તા. ૨૩ જૂન થી ૨૯ જૂન ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 22nd June 2018 07:34 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમય માનસિક તાણ તેમજ ભારણ સૂચવે છે. વધુ પરિશ્રમે અલ્પ ફળ મળવાથી બેચેની જણાશે. ધીરજ જાળવવી જરૂરી. આ સમય નાણાંકીય લેવડદેવડ અંગે જાગૃતિ દાખવવાનો છે. ધાર્યા કરતાં વધુ ખર્ચાઓ ન થઈ જાય તે જોજો, નહીં તો કરજ કે દેવું કરવાનો પ્રસંગ આવશે. એકંદરે નાણાંકીય પરિસ્થિતિ હજી મૂંઝવતી જણાશે. કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો. મિત્રો કે મહત્ત્વની વ્યક્તિઓની મદદથી કોઈ મહત્ત્વનું કાર્ય પાર પડતાં આનંદ થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ મનોસ્થિતિ અસ્વસ્થ રહે તેવા પ્રસંગો બનશે. વિપરીત પ્રસંગો વખતે સહનશક્તિ ગુમાવશો તો વધુ શોષાવું પડશે. સપ્તાહ દરમિયાન આર્થિક સંજોગો સુધરે તથા કેટલાક સારા લાભની તક મળતા આવક વધશે. મકાન-સંપત્તિ બાબત ખર્ચ અને વિવાદ વધે. માનસિક બોજો વર્તાશે. આ અંગેના કામકાજો ગૂંચવાતા જણાશે. ધંધાકીય ક્ષેત્ર સાનુકૂળતા જણાશે. વધુ પ્રગતિકારક તકો મેળવી શકશો. આ અંગે મહત્ત્વની વ્યક્તિનો સહકાર મળશે. જીવનસાથીનો સહકાર વધે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયના ગ્રહયોગો દર્શાવે છે કે કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ થશે. તમારા માર્ગ આડે આવતા અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. તમારી આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. નોકરિયાતો માટે સફળતા અને પ્રગતિની તકો વધે. લાભદાયી તક મળે. સંજોગો સાનુકૂળ થાય. ધંધાકીય ક્ષેત્રે પણ હવે મુશ્કેલીઓ દૂર થાય. માનસિક રાહત વધશે. લાભદાયી કાર્ય પાર પડે. જમીન-મકાનના ખરીદી-વેચાણના કામકાજમાં અવરોધો હશે તો દૂર થશે.

કર્ક (ડ,હ)ઃ ગમેતેટલા પ્રતિકૂળ કે વિપરીત સંજોગો આવવા છતાંય તમે મનોબળ, સ્વસ્થતા ટકાવી શકશો. તમારી ધીરજ ઉપયોગી બનશે. મનની લાગણી દુભાવાના પ્રસંગે પણ સંયમ દાખવવો જરૂરી. સપ્તાહમાં ખર્ચના પ્રસંગો વધશે. અહીં જરૂરિયાતના પ્રસંગે કેટલીક ગોઠવણો કરવા સમર્થ બની શકશો. લોન-કરજ વધશે. ચોખ્ખી આવકમાં વધારો થતો જણાશે નહીં. બાકી નાણાં પરત મળવામાં હજુ વિલંબ થાય. સંપત્તિ સંબંધિત સમસ્યાઓ હજુ ખાસ ઉકેલાશે નહીં. કોઈને કોઈ પ્રકારે વિઘ્ન આવે.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન તમારો પુરુષાર્થ ફળદાયી નીવડશે. સક્રિયતા વધતી જશે. આવક વધશે. આગળ વધો અને ફતેહ મેળવો આ સૂત્રને ધ્યાનમાં રાખીને ચાલશો તો સફળતા તમારા કદમ ચૂમશે. નોકરિયાતને કાર્યસ્થળે પરિસ્થિતિ પલટાતી જણાય. પ્રતિકૂળતા અને અડચણમાંથી માર્ગ કાઢવો પડશે. ધંધા-વેપારના બાબતે હજુ સમય અનુકૂળ જણાય નહીં. ભાગીદાર સાથે ગેરસમજ વધતી લાગે. આ સમયમાં મકાન-મિલકતના કામકાજો પાર પાડી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક અશાંતિ અને ખોટી ચિંતાના ભારને કારણે સમય પ્રતિકૂળ જણાશે. શક્ય હોય ત્યાં સુધી વાદ-વિવાદોથી દૂર રહેવું. નાણાંકીય આયોજનો માટેના તમારા પ્રયત્નો સફળ થાય નહીં. નાણાકીય ચિંતાઓ વધતી જણાશે. સાથે આકસ્મિક ખર્ચના પ્રસંગો પણ આવશે. નોકરિયાતો માટે આ સમય પરિવર્તનકારી અને સાનુકૂળ જણાય છે. મિત્રો, સ્નેહીઓ, પરિચિતો ઉપયોગી બનતા જણાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ધાર્યા લાભ ઓછા મળે. મકાન-મિલકતના કામકાજ માટે ગ્રહયોગો સાનુકૂળ છે. પ્રયત્નો અવશ્ય સફળ થશે.

તુલા (ર,ત)ઃ ઘણા અણઉકેલ્યા પ્રશ્નોનો નિવેડો આવશે. વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. જેટલી સાનુકૂળતા છે તેટલી જ નવી જવાબદારીઓ પણ આવશે. નાણાંકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. જે કંઈ સારી આવક થશે તે ખર્ચાઇ જશે. જૂની જવાબદારી હળવી થશે. મકાન-સંપત્તિ તેમજ મિલકતો અંગેના પ્રશ્નોનો નિવેડો આવશે. બાપદાદાની સંપત્તિ મેળવી શકશો. સફળતા અપાવનારો સમય છે.

વૃશ્ચિક (ન,ય)ઃ આવેશ અને ગુસ્સાને કાબુમાં રાખજો. સ્વમાનનો પ્રશ્ન બનાવશો તો તમારી મનોસ્થિતિ તંગ જ બનશે. તમારી યોજના મુજબના લાભ થાય નહીં. આવક અંગેનો અસંતોષ અકળાવશે. કરજ કે ચૂકવણી અંગે સહાય મેળવી શકશો. નોકરિયાતો માટે કાર્યભાર અને નવીન જવાબદારીઓ વધારનાર સમય છે. ખટપટો અને વિરોધીઓની પ્રવૃત્તિના કારણે ટેન્શન જણાશે. બદલી કે બઢતી અંગેના તમારા પ્રયત્નો સફળ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે ઘણો પુરુષાર્થ કરવો પડે. અલબત્ત, સંજોગો વધુ સુધરતા જણાશે. સંપત્તિ કે મકાન અંગેની સમસ્યાઓ યથાવત્ રહેશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ મનોસ્થિતિ ગૂંચવાયેલી અને મૂંઝવણભરી રહેશે. જોકે આ મૂંઝવણો કાલ્પિનક વધુ હશે. નાણાંકીય જવાબદારીઓ વધતી જોવાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો વધશે. લાભમાં અંતરાય જણાશે. કોઇને ધીરધાર કરશો નહીં. મોટા સાહસમાં પડશો નહીં. નોકરિયાતોને તેના પ્રયત્નોનું ફળ મળશે. અવરોધમાંથી નીકળી શકશો. સ્થળાંતરનો યોગ છે. વૃદ્ધિ-વિકાસનાં પગલાંના આયોજન માટે આ સમય વિકાસકારક છે.

મકર (ખ,જ)ઃ માનસિક ઉત્સાહ વધારનારો સમય છે. મન પરથી ચિંતાનો બોજો ઉતરતો જણાશે. કામકાજોમાં જણાતી પ્રગતિ ઉમંગ વધારશે. નાણાંકીય બાબતોના ઉકેલ માટે ગ્રહયોગો મિશ્ર ફળ આપશે. આવક કરતાં ખર્ચનું પલ્લું વિશેષ નમતું રહેવાના કારણે બચત થવાના યોગ નથી. નોકરીમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. ધંધા-વેપારના કાર્યો આડેના વિઘ્નોને પાર કરીને સફળતા મેળવી શકશો. શત્રુઓ ફાવે નહીં. મકાનની લે-વેચનું સરકારી કામકાજ ઉકેલી શકશો. કુટુંબના સભ્યોનો સાથ-સહકાર-પ્રેમ મેળવશો.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ સફળતા અને સાનુકુળતાનું વાતારવણ સર્જાતા આ સમય મજાનો નીવડશે. તમારો પુરુષાર્થ ફળશે. મહત્ત્વના કામકાજોમાં પણ તમને પ્રગતિ જોવા મળે. માનસિક ઉત્સાહ જણાશે. આર્થિક દૃષ્ટિએ આ સમય શુભ હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નાણાંકીય ગોઠવણ માટે સાનુકૂળતા રહેશે. ઉઘરાણી કે લેણી રકમો પ્રાપ્ત કરી શકશો. નોકરિયાતો માટે આ સમય મિશ્ર ફળ આપનાર નીવડશે. વધુ પ્રયાસે કાર્યસફળતાના યોગ છે. બઢતી-બદલીના અટવાયેલા કામકાજો વિલંબથી ઉકેલાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં ગ્રહયોગો દર્શાવે છે કે પૂર્વનિર્ધારિત યોજનાઓમાં જોઈએ તેટલી પ્રગતિ ન જણાતા અસ્વસ્થતા વધે. આ સમય નાણાંકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ કે તકેદારી માંગી લેશે. કૌટુંબિક બાબતો તેમજ આરોગ્યના માટેના ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણને કારણે આર્થિક બોજો વધે તેવા યોગ છે. નોકિરયાતોને નવીન જવાબદારીનો બોજ વધશે. વિરોધીઓથી સાવચેત રહેજો. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ વિલંબથી કાર્ય થવાના યોગ છે. આરોગ્યની પૂરતી કાળજી લેવાની સલાહ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter