તા. ૨૩ ફેબ્રુઆરી થી ૧ માર્ચ ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 22nd February 2019 05:31 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો પરિસ્થિતિ સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. ઉતાવળિયા - ઘાંઘા બનશો નહીં. આર્થિક રીતે સમય મધ્યમ રહે તેથી વધારાની આવક ઊભી કરવા મહેનત વધારવી પડે. વળી, નવા ખર્ચાનો બોજ પણ વધે. નોકરિયાતને માટે સામાન્ય પરિસ્થિતિ મનને અજંપિત કરે તેવી જણાશે. બદલી-બઢતીના પ્રયત્ને આડે હજુ અવરોધ જણાશે. સહકર્મચારી કે ઉપરી દ્વારા યશ-માન ન મળતાં ઉદ્વેગ જણાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં આ સમય વિકાસ સૂચવે છે. તમારા માર્ગ આડે આવતા અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. આ સમયમાં તમારી આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. નોકરી સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. ઉપરી અધિકારીનો સાથસહકાર મળે. સહકર્મચારીની કારી ફાવે નહીં. વેપાર-ધંધામાં પ્રગતિકારક કરાર થાય.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં ખોટા વાદ-વિવાદથી દૂર રહેજો. કાલ્પનિક ચિંતા રાખશો નહીં. આવક કરતાં જરૂરિયાત અને ચૂકવણી વધુ રહેતા નાણાંકીય સંજોગો જરા મુશ્કેલીભર્યા બનશે. ઉઘરાણી તરફ ધ્યાન આપવું જરૂરી છે. નોકિરયાતો માટે ધીમે ધીમે મહત્ત્વની તકો ઊભી થશે. માનસિક રાહત વર્તાશે. હિતશત્રુઓ ફાવે નહિ. સાચું સ્થાન મેળવી શકશો. ધંધાકીય ક્ષેત્રે આ સમય મધ્યમ સમજવો. સંપત્તિની સમસ્યાઓના ઉકેલ માટે પ્રતિકૂળ સમય છે.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં અગત્યની કાર્યવાહીઓમાં સફળતાં મળતાં તમારા ઉત્સાહ-ઉમંગમાં વૃદ્ધિ થાય. સંજોગો અને પરિસ્થિતિ સુધરતાં સાનુકૂળતા જણાશે. નાણાંકીય મૂંઝવણમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી આવશે. જૂના લેણા યા ઉઘરાણીની આવક થાય. સારા માર્ગે નાણાનું રોકાણ થાય. નોકરી-ધંધામાં તમારા પ્રયત્નો સફળ થશે અને સંઘર્ષ અને મુશ્કેલીમાંથી માર્ગ મળશે. વિરોધીઓના હાથ હેઠા પડતા જણાય. અગત્યના કોઈ કામકાજમાં નવીન તક મળશે.

સિંહ (મ,ટ)ઃ કોઇના કોઇ મુદ્દે ચિંતાઓના કારણે અશાંતિ કે ઉદ્વેગ વધતા જોવાશે. બેચેની અને અસ્વસ્થતાના કારણે તમે ધાર્યું આયોજન પાર પાડી શકશો નહીં. આવક કરતાં જાવક વધતાં મૂંઝવણો જણાશે. આર્થિક મૂંઝવણનો ઉકેલ લાવવા તમારે વધુ પ્રયત્નો કરવાં પડશે. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક અને આશાજનક છે. અગત્યના કામકાજોમાં સફળતા મળશે. વિવાદો કે વિરોધોમાંથી બહાર નીકળી શકશો. ધંધા-વેપારમાં ધાર્યા કામકાજ થતાં લાભ વધશે. જમીન-મકાનના કામકાજો અંગે સમય સામાન્ય જણાય છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ મનોબળ દૃઢ બનાવીને તમારા આયોજન પ્રમાણે આગળ વધશો તો ચોક્કસ સફળતા સાંપડશે. મનની મૂંઝવણનો ઉપાય અને ઉકેલ મેળવી શકશો. રાહત અને નિરાંત વર્તાશે. નાણાંકીય મુશ્કેલીઓ અને વિકટ પરિસ્થિતિમાંથી ઘણા પ્રયત્નોએ માર્ગ મેળવી શકશો. અણધારી મદદથી કામ પાર પડે. અલબત્ત, વિશેષ લાભના યોગો અલ્પ છે. ઉઘરાણીના નાણાં મેળવી શકશો. નોકરિયાતોને કેટલીક પ્રતિકૂળતાનો સામનો કરવો પડશે.

તુલા (ર,ત)ઃ માનસિક રાહત અને નવસર્જનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થાય. આ સમયમાં તમારા મહત્ત્વના કામકાજો દ્વારા વધુ સારી તક અને સફળતા મેળવી શકશો. માનસિક તણાવ, અશાંતિથી હવે રાહત મળશે. પ્રોત્સાહક પ્રસંગો સર્જાશે. આ સમયમાં નાણાંભીડ તથા ચિંતાનો અનુભવ કરવો પડશે. ધાર્યું ફળ મળે નહીં. ઘણા પુરુષાર્થ બાદ નાણાંની જોગવાઈ કરવાના કામો પતશે. તમારી જરૂરિયાતો પૂરતાં નાણાંની આવક ઊભી થાય. નોકરીનાં ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહે. બદલી-બઢતીનો માર્ગ અવરોધાશે.

વૃશ્ચિક (ન,ય)ઃ તમારા પ્રયત્નોનું ફળ મેળવવા તમારે ધીરજ રાખવી પડશે. ઉન્નતિનો માર્ગ અવશ્ય ખુલ્લો થશે. સફળતા મળતાં તમારી પ્રગતિ થયા વિના રહેશે નહિ. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય મૂંઝવણ સૂચવે છે. ખર્ચને પહોંચી વળવા તમારે વધુ વ્યવસ્થિત બનવું પડશે. એકાદ-બે મોટા ખર્ચ થશે. ધીરેલા કે ફસાયેલાં નાણાં મળતાં રાહત થાય. નોકરિયાતો માટે આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. તમારા માર્ગ આડેના અવરોધોથી ચિંતા કરશો નહીં. આયોજનબદ્ધ આગળ વધ્યે જાવ, કોઈ કશું છીનવી શકશે નહીં.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન અગમ્ય કારણસર માનસિક વ્યથા કે બેચેનીનો અનુભવ કરવો પડે. અજંપો અને અશાંતિમાંથી છૂટવા માટે તમે કાર્યરત રહો તે જ શ્રેષ્ઠ ઉપાય છે. હિંમત ગુમાવશો નહીં. નજર સમક્ષ દેખાતી મુશ્કેલીને ક્ષણિક જ સમજશો. આ સમયમાં આવક વધવાના યોગ છે. નવીન યોજના, કામગીરી કે કૌટુંબિક પ્રસંગ માટે જરૂરી નાણાંકીય વ્યવસ્થા કરી શકશો. ખર્ચના પ્રસંગો ચિંતા કરાવશે. જો તમે નોકરિયાત હો તો તમારા પુરુષાર્થનું ફળ મેળવી શકશો.

મકર (ખ,જ)ઃ મનોકામનાઓની પૂર્ણતા માટે વધુ પુરુષાર્થ જરૂરી સમજશો. વિલંબના કારણે માનસિક અકળામણ જણાશે. ધારી સફળતા ન મળે તો પણ નિરાશ થયા વિના કોશિશ ચાલુ રાખજો. ફતેહ મળશે જ. નાણાંભીડમાંથી બહાર આવવાનો માર્ગ અવશ્ય મળશે. કોઈ અણધારી આર્થિક મદદ મળે. નિયમિત આવકનો માર્ગ રુંધાયેલો છે, જે ખૂલતા હજી સમય લાગશે. નોકરિયાતોને આ સમય સફળતા અને યશ સૂચવે છે. નોકરીમાં ફેરબદલ, બદલીના પ્રયત્નો ફળશે. વિઘ્ન સંતોષીઓ ફાવશે નહીં.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ માનસિક શાંતિમાં વિક્ષેપ પડે તેવા પ્રસંગો સર્જાય. પ્રતિકૂળતાથી ડગી જશો નહીં. બલ્કે તમારો પુરુષાર્થ જારી રાખજો. વ્યવસ્થિત રહેશો તો પ્રતિકૂળ સંજોગો જ સાનુકૂળ બની જશે. ચિંતાને કોઇ કારણ નથી. ગૃહજીવનને લગતા ખર્ચાઓનું પ્રમાણ વિશેષ રહેશે. નવીન મૂડીરોકાણ હવે સમજીવિચારીને કરવું પડશે. આવકવૃદ્ધિના તમારા પ્રયાસો પૂર્ણ સફળ થશે નહીં તે સમજીને યોજના ઘડજો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારો પુરુષાર્થ યોગ્ય દિશામાં કરવાથી નિશ્ચિત સફળતા સાંપડશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. આગળ વધો અને ફતેહ મેળવો. આર્થિક સમસ્યા ગમેતેટલી ઘેરી હશે તો પણ હલ થશે. નાણાંની સમસ્યાઓ ઊભી કરી શકશો. એકાદ-બે મહત્ત્વના લાભની આશા ફળશે. નોકરિયાતોના પ્રયત્નો સફળ નીવડશે. કોઇ સમસ્યા કે મૂંઝવણો હશે તો તે દૂર થશે. જમીન-મકાનને લગતી બાબતો કાળજીપૂર્વક હાથ ધરજો. લાંબા સમયથી ગૂંચવાયેલા કામ ઉકેલાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter