તા. ૨૫ જુલાઇ, ૨૦૧૫થી ૩૧ જુલાઇ, ૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 22nd July 2015 08:11 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહમાં માનસિક સ્વસ્થતા અને સંયમ જાળવવા પડશે. શંકા-ભયની લાગણીને મનમાંથી હાંકી કાઢશો તો જ સુખ-શાંતિ માણી શકશો. ચિંતા છોડવી જરૂરી છે. સારી તકો પણ ળશે. આવકનો નવો માર્ગ શોધી શકશો. જોકે આવકની સામે ખર્ચ પણ રહેશે. નુકસાનના પ્રસંગો નથી. જૂના લાભો અટકયા હોય તો તે મળતા જણાય. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે. સફળતા મળે. નોકરીમાં પરિવર્તન ચાહતા હશો તો પ્રયત્નો કરવાથી યોગ્ય તક મેળવી શકશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ તમારી માનસિક સ્થિતિ અસ્વસ્થ અને બેચેનીભરી જણાશે. નાણાકીય સંજોગો ગમે તેટલા વિપરિત હશે તો પણ તેમાંથી બહાર નીકળવાનો યોગ્ય માર્ગ મેળવી શકશો. નાણાકીય વ્યવસ્થા થઈ શકશે. નોકરી-ધંધાના ક્ષેત્રે આ સમય દરમિયાન સાનુકૂળતા અને સંજોગોનો બને તેટલો લાભ લઈ લેજો. ગાફેલ યા આળસુ બનશો નહિ. તમારા વિકાસ યા પ્રગતિ માટેની તક મળશે. મકાન-મિલકત કે ભાડાના મકાન અંગેની બાબતો માટે આ સમય સફળતા સૂચવે છે.

મિથુન (ક,છ,ઘ)ઃ માનસિક રાહત અનુભવશો. નવસર્જનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થાય. આ સમય દરમિયાન તમારા મહત્ત્વના કામકાજો દ્વારા વધુ સારી તક અને સફળતા મેળવી શકશો. માનસિક તાણ અને અશાંતિથી હવે રાહત મળશે. પ્રોત્સાહક પ્રસંગો સર્જાશે. જોકે આર્થિક આયોજનના અભાવે નાણાંભીડ અને ચિંતાનો અનુભવ કરવો પડશે. ધાર્યું ફળ મળે નહીં. જોકે આર્થિક વ્યવહારો અટકે તેવું જણાતું નથી.

કર્ક (ડ,હ)ઃ પુરુષાર્થ યોગ્ય દિશામાં કરવાથી નિશ્ચિત સફળતા સાંપડશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. આગળ વધો. સમસ્યા ગમેતેટલી ઘેરી હશે તો પણ અવશ્ય હલ થશે. એકાદ મહત્ત્વના લાભની આશા પણ ફળશે. નોકરિયાત વર્ગને માર્ગમાં આવતા વિઘ્નો કે અંતરાયો દૂર થતાં પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. વિરોધીઓ ખુલ્લાં પડતા જણાશે. ઉપરી અધિકારી સાનુકૂળ વલણ દાખવશે. ધંધા-વેપારમાં નવીન તકો મળે.

સિંહ (મ,ટ)ઃ આ સમયગાળામાં તમારી રચનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થશે. બૌદ્ધિક અને યોજનાલક્ષી કામગીરીઓમાં સફળતા હાંસલ કરશો. માનસિક ઉત્સાહ અનુભવી શકશો. તમારું ધ્યેય સિદ્ધ કરવાની સાનુકૂળતા વધશે. આ સમયગાળામાં આર્થિક પરિસ્થિતિ તંગ બનશે. આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત મોટો રહેતા મુશ્કેલીનો સામનો કરવો પડે. નોકરિયાતો માટે આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. તમારા માર્ગ આડેના અવરોધોથી ચિંતા કરશો નહિ.

કન્યા (પ,ઠ,ણ)ઃ દ્વિધાઓ, પરેશાનીઓનો અંત લાવીને તમે વિધેયાત્મક માર્ગ તરફ આગેકૂચ કરી શકશો. મનનો આનંદ માણી શકશો. અગત્યની તકો મળતા વિકાસ જણાશે. પ્રોત્સાહક પ્રસંગો બનશે. આ સપ્તાહગાળામાં આર્થિક સમસ્યાઓના ઉપાય મળશે અને સ્વજનોની સહાયથી ચિંતા દૂર થશે. નોકરિયાતો માટે આ સમય મિશ્ર ફળ આપનારો છે. વધુ પ્રયાસે કાર્ય સફળતા છે. બઢતી-બદલીના કામકાજો અટવાયેલા હશે તો વિલંબથી ઉકેલાશે.

તુલા (ર,ત)ઃ સામાજિક કાર્યો પાર પડતાં આનંદ-ખુશી જણાય. મનની ઇચ્છાઓ સાકાર થતી જણાશે. બેચેનીનો બોજો હળવો થાય. આ સમયગાળામાં આર્થિક મૂંઝવણનો ઉપાય મળશે. મિત્રોની મદદોથી તમારી ચિંતા દૂર થાય. તમે લાભના પ્રયત્નો કરશો તો ફળશે. નોકરિયાત માટે સાનુકૂળ સમય જણાય છે. માર્ગ આડેના વિઘ્નો દૂર થતા જણાશે. બદલી કે બઢતીની તક વધતી જણાય.

વૃશ્ચિક (ન,ય)ઃ કોઈ નવા કાર્યો કે સાહસોમાં ફતેહ આપનાર આ સમય છે. મહત્ત્વની તકો પ્રગતિના પંથે દોરી જશે. આર્થિક મુશ્કેલીઓ હળવી બનશે. તમારા ખર્ચાઓને જો નિયંત્રિત કરી શકો તો વધુ રાહત જણાશે. નોકરિયાતોને માર્ગ આડે આવેલા અવરોધો, પ્રગતિ આડે આવતી રુકાવટો દૂર થતા ઉન્નતિનો રસ્તો સરળ બનશે. ધંધા-વેપારના ક્ષેત્રે ધાર્યું થાય નહીં. પ્રયત્નો અને મહેનત વધારવા પડશે. વિરોધીથી સાવચેત રહેજો. કૌટુંબિક કાર્યો થઈ શકે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમય સાનુકૂળ પુરવાર થશે. તમારી યોજનાઓને આગળ ધપાવી શકશો. તમારા મિત્રો-સ્વજનો ઉપયોગી બનશે. માર્ગ આડેના અવરોધોને પાર કરી શકશો. આર્થિક જવાબદારીઓ અદા થઈ શકે તે માટે જરૂરી આયોજન થઇ શકે. અટવાયેલા લાભ, બાકી લેણાં મેળવી શકાય. ખર્ચાને કાબૂમાં રાખજો. નોકરિયાતો માટે બદલી કે બઢતીની તક નિર્માણ થાય.

મકર (ખ,જ)ઃ ગ્રહયોગો દર્શાવે છે કે તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. તમારા પ્રયત્નો કે કામગીરીઓ મુજબ યશ કે લાભ ન મળવાથી મન ઉદ્વિગ્ન બનશે. વ્યથાના કડવા ઘૂંટ પીવા પડશે. આ સમય નાણાંકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે ચિંતાપ્રદ જણાય છે. નોકરિયાતોને કોઈ નવીન સાનુકૂળ પરિવર્તનની તક મળી શકશે. વિકાસ આડેના અવરોધ દૂર થતાં જોવા મળશે. નવા ફેરફાર થાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયગાળામાં તમારા મનની મુરાદો સાકાર થતી જણાય. જોઈતી સાનુકૂળતા ઊભી થશે, જેનો લાભ ઉઠાવી લેજો. લાગણીઓના ઘોડાને કાબૂમાં રાખવાથી શાંતિ જળવાય રહેશે. આ સમયમાં આર્થિક પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય. આવકવૃદ્ધિ માટે પ્રયાસો સફળ થતા જણાશે. નોકરિયાતો માટે વાતાવરણ સાનુકૂળ બનવા લાગશે. વેપાર-ધંધામાં લાંબા સમયથી અટકેલા લાભો મળશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન અવરોધો વચ્ચેથી માર્ગ કાઢીને પ્રગતિ સાધી શકશો. મહત્ત્વના નિર્ણયો લાભદાયી પુરવાર થશે. મૂંઝવણનો ઉકેલ મળશે. રચનાત્મક કાર્યો સફળ થતા જણાશે. સ્નેહી-મિત્રોથી સહકાર અને મદદ મળશે. આવકની દૃષ્ટિએ આ સમય ઠીક-ઠીક કહી શકાય તેવો છે. ઉઘરાણીના કામકાજો દ્વારા આવક વધે. નોકરિયાતને ઉત્સાહ વધે તેવી તક મળશે. ઉન્નતિનો માર્ગ ખૂલતો જણાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter