તા. ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ થી ૨૮ ઓક્ટોબર ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Tuesday 25th October 2016 09:04 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ માનસિક રાહત અને નવસર્જનાત્મક પ્રવૃત્તિનો વિકાસ થાય. આ સમય દરમિયાન મહત્ત્વના કામકાજો દ્વારા વધુ સારી તક અને સફળતા મેળવશો. માનસિક તાણ અને અશાંતિથી હવે રાહત મળશે. પ્રોત્સાહક પ્રસંગો સર્જાશે. આ સમયમાં નાણાભીડ ચિંતાનો અનુભવ કરાવશે. ધાર્યું ફળ મળે નહિ. ઘણા પુરુષાર્થ બાદ નાણાંની જોગવાઈ કરવાના કામો પાર પડશે. નોકરીના ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહે. બદલી-બઢતીનો માર્ગ રુંધાશે. વાદ-વિવાદ સર્જાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ લાગણીઓના ઘોડાપુરમાં વધુ પડતા તણાશો તો ઉશ્કેરાટ, વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું જ મળવાનું નથી. ધીરજ અને સંયમથી વર્તશો તો ઘણી સમસ્યાઓ આપોઆપ ઉકેલાશે. મુશ્કેલીઓને કુનેહપૂર્વક પાર કરી શકશો. નાણાકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફ જણાય છે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. ખર્ચા માટે જરૂરી નાણાંકીય વ્યવસ્થાઓ કરી શકશો. મિત્રો યા સ્વજનો ઉપયોગી બનશે. એકાદ સારો લાભ પણ મળશે. નોકરિયાતને કોઈ સમસ્યા હોય તો ઉકેલાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. શુભ કાર્ય પાર પડતાં આનંદ અનુભવશો. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળશે. અણધારી સહાયથી કામકાજ પાર પડી જશે. જરૂરી નાણાકીય વ્યવસ્થા ઊભી કરી શકશો. અવરોધો દૂર થાય અને કાર્યસફળતા મળે. નોકરિયાતોને સમસ્યાઓના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. વિરોધીઓ-હિતશત્રુઓ ફાવે નહીં. ઉકેલ મળે. મકાન-મિલકત-જમીનના કામકાજો કરવા માટે જરૂરી તકો અને સાનુકૂળતા સાંપડશે.

કર્ક (ડ,હ)ઃ ગ્રહોની ચાલ જોતાં પ્રવૃત્તિઓમાં વેગ આવે. નવરચનાઓ થાય. સારા અને મહત્ત્વના કામકાજોમાં વિકાસ થતાં માનસિક ઉત્પાત ઘટશે. બસ, કાલ્પનિક ચિંતાઓ છોડી દેશો તો સમય વધુ આનંદમય રીતે પસાર થશે. અવરોધ કે મુશ્કેલી હશે તો તમે પાર કરી શકશો. આર્થિક મૂંઝવણનો ઉકેલ મળે. જરૂરી નાણાની વ્યવસ્થા થઈ શકશે. શેરસટ્ટા દ્વારા લાભ મળવાના યોગ નથી. નોકરિયાતોને અંગત સમસ્યાઓનો ઉકેલ મળશે. વિરોધીના હાથ હેઠાં પડશે. વેપાર-ધંધાની કાર્યવાહીમાં વિકાસ થાય. સફળતા સાથે લાભ મેળવી શકશો. મકાન-મિલકતના પ્રશ્નોનો ઉકેલ મળે.

સિંહ (મ,ટ)ઃ મૂંઝવણનો સાનુકૂળ ઉકેલ મળશે. રચનાત્મક, સર્જનાત્મક પ્રવૃત્તિઓ થકી આનંદ મળે. માનસિક બોજો હળવો થશે. સાનુકૂળતા સર્જાતી જોઈ શકશો. આર્થિક પરિસ્થિતિ સુધરશે. આવક અને ખર્ચની જોગવાઈ કરી શકશો. જવાબદારીઓ પાર પડે. શેરસટ્ટા જેવી આર્થિક પ્રવૃત્તિ અને અન્યના ભરોસે ધિરાણ કરવાથી નુકસાન થાય. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. કોઈની સહાયતા પ્રાપ્ત કરીને મૂંઝવણ- ગૂંચવણોમાંથી માર્ગ મેળવશો. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને લાભ ઊભા કરી શકશો. જમીન-મકાનની સમસ્યાઓ મૂંઝવશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ અકારણ ચિંતાઓ મનને અસ્વસ્થ કરશે. અકળામણ બેચેની વધતા જણાશે. પરિણામે માનસિક તાણનો ભોગ બનશો. નાણાકીય લેવડદેવડ માટે સમય સાનુકૂળ જણાતો નથી. ધારી આવક કે લાભ પૂરા મળે નહીં. વધારાના ખર્ચા ઊભા થતાં આવક તેમાં ખર્ચાઈ જશે. નોકરી-ધંધાની પરિસ્થિતિ સાનુકૂળ રહેશે. ખાસ કોઈ ચિંતા જણાતી નથી. ઉપરીનો સહકાર મળશે. ધંધા-વેપારના ક્ષેત્રે વધુ સારી તકો ઊભી કરી શકશો. મિલકત અંગેની કાર્યવાહીઓમાં અવરોધ જણાય.

તુલા (ર,ત)ઃ આ સમયમાં એક પ્રકારની અકળામણ અને અજંપાનો અનુભવ કરશો. નિર્ધારિત કાર્યોમાં કોઈને કોઈ પ્રકારના વિઘ્નો આવે. ધીરજ, સ્વસ્થતા ટકાવવા જરૂરી છે. વેપાર-ધંધાની કામગીરીમાં મુશ્કેલીના કારણે જવાબદારી વધશે. મકાન-મિલકત સંબંધિત સમસ્યા કે મૂંઝવણનો ઉકેલ મેળવી શકશો. આ પ્રકારના કામકાજો માટે સાનુકૂળતા સર્જાશે. કૌટુંબિક સંપત્તિ પ્રશ્નો હલ થશે. ગૃહજીવનમાં સર્જાયેલી અશાંતિના કારણે માનસિક ઉદ્વેગ વધે. કુનેહપૂર્વક સમસ્યા હલ કરવાની સલાહ છે. લગ્ન-વિવાહની વાતચીતોમાં અવરોધ આવે.

વૃશ્ચિક (ન,ય)ઃ કોઈ અગત્યના મૂંઝવતા પ્રશ્નોના ઉકેલમાં સફળતા મળતાં ઉત્સાહ વધશે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવે અથવા તો તેમાં પ્રગતિ થતી જણાશે. આર્થિક દૃષ્ટિએ આ સમય સુધારાજનક અને એકંદરે વધુ સાનુકૂળ જણાશે. આવકવૃદ્ધિના માર્ગ મળશે. તમારા આર્થિક વહેવારો પૂરતી નાણાકીય વ્યવસ્થા કરવામાં સફળ થશો. નોકરીની પરિસ્થિતિ સાનુકૂળ રહેતી જણાશે. વિરોધીઓ ફાવે નહીં. નોકરીના ક્ષેત્રે કોઈ મહત્ત્વ કામગીરીમાં સફળતા મળે. વ્યવસાયિક દૃષ્ટિએ આ સમયમાં ધીમો પણ આશાસ્પદ વિકાસ શરૂ થશે. સંપત્તિની બાબત અંગે સાનુકૂળતા જણાય.

ધન (ભ,ફ,ઢ,ધ)ઃ એકંદરે આ સમય સારો નીવડશે. સ્વસ્થતા અને સક્રિયતા વધશે. પ્રગતિકારક નવરચનાના કારણે મૂંઝવણો દૂર થવા લાગશે. આર્થિક બાબતો અંગે તમારે વધુ પ્રયત્નશીલ અને જાગૃત રહેવું જરૂરી સમજવું. ગાફેલ રહેશો તો નુકસાન થાય. ઝડપી આવકની આશા ફળે નહીં. ઉઘરાણીથી આવક થાય. નોકરિયાત માટે આ સમય પ્રગતિકારક અને સફળતા અપાવનાર છે. અટવાયેલા લાભ મળે. કામકાજ પાર પડે. સારી તક મળે. વેપારમાં ઉન્નતિ જણાય અને હરીફો પર વિજય મળે.

મકર (ખ,જ)ઃ આ સમયમાં પુરુષાર્થ ફળશે. મહત્ત્વના કામકાજો માટે પણ પ્રગતિ જોવા મળે. માનસિક ઉત્સાહ વર્તાશે. આર્થિક દૃષ્ટિએ શુભ સમય હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નોકરિયાતો માટે આ સમય મિશ્ર ફળ આપનારો છે. બઢતી-બદલીના કામકાજો અટવાયેલા હશે તો વિલંબથી ઉકેલાશે. વેપારીઓને પ્રોત્સાહક વાતવરણ જણાશે. સંપત્તિના પ્રશ્નો ગૂંચવાયેલા રહેશે. ધાર્યું કામ થાય નહિ. દાંપત્યજીવનમાં લાગણી કે માનહાનિના પ્રશ્ને ઘર્ષણ જાગશે. જીવનસાથીની તબિયત બગડે નહીં તે જોજો.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ માનસિક ઉમંગ-ઉલ્લાસ જળવાશે. ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. આપનું કશું અનિષ્ટ થવાનું નથી. નાહકની ચિંતા કરશો નહીં. તમારા જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ અંગે જોઈતી તમામ સહાયો, લોનો વગેરે મેળવી શકશો. નોકરીમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. મહત્ત્વના કાર્યો આડેના વિઘ્નોને પાર કરીને સફળતા મેળવી શકશો. મકાન-મિલકતના કોઈ પ્રશ્નો ગૂંચવાયા હશે તો તેનો ઉકેલ મળશે. સાનુકૂળતાનો લાભ લઈ શકશો. અટવાયેલા કામકાજમાં પ્રગતિ થશે. વારસાની સંપત્તિથી હજુ લાભ ન જણાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં મુશ્કેલીના માહોલમાંથી બહાર નીકળશો. આગળ વધો અને ફતેહ મેળવો. આર્થિક સમસ્યાઓ ભલે ઘેરી હોય, પણ કાર્યશીલ રહીને ચાલશો તો કોઈને કોઈ રીતે બંદોબસ્ત થતા તમારા કામ ઉકેલાશે. ધીરજની કસોટી થશે. વધારાના લાભની આશા ફળે. નોકરિયાતો માટે સમય સાનુકૂળ નીવડશે. હાથ ધરેલા કામકાજોમાં સફળતા અને યશ મળે. હિતશત્રુઓ પર વિજય મળે. વેપાર-ધંધાની સ્થિતિ સુધરતી જણાશે. લાભની આશાઓ ફળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter