તા. ૨૫ મે થી ૩૧ મે ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 24th May 2019 08:45 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહ કેટલીક વ્યક્તિઓ તરફથી મુશ્કેલી ઊભી થતી જોવા મળશે. હાલમાં પ્રોપર્ટી લે-વેચમાં પડવું હિતાવહ નથી. રસ્તો ઉકેલવાની માત્રો વાતો જ થશે. અંગત વ્યક્તિઓ જ આડે આવશે. નાણાંકીય મુંઝવણ વધશે, વેપારમાં ૧૦૦ના ૮૦ થતા જોવા મળશે. સંતાનની ચિંતા પણ વધારે રહે. વાણી-વર્તન ઉપર સંયમ રાખવો જરૂરી બનશે. ક્રમશઃ પ્રગતિ અને સફળતા મળશે. સપ્તાહનો અંત સારો જણાય. દામ્પત્યજીવનના મતભેદો ઉકેલાશે. વડીલોના કાર્યો માટે સંવેદનશીલ વલણ જરૂરી છે. યુવાનોએ કાળજી રાખવી હિતાવહ.

વૃષભ (બ,વ,ઉ,)ઃ સપ્તાહની શરૂઆતથી મન શાંતિ અનુભવશે. કૌટુંબિક સમર્થન મળશે. સંતાનની ચિંતા ઓછી થાય. સ્વજનો-મિત્રોની મદદ મળશે. સામાજિક-ધાર્મિક કાર્ય માટે દોડાદોડી થાય. નાણાંકીય રાહત રહેશે. નવા વેપાર-ધંધામાં સાહસની ઇચ્છા વધશે. નોકરીમાં પ્રમોશન માટેની વાતો આવશે. માન-મોભામાં વધારો થાય. વડીલોને આશીર્વાદ મળશે. સંતાનો માટે સારો સમય છે. ખોટી દોડધામ રહેશે.

મિથુન (ક,છ,ઘ)ઃ જોમજુસ્સામાં વધારો થશે. નાણાંકીય મુશ્કેલીઓ ઘટશે. પ્રવાસ-યાત્રાની તકો ઉજ્જવળ બનશે. પ્રીતિપાત્રનો સહયોગ વધે. સ્વજનો મદદરૂપ થાય. કુંવારાઓને શુભ સમાચાર મળે. સપ્તાહ આનંદિત બનશે. નોકરીમાં સ્થાનફેરની ઇચ્છા ફળિભૂત થતી જણાય. નવી નોકરી માટેની તલાશ હશે તો તે ઇચ્છા પણ ફળદાયી બનશે. આકસ્મિક લાભના યોગ છે.

કર્ક (ડ,હ)ઃ નાણાંકીય રીતે આ સપ્તાહ મૂંઝવણકારક છે. લેણદારોની દોડધામ રહે. સામાજિક કાર્યોમાં મદદરૂપ બનવું પડશે. ધાર્મિક આયોજન ગોઠવાય. માનસિક અશાંતિ રહે. સંતાનની ચિંતા યથાવત્ જણાય. તંદુરસ્તી બાબતે કાળજી લેવી ઘટે. ધંધાકીય મુદ્દે હરિફાઈ થાય. નોકરીમાં વિચારભેદ ઊભા થાય. વિદ્યાર્થીઓએ વધારે કાળજી રાખવી જરૂરી રહે. કારણ વિનાની માથાકુટથી દૂર રહેવા સલાહ છે. ફેકટરીમાં કામ કરનારે સાચવવું હિતાવહ ગણાય.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન નાણાંકીય સ્થિતિ ચિંતાજનક રહેશે. સ્વજનો-મિત્રોની મદદ મળી રહેશે. સંતાન તરફથી સાથ-સહકાર મળી રહેશે. નવીન કામગીરી માથા પર આવશે. વેપાર-ધંધામાં ધ્યાન રાખવું પડે. તંદુરસ્તી યથાવત્ રહે. સાહસ કરતાં ધ્યાન રાખવું. મિત્રોની જવાબદારી ઉઠાવવી પડે. વિદ્યાર્થીઓને રાહત રહેશે. દામ્પત્યજીવનમાં ચડભડ રહે. નવા ધંધા માટે રાહ જોવી પડે. નવી નોકરીની ઇચ્છા ફળે. શુભ સમાચાર મળે. શેરસટ્ટા કે નાણાંકીય રોકાણ પર ધ્યાન આપવું જરૂરી.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં નોકરી-ધંધામાં સરળતા થતી જણાશે. નાણાંકીય કટોકટી હળવી થશે. સ્વજનો-મિત્રોનું માર્ગદર્શન મળી રહેશે. પ્રશ્નોનું નિરાકરણ મળતું જણાય. ક્રમશઃ પ્રગતિ થાય. પ્રિય પાત્રોની મદદ મળે. પતિ-પત્ની વચ્ચે મનમેળ વધશે. ધીમે ધીમે રાહત વધતી જણાશે. ભાગીદારીમાં થયેલા મનદુઃખનું નિરાકરણ મળશે. ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યોમાં ઓળખાણો કામ લાગશે. મન આનંદ-ઉત્સાહ અનુભવશે.

તુલા (ર,ત)ઃ આ સપ્તાહ વિવિધ ખાટા-મીઠા અનુભવોમાંથી પસાર થશે. અંગત કહેવાતા પણ મોઢું બગાડશે. છતાં ધીરજ રાખવી જરૂરી રહેશે. નાણાંકીય ભીડ વર્તાશે. કામોનો જશ નહિ મળે. કુંવારાઓને નિરાશાનો અનુભવ થાય. વેપાર-ધંધામાં સ્થિરતા રાખવી જરૂરી. નોકરીમાં અન્યોની દખલગીરી તકલીફ સર્જશે. ભાઈભાંડુ વર્ગ મદદરૂપ બનશે. સંતાનોની હૂંફ અને જીવનસાથીની મદદ કામ લાગશે. પ્રવાસ-યાત્રા માટે આયોજન ગોઠવાશે. શેરસટ્ટો કે જુગાર સાથે સંકળાયેલી કામગીરીમાં સાહસ નહિ કરવા સલાહ છે.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન માનસિક જુસ્સો નબળો પડશે. વેપાર-ધંધામાં અવરોધો ઊભા થાય. અંગત વ્યક્તિઓ તરફથી દુઃખદ સમાચાર મળે. વિશ્વાસઘાત થવાના પ્રસંગો બને. નાણાંકીય રાહત રહે. છતાં લેવડદેવડના પ્રશ્નોએ ધ્યાન રાખવું જરૂરી. સંતાનોની ચિંતા સતાવે. પતિ-પત્ની વચ્ચે ટેન્શન રહેશે. મિત્રો સાથે મનદુઃખ થાય. વિદ્યાર્થીઓને મધ્યમ સમય ગણાય. બિનજરૂરી વિખવાદ ટાળવાની સલાહ છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ દિવસોમાં અનેક ચઢાવ-ઉતાર જોવા મળશે. દામ્પત્યજીવનમાં કડવાશ રહે. વણઉકેલ પ્રશ્ને ચિંતા થાય. મિત્રોની મદદ મેળવવી પડશે. સ્વજનો દૂર ભાગશે. તંદુરસ્તી સાચવવી પડશે. વાદવિવાદથી દૂર રહેવાનો આ સમય છે. મનમાં ઉદ્વેગ વધશે. ક્રોધ ઉપર કાળજી રાખવી. યાત્રા-પ્રવાસ ટાળવો. કોર્ટ-કચેરી કે સરકારી કાર્યોમાં વિલંબ થતો જોવા મળે. મતભેદ મનભેદમાં ન પરિણમે તે જોવું રહ્યું.

મકર (ખ,જ)ઃ આ સમય શુભ લાભદાયી બનશે. સ્વજનો-મિત્રો પરત્વે સહાનુભૂતિ વધશે. નાણાંકીય ભીડ ઓછી થશે. આકસ્મિક લાભ થવાની સંભાવના છે. મન આનંદ-ઉલ્લાસ અનુભવશે. કરેલા કામમાં યશ-માન મળશે. નોકરીમાં રાહત વર્તાશે. વેપાર-ધંધામાં પ્રગતિ થશે. પતિ-પત્ની વચ્ચે સાનુકૂળતા વધશે. નવા આયોજન પાર પડશે. વિદ્યાર્થીઓ માટે શુભ સમય છે. યુવા વર્ગને પ્રીતિપાત્રો તરફથી સહાનુભૂતિ મળે. સામાજિક, ધાર્મિક તથા રાજકીય ક્ષેત્રે દોડધામના સંજોગોનું નિર્માણ થાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહની શરૂઆત સારી રહે. મિત્રો-સ્વજનોના સહયોગ મળી રહેશે. સંતાનોની મદદ મળશે. યાત્રા-પ્રવાસનું આયોજન થાય. વેપાર-ધંધામાં પ્રગતિ થાય. નોકરીમાં મન આનંદિત રહેશે. પ્રમોશન માટેની શકયતા વધે. કામકાજનો બોજ વધે. મિલકતના પ્રશ્નો યથાવત્ રહે. મન ઉપર ચિંતાનો ભાર રહે. વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવશે. યાત્રા-પ્રવાસમાં કાળજી રાખવી જણાય. નાણાંકીય ભીડ અનુભવવી પડશે. આત્મબળ ટકાવી રાખજો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન મન મક્કમ રાખીને નિર્ણયો લેવા પડશે. નવા સમાચારો લાભદાયી બને. કુંવારા માટે વાતચીત આગળ વધશે. મિત્રો-સ્વજનોનો સંપર્ક બળ આપશે. વિદ્યાર્થીઓ માટે પ્રતિકૂળ સમય છે. મનમાં અસંતોષ રહે. વેપારમાં ભાગીદારનો સાથસહકાર મળે. નોકરીમાં પ્રમોશનની ચર્ચા સાંભળવા મળે. ધાર્મિક તથા સામાજિક કાર્યોમાં સારી એવી પ્રગતિ થતી જોવા મળે. અનેક કાર્યોની જવાબદારી નિભાવવી પડશે. નવી ઓળખાણો કામ લાગશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter