તા. ૨૫ ફેબ્રુઆરી થી ૩ માર્ચ ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 24th February 2017 03:38 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ દરમિયાન મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો પરિસ્થિતિ સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. ઉતાવળિયા બનશો નહીં. આ સમય આર્થિક મધ્યમ રહે તેથી વધારાની આવક ઊભી કરવા વધુ મહેનત કરવી પડે. વળી, નવા ખર્ચાઓનો બોજો પણ વધશે, જેને તમે નીપજાવી શકશો. નોકરિયાતોને હજુ કેટલાક વિઘ્નો જણાશે, તેથી રાહ જોવી પડે. અગત્યનાં પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નોનું ફળ જરૂર મેળવી શકશો. મકાન-મિલકતના કામકાજ માટે પ્રતિકૂળતા જણાશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ તમારી માનસિક પરિસ્થિતિ અસ્વસ્થ અને બેચેન બનતી જણાશે. જોકે આ માટે કોઈ ચોક્કસ કારણ જણાશે નહીં. સપ્તાહ દરમિયાન અનુકૂળતા અને સફળતાઓનો શક્ય તેટલો લાભ લેજો. ગાફેલ, આળસુ બનશો નહીં. તમારા વિકાસ અને પ્રગતિ માટેની તક મળવાની છે. નાણાંકીય સંજોગો ભલે વિપરીત હોય તો પણ હિંમત હારશો નહીં. યોગ્ય માર્ગ મળી રહેશે. નોકરિયાતને ધાર્યું ફળ મળે નહિ. વિલંબ થાય. ધંધાકીય સમસ્યા હલ થતી જણાય. મુશ્કેલીમાંથી માર્ગ મળી રહેશે. કૌટુંબિક યા ગૃહજીવનને લગતી સમસ્યાઓ વાદ-વિવાદને કુનેહથી નિપટાવજો. મકાન-મિલકત યા ભાડાના મકાન અંગેની બાબતો અટવાઇ જવા સંભવ છે. અટવાયેલા લાભો કે ઉઘરાણીઓ મેળવવામાં વિલંબ થશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં જવાબદારીઓ બોજો વધશે. વળી લાગણીઓ ઘવાતાં મન ઉદ્વેગ થતાં અજંપો અનુભવશે. ગેરસમજો અને વાદવિવાદના પ્રસંગો વખતે ઉગ્રતા પર સંયમ રાખવાથી બિનજરૂરી ઘર્ષણ ટાળી શકશો. સપ્તાહમાં નાણાંકીય સંકડામણનો પણ અનુભવ થશે. બચત થાય નહિ. નુકસાન કે છેતરપિંડીથી થવાનો યોગ છે. આ સમયમાં નોકરીના ક્ષેત્રે સારી તક અને લાભ મળવાના સંજોગો જોવા મળશે. સમય પ્રગતિકારક છે. વેપાર વર્ગને ધંધાકીય મુશ્કેલીઓ દૂર થશે. ધંધાકીય પ્રશ્નો ઉકલશે. પ્રયત્નો ફળતા લાગે. જમીન-મકાન વિષયક કામકાજોમાં સફળતા વધશે. મિલકતના કામકાજો પાર પાડતા જણાય. કૌટુંબિક ઉપાધિઓથી હળવાશ અનુભવશો. સંયુક્ત કુટુંબના પ્રશ્નો યથાવત્ રહે. ભાતૃવર્ગને સહકાર મળે.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહમાં કોઈને કોઈ પ્રકારની અશાંતિ કે વિખવાદોના પ્રસંગો આવશે, જેથી શાંતિ અને માનસિક સંયમ કેળવજો. લાગણીઓ પર કોઈ પણ બાબતની અસર થવા દેશો નહીં. શક્ય તેટલા વ્યવહારિક બનજો. નાણાંકીય દૃષ્ટિએ સમય મુશ્કેલીમાંથી બહાર લાવનાર નીવડશે. અચાનક લાભ કે મદદનો યોગ છે. કેટલાક વિશેષ ખર્ચાઓ કરવા પડશે, જેની જોગવાઈ પણ કરી શકશો. નોકરિયાત અને ધંધાદારી વ્યક્તિને કોઇ મહત્ત્વની મુલાકાત થશે, જે લાભદાયી પુરવાર થશે. હાથ ધરેલી કામગીરીઓ સફળતાપૂર્વક પાર પાડી શકશો. કેટલાક વિરોધીઓ અંતરાય નાંખવાની કોશિશ કરશે, જેને નાકામિયાબ બનાવી શકશો. મકાન-વાહન અંગે આ સમય પ્રતિકૂળતા સૂચવે છે. થોડી ઘણી હેરાનગતિ પણ જોવા મળે, જેથી ટેન્શન વધે.

સિંહ (મ,ટ)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બનશો. એકંદરે માનસિક સ્વસ્થતા જળવાશે. નવીન પરિસ્થિતિ સાથે સાનુકૂળતા સાધશો તો વધારે આનંદ માણી શકશો. ધંધાકીય પરિસ્થતિ વધુ બગડે નહીં તે જોવા માટે ખર્ચાઓ પર કાબુ રાખવો જરૂરી છે. આવક વધારવાના પ્રયત્નો ઝાઝા સફળ થશે નહીં. નોકરિયાતને સમસ્યાઓના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. વિરોધીઓ-હિતશત્રુઓની કારી ફાવશે નહીં. ધંધા-વેપારના ક્ષેત્રે સફળતા અને લાભ જણાશે. મકાનની લે-વેચ જેવા કાર્યોનો ઉકેલ લાવવા માટે વધુ પરિશ્રમ કરવો પડે. નવા મકાનમાં રહેવા જવાના સંજોગો આવશે. કૌટુંબિક પ્રશ્નો હશે તો હલ થશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન અવરોધો વચ્ચેથી માર્ગ કાઢીને પ્રગતિ સાધી શકશો. મહત્ત્વના નિર્ણયો લાભદાયી પુરવાર થશે. મૂંઝવણોનો ઉકેલ મળશે. રચનાત્મક કાર્યો સફળ થશે. સ્નેહીનો સહકાર અને મદદ મળશે. આવકની દૃષ્ટિએ આ સમય ઠીક ઠીક કહી શકાય. ઉઘરાણીના કામકાજો દ્વારા આવક વધશે. નોકરિયાતોની બઢતી આડે વિઘ્ન હશે તો દૂર થશે. બઢતી-બદલી અંગેના પ્રયત્નો સફળ થશે. ધંધા-વેપારના કામકાજો માટે પણ વિકાસકારક સમય છે. નવીન કોલ-કરારો થાય. અગવડોમાંથી માર્ગ મળે. જમીન-મકાનની ફેરબદલીનું કામ ખોરંભે પડતું જણાશે. હતાશ થયા વિના પ્રયત્નો ચાલુ રાખવા જરૂરી.

તુલા (ર,ત)ઃ કારણ વિના માનસિક ઉત્પાત કે અજંપો વર્તાશે. તમારી લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો બેચેન બનાવશે. આત્મવિશ્વાસ અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે જ રાહત મેળવી શકશો. તમારા વિચારો અને હેતુને વળગી રહેજો. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક અને સફળ જણાય છે. અટવાયેલા લાભ મળે. કામકાજ પાર પડે. સારી તક મળે. વેપારમાં ઉન્નતિ જણાય અને હરીફો પર વિજય મળે. આ સમયના ગ્રહયોગો મકાન-સંપત્તિના કામકાજો માટે પ્રતિકૂળતા તેમજ મુશ્કેલી સૂચવે છે.

વૃશ્ચિક (ન,ય)ઃ વિકાસની કોઈ નવી કેડીનો માર્ગ મોકળો થતાં આશા-ઉત્સાહ વધશે. શાંતિનો અનુભવ થાય. આ સમયમાં મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પડતાં વિકાસની તક છે. કોઈની મદદ ઉપયોગી થાય. સ્થાનપ્રાપ્તિ કે સ્થાનવૃદ્ધિની આશા ફળદાયી બનશે. મકાન-મિલકતની બાબતો માટે ગ્રહો હજુ સુધારો સૂચવતા નથી. પરિસ્થિતિ જેમની તેમ સ્થિતિ રહે. સંઘર્ષ-વિવાદના પ્રસંગો ન સર્જાય તે જોવું રહ્યું.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ માનસિક તંગદીલી કે અકળામણ વધશે. અકારણ ચિંતાથી અંતઃકરણમાં અશાંતિનો અનુભવ થાય. બાહ્ય પરિસ્થિતિનો મન પર બોજ વધી ન જાય તે જોવું રહ્યું. મક્કમ મનોબળ જ અજંપાભરી સ્થિતિમાંથી મુક્તિ આપશે. નાણાંકીય જવાબદારીઓ વધતી જણાશે. આવક કરતાં ખર્ચનાં પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. ધીરધાર કરવી નહિ. મોટા સાહસમાં પડશો નહીં. નુકસાનના યોગ છે. નોકરિયાતોને ઉત્સાહ વધે તેવી તક મળે. ઉન્નતિનો માર્ગ ખૂલતો લાગે. વિરોધીના હાથ હેઠા પડે. વેપાર-ધંધા કે ઉદ્યોગના ક્ષેત્રમાં વાતાવરણ મૂંઝવણભર્યું લાગશે.

મકર (ખ,જ)ઃ ચિંતાઓ હળવી થાય. ઉત્સાહપૂર્વક આગળ વધી શકશો. મનના ઓરતા પૂર્ણ થતાં જણાય. આ સમયમાં આર્થિક પ્રશ્નો હલ કરવા માટે વધુ સજાગ રહેવું જરૂરી છે. એક સાંધતા તેર તૂટે તેવી પરિસ્થિતિ સર્જાય નહિ તે જોવું રહ્યું. ઉઘરાણી મેળવવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે. નોકરિયાત વર્ગ માટે આ સમય પ્રોત્સાહક જણાય છે. બઢતી-બદલીના સંજોગો ઊભા થાય. સહકર્મચારી સાથે વિવાદ ન સર્જાય તે જોવું રહ્યું. વેપાર-ધંધામાં સાવચેતીથી ચાલશો તો સારા લાભ મેળવી શકશો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ મનોવ્યથા અને બેચેનીના પ્રસંગો માનસિક સંઘર્ષ પેદા કરશે. નકારાત્મક વિચારો છોડશો તો જ શાંતિ મળે. ધીરજ અને સમતાના ગુણો કેળવજો. નાણાંકીય જરૂરિયાતો સંતોષવામાં અવરોધ જણાશે. આવક કરતાં ખર્ચ અને ચૂકવણીનો બોજ વધુ રહેતાં ચિંતામાં આ સમય પસાર થાય. સરકારી નોકરિયાતોને જોઈતી સફળતા મળે નહિ. ઉપરી સાથે ઘર્ષણ વિવાદના પ્રસંગો આવે. બઢતીમાં અવરોધ નડે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ પરિસ્થિતિ પ્રતિકૂળ રહેશે. જમીન-મિલકતના કામકાજોમાં પ્રગતિ થાય. સફળતા અને પ્રગતિ જણાશે. મકાનનું સ્થળાંતર કરી શકશો. જમીનના લે-વેચના કાર્યો પણ થઈ શકશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ જરૂરી તકો મેળવી શકશો. પરિણામો તમારે ઉત્સાહ વધારશે. સક્રિયતા વધશે. માનસિક તાણ હળવી થશે. અગત્યના નાણાંકીય પ્રશ્નો હલ થતાં સફળતા મળશે. ઉઘરાણી-દેવાના પ્રશ્નો પાર પડશે અને જરૂરિયાતના પ્રસંગો માટે યોગ્ય આર્થિક વ્યવસ્થા કરી શકશો. ફસાયેલા નાણાં અને અન્ય કોઈ આવક વધતાં રાહત મળે. તમારા માર્ગમાં આવતાં વિઘ્નો અને અંતરાયો દૂર થતાં પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. વિરોધીઓ ખુલ્લા પડતાં જણાશે. વેપાર-ધંધામાં નવીન તકો મળે. સારા મકાનમાં રહેવા જવાની ઇચ્છા સાકાર થાય. સંપત્તિના કામમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રગતિ થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter