થાય. સંયુક્ત મિલકત સંબંધિત ચિંતામાંથી બહાર નીકળવાનો માર્ગ મળે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ રચનાત્મક પ્રવૃત્તિઓ અને કોઈ અગત્યના મૂંઝવતા પ્રશ્નોમાં સફળતા મળતા ઉત્સાહ વધશે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવે. તેમાં પ્રગતિ થતી જોઈ શકશો. આર્થિક દૃષ્ટિએ સાનુકૂળતા જણાશે. આવકવૃદ્ધિનો માર્ગ મળે. તમારા આર્થિક વહેવારો ચલાવવા પૂરતી નાણાકીય વ્યવસ્થા કરી શકશો. નોકરીની પરિસ્થિતિ સાનુકૂળ રહેશે. તમારા વિરોધીઓ ફાવે નહિ. નોકરીના ક્ષેત્રે કોઈ મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે. વ્યવસાયિક દૃષ્ટિએ ધીમો પણ આશાસ્પદ વિકાસ શરૂ થશે.

મકર (ખ,જ)ઃ આ સમય મહત્ત્વના પ્રસંગોની ઝલક બતાવી જશે. અવ્યવસ્થા કે અસ્થિરતાના વાતાવરણમાંથી મુક્ત બની શકશો અને પુરુષાર્થનું મીઠું ફળ મળતું લાગશે. જોકે નોકરિયાતોને સંજોગો માનસિક અશાંતિરૂપ જણાશે. પોતાના ઉપરી અમલદારો સાથે વૈચારિક મતભેદો સર્જાતા માનસિક તણાવ વધતો જણાશે. યાત્રા-પ્રવાસ અંગે વિઘ્ન જણાશે. કેટલાક હિતશત્રુઓના કારણે મૂંઝવણોનો અનુભવ કરવો પડશે. ખાસ તો કાર્યક્ષેત્રે સક્રિય ગુપ્ત શત્રુઓથી ચેતતા રહેવું જરૂરી છે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારા અંગત પ્રશ્નો અને કેટલીક યોજનાઓના નિરાકરણમાં આ સમયના યોગો મદદરૂપ બનતાં જણાશે. તમારા માર્ગ આડેથી અંતરાયો ધીમે ધીમે દૂર થતાં વિકાસ થતો જણાશે. મહત્ત્વની કાર્યવાહી ભવિષ્યમાં સારી ઉન્નતિ કરાવે. આ સમય વધુ પડતો ખર્ચાળ નીવડતા આવક કે અન્ય પ્રકારે મળતા લાભોથી વૃદ્ધિ છતાંય તમારી સ્થિતિ કસોટીભરી રહેતી જણાય. નોકરિયાત આ સમયમાં જાગૃત નહીં રહે તો વિરોધીના કારણે મુશ્કેલી જણાશે. સંપત્તિ-જમીન અંગેની સમસ્યાઓને કુનેહપૂર્વક ઉકેલી શકશો. જીવનસાથીનો સાથ-સહકાર મળે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન ઘણી મનોમૂંઝવણો અને વ્યથાઓનો અનુભવ થશે. માર્ગમાં કેટલાક અવરોધો આવતા જણાશે. આ સમયમાં નાણાકીય પરિસ્થિતિ પર પણ નજર રાખવી પડશે. આવક કરતાં ખર્ચ વધી ન જાય તે જોવું રહ્યું. આર્થિક વ્યવહારો કે કામકાજોમાં સાવધ નહિ રહો તો નુકસાન ભોગવવું પડશે. ઉઘરાણી મેળવવાના પ્રયત્નોમાં અંતરાય જણાય. નોકરિયાતોને પરિસ્થિતિ અશાંત બનતી જણાશે. આ સમયગાળો મુશ્કેલીમાંથી પસાર થતો જણાય. ભાગ્યનો સાથ મળશે નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter