તા. ૨૨ એપ્રિલ થી ૨૯ એપ્રિલ ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 22nd April 2017 05:26 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહમાં સક્રિયતા વધશે. સર્જનાત્મક પ્રવૃત્તિથી આનંદ મળશે. મહત્ત્વના સંબંધો દ્વારા કોઈ અનુકૂળ તક મળે. માનસિક આનંદ અનુભવી શકશો. ખોટી ચિંતાઓ નિરર્થક પુરવાર થશે. લાગણીઓ કરતાં તમારા ધ્યેયને મહત્ત્વ આપજો. આર્થિક બાબતો માટે ગ્રહયોગો અનુકૂળ છે. નાણાંકીય કામકાજો, ઉઘરાણી અને નવું મૂડીરોકાણ થઈ શકશે. કોઈ સારી તક દ્વારા આવકવૃદ્ધિનો ચાન્સ છે. નોકરીના ક્ષેત્રે જો કોઈ સંઘર્ષ કે વિરોધનું વાતાવરણ સર્જાયુ હશે તો તેમાંથી બહાર નીકળી શકશો. વેપાર-ધંધામાં સારો સમય છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયગાળો અતિશય કામકાજનું દબાણ તથા વધારાના ખર્ચના પ્રસંગો સૂચવે છે. સંતાનો અંગેની સમસ્યાઓ વધશે. માનસિક રાહત જણાય નહીં. પ્રતિકૂળતાઓના કારણે કામ ધાર્યા સમયમાં થાય નહીં. આ સમયનાં યોગો જોતાં મકાન અંગેની સમસ્યા જણાશે અને તેનો ધાર્યો ઉકેલ ન આવતાં અસંતોષ જણાય. ભાડાના મકાન કે સરકારી મકાન બાબત મુશ્કેલી પેદા થાય. આ સમયમાં નોકરિયાતોને કોઈ વિરોધીના કારણે માર્ગમાં વિઘ્નો જણાશે. જોકે તે દૂર કરી શકશો. ભાગીદારો સાથેના પ્રશ્નો હલ થશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં મહત્ત્વની કાર્યરચનાઓ સાકાર થતી જણાશે. માનસિક ભારણ ઓછું થાય. નવી મુલાકાત સફળતા અપાવશે. નોકરીમાં રાહત રહે. વેપાર-ધંધામાં ક્રમશઃ પ્રગતિ અને ઇચ્છાઓ પૂર્ણ થાય. મકાન-જમીનના પ્રશ્નો ઉકેલાય. શુભ સમાચાર મળે. ધાર્મિક પ્રસંગો ગોઠવાય. સંતાનો માટે ચિંતા રખાવશે.

કર્ક (ડ,હ)ઃ માનસિક ઉગ્રતા, આવેશને કાબુમાં રાખજો. કોઈને કોઈ કારણે મન પર બોજો અને તાણ વધશે. અન્ય સાથે ઘર્ષણ ન થાય તે જોજો. ઉતાવળા કોઈ પણ કામ હાથમા લેશો નહિ, નહીંતર પસ્તાવાનો વારો આવશે. નોકરિયાતો માટે કાર્યભાર વધશે. વેપારી વર્ગને માટે પરિસ્થિતિ થોડી સુધરતી જણાય. મહત્ત્વના નિર્ણયો લેવા માટે તેમજ સ્થાવર મિલકતના પ્રશ્નો માટે આ સમય અનુકૂળ છે. જમીન તથા તેને લગતા લાભ મેળવવાના પ્રયત્નો સફળ થાય. સંતાનો માટે ચિંતા રહેશે.

સિંહ (મ,ટ)ઃ મૂંઝવણોનો ઉકેલ આ સપ્તાહમાં મળશે. તમારે પ્રવૃત્તિમય બનીને વધુ પુરુષાર્થ કરવો પડશે. કૌટુંબિક જવાબદારીઓ લઈને માનસિક ચિંતા વધશે. નાણાંકીય રીતે સંજોગો સુધરતા જણાય. મહત્ત્વની ચીજવસ્તુની ખરીદી થાય. સંપત્તિ બાબતે કદાચ વિચારો ચકરાવે ચઢે. જોકે ભાગીદારીમાં ચિંતા અકારણ ઊભી થાય તેમ હોવાથી તેનાથી દૂર રહેવા સલાહ છે. સંતાન બાબતોની ચિંતાઓમાં વધુ પડતા લાગણી વશ ન થતાં કાળજી લેવી પડશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. તમારા પ્રયત્નોનો પુરતો લાભ મળશે નહીં જેથી ટેન્શન વધશે. વેપાર-ધંધામાં ઠંડી ઘરાકીથી અશાંતિ જણાય. નોકરીમાં યથાવત્ પરિસ્થિત રહેશે. દામપત્યજીવનમાં સંવાદિતા રહેશે. સંતાનોની ચિંતા ઓછી થાય. ભાતૃવર્ગમાં વિખવાદ જણાય. યાત્રા-પ્રવાસમાં કાળજી રાખવી રહે.

તુલા (ર,ત)ઃ સપ્તાહમાં અગત્યની કામગીરીઓમાં સાનુકૂળ સંજોગો થતાં વિકાસ થાય. અણધારી તકો પ્રાપ્ત થાય જે ભાવિ માટે લાભદાયક જણાય. સ્નેહી-સ્વજનોથી મિલન-મુલાકાત થાય. અશાંતિના પ્રસંગો દૂર ઠેલાય. આર્થિક દૃષ્ટિએ જોતાં આ સમયમાં તમારી આવક વધવાના કે નાણાની જોગવાઈઓ કરવાના પ્રયત્નો સફળ નીવડશે. આવક-જાવકના બંને પાસા સમતોલ કરી શકવામાં સફળ નીવડશો. ઉપરાંત લેણા પૈસા પ્રાપ્ત થતાં રાહત વર્તાશે. ધંધામાં સર્જાયેલી સમસ્યાઓના ઉકેલ મળે. અકારણ વિવાદનો પ્રસંગ ઉદભવે. આ સંજોગોમાં મૌન ધારણ કરવું હિતમાં છે. બીજાઓની કામગીરીમાં આ સપ્તાહે માથું નહિ મારવા અમારી સલાહ છે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહ માનસિક બેચેનીમાં વધારો કરશે. નોકરીમાં મુશ્કેલી રહે. ધંધા-વેપારમાં કાળજી લેવી ઘટશે. પ્રીતિ પાત્રો મુખ ફેરવશે. અણધારેલી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. નાણાકીય ભીડ રહે. અંગત પ્રશ્નો ગૂંચવાય. યાત્રા-પ્રવાસ ટાળવા. તબિયતની કાળજી રાખવી જરૂરી રહે.

ધન (ભ,ઘ,ફ,ઢ)ઃ આ સમયમાં તમારી અંગત મૂંઝવણોના કારણે બેચેની, વિષાદ અથવા વ્યથાનો અનુભવ થાય. વળી મંદ ગતિએ કામ થતા અજંપો વધશે. નિરાશ થયા વિના પ્રયત્નો જારી રાખવાથી જ શ્રેય પ્રાપ્ત થાય. આ સમયમાં આવકના પ્રમાણમાં જાવક તથા ખર્ચના પ્રસંગો ઉપરાંત અણધારી ચૂકવણીના કારણે નાણાંભીડ રહે. આર્થિક ટેન્શન વધશે. આ માટે તમારે અથાગ પ્રયત્નો કરી જાવકને ઓછી કરવી પડે. મોટા કે અણધાર્યા લાભના યોગો જણાતા નથી. જમીન-મકાનની સમસ્યા હશે તો તેનો ઉકેલ મળે. આ અંગે કોઈની મદદ મળી જાય. વિવાદનું સમાધાન થઈ શકે. નોકરિયાત વર્ગ માટે આ સમય યથાવત્ સ્થિતિ સૂચવે છે. ધંધા-વેપારના ક્ષેત્રે લાભ દેખાય. ગૃહજીવનમાં એકંદરે સાનુકૂળતા રહે. જીવનસાથીનો સહકાર અને પ્રેમ વધતો જણાય. કૌટુંબિક પ્રશ્નો હલ થઈ શકે.

મકર (ખ,જ)ઃ આ સમયમાં સર્જનાત્મક કાર્યોમાં આગેકૂચ થાય. પ્રવૃત્તિઓમાં વધારો થાય. નવી ભાગીદારી માટેની તકો સર્જાય. જોકે ભાગીદારીમાં કાળજી રાખવી. આવકના પ્રમાણમાં ખર્ચા પણ વધતાં જાય. પરંતુ આપ કાળજી રાખશો તો લાભ થઈ શકશે. મિત્રો તથા સ્નેહીઓની હૂંફ મળે. આ સમયમાં મિલકત માટેની કોઈ પણ બાબતની ચર્ચમાં પડશો નહિ. તેમને વધારે નુકસાન જવાની શક્યતા છે. પ્રવાસની ઇચ્છા થાય, પણ તેમાં અવરોધ આવે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં એકંદરે આર્થિક સ્થિતિ તંગ જણાશે. ધારી ઉઘરાણીઓ કે આવકો ન થતાં નિરાશ વધારે. સામી બાજુ ખર્ચનો પ્રવાહ વધુ જણાશે. કૌટુંબિક બાબતો અંગેના ખર્ચ થાય. મિલકતની સમસ્યાઓ હશે તો તેનો ઉકેલનો માર્ગ મળે. મકાનની ફેરબદલી થઈ શકશે. વાહન અંગે પણ તકલીફ જણાશે. નોકરિયાત વર્ગને ખાસ કોઈ મુશ્કેલી આવે નહીં. તમારા પ્રયત્નોનું ફળ સાનુકૂળ મળે. વેપાર-ધંધામાં ધીમો પણ સારો સુધારો થવાના સંજોગો છે. લગ્નજીવનમાં સામાન્ય મતભેદો બાદ કરતા એકંદરે સુખદ સમય બને.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયગાળામાં અંગત પ્રશ્નો કે મૂંઝવણોનો કોઈ ઉકેલ આવશે. સાથે સાથે કોઈ સર્જનાત્મક ધાર્મિક માંગલિક યા સામૂહિક પ્રસંગોનો સાનુકૂલ ઉકેલ આવશે. જીવનમાં સર્જાયેલા મતભેદો દૂર કરી શકશો. પ્રવાસ સફળ નીવડે. નોકિરયાતોને બદલીની શક્યતા છે. સાથોસાથ કેટલીક લાભદાયી નવરચનાઓ થશે. ધંધાના ક્ષેત્રે કેટલાક નવીન ગૂંચવાડાઓ કે સમસ્યાઓ ઉદ્ભવતા માનસિક અશાંતિ વધશે. અભ્યાસ-સંતાન વગેરે અંગે સાનુકૂળતા વધશે. નાણાંકીય બાબતો ગૂંચવાતી જણાશે. ધાર્યા નાણાંકીય કામકાજો થાય નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter